Get The App

પુણ્ય પ્રાપ્તિના અતિરેકની ઘેલછા ખતરનાક

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
પુણ્ય પ્રાપ્તિના અતિરેકની ઘેલછા ખતરનાક 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'દીકરો ગમે તે માતાનો હોય, પરંતુ એને ઠારવાની જવાબદારી નારી માત્રની છે. દાદીમા, મારા સમ, મને નિખાલસ અને આપની સેવાથી વંચિત ન રાખશો' - સ્તુતિની મહાનતા

નિ ખાલસે આજ સુધી દાદીમા વસુધાદેવી સિવાય અન્ય કોઇ સ્ત્રીનો નિક્ટનો પ્રેમ અનુભવ્યો નથી. 'મમ્મી' શબ્દ વારંવાર તેને કાને અથડાય છે. બધા મિત્રોને 'મમ્મી' હોય છે મારે કેમ નહીં ? - એ પ્રશ્ન નિખાલસના બાળમાનસનો પીછો છોડતો નથી !

દાદીમા વસુધાદેવી પૌત્ર નિખાલસને જીવની જેમ જાળવે છે. એને રમવા પણ એકલો જવા દેતાં નથી. દાદીમાએ નિખાલસની સંભાળ માટે આયાબાઇ રાખી હતી, પરંતુ એ નવડાવવા- ધોવડાવાનું , દૂધ પિવડાવવાનું, પાઉડર છાંટીને એને તૈયાર કરવા સુધીનાં સઘળાં કામો વસુધાદેવી પોતે જ કરતાં. નિખાલસને બાલમંદિરમાં દાખલ કર્યો ત્યારે પણ વસુધાદેવીએ બાલમંદિરના પ્રિન્સિપાલને કહ્યું હતું 'સર, નિખાલસ મારો લાડકો એકનો એક પૌત્ર છે એની માતા પણ હું છું અને પિતા પણ હું જ છું. એની પર શિસ્તના નિયમો પરાણે લાદી એને પજવશો નહીં. એને ઘડતર કરજો પણ નડતર બનીને નહીં. મારા લાડકા પૌત્રને ઊની આંચ આવવી ન જોઇએ. એને સ્કૂલે પણ હું મૂકવા આવીશ અને લેવા માટે પણ હું જ આવીશ.'

નિખાલસને શાળાએ મૂક્યા બાદ વસુધાદેવી તરત જ ઘેર પાછાં ફરતાં નથી. નિખાલસ માટે તૈયાર કરેલું લંચ બોક્સ લઇ શાળાની નજીક આવેલા રામજી મંદિરના ઓટલે તેઓ બેસે છે અને શ્રીરામજીના મધુર ભજનોનું ધીમા પણ મસુર સ્વરે ગાન કરે છે. નિખાલસને રિસેસમાં નાસ્તો કરાવ્યા પછી વળી પાછા તેના છૂટવાની રાહ જોતાં મંદિરના ઓટલે બેસે છે. આ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. દાદીમા વસુધાદેવીની ભક્તિ જોઇને પૂજારી અનુરાગ ભાવવિભોર બની જાય છે. વસુધાદેવી આંખો બંધ કરીને રામ નામનો જાપ કરતાં હોય ત્યારે અનુરાગ ચૂપચાપ પોતાને ઘેર પહોંચીને દૂધનો એક ગ્લાસ લઇ આવે અને વસુધાદેવી આગળ મૂકી દે. 'લો, મા, થોડું દૂધ પી લો. શાળામાં રિસેસ પડવાની હજુ વાર છે. તમે થાકી જશો. થોડા આરામ પણ કરી લો.'

અનુરાગે તેમની આગળ મૂકેલો દૂધનો ગ્લાસ તેને પરત આપતાં વસુધાદેવી કહેતાં : 'દીકરા, તું દેવનો પુજારી છે. તારી દેવપૂજાને વંદન કરાય, પણ ભારરૂપ ન બનાય અને મારો પૌત્ર નિખાલસને શાળાની રિસેસમા નાસ્તો ન કરાવું ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી. નિખાલસ મારી પુત્રવધૂ નૈયાની થાપણ છે. નૈયાને નિખાલસે જોઇ નથી એટલે તેને હું જ સર્વસ્વ છું. હું દાદીમા છું. પણ મમ્મી એ મમ્મી છે. બીજા બાળકોની મમ્મીને જોઇને નિખાલસ મને ઘણી વાર પૂછે છે. 'દાદીમા મારી મમ્મી ક્યાં ગઇ છે ? ક્યારે આવશે ?' મમ્મીના પ્રેમની ભૂખ નિખાલસને સતત દૂભવ્યા કરે છે. ભાઇ અનુ, તને શું લાગે છે ? સંસારને માયા ગણી મારે આ ઉંમરે તેમાંથી મન ખેંચી લઇને એકાન્ત સેવન કરવું કે પછી મારૃં બાકીનું આયખુ નિખાલસને જીવનનો આધાર બનાવી તેને ઠારવામાં વિતાવવું ?'

પુજારી અનુરાગ બે ઘડી મૂંઝાવણમાં મૂકાઇ જાય છે પણ એ પોતાની સમજણ મુજબ જવાબ આપે છે : 'દાદીમા, હું કોઇ તત્વજ્ઞાાની કે ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી નથી. પણ હું એટલું સમજુ છું કે કોઇના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ દાખવવો, એના જીવતરને ઉજાળવા ખપી જવું, એ માયા નથી. પણ ભગવાનની ભક્તિ છે. 

નિખાલસની મમ્મીનું એકાએક અવસાન કેવી રીતે થયું એ જાણવાની ઇચ્છા હતી. બાપડો નાનકડો દીકરો. મા વગરનો થઇ ગયો, એનું મનેય ભારોભાર દુ:ખ થાય છે.' પુજારી અનુરાગ ગંભીર બની ગયો.

'દીકરા કુદરતની લીલા અનોખી છે. અમારૃં આખું ઘર ભગવાન શિવજી અને ભગવાન શ્રીરામજીનું ઉપાસક. મારો પુત્ર નંદન ભગવાન શિવજીનો સમર્પિત ભક્ત. ગામને પાદરે આવેલી નદીમાં આખો શ્રાવણ મહીનો સ્નાન કરવા જાય. સાથે મારી પુત્રવધૂ નૈયા પણ હોય જ. આંધી હોય, મૂશળધાર વરસાદ હોય, પણ નદીસ્નાનનો નિયમ નંદન ન તોડે તે ન જ તોડે.' દાદીમા ગળગળા થઇ ગયા.

'દાદીમા, આપ ભાગ્યશાળી છો, આ ઘોર કળિયુગમાં આવો ધર્મિષ્ઠ પુત્ર અને પુત્રવધૂ કોઇ પુણ્યશાળીને જ મળે.' અનુરાગની જિજ્ઞાાસા બળવત્તર બની રહી હતી.

'પણ દીકરા, મારૃં પુણ્ય મારી વહારે ન આવ્યું. તે દિવસે શ્રાવણ મહિનામાં ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મેં નંદનને નદીએ જવાની ના પાડી. પણ મારો નંદન એમ થોડો જ માને ? નૈયાને લઇને એ નદીએ સ્નાન કરવા ગયો. કિનારે બેસીને નહાતો હતો ત્યારે એકાએક નદીમાં મોજાં ઉછળવાં માંડયા. પંદર ફૂટ ઊંચું એક મોજું કિનારે અથડાયું અને એ મોજું મારા નંદન અને નૈયા બંન્નેને ભરખી ગયું. અનુ, પુણ્ય પ્રાપ્તિનો પ્રયત્ન એ  આવકાર્ય, પણ વિવેક ભૂલી એના અતિરકેની ઘેલછા ખતરનાક નીવડતી હોય છે. નંદન અને નૈયાને ગુમાવી હું નોંધારી બની ગઇ. અને એમની થાપણ સમો દસ મહીનાનો બાળક નિખાલસ અનાથ બની ગયો, દાદીમાએ આંખો લૂછતા કહ્યું. 'દાદીમા, બોલો હું કોણ છું ? ' પાછળથી ચૂપચાપ આવી દાદીમાની બન્ને આંખો હાથથી દાબી દેતાં નિખાલસે પૂછ્યું.

'અરે બેટા,તારા અવાજની રખેવાળ બનવા માટે તો હું જીવી રહી છું. ચાલ, હવે, મારી આંખો મને ખોલવા દે નિખાલસ. તને પણ ભૂખ લાગી હશે. તું કહે છે ને કે તને ઢોકળાં અને ચટણી બહુ ભાવે છે. લે ડબ્બો ખોલ. આ અનુરાગ અન્કલને પણ તારી સાથે નાસ્તામાં ભાગીદાર બનાવ.' દાદીમાએ કહ્યું.

એટલામાં પૂજારી અનુરાગની પત્ની સ્તુતિ ત્યાં આવી પહોંચી. અનુરાગ ઢોકળાંનો ટુકડો મોંમા મૂકવા જતો હતો, ત્યાં સ્તુતિએ કહ્યું : 'હવે રહેવા દો, આ ફૂલ જેવા દીકરાના નાસ્તામાં ભાગ ન પડાવાય. ઉભા રહો. તમારે ત્રણેય માટે આજે આપણે ત્યાં કરાએલી સત્યાનારાયણની કથાનો શીરો લઇ આવું. આ વૃધ્ધ દાદીમા પ્રસાદ આરોગશે તો ભગવાન વિષ્ણુ પણ ખુશ થશે.

સ્તુતિ અનિમેષ નયને નિખાલસ તરફ તાકી રહી હતી. શીરો લેવા જવાની ઉતાવળ હોવા છતાં એની નજર નિખાલસ પર ખોડાએલી હતી. નિખાલસ પણ રાબેતા મુજબ પ્રત્યેક નારીમાં પોતાની મમ્મીને શોધ્યા કરતો, તેમ અનુરાગ અંકલના પત્ની સ્તુતિને પણ લાગણીભરી નજરે નીરખી રહ્યો હતો. સ્તુતિ પણ મન કઠણ કરીને પાછળ આવેલા પોતાના પુજારી નિવાસે ગઇ અને ઝડપભેર શીરા સાથે પાછી ફરી. ત્રણ પડિયામાં લાવેલો પ્રસાદ એણે દાદીમા, નિખાલસ અને પતિ અનુરાગને હરખભેર આપ્યો.

'આન્ટી, તમે મને પ્રસાદ આપ્યો તો તમારે મારા માટે દાદીમાએ બનાવેલાં ઢોકળાં ચાખવા જ પડશે. દાદીમા મને ગમતી વાનગી જાતે જ બનાવે છે, આંખે બરાબર દેખાતું નથી તો પણ હું કહું છું કે ભગવાનને ઘેર ગયેલી મમ્મીને તેડી લાવો પણ મારી વાત દાદીમા સાંભળતા જ નથી. આન્ટી, શાળામાં વેકેશન શરૂ થાય એટલે તમે મારી સાથે આવશો ? આપણે બન્ને મારી મમ્મીને તેડવા ભગવાનને ઘેર જઇશું એટલે મમ્મી આપણે સાથે પાછી આવશે.. પછી, દાદીમા હું અને મમ્મી તમને કશું જ કામ નહીં કરવા દઇએ.' કહેતા નિખાલસ દાદીમાની કોટે ફરી વળગી પડયો.

સ્તુતિ નિખાલસનો મમ્મી પ્રત્યેનો માનસિક લગાવ જોઇ ગળગળી થઇ ગઇ, પરંતુ પોતે રડશે તો નિખાલસ રડવાનું કારણ પૂછશે, એમ માની ચૂપ રહી. નિખાલસ અને અનુરાગે ઢોકળાં અને પ્રસાદ આરોગ્યા. સ્તુતિએ પણ ઢોકળાં ચાખ્યાં. ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળાં હતા. દાદીમા પણ સ્તુતિએ બનાવેલા પ્રસાદની પ્રશંસા કરતાં થાકતાં નહોતાં. રસોઇમા ભક્તિભાવ ભળેે ત્યારે મીઠાશ આપોઆપ પ્રગટતી હોય છે. એ વાત દાદીમા સમજતાં હતાં.

નિખાલસની રિસેસ પૂરી થવાનો ઘંટ વાગ્યો એટલે નિખાલસ સ્કૂલે પહોંચવા દોડવા લાગ્યો. એના ગયા પછી સ્તુતિએ કહ્યું : 'દાદીમા, માણસની સેવા ભગવાનની સેવા કરતાં જુદી નથી. આપ આ ઉંમરે નિખાલસ માટે નાસ્તો બનાવવાનું કસ્ટ ઊઠાવો છો. તેમાંથી અમારે તમને મુક્ત કરવાં છે. નિખાલસ પ્રત્યેના વાત્સલ્યને કારણે તમે એને સ્કૂલે મૂકવા ભલે આવો, આ મંદિર અને મારૃં ઘર તમારૃં જ છે. એમ માની પૂજાપાઠ અને આરામ માટે મારા ઘરનો ઉપયોગ કરવામાં સંકોચ ન રાખશો. કાલથી નિખાલસના નાસ્તાની જવાબદારી મારી દાદીમા, હું પણ એક મા છું. માતા વિહોણા દીકરાનું મન માતા માટે કેટલું તડપતું હોય છે, એની વેદનાની હું કલ્પના કરી શકું છે. દીકરો ગમે તે માતાનો હોય, પરંતુ એને ઠારવાની જવાબદારી નારી માત્રની છે. દાદીમા મારા સમ, મને આપની અને નિખાલસની સેવાથી વંચિત ન રાખશો.'

અને દાદીમાએ સ્તુતિનું મસ્તક સુંઘી તેને આશીર્વાદ આપ્યા. અનુરાગે પણ દાદીમાનો ચરણસ્પર્શ કર્યો અને આગ્રહ કરીને પોતાને ઘેર લઇ ગયો. શાળા છૂટતાં જ અનુરાગ નિખાલસને પોતાને ઘેર લઇ આવ્યો. દાદીમા અને નિખાલસને જમાડયાં અને પોતાની મોટરબાઇક પર એ બન્નેને ઘેર પહોંચાડયાં. ત્યારથી અનુરાગ અને સ્તુતિ સાથે દાદીમા અને નિખાલસનો એક નવો સંબંધ શરૂ થયો. પરાયાપણાની દીવાલો જમીનદોસ્ત થઇ ગઇ અને લાગણીનો કિલ્લો મજબૂત બન્યો. હવે વારે તહેવારે અનુરાગ દાદીમા અને નિખાલસને પોતાને ઘેર તેડી લાવતો અને ઉમળકાભેર આગતા-સ્વાગતા કરતો.

તે દિવસે રામનવમી હતી. મંદિરમાં શ્રીરામલલાના જન્મોત્સવનો કાર્યક્રમ હતો. દાદીમા અને નિખાલસ સવારે ૯ વાગે આવવાનાં હતા. પણ અગિયાર વાગવા આવ્યા છતાં દાદીમાં આવ્યાં નહીં. એટલે અનુરાગે સ્તુતિને દાદીમા તથા નિખાલસને તેડી લાવવા તેને ઘેર મોકલી.

દાદીમાના ઘરનું વાતાવરણ જોઇ સ્તુતિ હેબતાઇ ગઇ. ડોક્ટર હાજર હતા. દાદીમાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા. સ્તુતિ દોડીને તેમની પાસે ગઇ. દાદીમાની નજર સ્તુતિ પર પડી અને એમણે છેલ્લો શ્વાસ લઇ સ્વર્ગલોક માટે પ્રયાણ કર્યું.

ફરી નિખાલસના સાથે અનાથપણાનો અભિશાપ ઊતર્યો. અનુરાગે દાદીમાની મરણોત્તર વિધિ અને ફરજો અદા કરી. નિખાલસને પોતાની સાથે પોતાને ઘેર લઇ ગયો. સ્તુતિ પણ નિખાલસને સગા પુત્રથીયે અધિક લાગણીથી ચાહતી હતી.

નિખાલસ સ્તુતિના ખોળામાં માથું મુકીને સૂતો હતો. દાદીમા ક્યાંય દેખાતાં ન હોતાં. એટલે એણે સ્તુતિને પૂછ્યું : 'આન્ટી, દાદીમા ક્યાંય દેખાતાં નથી. મમ્મીની જેમ તેઓ પણ શું ભગવાનને ઘેર ગયાં હશે ? સ્કૂલમાં વેકેશન પડે ને એટલે આપણે બન્ને ભગવાનને ઘેર જઇ દાદીમા અને મમ્મીને તેડી લાવીશું ? મારી સાથે આવશો ને ?'

'બેટા નિખાલસ, એ બધું પછી પણ મારી એક વાત માનીશ તું ? તારે આજથી મને આન્ટી નહીં 'મમ્મી' કહેવાનું ભગવાને મને મમ્મી શબ્દ સાંભળવા માટે તારા જેવો દીકરો આપ્યો નથી.' હવે તું જ મારો દીકરો. અનુરાગે નિખાલસને ખોળામાં બેસાડી ચૂમીઓનો વરસાદ વરસાવ્યો. સ્તુતિ એ બન્ને પર પુષ્પવૃષ્ટિ કરતી બોલતી હતી : 'રામલલ્લાનો જય'


Google NewsGoogle News