પ્રાણ ગાયત્રી તરીકે ઓળખાતી સોડહમ્ સાધના
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- સાધારણ શ્વાસ લેતા લેતા અજપા જાપ કરો. જો તમે અંતર્મનના સાક્ષીપણાને પામી જશો, પરમ તત્વને હૃદયમાં ધારણ કરી રાખશો તો સોહમ્ જાપ આપોઆપ ચાલતો રહેશે
સોહં શબ્દ બિચારો સાધો સોહં શબ્દ બિચારો રે ।।
માલા કરસે ફિરત નહીં હૈ જીભ ન વર્ણ ઉચારો રે ।
અજપાજાપ હોત ઘટ માહીં તાકી ઓર નિહારો રે ।।
હં અક્ષર સે સ્વાસ ઉઠાવો સો સે જાય બિઠારો રે ।
હંસો ઉલટ હોત હૈ સોહં યોગીજન નિર્ધારો રે ।।
સબ ઈક્કીસ હજાર મિલાકર છેસો હોત શુમારો રે ।
અષ્ટ પ્રહર મેં જાગત સોવત મન મેં જપો સુખારો રે ।।
જો જન ચિંતન કરત નિરંતર છોડ જગત વ્યવહારો રે ।
બ્રહ્માનંદ પરમ પદ પાવે મિટે જનમ સંસારો રે ।।
યોગ જીવાત્માને પરમાત્માને સાથે જોડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એક સાધના જ છે. યોગ સાધનામાં અનેક પ્રકારનાં પ્રાણાયામ કરવામાં આવે છે. ઉચ્ચસ્તરીય પ્રાણાયામોમાં 'સોહં' સાધનાને સર્વોપરિ માનવામાં આવી છે. 'સોડહમ્ સાધના'ને 'અજપાજાપ' અથવા પ્રાણ ગાયત્રી પણ કહેવામાં આવે છે. તત્વદર્શી સિધ્ધયોગીઓ જણાવે છે કે જીવાત્માના અંત:કરણ રૂપ ગહન અંતરાલમાં આત્મબોધ પ્રજ્ઞાા આપમેળે જાગૃત રહેતી હોય છે અને એની સ્ફુરણાથી 'સોડહમ્' નો આત્મ-બોધ અજપાજાપ બની સતત ચાલતો રહેતો હોય છે. સંસ્કૃત ભાષાના સ અને અહમ્ શબ્દો પરથી સોડહમ્ શબ્દ બન્યો છે. સ: અથવા સો એટલે તે (પરમાત્મા) અને અહમ્ એટલે હું. બન્ને શબ્દો ભેગા થતાં અર્થ થાય - 'તે (પરમાત્મા) હું છું.'અદ્વૈત સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે આત્મા અને પરમાત્મા એક છે. તત્વમસિ, અયમાત્મા બ્રહ્મ, શિવોહમ્, સચ્ચિદાનંદોહમ્ શુદ્ધોસિ, બુદ્ધોસિ નિરંજનોસિ જેવા વાક્યોમાં આ અભે દર્શન જ પ્રતિબિંબિત થાય છે. એમાં જીવ અને બ્રહ્મની આત્યંતિક એકતાનું નિરૂપણ થયેલું છે.
કુંડલિની જાગરણ માઠે ઉપયોગમાં લેવાતી સોડહમ્ સાધના કે અજપા જાપ કે પ્રાણ ગાયત્રીના વિજ્ઞાાન અને વિધાનના સમન્વયને હંસયોગ કહેવાય છે. સોહમ્ ધ્વનિ નિરંતર ઉચ્ચારણ કરતા રહેવાથી એનું એક શબ્દ ચક્ર-ધ્વનિ વર્તુળ બની જાય છે જે ઉલટઈને હંસ જેવું પ્રતિધ્વનિત થાય છે. એના જ આધારે એ સાધનાનું એક નામ હંસયોગ પણ રાખવામાં આવ્યું છે. એટલે જ 'યોગ રસાયનમ્' ગ્રંથમાં કહેવાયું છે - 'હંસો હંસોહમિત્યેવં પુનરાવર્તન ક્રમાત્ ા સોહં સોહં ભવન્નૂનમિતિ યોગવિદો વિદુ: હંસો હંસોહં આ પુનરાવર્તન ક્રમથી જાપ કરતા રહેવાથી જલદીથી સોહં સોહં એવો જાપ થવા લાગે છે. યોગને જાણનારાને આની ખબર છે.'
'શિવ સ્વરોદય' માં દર્શાવવામાં આવ્યું છે - હકારો નિર્ગમે પ્રોક્ત : સકારેણ પ્રવેશનમ્ ા હકાર: શિવરૂપે સકાર : શક્તિરુચ્યતે ાા શ્વાસના નિકળવામાં હ કાર અને પ્રવિષ્ટ થવામાં સ કાર હોય છે. હકાર શિવરૂપ અને સકાર શક્તિ (પાર્વતી) રૂપ હોય છે યોગશિખોપનિષદમાં પણ કહેવાયું છે - હકારેણ તુ સુર્ય: સ્યાત્ સકારેણેન્દુરુચ્યતે ા સુર્ય ચન્દ્રમસોરૈક્યં હઠ ઈત્યભિધીયને ાા હઠેન ગ્રસ્યતે જાડયં સર્વદોષ સમુદ્રભવમ્ ા ક્ષેત્રજ્ઞા : પરમાત્મા ચ તયોરૈક્ય તદાભવેત્ ાા હકારથી સૂર્ય કે દક્ષિણ સ્વર થાય છે અને સકારથી ચંદ્ર કે વામ સ્વર થાય છે. આ સૂર્ય-ચંદ્ર બન્ને સ્વરોમાં સમતા સ્થાપિત થઈ જવાનું નામ હઠયોગ છે.'હમ્' દ્વારા બધા દોષોની કારણભૂત જડતાનો નાશ થઈ જાય છે અને ત્યારે સાધક પરમાત્મા સાથે એકતા પ્રાપ્ત કરી લે છે.
અજપાજાપમાં ત્રણ મહત્વની પ્રક્રિયા છે. ઊંડો શ્વાસ લેવો, વિશ્રામ કરવો અને પૂર્ણ જાગરૂકતા રાખવી આવતા-જતા શ્વાસ તરફ સતત જાગરૂકતા બનાવી રાખવી જોઈએ. સાક્ષી ભાવથી એક પહેરેગીરની જેમ બન્ને શ્વાસોના નિરંતર લયનું નિરીક્ષણ કરવું જોઈએ. શ્વાસ લેવાનો સામાન્ય દર એક મિનિટમાં વાર, એક કલાકમાં ૯૦૦ વાર અને ૨૪ કલાકમાં ૨૧,૬૦૦ વાર થતો હોય છે. જે વ્યક્તિએ અજપા જાપની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય તે દરરોજ કોઈ પ્રયાસ વગર સહજ રીતે ૨૧,૬૦૦ વાર જપ કરી લેશે. ગોરક્ષસંહિતાના શ્લોક ૪૧/૪૨માં આ વાત કહેવાઈ છે - હંસ હંસેત્યમું મન્ત્રં જીવો જપતિ સર્વદા ાા ષટ શતાનિ ત્વહોરાત્રે સહસ્ત્રાણ્યંકવિશંતિ ા એતત્ સંખ્યાન્વિતં મંત્ર જીવો જપતિ સર્વદા ાા આ જીવ હકારના ધ્વનિથી બહાર આવે છે અને સકારના ધ્વનિથી ભીતર જાય છે આ રીતે તે હમેશાં હંસ હંસ જપ કરતો કરે છે. આ પ્રકારે એક દિવસ-રાતમાં જીવ ૨૧,૬૦૦ મંત્ર સદા જપતો રહે છે.
રહસ્યવાદી ક્રિયા યોગી અને હઠયોગી સંત કબીરે પણ સોહં સાધના - અજપા જાપનો મહિમા ગાયો છે -
'શ્વાસ શ્વાસ મેં નામ લે ઔર વૃથા શ્વાસ મત ખોયા ન જાને ઈસ શ્વાસકા આવન હોય ના હોય ।। દરેક શ્વાસે પરમેશ્વરનું નામ લો. હવે એક શ્વાસ પણ વ્યર્થ ન ગુમાવો. આ શ્વાસ પાછો આવશે કે નહીં તે કોઈને ખબર નથી. ૮ શ્વાસ કી કર સુમિરની ઔર કર અજપા કા જાપ । પરમ તત્વ હૃદય ધરો તો સોહમ્ આપોઆપ ાા સાધારણ શ્વાસ લેતા લેતા અજપા જાપ કરો. જો તમે અંતર્મનના સાક્ષીપણાને પામી જશો, પરમ તત્વને હૃદયમાં ધારણ કરી રાખશો તો સોહમ્ જાપ આપોઆપ ચાલતો રહેશે તમને જ્ઞાાન થઈ જશે કે સોહમ્ નો જાપ જે તમે કરી રહ્યા હતા તે તમે જ છો. તમે પોતે જ ત પરમ તત્વ છે !
સોહમ્ પાયા પવન મેં ઔર બાંધો સુરત સુમેર ા બ્રહ્મ ઘાટ હૃદય ધરો, ઈસ વિધિ માલા ફેર । હવાની જેમ સોહમ્નું સત્ય બધે જ વ્યાપેલું છે. એનો સાક્ષીભાવ રાખવો એ જ માળા ફેરવવી છે. 'માલા હૈ નિજ શ્વાસ કી ઔર ફેરેગા કોઈ દાસ ા ચૌરાસી ભર મેં હૈ નહીં મિટે કાલ કી ફાસ.' પોતાના શ્વાસની જ માળા ફેરવવાની છે. જેમ કોઈ બીજી વ્યક્તિ આપણા માટે શ્વાસ લઈ શકતી નથી એમ બીજી વ્યક્તિ આપણા માટે જાપ દ્વારા આપણને સાક્ષીભાવ આપી શકતો નથી. આ આપણે સ્વયં જ કરવું પડશે. બીજી કોઈ વ્યક્તિના જપવાથી ચોર્યાસી લાખ જન્મે પણ કાળના ફંદામાંથી બચી શકાય એમ નથી.'
'તંત્રસાર'માં કહેવાયું છે - બિભર્તિ કુણ્ડલી શક્તિરાત્માનં હંસયાશ્રિતા - કુણ્ડલિની શક્તિ આત્મક્ષેત્રમાં હંસ પર સવાર થઈને ફરે છે.' અજપા જાપ એ જ આ હંસ યોગ. એ જ સોહં સાધના. બ્રહ્મવિદ્યોપનિષદ કહે છે - 'પ્રાણિનાં દેહમધ્યે તુ સ્થિતો હંસ: સદાડચ્યુત: ા હંસ એવ પરં સત્યં હંસ એવ તુ સત્યક્રમ ાા પ્રાણીઓના દેહમાં ભગવાન હંસ રૂપે રહેલા છે. હંસ જ પરમ સત્ય છે, હંસ જ પરમ શક્તિ છે.' જે હૃદયમાં અવસ્થિત અનાહત ધ્વનિનું શ્રવણ કરે છે, શ્વાસના આવન-જાવનના સોહં ધ્વનિનો અજપા જાપ કરે છે, પ્રકાશવાન, ચિદાનંદ હંસ તત્વનો સાક્ષાત્કાર કરે છે તેને 'હંસ' જ કહેવાય છે. જે અમૃતથી અભિસિંચન કરતા હંસ તત્વનો જાપ કરે છે તેને અનેકવિધ સિદ્ધિઓ અને વિભૂતિઓની પ્રાપ્તિ થાય છે. આવી મહા સિદ્ધિઓને પ્રાપ્ત કરનારા સિદ્ધિયોગી મહાત્માને 'પરમહંસ' તરીકે ઓળખવામાં આવે છે.