દોસ્તી, ડિવાઈસ અને ડિજિટલ વર્લ્ડ ચલે તો ચાંદ તક, ના ચલે તો શામ તક!
- ડિજિટલ વર્લ્ડે દોસ્તીની પેટર્ન બદલી નાખી છે. સ્કૂલ-કોલેજના કેમ્પસમાં જે ફ્રેન્ડશિપને ઘાટો રંગ ચડતો હતો એ ફ્રેન્ડશિપ હવે સોશિયલ મીડિયામાં ગાઢ બને છે...
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
દો સ્તી ક્યાં થાય છે એ મહત્ત્વનું નથી, કેવી થાય છે એ મહત્ત્વનું છે. સ્કૂલ-કોલેજ કેમ્પસનું બોન્ડિંગ પણ સ્ટ્રોંગ હોઈ શકે ને યુદ્ધમેદાનમાં લડતા બે સૈનિકો વચ્ચેય મિનિટોમાં પાક્કી દોસ્તી થઈ શકે. થોડી કલાકોના પ્રવાસમાં આજીવન ટકે એવી દોસ્તી થઈ શકે ને વર્ષોવર્ષ સાથે કામ કર્યા પછી ધીમે ધીમે ય દોસ્તીનો રંગ ગાઢ બની શકે. દોસ્તીમાં સ્થળ, સમય, ઉંમર, પરિસ્થિતિનું મહત્ત્વ નથી. ફીલિંગ્સ અગત્યની છે. બંને તરફ દોસ્તીનો ધોધ વહેતો હોય એ દોસ્તી લાંબી ટકતી હોય છે, પછી એ ગમે તે રીતે, ગમે ત્યાં બની હોય તે વાત ગૌણ બની જાય છે.
આમ તો દોસ્તી ગમે ત્યાં અને ગમે ત્યારે થઈ શકે, પ્રેમની જેમ! પણ અમુક ચોક્કસ પ્લેસ છે જ્યાં દોસ્તીની શક્યતા વધારે છે. બાળપણમાં પાડોશમાં રમતાં રમતાં. સ્કૂલ-કોલેજમાં ભણતાં ભણતાં, ઓફિસમાં કામ કરતાં કરતાં. એવા તો કેટલાય સોશિયલ સર્કલમાં દોસ્તી બની શકે, પરંતુ છેલ્લા થોડા સમયથી આ બધા સર્કલ કરતાં ડિજિટલ વર્લ્ડમાંથી દોસ્તો મળે છે. કલાકો સોશિયલ મીડિયામાં વીતાવતા લોકોને દોસ્તી પણ ત્યાં જ થવા માંડી છે.
ટેકનોલોજીએ આપણી દોસ્તીની પેટર્ન છેલ્લાં થોડા વર્ષોમાં ઘણી બદલી નાખી છે. હવે એવું શક્ય છે કે એક જ સોસાયટીમાં રહેતા હોવા છતાં તેમની દોસ્તી રૂબરૂ મુલાકાતને બદલે ડિજિટલ વર્લ્ડના કારણે થઈ હોય...
ફ્રેન્ડશિપમાં ટેકનોલોજી કેટલો ભાગ ભજવે છે તેના અસંખ્ય રિસર્ચ થઈ રહ્યા છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના લેટેસ્ટ સર્વેક્ષણ પ્રમાણે ૧૩થી ૧૭ વર્ષના ૫૭ ટકા ટીનેજર્સને અડધો અડધ દોસ્તો ઓનલાઈન પ્લેટફોર્મમાંથી મળે છે. કોઈને ઓનલાઈન ગેમ્સ રમતા દોસ્તી થઈ જાય છે. તો કોઈને ઈન્સ્ટા-વોટ્સએપમાંથી મિત્રતા બંધાય છે. એમાંથી ઘણાં દોસ્તો ક્યારેય મળતા નથી. તેમની દોસ્તી માત્ર ઓનલાઈન રહે છે. ઓનલાઈન થયેલી દોસ્તીમાંથી માત્ર ૧૦માંથી ત્રણ જ ફેસ ટુ ફેસ મળવાનું આયોજન કરે છે.
સોશિયલ મીડિયા સાઈટ્સ દોસ્તી માટે સૌથી અનુકૂળ છે. સોશિયલ મીડિયાના સર્વેક્ષણમાં લોકોએ સ્વીકાર્યું કે તેમના ૬૦થી ૬૫ ટકા દોસ્તો સોશિયલ મીડિયામાંથી મળ્યા. ટીનેજર્સને તો ફેસ ટુ ફેસ કેફેમાં કે કોલેજ કેમ્પસમાં મળવાને બદલે સોશિયલ મીડિયામાં ચેટ કરવાનું વધારે કમ્ફર્ટેબલ લાગે છે. ફેસ ટુ ફેસ મુલાકાતનું સ્થાન હવે વીડિયો કોલે લઈ લીધું છે. મળવાને બદલે વીડિયો કોલથી વાતો કરવાનું તેમને વધારે સરળ જણાય છે.
૮૮ ટકા ટીનેજર્સ તેમના ફ્રેન્ડ્સ સાથે મેસેજિંગ એપ્સથી કનેક્ટ રહે છે અને વીકમાં એકાદ વખત મેસેજ કરે છે. ૧૫થી ૩૫ વર્ષના ૫૫ ટકા લોકો દરરોજ તેમના દોસ્તોને એટલિસ્ટ એક મેસેજ કરે છે. મેસેજિંગ એપ્સ તેમને ફ્રેન્ડશિપના બોન્ડિંગ માટે ખૂબ ઉપયોગી લાગે છે.
૧૪થી ૨૨ વર્ષની વયજૂથના ૭૮ ટકા છોકરાઓ ઓનલાઈન વીડિયો ગેમ્સને ફ્રેન્ડશિપનું કારણ માને છે. એક સરખા રસના કારણે ઘણાં ઓનલાઈન ગેમર્સ વચ્ચે ગાઢ દોસ્તી થાય છે અને મોટાભાગે એ વીડિયો ગેમ્સ પૂરતી જ મર્યાદિત રહે છે. એ ટીનેજર્સ એમાંથી માત્ર ૧.૫ ટકાને પોતાની અંગત વાતો શેર કરે છે કે એની ઈવેન્ટમાં ઈન્વાઈટ કરે છે. ઓનલાઈન ગેમિંગના કારણે દોસ્તી કરતાં ૭૮ ટકામાંથી ૨૭ ટકાએ કહ્યં કે તેમને સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ કરતાં ઓનલાઈન ગેમિંગથી મળેલા ફ્રેન્ડ સાથે વધુ કનેક્શન ફીલ થાય છે.
અચ્છા! દોસ્તી તો દોસ્તી, ફાઈટ પણ હવે ઓનલાઈન થાય છે! સોશિયલ મીડિયા પોસ્ટમાં કંઈ લખવાના કારણે કે એકબીજાની પોસ્ટમાં કમેન્ટ્સ કરવાના મુદ્દે દોસ્તો વચ્ચે લડાઈ થાય છે. ૨૦થી ૩૫ વર્ષની વયજૂથના ચારમાંથી સરેરાશ એક વ્યક્તિએ સ્વીકાર્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ જ તેમના ઝગડાનું કારણ બને છે અને એમાં જ લડાઈ થઈ જાય છે. દોસ્તી તૂટે તો હવે ફોનનંબર ડિલિટ કરીને ઓનલાઈન બ્લોક કરવાનો રસ્તો તેમને સરળ જણાય છે.
ટીનેજર્સને ફાધર-મધરના ફ્રેન્ડ્સના સંતાનો સાથે દોસ્તી કરવાનું ગમતું નથી! દોઢ-બે દશકા ફેમિલી ફ્રેન્ડ્સના સંતાનો વચ્ચે સારી દોસ્તી જામતી હતી, પરંતુ ડિજિટલ વર્લ્ડના કારણે એ મુલાકાતો મર્યાદિત થઈ ગઈ અને સ્ક્રીનટાઈમ વધી ગયો એટલે સંતાનોને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી દોસ્તી કરવાનું વધારે યોગ્ય લાગે છે. સરખી રસ-રૂચિના કારણે તેમની વચ્ચે એટલિસ્ટ એ મુદ્દે બોન્ડિંગ બને છે.
ને ઓનલાઈન બનેલું બોન્ડિંગ ઓનલાઈન તૂટી પણ જાય છે! ગાઢ દોસ્તી જે પ્લેટફોર્મમાં થાય છે એ જ પ્લેટફોર્મનો ઉપયોગ ઘટે તો દોસ્તીમાં ડિસ્ટન્ટ આવી જાય છે. અત્યારે ૩૦ વર્ષના થયેલા ૬૩ ટકાએ સ્વીકાર્યું કે પાંચ વર્ષ પહેલાં તેઓ જેમની સાથે ઓનલાઈન સંપર્કમાં હતા એમાંથી માત્ર એકાદ ફ્રેન્ડ સાથે જ પાંચ વર્ષ પછીય સંપર્ક રહ્યો છે. એમાંથી વળી દોસ્તીનું પાંચ વર્ષ જૂનું બોન્ડિંગ કેટલા ફ્રેન્ડ્સ સાથે જળવાયું હશે એ વિચારવા જેવો મુદ્દો છે.
વેલ, ડિજિટલ દોસ્તી વિશે આ તારણ આપીએ તો ખોટું નથી - ડિજિટલી થતી દોસ્તી ડિજિટલી જ પૂરી થઈ જાય છે. બોન્ડિંગ રહે ત્યાં સુધી રહે છે. એમાંથી બહુ ઓછાનો સાથ લાંબાંગાળા સુધી મળતો હોય છે. ડિવાઈસ અને ડિજિટલ પ્લેટફોર્મ બદલાય એમ કદાચ દોસ્તો પણ બદલાઈ જાય છે.
૧ પ્રેમ થાય ત્યારે બે મિત્રો ઘટે છે
નૃવંશશાસ્ત્રી રોબિન ડંબરે એક સંશોધનમાં રસપ્રદ તારણ આપ્યું હતું. જુદા જુદા કેસ સ્ટડીના આધારે તેમણે તારણ આપ્યું કે વ્યક્તિને પ્રેમ થાય ત્યારે દોસ્તોને સમય આપી શકાતો નથી. લાઈફમાં જેની એન્ટ્રી થઈ હોય એ પાર્ટનરને સમય આપવાનું શરૂ થાય છે એટલે બે મિત્રો ઘટી જાય છે. એ મિત્રોને તમે સમય આપવાનું ઓછું કરે એટલે સામે એ પણ તમારો સંપર્ક ઘટાડે છે. થોડા સમયમાં એમની સાથે બોન્ડિંગ ઘટી જાય છે. ટૂંકમાં, પ્રેમી-પ્રેમિકાના બદલામાં એવરેજ બે મિત્રો ગુમાવવા પડે છે!
૨ કેટલા દોસ્તો છેક સુધી સાથ આપે છે?
આજકાલ તો એવી ફેશન ચાલે છે કે સામાન્ય પરિચયમાં હોય તોય લોકો એકબીજા માટેે કહેતા સંભળાતા હોય છે : 'એ મારા પરમમિત્ર છે', 'એ મારો ખાસ ભઈબંધ છે', 'એ મારો/મારી બેસ્ટ ફ્રેન્ડ છે', 'એ અમારા પારિવારિક મિત્ર છે'. પરંતુ આપણે જેને મિત્રો ગણાવતા ફરીએ છીએ કે પછી આપણને કોઈ મિત્ર ગણાવતું ફરે એ બધા ખરી રીતે આપણાં મિત્રો હોતા નથી, માત્ર પરિચિત હોય છે. આપણે જેમને ફ્રેન્ડની વ્યાખ્યામાં સમાવી શકીએ એવા દોસ્તો ૩૯૬ હોય છે! વ્યક્તિએ વ્યક્તિએ થોડા ઓછા વધુ હોય, પરંતુ વર્જિનિયા યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે માણસને જીવન દરમિયાન સરેરાશ ૩૯૬ મિત્રો બને છે અને એમાંથી ૩૬ મિત્રો સ્પેશ્યલ કેટેગરીમાં સ્થાન પામે છે. જીવનના આખરી પડાવે ૩૬ મિત્રો એવા હોય છે, જેની સાથે ખાટા-મીઠા સ્મરણો તાજા કરી શકાય છે.
૩ ફ્રેન્ડ્સ બનાવવાનો સમય નથી!
મિશગન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓઅ ૧૦૦ દેશોના ૨.૭૦ લાખ લોકોને આવરીને એક સર્વેક્ષણ કર્યું હતું. એ પ્રમાણે છેલ્લા દશકામાં નવા મિત્રો બનાવવાનું વલણ અચાનક ઘટી ગયું છે. ઓનલાઈન સર્વેક્ષણ દરમિયાન ૨૫થી ૩૫ વર્ષની વયના લોકોએ સ્વીકાર્યું હતું કે તેમને નવા ફ્રેન્ડ્સ બનાવવાનો સમય મળતો નથી અને જૂના ફ્રેન્ડ્સ સાથે સંપર્ક જાળવી રાખવાનું પણ શક્ય બનતું નથી. સરવાળે આ વયજૂથના સરેરાશ ૧૦માંથી ૮ લોકોના મિત્રો સાથેના સંબંધોમાં ઓટ આવી હતી. ૩૫થી ૪૫ વર્ષની વયજૂથના લોકોની સ્થિતિ તો અજીબ હતી. સરેરાશ ૧૦માંથી ૭ લોકોએ એવો અફસોસ કર્યો હતો કે તેમણે જીવનની જરૂરિયાતો પૂરી કરવાની દોડધામમાં જૂના મિત્રો ગુમાવી દીધા અને નવા મિત્રો બનાવ્યા નહીં એટલે તેમના જીવનમાં મિત્રોનો શૂન્યાવકાશ સર્જાયો હતો. મોટાભાગના લોકોએ સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયામાં સ્કૂલ-કોલેજ સમયના મિત્રો સાથે 'કનેક્ટ' છે ખરા પણ એમાં પ્રોફેશનલ રીલેશન ટાઈપની ફીલિંગનો અનુભવ થાય છે.
૪ વર્ક પ્લેસની દોસ્તી બદલાઈ ગઈ
એક ઓફિસમાં કે એક જ બિઝનેસમાં હોવાના કારણે બનેલી દોસ્તી પ્રોફેશનલ દોસ્તી કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો - 'વર્કફ્રેન્ડ'. આ સંબંધોની શરૂઆત ઓફિસમાં થતી હોય છે અને પછી ધીમે ધીમે ઘરે આવવા-જવા સુધી ય વિકસતી હોય છે. અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝના સંશોધનમાં કહેવાયું હતું કે આજીવન માણસ જે મિત્રો બનાવે છે તેમાં સૌથી વધુ પ્રકારના મિત્રો પ્રોફેશનના કારણે બને છે અને આ મિત્રોમાં લવ-હેટના સંબંધોનું પ્રમાણ વધુ હોવા છતાં સૌથી લાંબી દોસ્તી પણ આવા મિત્રો સાથે જ રહે છે. પણ કોરોના પછી ઘણાં ક્ષેત્રોમાં વર્કફ્રેન્ડ કલ્ચર ઘટયું છે. વર્ક ફ્રોમ હોમ અને રિમોર્ટ વર્ક કોમન બન્યું હોવાથી ઓફિસે જવાનું ઘટયું છે. તેના કારણે સહકર્મચારીઓ સાથેની દોસ્તીમાં પણ પરિવર્તન આવ્યું છે. સામન્ય રીતે કોલેજ પૂરી થાય પછી બધા દોસ્તોની દુનિયા બદલાતી હોય છે. એ બધા ફ્રેન્ડ્સ મળવાનું આયોજનો ગોઠવતા હોય છે, પણ ઓફિસ કર્મચારીઓ સાથેની દોસ્તીમાં આયોજનની જરૂર પડતી નથી. હવે વર્ક ફ્રોમ હોમ જેવી બદલાયેલી વ્યવસ્થા બાદ એક સમયે ઓફિસમાં સાથે કરતાં સહકર્મચારી મિત્રોએ પણ મળવા માટે પ્લાનિંગ કરવું પડે છે.