સિક્કાની કૈં જરૂર નથી પડતી એમને, ખિસ્સામાં એમના તો ચહેરા છે કેટલાક
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- દોસ્તી માટે વિદ્વાન નહિ, પણ નાદાન થવું પડે છે. મૈત્રી એમની જ ટકે છે, જે માંગ્યા વિના આપી શકે અને જેણે મેળવ્યું એ એની આજીવન કદર કરી શકે છે!
दूध पानी जैसा यारा अपना दोस्ताना।
देकर जोर से धक्का काम है उठाना।।
उठना गिरना चलना दोस्ती के संग।
रुलाकर बिखेरेंगे अप्रैल फूल के रंग।।
रंगों से सराबोर होता अपना मेल मिलाप।
नई ज़िल्द में लिपटे पुरानी यादों की किताब।।
किताब का हर पन्ना मौज मस्ती की कहे कहानी।
लिखा किस चेहरे को देख तेरे मुंह में था पानी।।
पानी जिस गम से आये वह गम भी हमें बताना।
काम होगा हमारा तुरंत उसे हरिद्वार पहुँचाना।।
पहुँच कहीं ना पाओ तो बेझिझक माँगना साथ।
बैलगाड़ी, साइकिल जो भी हो लाएंगे हाथों हाथ।।
हाथ तुम्हारे काले कर गई यदि कोई दलाली।
गवाही हम देंगे यह तो इसकी GF की लाली।।
लाली कर दे ब्रेकअप तो ना होना तुम उदास।
शादी करवाके तुम्हारी बनाएंगे बीवी का दास।।
दास होना शर्म की नहीं सम्मान की बात समझना।
था ख्वाब हमारा कभी तुम्हें इंटेलीजेंट में बदलना।।
बदलना नहीं रंग अपना तुम बनके भीगी बिल्ली।
याद रखना ताली बजाके उड़ाएंगे हम खिल्ली।।
खिल्ली खिलखिलाहट संग काटेंगे तेरा बर्थ केक।
ख़ुशी देख तितलियाँ मक्खियां भी देगी तुझे डेट।।
डेट ऑफ़ मैरिज पे मोमबत्ती की जगह रखेंगे पटाखा।
वाइफ संग काटना तुम केक, हम जलाके करेंगे धमाका।।
धमाका है दोस्ती, दोस्ती है दिवाली।
रंगों से भरी शैतानी, दीये से भोलीभाली।।
- लोंकेश इंदौरा
બપોરે મેપલ સ્ટ્રીટ સ્ટેન્ડથી એક કિશોર, હાથમાં ગિટાર લઈને, સ્કૂલબસમાં ચડયો. એના ચહેરા પર મૂંઝવણ હતી. તે જગ્યા શોધીને બેઠો, વ્યાકુળ થઈને આજુબાજુ જોયુ પછી નીચું માથું કરીને બસની ફર્શ પર બંને પગ ઘસવા લાગ્યો. મેલની એને જોઈ રહી. તેને જોઈને જ મેલનીને થયું કે આ સાવ નકામો લાગતો હતો. એની સખી કેથીએ ચોપડીમાંથી ઊંચું જોઈને કહ્યું
'લે! આને નથી ઓળખતી? આ ચસકેલ કાર્લ છે!'
'કોણ ચસકેલ કાર્લ?' મેલનીએ પુછયું. કેથીએ કહ્યું 'તારી બાજુમાં રહેતા પાડોશીને નથી ઓળખતી?' મેલની બોલી 'બાજુમાં રહેતા પાડોશી? બાજુમાં તો બેલ કુટુંબ રહેવા આવ્યું છે.' કેથીએ કહ્યું 'બસ તો! આનું નામ કાર્લ બેલ છે.'
કાર્લ સીકામોર સ્ટેન્ડ પર પોતાની ગિટાર ઉપાડીને ઉતરી ગયો. મેલનીએ અહીં જ ઉતરવાનું હતું પરંતુ તે આગલા સ્ટોપે ઉતારી. ઘેર પહોંચીને લાગલું પુછયું 'મમ્મી, પેલો વિચિત્ર છોકરો આપણી બાજુમાં રહે છે?' એની માતાએ રસોડામાંથી આવીને કહ્યું 'બેટા, કોઈને વિચિત્ર ન કહેવાય. હા, બેલ દંપતીને એક દિવ્યાંગ દીકરો છે. શ્રીમતી બેલે મને કાર્લ વિષે વાત કરી. એ ક્યારેય બોલી નથી શક્યો. તેને જન્મજાત હૃદયની બીમારી છે અને માનસિક નબળાઈ છે. તે લોકોએ એક શિક્ષક શોધ્યો છે જે કાર્લને ગિટાર શીખવે છે. 'હાય નસીબ! તે લોકોએ શું આપણા ઘર પાસે જ આવવાનું હતું?' મેલનીએ બળાપો કાઢયો અને કહ્યું 'એ રોજ બસમાં આવે છે. છોકરાઓ તેની ઉપર હસે છે.'... 'પણ તું એની પર ન હસીશ.' માતાએ શીખ આપી.
કાર્લ અઠવાડીયા પછી બસમાં આવ્યો. થોડા જ વખતમાં કાગળના ડુચા કાર્લ તરફ ઉડવા લાગ્યા. કાર્લને જ્યારે કાગળનો ડૂચો વાગતો ત્યારે તે ધુ્રજી જતો. એની ગિટાર નીચે પડી ગઈ. સિકામોર આવ્યું ત્યારે કાર્લ પોતાની ગિટારને ખભે લટકાવીને દરવાજા તરફ ચાલ્યો. ગિટારનું કેસ ચક વિલ્સને વાગ્યું. વિલ્સને કાર્લને એક મુક્કો માર્યો. ગિટાર ગટરમાં પડી ગઈ. કાર્લ રડતો રડતો એના ઘેર દોડયો. મેલની આગલા સ્ટોપ પર ઉતરીને ચાલી. રસ્તામાં ગિટાર જોઈ. પહેલા ધ્યાન ન આપ્યું, પણ પછી પાછી ફરીને પુસ્તકો સાથે ગિટારનું કેસ લઈને કાર્લને ઘેર ગઈ. શ્રીમતી બેલે જ્યારે પુછયું કે શું થયું ત્યારે મેલનીએ જણાવ્યુ 'કાંઇ નહીં, કાર્લ એની ગિટાર ભૂલી ગયેલો. મને થયું હું લેતી આવું' એ કોઈને ચિંતા થાય તેવું કહેવા નહોતી માગતી.
પછી મેલની કાર્લ પાસે બેસતી. એ બહુ બોલતો નહી. મેલની એને ક્યારેક રિસેસમાં કંપની આપતી. ક્યારેક એ ગિટાર વગાડતો, એ સાંભળવાનો દેખાવ હસીને કરતી. એક વાર ગુલાબના બગીચામાં કાર્લ બેઠો હતો ત્યારે તોફાની છોકરાંઓ એના પર સોફ્ટ ડ્રિંકના ખાલી ટીન ફેંકતા હતા. મેલનીએ એમને ભગાડી મુક્યા. એક વાર કોઈક બ્લેકબોર્ડ પર લખી ગયું 'ગાંડિયા કાર્લની પાગલ સખી મેલની.' મેલનીની આખો દિવસ મજાક થઇ. એને રડવું આવ્યું. એ સાંજે એ કાર્લની મમ્મી પાસે ગઈ. અમસ્તી વાતો કરતા બોલી : 'તમારા મિત્રો જ તમને સમજ્યા વિના ઉતારી પાડે, ત્યારે તમને બહુ રડવું આવે નહિ?' પછી જરાક વાર ખામોશ રહી બબડી 'કાર્લ કેટલી બધી વાર રડયો હશે!'
નિશાળના છેલ્લા દિવસે પાર્ટીમાં જવા મેલની વહેલી ઘેર આવી. કાર્લ પોતાના બગીચામાં હતો. તેણે તૈયાર થયેલી મેલનીને આવતા જોઈ એટલે એક ગુલાબ તોડી તેણે મેલનીને ધર્યું. મેલનીએ હાથ લંબાવ્યો તો કાર્લે તેને અટકાવી અને ગુલાબના કાંટા તોડવા લાગ્યો. મેલનીને પાર્ટીમાં પહોંચવાની ઉતાવળ હતી પણ તે ઊભી રહી. કાર્લે કાંટા વિનાનું ગુલાબ મેલનીને આપ્યું. મેલનીએ કહ્યું 'થેન્ક યુ, કાર્લ. હવે મને કાંટા નહીં વાગે.' કાર્લનું બાળક જેવુ નિર્દોષ સ્મિત જોઈને મેલનીએ તેનો ગાલ પંપાળ્યો. ઘેર પહોંચી મેલનીએ નજર કરી તો કાર્લ પોતાના ગાલ ઉપર હાથ રાખીને હજુ ત્યાં જ ઊભો હતો.
એક અઠવાડીયા બાદ કાર્લનું હૃદય બંધ પડવાને કારણે અવસાન થયું. અંતિમવિધિ પછી બેલ દંપતી થોડા સમય માટે બહારગામ ગયા. એક દિવસ શ્રીમતી બેલનો પત્ર આવ્યો. એમાં મેલની માટે ખાસ સંદેશો હતો. : 'પ્રિય મેલની, મને લાગે છે કે કાર્લને એની ડાયરીનું છેલ્લું પાનું તને આપવાનું ગમ્યું હોત. અમે તેને રોજનું ઓછામાં ઓછું એક વાક્ય ડાયરીમાં લખવા કહેતા. જો કે મોટાભાગે લખવા જેવું કાંઇ બનતું નહીં. અમે બંને તારો આભાર માનીએ છીએ કે તું કાર્લની મિત્ર હતી. તું એની એકમાત્ર યુવા મિત્ર હતી.'
એમણે મોકલેલા પાનામાં કાર્લનું લખેલું અંતિમ વાક્ય હતું -
'મેલની કાંટા વગરનું ગુલાબ છે!'
- ઈવા હાર્ડિંગની આ સંક્ષેપ કરી મુકેલી ટૂંકી વાર્તા એટલે મૈત્રીની વ્યાખ્યાન વગરની વ્યાખ્યા. મૈત્રી એટલે વાદળ વિનાનો વરસાદ, મૈત્રી એટલે સુદામાને સંભળાતો મોહનની મુરલીનો સાદ, મૈત્રી એટલે મધરાતે સૂરજની યાદ, મૈત્રી એટલે પૂજા વિના મળતો મીઠો પ્રસાદ. મૈત્રી એટલે દૂર બેઠા છાતીમાં પડઘાતો અલગારી નાદ. મૈત્રી એટલે વિવાદ વગર શબ્દોના મૌનમાં પડઘાતો સંવાદ. મૈત્રી એટલે કડવાશ વિનાના કજીયામાં થતી આનંદના અવસરની ગેરહાજરીની ફરિયાદ. મૈત્રી એટલે એવું બંધન જે આપણને રાખે સદા આઝાદ.
ધ ગુડ લાઇફ: લેસન્સ ફ્રોમ વલ્ડ્ર્સ લોંગેસ્ટ સાયન્ટિફિક સ્ટડી ઓફ હેપીનેસ'. રોબર્ટ વાલ્ડીંગર અને માર્ક શુલ્ટ્ઝનું લખેલું આ પુસ્તક અભિપ્રાયો પર નહિ, પણ અનોખા અભ્યાસ પર આધારિત છે. ૧૯૩૮માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા ૧૯ વર્ષના જુવાનિયાઓથી એક અનોખો પહોળા પને પથરાયેલો સ્ટડી શરૂ થયો જેમાં સારા ઘરના છોકરાઓ ઉપરાંત બોસ્ટનના ગરીબ પરિવારોના છોકરા પણ સામેલ હતા. ૮૫ વર્ષ સુધી આ અભ્યાસ ૭૨૪ વ્યક્તિઓના જીવન પર ચાલ્યો. એમાંના કોણે શું કર્યું, જીવનમાં શું થયું. કોઈ બાબતની અસર થઈ. અમેરિકન પ્રમુખ કેનેડી જેવા ટોચના સેલિબ્રિટી કોઈ બન્યા તો કોઈ ગુમનામ થયા. મોટા ભાગના આજે વિદાય લઈ ગયા છે. સેંકડો ઇન્ટરવ્યૂઝ થયા. ચાર ડાયરેકટર બદલાયા. અંતે જીવનનું પરમ સત્ય આ સર્વેક્ષણમાંથી એ જડયું કે લાંબા સ્વસ્થ અને સુખી જીવન માટે પૈસા કે પ્રસિદ્ધિ કરતા વધુ ભાગ ભજવે છે હૂંફાળા સંબંધો. જેની પાસે સારા સ્વભાવના અનુકૂળ જીવનસાથી છે ને મજાના મિત્રો છે, એ મોટી ઉંમરના પણ થાય છે, અને વધુ સુખી પણ રહે છે!
જેમ ઈમ્તિયાઝ અલી ફિલ્મોમાં રોમાન્સ સ્પેશ્યલિસ્ટ છે, એમ ગુજરાતી ફિલ્મમેકર વિશાલ વાડાવાલા ફ્રેન્ડશિપ સ્પેશ્યાલિસ્ટ છે. એમની સમુન્દર ફિલ્મમાં એમણે મસ્ત ગીત બનાવેલું કેદાર ભાર્ગવ પાસે 'દોસ્તી ઉખાણા જેવી હોય નહિ!' યસ, જીવનની ગૂંચ ઉકેલી નાખે એ યારી છે, એમાં વધારો કરે એ નહિ. જેમ મોતનો એક મલાજો હોય એમ દોસ્તીમાં એ છૂટી થયા પછી પણ દાવપેચ ના હોય. હૈયું ઠાલવીને વાતો કરી હોય એના ધબકારા વધારવાના ના હોય. સાથે શેર કરેલા સિક્રેટ્સની ધજા ફરકાવવાની હોય, ધજાગરા નહિ. જે દોસ્તીનો નાજાયઝ ફાયદો ઉઠાવે એવા દોસ્તો ફીલર હતા લાઈફમાં, ફ્રેન્ડ નહિ અને સારું થયું ફિલ્ટર થઇ ગયા એમ માનીને પ્રભુનો પાડ માનવો. આંખમાં આંસુ હોય કે રોષ દોસ્ત માટે આવવા જોઈએ, દોસ્તને કારણે નહિ !
'રામભરોસે' ફિલ્મમાં પણ નાયક નાયિકાના પ્રેમ કરતા વધુ ભાઈબંધી પર ફોકસ કરતા વિશાલભાઈની સમુન્દર ફિલ્મના ભાર્ગવ પુરોહિતે એક ગીતની પંક્તિઓ કંઈક આમ બિરાદરીને ઉજવે છે : તું મારો દરિયો ને કાંઠોય તું; તું આખો દરિયો ને છાંટો ય તું. તારી નજર છે દરદનું મલમ, દિલમાં ફસાયો એ કાંટો ય તું. હર એક જનમથી, માંગી કસમથી, ત્યારે મળી આવડી દોસ્તી.. જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે, ત્યારેય સાથે જવું હોંશથી....ઝીલવા છે જાદુ ભરેલા, સપનાઓ ચારેય આંખે; દુનિયાને કહેવા દે ઘેલા, એનો ભરમ એ જ રાખે એના સવાલોને કાને ના ધરતો, ક્યારેક દેશું જવાબો... એકબીજાને જ દેવાના થાશે, આ જિદગીના હિસાબો....
આવી દોસ્તી આજે પણ હોય છે, બસ નિભાવતા આવડવી જોઈએ. કારણ કે એકતરફી પ્રેમ થઇ શકે છે. એકતરફી દોસ્તી શક્ય નથી. આ વન વે સ્ટ્રીટ નથી. ગિવ એન્ડ ટેઈક છે. માત્ર એક જ સતત આપ્યા કરે એવો સંબંધ લાંબો ટકે નહિ, ને ટકે તો પણ ઊંડો ના બને. એના મૂળિયાં મજબૂત ના થાય એટલે છીછરો રહે. મુકેશ અંબાણીને ત્યાં રિહાના કે બીબર આવે એ પ્રોફેશનલ રિલેશન છે. પણ અમિતાભ કે શાહરૂખ આવે એ પર્સનલ ફ્રેન્ડશિપ બોન્ડિંગ છે. એ લોકો પણ સામે કુબેરપતિને કરોડોની ગિફ્ટસ આપે છે. મામલો ભેટનો નથી, ભેટવાનો હોય છે દિલથી ! એક કદાચ કાવડિયાં આપે તો બીજો કે બીજી કંપની આપે. એક સધિયારો આપે, તો બીજો સમય આપે. એક ટ્રબલશૂટર બની પ્રોબ્લેમ સોલ્વ કરે તો બીજો એને માનસિક મોકળાશ માટે સારો શ્રોતા બનીને પડખે ઉભો રહે. સહેલીઓ હોય કે સખાઓ, ફંડા આ જ છે.
કોઈ પણ મૈત્રીને ટકાવવા માટે બે બાબત અનિવાર્ય છે, એક તો લિમિટ બનાવીને રાખવી. અમુક એવી લક્ષ્મણરેખા કહીને કે કહ્યા વગર સેટ કરવી જે ઓળંગી ના શકાય.
જેને લીધે મ્યુચ્યુઅલ રિસ્પેકટ બની રહે. જેમ કે ઉધારી કે વ્યસનોમાં ભાગીદારી વગેરે. સામાના ચહેરા જોઇને કળતા શીખવું કે એને શું પસંદ છે ને શું નથી. મિત્રની ગાડીમાં બેસીને લહેર કરવી ને એ ગાડી કોઈકના પ્રસંગ માટે માંગી એમાં દારુ પીને ઉલટીઓ કરવી બેઉમાં તફાવત છે, ને ધીરે ધીરે એ નેગેટીવ ઈફેક્ટ ઊભી કરે છે. સતત માંગ્યા કરતી એકતરફી મદદ કે બોલાતા કાયમી મહેણાંટોણા પણ. બે ચાર વખત સાચું કહી દીધું બરાબર છે, પછી સુધારો ના થાય તો ના જ ગમે ત્યારે અંતર વધારી દો. પણ સતત એકનું એક સંભળાવ્યા ના કરો. ખાસ કરીને દોસ્તીની ઉંમર વધે ત્યારે મજાક સામાને કઈ બાબતમાં કેટલી ફાવે છે, એનું ધ્યાન રાખવું પડે કારણ કે એનું સામાજિક અને માનસિક સ્તર પણ બદલાય છે. પીપલ ગ્રો ઓવર એ ટાઈમ, એન્ડ ગ્રોથ ચેન્જ ધેમ. માણસ નમ્ર ના હોય કે સતત દેખાડો કરતો હોય તો ઠીક છે, પણ ઉમળકો પહેલા જેવો રાખે તો એ સમજવું જોઈએ કે પહેલા જેટલો સમય એની પાસે ના પણ બચતો હોય કે પહેલા જેવા જ શોખ એના ના પણ રહે. રસના વિષયો બદલાય ને એ મુજબ કંપની પણ.
બીજી વાત છે, દિલસે સોરી બોલના. જે ફ્રેન્ડશિપમાં મિત્રને જ મારી ભૂલ થઇ ગઈ કહીને માફી માંગવામાં શરમ આવતી હોય અને અકળામણ થતી હોય, એ રિલેશન ક્યારેક તો મોટો ઘા સંજોગોનો આવે ત્યારે તૂટે જ. દલીલો કરો, ઝગડા કરો બધું બરાબર. શેરિંગમાં બધું ગુડી ગુડી ના હોય. પણ જ્યાં આપણાથી ગરબડ થઇ એમ લાગે, ત્યાં એ કબૂલ કરો. નિખાલસતા ના હોય ત્યાં યારી ટકતી નથી. ફોર્મલ બની જાય છે. માત્ર પોતાનું ના જોયા કરો સામેવાળા બોલે નહિ તો પણ હર્ટ થઈ શકે એ સમજો ને પહેલ કરો ક્ષમા માંગવાની. ઘણી વાર મિત્રો ખાનગીમાં કે જાહેરમાં એકમેકના હરીફ થઇ જતા હોય છે. આ રેડ ફ્લેગ છે. વોર્નિંગ સાઈન. ફિલ્ડ એક હોય ને ભાવ છુપી હરીફાઈનો રહે ત્યાં ફ્રેન્ડશિપનો ધ એન્ડ થવાનો જ હોય. એકબીજાના ક્રિટિક પર્સનલી થઇ શકો. પણ સોશ્યલ નેટવર્ક કે પબ્લિકમાં ઘડી ઘડી એવા ઉલાળા આવે તો સંબંધના દૂધમાં વાયડાઈ કે જીદનું લીંબુ નિચોવાઈ ગયું એમ જાણજો. બધા બધી વાતે સહમત ના જ હોય. જે કોમન મિનિમમ ગ્રાઉન્ડ છે, બે વચ્ચેનું એ યાદ રાખીને સંબંધ સાચવવાનો હોય, ને અન્ય બાબતોમાં મૌન રહેવાનું હોય. સતત પોલિટીકલ કે ફિલોસોફિકલ કારણોથી સળી કર્યા કરનારા દલીલો જીતીને પણ દિલ હારી જતા હોય છે.
એવું નથી કે બેસ્ટ ફ્રેન્ડશિપ આજે શક્ય નથી. બસ જોડે રમવાનું, જમવાનું અને ભમવાનું ભૂલવાનું નહિ. કાઢવાનો સમય એ માટે. જે મસ્તી ભૂલે છે, એની દોસ્તી ટકતી નથી. થોડા બેવકૂફ ને થોડા બદમાશ જેની હાજરીમાં થવામાં સંકોચ ના હોય એ મૈત્રીનો સ્કોચ છે. હાડોહાડ કોમર્શિયલ એવા બોલીવુડના ગ્લેમરવર્લ્ડમાં કોમેડી રોલ અને લેખનને લીધે જાણીતા આપણા ગુજરાતી નીરજ વોરા દિલદાર માણસ હતા. બીજાને મદદ કરે એવા. એ ૨૦૧૬માં અચાનક બ્રેઈન સ્ટ્રોકને લીધે કોમામાં જતા રહ્યા ત્યારે એમના પરિવારની ક્ષમતા કદાચ નહિ હોય કે અનુકુળતા નહિ હોય, પણ એમના પ્રોડયુસર દોસ્ત ફિરોઝ નડિયાદવાલાએ પોતાના ઘરમાં આઈસીયુ બનાવી એમને રાખ્યા. રૂમમાં એમના મમ્મી પપ્પાની તસ્વીરો સજાવી ને સતત એમને હનુમાન ચાલીસના પાઠ પણ સંભળાવ્યા. સાદીસીધી સમજણની વાત માટે પણ સુપ્રીમ કોર્ટે વચ્ચે પડવું પડે એવા રાજકીય સરહદના માહોલમાં આવી અનહદ દોસ્તી પૈસાને પરમેશ્વર માનતા ક્ષેત્રમાં એક હિંદુ અને એક મુસ્લિમ વચ્ચે સંભવ હતી. અને હોય છે.
બસ, આમ માંગ્યા વિના સામેથી જ સમજીને આપે એ દોસ્ત. મૂડી છે એવા મિત્રો. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નહિ, કેપિટલ ઈન્ટરેસ્ટ. બાકી માણવાને બદલે માંગવું પડે તો એ માટે જ મરીઝ કહે છે ને...
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
હેપી ફ્રેન્ડશિપ ડે. ( શીર્ષક : ભાવેશ ભટ્ટ )
ફાસ્ટ ફોરવર્ડ
કેટલાક દોસ્તો બરફના ગોળા જેવા હોય છે....
રંગ-સ્વાદ-દેખાવ ખૂબ આકર્ષક, પણ ક્ષણિક.
કેટલાક દોસ્તો હોય છે અલ્લડ છોકરી જેવા...
મુગ્ધ વશીકરણમાં સપડાઓ અને જાદુગર ગાયબ.
કેટલાક દોસ્તો માર્ગદર્શક મંડળના મુરલી મનોહર જેવા...
મોટી નામના ધરાવતા વડીલ, બિનજરૂરી.
કેટલાક દોસ્તો સામ્યવાદી મહાસત્તાના મિલિટરી પાવર જેવા...
અગાધ શક્તિની જાણ જ ન થાય.
કેટલાક દોસ્તો ચૂંટણી ઢંઢેરા જેવા...
આપવાનું ઓછું, જાહેરાત અનેકગણી.
કેટલાક દોસ્તો ભટુરિયાના ભમરડા જેવા...
આજુબાજુ ભમ્યા જ કરતા હોય.
કેટલાક દોસ્તો જૂની શરાબ જેવા...
બહુ જ ધીમેથી ચુસકી મમળાવો તો જ મૂલ્ય પરખાય.
અમે એકઠી કરી છે ખૂબ બધી દોસ્તી
જરૂર પૂરતી ચલણી નોટો સાથે...
ડિમોનિટાઇઝેશન પછી પણ
જૂનીની કિંમત વધ્યા જ કરે છે.
- શોભિત દેસાઇ