મેનેજમેન્ટમાં નવો મંત્ર રીસ્કિલિંગ અને ન્યૂસ્કિલિંગ
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- માનવજાત ઝડપભેર નવા યુગમાં દાખલ થઈ રહી છે. ટેકનોલોજીનો વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે તે જોતાં મેનેજમેન્ટમાં પણ મૂળભૂત પરિવર્તનો આવશે
ધં ધામાં કે ઉદ્યોગમાં ચઢતી પડતી આવવાની જ. નવા ઉદ્યોગો માટે નવી કુશળતાઓ ઊભી કરવી પડે તેથી હવેનો જમાનો લર્નીંગ ઓર્ગેનાઈઝરન્સનો છે. હવેનો જમાનો રીસ્કીલીંગ (જુની કુશળતાઓને છોડવાનો અને ન્યુસ્કીલીંગ) (તદ્દન નવી કુશળતામાં)નો છે. કયા એક જમાનામાં અમદાવાદમાં સૌથી પણ વધારે ટેક્ષ્ટાઈલ મીલો જેને કારણે તે ભારતનું માન્ચેસ્ટર ગણાતું હતું અને ક્યાં અમદાવાદમાં ટેક્ષ્ટાઈલ મીલોનું માત્ર ૫૦ વર્ષોના ગાળામાં ટપોટપ બંધ પડી જવું ? જાણે કે એક મોટી નદી માત્ર વહેળો થઈ ગઈ ? દરેક ઉદ્યોગમાં ચઢતી પડતી આવ્યા જ કરવાની. અમદાવાદ અને ગુજરાત આજે તેના કાપડ ઉદ્યોગ માટે નહીં પરંતુ કેમીકલ્સ અને ફાર્માસ્યુટીકલ્સ (દવાઓ) ઉદ્યોગ માટ ઓળખાય છે. તેનું મેનેજમેન્ટ અદ્યતન અને અદ્ભૂત છે. ૧૯૫૦ સુધી જેનું નામ પણ આપણે સાંભળ્યું ન હતું તે કોમ્પ્યુટર ઉદ્યોગ આઇબીએમ કંપનીએ ઊભો કર્યો અને માઇક્રોસોફટ તથા સીલીકોન વેલીની અન્ય કંપનીઓએ ડીજીટલ રીવોલ્યુશન શરૂ કર્યું. કોમ્પ્યુટર રીવોલ્યુશને એક ઉદ્યોગને તદ્દન નષ્ટ કરી નાંખ્યો અને તે ટાઇપરાઇટરનો ઉદ્યોગ એક જમાનામાં આઇબીએમ કંપની ઇનોવેટીવ ગણાતી હતી અને તેણે ઇલેકટ્રીક ટાઈપરાઇટરનું બજાર કબજે કર્યું હતું. પરંતુ હવે યાંત્રિક કે ઇલેકટ્રીક ટાઇપરાઇટરો મ્યુઝીમમાં કે ભદ્ર કચેરી આગળ જ જોવા મળે છે. હવે ડીજીટલ રીવોલ્યુશન એટલું બધું આગળ વધ્યું છે કે તે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. તે કદાચ અત્યારની શિક્ષા પદ્ધતિને ધરમૂળથી બદલશે તેમ લાગે છે. જેમ રેલવેઝે ગાડાયુગનો અંત આણ્યો (હજી રડયાખડયા બળદગાડા જોવા મળે છે) અને મોટરકાર-સ્કૂટર ઉદ્યોગે શહેરોમાંથી સાઇકલ યુગ (હજી રસ્તા પર જૂજ સાયકલો જોવા મળે છે) ખતમ કર્યો અને મોબાઈલ તથા સેલફોને ચકરડાવાળા ટેલીફોનનો યુગ ખતમ કર્યો અને ગામેગામ વીજળીએ ફાનસયુગ ખતમ કર્યો. હવે ડીજીટલ રીવોલ્યુશન બાદ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ ધરાવતા મશીનોનો યુગ માનવ સમાજમાં ઘરમૂળથી ફેરફાર લાવશે. તમારી યુનિવર્સિટી ડીગ્રી ૧૫ વર્ષ જૂની થઈ ગઈ હોય તો તમે આઉટડેટેડ થઈ ગયા છો.
ઉપરના ઉદાહરણો દર્શાવે છે કે માનવજાત હવે બહુ ઓછા સમયગાળામાં નવા નવા યુગોમાં દાખલ થઈ રહી છે. નવી શોધો જૂના ઉદ્યોગોને ગૌણ બનાવી દે કે તેનો નાશ પણ કરી દે છે તે માનવ સમાજની જવલંત સિદ્ધિ છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જર્મન અર્થશાસ્ત્રી શુમ્પીટરે જૂનાનો સતત વિનાશ અને તેનાથી થતું સતત નવસર્જન તે પ્રક્રિયાને ''ક્રીએટીવ ડીસ્ટ્રકશન'' એવું વિરોધાભાસી નામ આપ્યું છે વિનાશ ખરો પણ તે સર્જનાત્મક વિનાશ.
બ્યુરોક્રેટિક મેનેજમેન્ટમાંથી પ્રોફેશનલ મેનેજમેન્ટની તરફ
મેનેજીંગ એજન્સી સીસ્ટમે ભારતમાં ઉદ્યોગોમાં જબરજસ્ત મોનોપોલી ઊભી કરી અને મેનેજીંગ એજન્ટસ અબજોપતી બની ગયા પરંતુ ભારતમાં જવાહરલાલ નહેરુના પ્રતાપે મેનેજમેન્ટ શિક્ષા માટે આઇઆઇએમ અને એન્જિનીયરીંગ શિક્ષણ માટે આઇઆઇટીના નેટવર્કસની શરૂઆત થઈ. કોમર્સ એજ્યુકેશન ગૌણ બની ગયું અને મેનેજમેન્ટ શિક્ષા આઇઆઈએમ અમદાવાદની ઇસ ૧૯૬૦ પછી સ્થાપના બાદ મેનેજમેન્ટ એજ્યુકેશન 'એલીટીસ્ટ' બની ગયું. હવે મેનેજમેન્ટ અને એન્જિનીયરીંગની આ વિશ્વપ્રતિષ્ઠિત સંસ્થાઓને કારણે ભારતના ઉદ્યોગોમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ છેલ્લાં ૪૦ વર્ષથી શરૂ થઈ ગયું છે. ભારતના ઘણા ઉદ્યોગોની ટોપ મેનેજમેન્ટમાં આઇઆઇટી-આઈઆઈએમના સ્નાતકો કામ કરી રહ્યાં છે. ભારતીય કંપનીઓનું મેનેજમેન્ટ હવે બ્યુરોક્રેટીકમાંથી પ્રોફેશનલ અને રૂટીન મેનેજમેન્ટ પદ્ધતિઓને બદલે સ્ટ્રેટેજીક મેનેજમેન્ટમાં ફેલાઈ ગયું છે. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના હાર્દમાં સ્વોટ એનાલીસીસ છે. જે કંપનીનો દરેક ગંભીર સમસ્યા માટે, કંપનીના નવા ક્ષેત્રોની શોધખોળ માટે, કંપનીએ નવી પ્રોડક્ટ કે નવા બજારમાં કે નવા દેશમાં ઝંપલાવવું કે નહીં તે માટેની ગંભીર એકસરસાઇઝ ગણાય છે. સ્વોટ એટલે અંગ્રેજીમાં SWOT એટલે કે કોઇપણ કંપની માટેના કોઈપણ ગંભીર નિર્ણય માટે એસ એટલે સ્ટ્રેંજસ (મજબૂતાઈ કે તાકાતો), ડબલ્યુ એટલે વીકનેસીઝ (નબળાઈઓ),ઓ એટલે ઓર્પોચ્યુનીટીઝ (તકો) માટે ટી એટલે થ્રેટ્સ એટલે કંપની સામે જે કોઈ નવા ભયો કે પડકારો ઊભા થઈ શકે તેની શક્યતાઓની ચર્ચા.
યાદ રહે કે કોઇપણ કંપનીની મેનેજમેન્ટમાં પરિસ્થિતિનું ઓવર એસ્ટીમેશન કે અંડરએસ્ટીમેશન (વધુ પડતી અપેક્ષાઓ અને આશાઓ કે ઓછી આશાઓ કે અપેક્ષાઓ) નુકશાનકારક સાબીત થઈ શકે છે.
કંપનીઓમાં પણ આવું બને છે. ભવિષ્યના વર્તારા ખોટા પડે છે. ભારતમાં ૧૯૫૯થી કામ કરતી નેસલે કંપની વિદેશી (યુરોપીયન) કંપની છે. આપણે ભારતીજનો એમ માનતા હતા કે વિદેશી નાસ્તા પેકેટ્સ ભારતના બાળકો માટે કે ઈમર્જન્સી ખાણા તરીકે કોઈ દિવસ ના ચાલે.
ભારતમાં મુખ્ય નાસ્તો એટલે ચવાનું. પરંતુ ૧૮૬૬માં સ્થપાયેલી સ્વીત્ઝર્લેન્ડની નેસલે કંપની ભારતમાં છેલ્લા ૬૫ વર્ષથી કામ કરે છે. તેણે માત્ર એક વર્ષમાં પોતાની લોકપ્રિય નાસ્તાની પ્રોડક્ટ મેગી (જે પેકેજ્ડ પ્રોડેક્ટ છે)ના માત્ર એક જ વર્ષમાં ૬૦૦ કરોડ પેકેટ્સ વેચ્યા છે. તેના નુડલ્સમાં મેગી મસાલા અને મેગી ઇન્સ્ટન્ટ નુડલ્સ મુખ્ય છે. નેસ્લે કંપનીએ જણાવ્યું છે કે ભારત તેના વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં એક છે અને નેસ્લે કંપની ભારતમાં ઊંચા દ્વીઅંકી (દસ ટકા કે તેથી વધુ) દરે વિકાસ કરી રહી છે. યાદ રહે કે ૨૦૧૫માં ભારતના ફૂડસેફટી સ્ટેર્ન્ડડઝના પ્રતિબંધને કારણે નેસ્લે કંપનીનો નુડલ્સનો બજાર હિસ્સો જે ૮૦ ટકા હતો તે શૂન્ય થઈ ગયો હતો. ભારતની ફૂડ સેફટી ઓથોરોટીનો દાવો હતો કે મેગીના ઈન્સ્ટન્ટ નૂડલ્સમાં સીસાનું પ્રમાણ નિયત માત્રાથી વધારે હતું. કંપનીએ તે અંગે ત્વરિત પગલા લીધા. હજી તેનો ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં પહેલાનો ૮૦ ટકા હિસ્સો પહોંચ્યો નથી. નેસ્લે કંપની પોતાની પ્રોફેશનલ મેનેજમેન્ટ અને ટીમવર્ક માટે જાણીતી કંપની છે. કંપનીએ છેલ્લાં ૮ વર્ષમાં ભારતમાં ૧૪૦ પ્રોડક્ટસ બજારમાં મૂકી છે. ૨૦૨૪ના ફા.વર્ષમાં કંપનીનું કુલ વેચાણ ૨૪,૨૭૫ કરોડ હતું. ટૂંકમાં ભારતના નૂડલ્સ માર્કેટમાં જે થ્રેટ (ભયસ્થાન) ઊભું થયું તેને કંપનીએ સ્વોટ એનાલીસીસ દ્વારા તે થ્રેટનું નિરાકરણ કર્યું અને પોતાની ભૂલ તાત્કાલીક સુધારી લીધી. ભારતીય ઉદ્યોગ જગતમાં એક સારી વાત એ બની રહી છે કે તેણે સૌથી શ્રેષ્ઠ શિક્ષણ અને કુશળતા ધરાવતા મેનેજમેન્ટોની ભરતી કરી છે અને શેઠિયાશાહી પદ્ધતિને બદલે ટીમવર્ક આધારિત લર્નીંગ ઓર્ગેનાઇઝેશન્સ ઊભા કર્યા છે.