BSEનાં 150 વર્ષ: વડવૃક્ષથી કલ્પવૃક્ષની સફર
- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- ભારતના આર્થિક પાટનગર મુંબઈના આર્થિક બેરોમીટર સમું BSE/ બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ ઇતિહાસનાં કેવાં નાટકીય પ્રસંગોનું સાક્ષી બન્યું?
- ફોર્ટ વિસ્તારના હોર્નિમાન સર્કલ પાસે એક વડવૃક્ષ નીચે દરરોજ સવારે બધા દલાલો ભેગા મળે, ત્યાં ભાડૂતી ખાટલા ઢાળે, તેના પર બેસીને માંડ છ-સાત કંપનીઓના શેરસોદા ચલાવે અને બપોર પછી છૂટા પડે. આ હતો મુંબઈના શેરબજારનો આરંભ!
પ્રસ્તુત લેખના વિષયકેંદ્રમાં ભલે મુંબઈનું સ્ટોક એક્સ્ચેન્જ છે, પણ ચર્ચાના ફોકસમાં શેરબજાર નથી. શેરના સોદા, વાયદા, સટ્ટા વગેરે પૈકી એકેયની ચર્ચા નથી. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ/ BSEને જેણે જન્મ આપ્યો તે મુંબઈના શેર દલાલોની ઇર્દગિર્દ બનેલા રસપ્રદ પ્રસંગોની અજાણી, મજેદાર કથામાત્ર અહીં રજૂ કરી છે. બ્રિટનનો કાપડ ઉદ્યોગ, અમેરિકાનો લોહિયાળ આંતરવિગ્રહ, ‘વ્હાઇટ ગોલ્ડ’ની ઉપમા પામેલું ભારતીય કપાસ, રેલવે લાઇન, મુંબઈની ટેક્સ્ટાઇલ મિલોની ચડતીપડતી જેવી ઘટનાઓનું કનેક્શન મુંબઈ શેર બજારના વડવૃક્ષની શાખા-વિશાખા સાથે શી રીતે સ્થપાયું તેનું વર્ણન કર્યું છે. કથાનો પ્લોટ તો જાણે રસપ્રદ છે જ, તદુપરાંત તેમાં નાટકીય વળાંકો આવતા હોવાથી અંતમાં ‘કહાઁ સે નિકલે ઔર કહાઁ પહુંચે...’ જેવી લાગણી થાય તે સંભવ છે.
કથાનું ઊઘડતું પ્રકરણ ૧૯મી સદીમાં મુંબઈના ફોર્ટ વિસ્તારમાં હોર્નિમાન સર્કલ પાસે એક વડવૃક્ષ નીચે લખાવું શરૂ થયું. પરંતુ પ્રસ્તાવના રૂપી પૂર્વભૂમિકાનાં મંડાણ બસ્સો વર્ષ અગાઉ યુરોપી દેશ ધ નેધરલેન્ડસમાં થયાં. વર્ષ ઈ.સ. ૧૬૦૨નું હતું. ભારત તેમજ અગ્નિ એશિયાના જાવા, સુમાત્રા, જાકાર્તા, કાલિમંથન (બોર્નિઓ), મલયેશિયા, જાપાન, ચીન વગેરે દેશો-પ્રદેશો જોડે વેપાર અર્થે ડેન્માર્કમાં તે વર્ષે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું. મરીમસાલા, તેજાના, રેશમ, ચંદન તેમજ ઇમારતી લાકડું, કપૂર, ચિનાઈ માટીની કલાકૃતિઓ વગેરેના મલાઈદાર વેપારમાં કંપનીએ ઝંપલાવ્યું હતું. ત્રણસોથી ચારસો ટકાના ચોખ્ખા નફાવાળો ધંધો હતો, જેમાં નેધરલેન્ડના લોકો પણ ભાગીદાર બની શકે એ માટે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિશ્વના ઇતિહાસમાં પહેલવહેલી વખત શેર બહાર પાડ્યા. રોકાણકારો કંપનીના શેર ખરીદે અને બદલામાં નફાના ભાગીદાર બને એ પ્રકારનું આયોજન હતું. કંપનીના શેરની માગ વધતા તેના દામ વધે, માટે શેરનો અધિકૃત રીતે હાથબદલો કરાવવા માટે નેધરલેન્ડના આમસ્ટરડેમ નગરમાં જગતનું સૌ પ્રથમ સ્ટોક એક્સ્ચેન્જ સ્થાપવામાં આવ્યું.
જાહેર ક્ષેત્રની કંપની રચી શેર બહાર પાડવાનું ડચ મોડલ કારગત નીવડ્યું. આથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ડેન્માર્ક, પોર્ટુગલ જેવા યુરોપી દેશોએ પણ તેને અપનાવ્યું અને વખત જતાં તેમની કંપનીઓ મારફત તે બ્રિટિશહિંદના મુંબઈ નગરમાં આવ્યું. તત્કાલીન બેંકોએ તથા ઔદ્યોગિક એકમોએ શેર બહાર પાડ્યા ત્યારે શેરના ખરીદ-વેચાણથી નફો રળવા માટે ઈ.સ. ૧૮૩૦માં મુંબઈના ૪ ગુજરાતી અને ૧ પારસી એમ કુલ પાંચ સાહસિકોએ સ્ટોક ટ્રેડિંગના વ્યવસાયમાં ઝંપલાવ્યું. ન તેમનું કોઈ સંગઠન હતું કે ન કોઈ કાર્યાલય હતું. પરંતુ કેટલાંક વર્ષ પછી સંખ્યા ૨૨ થઈ ત્યારે સૌ શેર દલાલોએ વ્યક્તિદીઠ અકેક રૂપિયાનું રોકાણ કરીને પોતાનું સંગઠન રચ્યું.
શેરના ખરીદ-વેચાણ પર વહીવટ-કમ-દેખરેખ માટેની વ્યવસ્થા તો થઈ, પણ હજી તેનું પોતીકું કાર્યાલય નહોતું. ફોર્ટ વિસ્તારના હોર્નિમાન સર્કલ પાસે એક વડવૃક્ષ નીચે દરરોજ સવારે બધા દલાલો ભેગા મળે, ત્યાં ભાડૂતી ખાટલા ઢાળે, તેના પર બેસીને માંડ છ-સાત કંપનીઓના શેરસોદા ચલાવે અને બપોર પછી છૂટા પડે. આ જાતનો ખાસ કશી નવાજૂની વિનાનો ક્રમ કેટલાંક વર્ષ ચાલ્યો. શેર ટ્રેડિંગમાં અણધાર્યો ને ઓચિંતો નાટકીય વળાંક ૧૮૬૧ની સાલમાં આવ્યો કે જ્યારે અમેરિકામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો.
■■■
સત્તરમી સદીના મધ્યાહ્નથી યુરોપમાં slavery/ સ્લેવરી/ દાસપ્રથાનો કાળો યુગ શરૂ થયો હતો. આફ્રિકી દેશોના હબસી વંશી અશ્વેતોને બળજબરીથી કેદ પકડી વહાણો મારફત યુરોપ લાવવામાં આવતા. જાહેર બજારોમાં તેમની લીલામી થતી, જેમાં વેચાતા અશ્વેતોએ આખી જિંદગી માલિકના દાસ બની વેઠિયું કરવું પડતું. અઢારમી સદીમાં દાસપ્રથાએ અમેરિકામાં પેસારો કર્યો તેના થોડા જ વર્ષમાં ત્યાં ગુલામોની સંખ્યા ૬.૯૭ લાખ થઈ અને વખત જતાં ૩૯.પ૩ લાખે પહોંચી.
નોંધવાલાયક વાત એ હતી કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપના ઘણા બધા દેશોએ દાસપ્રથાને ગેરકાયદે ઠરાવી તેને કાયમી તિલાંજલી આપી, જ્યારે અમેરિકા એવો નિર્ણય લેવાના મૂડમાં નહોતું. ઊલટું, ત્યાં ગુલામોની તાદાદ વધ્યે જતી હતી. માનવ અધિકારોને જ નહિ, માનવતાને પણ પૂળો મૂકતી દાસપ્રથા સામે અબ્રાહમ લિંકન નામના રાજકીય આગેવાન મેદાને પડ્યા. અશ્વેતોને ગુલામીની બેડીમાંથી મુક્ત કરી સમાન દરજ્જાના નાગરિક હક્કો અપાવવાના ઉમદા વિચારે તેમને ૧૮૬૦ની ચૂંટણીમાં ઉત્તરી રાજ્યોમાં જબ્બર બહુમતી સાથે અમેરિકાનું પ્રમુખ પદ અપાવ્યું. દક્ષિણના ટેક્સાસ, અલાબામા, જ્યોર્જિયા, લુઇસિયાના, ટેનેસી વગેરે જેવાં રાજ્યો હજી દાસપ્રથા છોડવા માટે રાજી નહોતા. આથી દેશના પ્રમુખ બનતાં જ લિંકને ગુલામીને ગેરકાનૂની ઠરાવતો હુકમ બહાર પાડી દીધો.
પત્યું! દક્ષિણના રાજ્યોમાં લિંકન સામે ભારેલો અગ્નિ હવે કેમેય કરીને ભભૂક્યા વિના રહે તેમ નહોતો. એપ્રિલ ૨૧, ૧૮૬૧ના રોજ અમેરિકાના દક્ષિણી રાજ્યોએ સ્વતંત્ર રાષ્ટ્ર માટે બંડ પોકાર્યું ત્યારે તેને દાબી દેવા માટે વોશિંગ્ટન સરકારે લશ્કરી બળ વાપર્યું. નતીજારૂપે દેશમાં આંતરવિગ્રહની હોળી પ્રગટી. અમેરિકન ઇતિહાસે અણધાર્યો વળાંક લીધો તેની અસર તત્કાલીન મુંબઈના બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જને કેવી રીતે થઈ તે હવે જુઓ.
■■■
અમેરિકા ગૃહયુદ્ધમાં હોમાયું એ પહેલાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરની કાપડ મિલોને કપાસનો ઘણોખરો પુરવઠો અમેરિકાથી અસ્ખલિત મળી રહેતો. યુદ્ધની કટોકટીમાં ન ખેતરો સલામત રહ્યાં કે ન ખેતી કરવાનો અવકાશ રહ્યો. માન્ચેસ્ટરની કાપડ મિલોનાં ચક્રો ધીમા પડ્યાં અગર તો થંભી ગયાં. આથી ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ડોળો મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંત પર મંડાયો કે જ્યાં કપાસની વ્યાપક ખેતી કરવામાં આવતી. મોટા ભાગની ઊપજ ઘરેલુ વપરાશમાં ખપી જતી. કેટલોક માલ બળદગાડા મારફત મુંબઈની કોટન મિલોને પણ પહોંચતો કરાતો. જો કે, એવા વહનમાં દિવસો નીકળી જતા.
આનો તોડ કાઢવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈને વિદર્ભ પ્રાંત જોડે સાંકળી લેવા માટે રેલવેનું નેટવર્ક વિસ્તારવાનો નિર્ણય લીધો. વિદર્ભના ‘કોટન બેલ્ટ’ પરના બુલદાણા, આકોલા, યવતમલ, ચંદ્રપુર, નાગપુર, વર્ધા, અમરાવતી વગેરે ગામો-નગરોને રેલવે ટ્રેકના ધાગે સાંકળી લેવાનો કોન્ટ્રાક્ટ બ્રિટનની કિલિક નિક્સન એન્ડ કંપનીને સોંપી દેવાયો.
ઇતિહાસનો ખેલ જુઓ કે આંતરવિગ્રહનો દાવાનળ સળગ્યો અમેરિકામાં, પણ તેના લીધે ઔદ્યોગિક ક્રાંતિની જ્વાળા ભારતમાં ચેતી ચૂકી હતી. વિદર્ભ-મુંબઈ વચ્ચે માલગાડીઓ દોડતી થઈ, એટલે ઇંગ્લેન્ડ સાથે કપાસના નિકાસ વેપારમાં જબરજસ્ત બરકત આવી. જેમ કે, ૧૮૪૦-પ૦ના અરસામાં મુંબઈથી વર્ષે માંડ રૂપિયા ૩,પ૦,૦૦૦ મૂલ્યનું કપાસ નિકાસ થતું હતું. અમેરિકામાં ગૃહયુદ્ધ અને મુંબઈ-વિદર્ભ વચ્ચે રેલવે શરૂ થયા પછી નિકાસનો આંકડો વર્ષે રૂપિયા બે કરોડે પહોંચી ગયો. કપાસના ટ્રેડિંગ બિઝનેસમાં ઘણા ઉદ્યોગપતિઓએ ઝંપલાવ્યું, અમુક સાહસિકોએ કોટન મિલો નાખી, તો કેટલાકે ઉદ્યોગોને નાણાં ધીરવા માટે બેંક સ્થાપી. ખાનગી ક્ષેત્રની આવી દરેક કંપનીએ રોકાણકારોને આકર્ષવા ખાતર શેર બહાર પાડ્યા.
હવે મુંબઈના ઠચૂક ઠચૂક ચાલતા શેર બજારે ઓચિંતી રફતાર પકડી. માંડ વીસ-પચ્ચીસ દલાલો પૂરતા સીમિત શેર માર્કેટમાં બીજા સવાસો દલાલો જોડાયા. આમાં મૂળ સુરતના, પણ મુંબઈ આવીને વસી ગયેલા માલેતુજાર પ્રેમચંદ રાયચંદ ખાસ હતા. મુંબઈમાં ઊંચી શાખ-પ્રતિષ્ઠા ધરાવતા એ સાહસિક બેંક ઓફ બોમ્બેના સ્થાપક અને વળી ઘણી દેશી-વિદેશી કંપનીના શેરમાં તેમણે રોકાણ કરેલું, એટલે અન્ય દલાલો શેરોની લે-વેચમાં પ્રેમચંદ રાયચંદને અનુસરવા લાગ્યા.
ઈ.સ. ૧૮૬૧થી મુંબઈમાં શરૂ થયેલી કપાસની તેજીએ કોટનને ‘વ્હાઇટ ગોલ્ડ’ અર્થાત્ સફેદ સોનાનો દરજ્જો અપાવ્યો. કપાસ વેપારના પગલે તેજી તો શેર માર્કેટમાં પણ હતી—અને તેય વળી આજે માનો યા ન માનો લાગે તેવી! જેમ કે, બેક બે રિક્લેમેશન નામની એક કંપનીના શેરનો ભાવ પાંચ હજારથી ઊછળીને પચાસ હજારે પહોંચી ગયો. પ્રેમચંદ રાયચંદની બેંક ઓફ બોમ્બેનો પ૦૦ના મૂલ્યનો શેર ૨,૮પ૦ના લેવલે આવી ગયો. સાડા ચાર-પાંચ વર્ષના ટૂંકા ગાળામાં મુંબઈના શેર દલાલો એટલું કમાયા કે વાત ન પૂછો!
પરંતુ તેજીનો અશ્વમેઘ ઘોડો ૧૮૬પ પછી અટક્યો. અમેરિકામાં તે વર્ષે ગૃહયુદ્ધ સમાપ્ત થયું. ખેતરોમાં કપાસની ફસલ લેવાતી થઈ અને ઇંગ્લેન્ડને ભારતની તુલનાએ સસ્તા ભાવનું કપાસ મળતું થયું. ‘વ્હાઇટ ગોલ્ડ’ની બોલબાલા ભોગવ્યા પછી ભારતીય કપાસ બારના ભાવમાં ગયું એટલું જ નહિ, પોતાની સાથે મુંબઈના સ્ટોક માર્કેટને બારના ભાવમાં લેતું ગયું. જેમ કે, બેક બે રિક્લેમેશનનો શેર પચાસ હજારથી નોઝ ડાઈવ લેતો ૨,૦૦૦ના લેવલે આવી ગયો. પ્રેમચંદ રાયચંદની બેંક ઓફ બોમ્બેનો ૨,૮પ૦નો શેર તો ૮૭ના કંગાળ ફિગરે પહોંચ્યો. બેંકના કર્તાહર્તા પ્રેમચંદ રાયચંદ સહિત મુંબઈના બહુધા શેર દલાલોએ દેવાળું ફૂંક્યું.
■■■
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જની પૂર્વભૂમિકાનો અહીં જ છેડો આવી ગયો હોત, પણ ઇતિહાસે વળી પાછી કરવટ બદલી. વિદર્ભ પ્રાંતના કોટનને હવે ટાટા, પેટિટ, વડિયા, સાસૂન, ખટાઉ, ગોકુલદાસ જેવા ભારતીય ઉદ્યોગપતિઓ લેખે લગાડવા લાગ્યા. ઈ.સ. ૧૮૬પમાં મુંબઈના ગીરનગાઁવ વિસ્તારમાં ૧૦ ટેક્સ્ટાઇલ મિલો હતી, જે આગામી ત્રીસેક વર્ષમાં વધીને ૧૩૬ થઈ. આ બદલાવે બિછાને પોઢેલા મુંબઈ શેર બજારને નવું સેલાઇન વોટર આપ્યું. જુલાઈ ૮, ૧૮૭પના રોજ ‘ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ અસોસિએશન’ એવા નામ સાથે તેનો કારોબાર ધમધમવા લાગ્યો. હોર્નિમાન સર્કલ પાસેના વડવૃક્ષ નીચે વર્ષોથી ભરાતું શેર બજાર હવે સહેજ દૂર ટાઉન હોલ નજીકના એક પુરાણા મકાનમાં શિફ્ટ થયું, જે પણ તેનું પરમેનન્ટ એડ્રેસ તો નહોતું.
સમય વીત્યો. મુંબઈ સ્ટોક એક્સ્ચેન્જમાં કપાસનો દબદબો ફરી પાછો વધ્યો. ઓરિએન્ટલ મિલ્સ, લક્ષ્મીદાસ ખીમજી મિલ્સ, માણેકજી પેટિટ મિલ્સ, મઝગાઁવ મિલ્સ, કોલાબા પ્રેસ, ફોર્ટ પ્રેસ વગેરે જેવી કોટન મિલોના શેરનું ટ્રેડિંગ પુરજોશમાં ચાલ્યું. મુંબઈના શેર માર્કેટ તરફ વધુને વધુ દલાલો આકર્ષાયા. કારોબાર વધ્યો, એટલે ૧૮૯૯માં નવી જગ્યાએ નવા મકાનમાં અને ત્યાર બાદ ૧૯૨૮માં દલાલ સ્ટ્રીટ ખાતે મુંબઈનું શેર બજાર કાર્યરત થયું. આજે જોવા મળતું ૨૮ મજલા ઊંચું મકાન ૧૯૭૦ના અરસામાં બન્યું એ સાથે તે મહાનગર મુંબઈના આર્થિક બેરોમીટર સમું પ્રતીક પણ બન્યું.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈ ખાતે શરૂ થયેલી કોટન-ટેક્સ્ટાઇલ મિલોની તેજીનો સૂરજ ૧૯૮પ સુધી તપ્યા પછી આખરે અસ્તાચલમાં ડૂબી ગયો. પરંતુ બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ/ BSE નો સિતારો ચમકતો રહ્યો. હજી પણ ચમકી રહ્યો છે. આજે વાર્ષિક લગભગ ૩૦૦ લાખ કરોડ મૂલ્યના શેરોની લેવડદેવડ કરતું BSE દેશના અગણિત લોકો માટે આર્થિક મનોકામના પૂરું કરનારું કલ્પવૃક્ષ છે. ક્યાં હોર્નિમાન સર્કલનું પેલું વડવૃક્ષ કે જેની નીચે ૪ ગુજરાતી અને ૧ પારસી બ્રોકર શેરના સોદા પાડતા હતા અને ક્યાં આજનું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ! બે સદીના કાળખંડમાં મુંબઈના શેરબજારે કપાસની તેજી, રેલવેનું વિસ્તરણ, અમેરિકાનું ગૃહયુદ્ધ, ટેક્સ્ટાઇલ મિલોની ચડતી પડતી જેવું કેટકેટલું જોઈ નાખ્યું!■