ભારતીયો કોને પસંદ કરે કમલા હેરીસને કે ટ્રમ્પને
- કમલા હેરિસ ભારતીયોનું દિલ જીતવા પોતે ઢોંસા બનાવતા હોય તેવી વિડિયો પણ મૂકી ચૂક્યા છે
- કમલા હેરિસ પોતાને મૂળ ભારતીય કરતા અશ્વેત અમેરિકન તરીકે ઓળખાવવું વધુ પસંદ કરે છે : કમલા હેરિસ ભારત વિરોધી છે તેવી પણ તેમની ઈમેજ છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
બા ઈડેનના સ્થાને કમલા હેરીસ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર બનશે તે હવે નિશ્ચિત છે. વૃદ્ધ વય હોવાને કારણે નહીં પણ વૃદ્ધત્વની અસર જાહેરમાં જ દેખા દેતા તેમણે નામ પાછું ખેંચી લેવું પડયું હતું. એમ તો ટ્રમ્પ પણ ૭૮ વર્ષની વયના છે. નવાઈ એ લાગે કે અમેરિકા જેવા દેશમાં આટલા વર્ષોમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જાણીતા ચહેરા પણ નથી. કમલા હેરિસનું નામ ચર્ચાતા જ ડેમોક્રેટિક પક્ષનો ગબડેલો ગ્રાફ ઠીક ઠીક ઊંચો આવ્યો છે અને ટ્રમ્પ પોતે પણ બેક ફૂટ પર આવી ગયા હોય તેમ લાગે છે. બાઇડેન પર બોડીલાઈન બોલિંગ કરવી આસાન અને હાંસી સાથે મનોરંજન પણ આપતી હતી.
કમલા હેરિસનું પ્રમુખ તરીકે નામ ઉછળતા ફરી ભારતમાં અને અમેરિકામાં વસતા ભારતીયો રાબેતા મુજબ 'બેગાની શાદીમેં અબ્દુલા દિવાના'નો સૂર છેડીને બાવડા ફૂલાવવા માંડયા છે. તમિલ માતા અને વેસ્ટ ઇન્ડીઝના જમૈકાના પિતાની પુત્રી કમલા હેરિસ અમેરિકાનાં કેલીફોર્નીયાનાં ઓકલેન્ડમા જન્મ્યા છે. તે જ રાજ્યના એટોર્ની જનરલ બનીને તેણે નારી જગતને ગૌરવ અપાવ્યુ તેમ જરૂર કહી શકાય. અમેરિકામાં વસતા ૧૨ લાખ ભારતીયોના મત ડેમોક્રેટસ તરફ કરવાં પોતે ઢોંસો બનાવતા, માણતા હોય તેને થ્રોબેક પિક્ચર કે વિડીયો તરીકે મુકવા માંડયા છે તેમના માતાના આગ્રહને કારણે ભારતમાં વસતા તેના નાનીને મળવા માતા સાથે દોઢ બે વર્ષે એકાદ વખત ઉડતી મુલાકાતે ભારત આવી જાય છે. તેમનો ઉછેર અમેરિકામાં અશ્વેતોની વચ્ચે થયો છે. તે પોતાની જાતને અમેરિકન અશ્વેત તરીકે વધુ જુએ છે. અમેરિકનો પણ કમલાને મૂળ ભારતીય કે એશિયન કરતા અમેરિકન અશ્વેત તરીકે જ જુએ છે અને મૂલવે છે.
કમલા હેરીસ ભારતીય છે એટલે તેને ભારતીયોના મત મળશે તેવી ગણતરી કદાચ આગળ જતાં ઉંધી વળી જાય તેવું વાતાવરણ સર્જાય તો પણ નવાઈ નહીં લાગે. અમેરિકા અને છેક ભારત સુધી સોશિયલ મીડિયામાં કમલા હેરીસ ભારત વિરોધી છે અને ડેમોક્રેટિક પાર્ટી ચૂંટાઈ આવશે તો ભારત માટે અનર્થ સર્જાશે તેવી પોસ્ટ અને વિડીયો કલીપિંગ્સ ચાર વર્ષ પહેલાંની ચુંટણી વખતે પણ વાયરલ બની હતી. ટ્રમ્પનું પ્રચાર તંત્ર કમલા હેરિસ એશિયન વિરોધી છે તેવો પ્રચાર કરવામાં કોઈ કસર નહીં છોડે.મોદીના અમેરિકામાં વસતા સમર્થકો પણ આવો ભય સેવે છે.
કમલા હેરીસે અમેરિકાની ટીવી ચર્ચામાં મોદીની બીજી ટર્મ વખતે સરકારની નીતિઓની ભારે ટીકા કરી છે. કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવવાનાં અને નાગરિક સુધારા બિલનો તેણે વિરોધ કર્યો હતો. ડેમોક્રેટિક પક્ષનો સૂર એવો રહ્યો છે કે કાશ્મીરમાં લોકશાહી નથી પ્રવર્તતી. તેઓએ કાશ્મીરીઓને અને પાકિસ્તાનને એટલે સુધી વચન આપી દીધું છે કે 'તમે ક્યારેય એવું ન માનતા કે તમે એકલા છો, અમે તમારી સાથે છીએ.' અમેરિકાના રાજદૂતો ભારતમાં કાશ્મીરના નાગરિકોની પીડા બદલ સહાનુભૂતિ જ મીડિયા મિટિંગમાં વ્યક્ત કરતા હોય છે. ભારત રશિયા જોડે સબંધ રાખે છે તેને લીધે તેઓની પેટમાં ચુંક આવે છે. મોદી અને ટ્રમ્પની પરસ્પર આગતા સ્વાગતા ડેમોક્રેટિક પક્ષ જોઈ ચૂક્યું છે.
થોડા વર્ષો પહેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે તો અમેરિકામાં યોજાયેલી એક વૈશ્વિક મીટીંગનો બહિષ્કાર એટલે કર્યો હતો કે તેમાં કમલા હેરીસની સાથે કામ કરતી અને કાશ્મીરીઓની તરફદાર પ્રતિનિધિ ભાગ લેવાની હતી. હેરીસના ભારતની વર્તમાન સરકાર વિરોધી તમામ નિવેદનો અને મંતવ્યો રેકોર્ડેડ છે એટલે તે અમેરિકામાં વસતા ભારતીયોનું દિલ જીતવા નાટક કરે તો પણ ભારતીયોને અને મોદી સરકારને તેનો પ્રભાવ નહીં જ પડે. કમલા હેરીસ એટલે સુધી કહી ચૂક્યા છે કે 'હું ભારતને ખુબ ચાહું છું. ભારત વિરોધી નથી પણ ભારતની સરકાર જોડે મને કેટલાક વૈચારિક મતભેદ છે.' જ્યારે ટ્રમ્પ એક ટર્મ માટે ચુંટાયા હતા ત્યારે ભારતીયોને તેના તરફી રિઝવવા તેના પ્રચારની વિડીયોમાં તેની અને મોદી વચ્ચેની મિત્રતા અને અમદાવાદમાં યોજાયેલ 'વેલકમ ટ્રમ્પ' કાર્યક્રમના દ્રશ્યો સામેલ કરી ભારતીયોની તાળીઓ મેળવતા હતા પણ હવે ટ્રમ્પ મોદીના નામનો તે હદે ઉપયોગ નહીં કરી શકે કેમ કે મોદીનો જાદુ થોડો ઓસર્યો છે. આ જ કારણે ટ્રમ્પ એચ વન બી વિઝા ધારકોને કોઈ યોજના ઊભી કરીને ગ્રીન કાર્ડ આપવાની મોહજળ ફેંકી રહ્યા છે. ટ્રમ્પ એવું કહેવા માંડયા છે કે જેઓ અમેરિકાના વિકાસમાં પ્રદાન આપવા માંગે છે તેવા બૌધ્ધિકો અને ટેકનોક્રેટ્સ માટે તેઓ ભારે આદર ધરાવે છે. તેમને માટે અમેરિકા લાલ જાજમ બિછાવશે.
આમ છતાં એવું થશે જ કે કમલા હેરિસને જે ભારતીયોના મત મળશે તે તેમનું ભારતીય મૂળ હોઈ તેનાથી આકર્ષાઈને અપાયા હશે અને જે ભારતીયો કમલા હેરીસને મત નહીં આપે તેઓ મોદીના સમર્થકો, કાશ્મીર અને નાગરિક ધારામાં જે પણ નિર્ણયો લેવાયા છે તેને સમર્થન આપનારા હશે.
અમેરીકામાં ભારતીયોને છેલ્લા ચાર વર્ષમાં એ પણ ખબર પડી ગઈ છે કે બાઇડેન પાકિસ્તાનન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. ચીન જોડે પણ સંધી કરીને બેસી જઈ શકે છે. કોરોના પછી ચીન પર કોઈ કડક પગલાં પણ નથી લીધા. હેરીસને ભારતીયોના મત મેળવાનું કાર્ડ કારગત નહીં નીવડે તેમ અત્યારે તો લાગે છે.
ટ્રમ્પ ચીન સામે ભારતને ખુલ્લેઆમ સંરક્ષણ વ્યવસ્થા ગોઠવીને પણ ટેકો જાહેર કરે છે કે કોઈની શેહ રાખ્યા વગર ચીનને ભીંસમાં લે છે તે અમેરિકા અને ભારત માટે પણ અનિવાર્ય અને ફાયદાકારક છે. ચીન, પેલેસ્ટાઇન,રશિયા, તાલિબાનો પર તવાઈ લાવી શકે છે.
ભારતે 'ટિક ટોક' પર પ્રતિબંધ જાહેર કર્યો તો ભારતનું જ ઉદાહરણ આપી ટ્રમ્પે પણ તેમ જ કર્યું હતું. ચીનના દુતાવાસને જ ખાલી કરાવી દેવા જેવા ઐતિહાસિક પગલા ટ્રમ્પ જ લઇ શકે. જો કે અમેરિકાની ચુંટણીમાં ભારતીયોના મત એ હદે નિર્ણાયક ભૂમિકા ભજવતા જ નથી. કમલા હેરીસ કંઈ ભારતીય છે એટલે નહીં પણ અમેરિકામાં તેની ઓળખ અશ્વેત અને તેમના સમુદાયના હિતોના રક્ષણ કરનાર તરીકે જોવાય છે તેટલે ડેમોક્રેટિક પક્ષે તેમને પસંદ કર્યા છે. પર્યાવરણની દંભી વૈશ્વિક નીતિઓને તે ઉઘાડી પાડી ચૂકયા છે. અમેરિકામાં ૧૮ લાખ ભારતીયો મત આપશે.તેની સામે અશ્વેતો અમેરિકાની કુલ વસ્તીના ૧૩.૫ ટકા જેટલા એટલે કે ચાર કરોડ છે. તેમના અઢી કરોડ મતદારોમાંથી અશ્વેતો ૬૦ ટકા સરેરાશ મતદાન કરતા હોય છે. આ વખતે રેકોર્ડ મતદાન અશ્વેતો ટ્રમ્પ વિરોધી કરવાના છે તેમ અત્યારથી જ આંકડા આવે છે. કમલા હેરિસની ભારત વિરોધી છે તેવી હવા જામી છે પણ ભારત સિવાયના એશીયાઇ દેશોના અમેરિકામાં વસતા મતદારોને. તેનો સામે કંઈ વાધો નથી.
એવી પણ શંકા નકારી ન શકાય કે ચીનને ટ્રમ્પ આંખના કણાંની જેમ ખૂંચે છે. ટ્રમ્પ ફરી સત્તા પર આવે તો ચીનમાં જિનપિંગ સરકાર પણ આગળ જતા ઉથલી શકે તેવો ભય છે. ભારત પણ મજબુત બને. ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવા ચીન જ સીધી કે આડકતરી અનૈતિક રીતરસમો અજમાવીને મદદ કરે.
અમેરિકાના મહત્તમ નાગરિકો ટ્રમ્પની ગુંડા છાપ ઇમેજથી ખુશ ન હોય તેમ લાગે છે. જેનો કમલા હેરિસને સીધો ફાયદો થઈ શકે તેમ છે. હા, બાઈડેન હોત તો ટ્રમ્પને ફાયદો થાય તેમ હતું પણ હવે સ્વિંગ જોઈ શકાય છે.
કમલા હેરીસ ભારતીય છે એટલે નહીં પણ અશ્વેત તરીકે જોવાય છે અને એશિયન હોઈ તેને બંને બ્લોકના વોટ મળશે. અમેરિકાના ૬૦ ટકા મતદારો હેરીસની પસંદને ગુણવત્તાસભર માને છે. ટ્રમ્પ પાસે માત્ર કટ્ટરપંથી ગોરાઓની વોટ બેંક હોય તેમ લાગે છે. ખેર ,હજુ તો ચુંટણીને કેટલાક મહિનાઓ બાકી છે પણ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેની ઓપન ડીબેટ રસપ્રદ બનશે. કમલા હેરિસ કાયદા શાખાના નિષ્ણાત હોઇ પ્રેઝન્ટેશન અને તર્કબધ્ધ દલીલોમાં પાવરધા છે. ટ્રમ્પના હાલ કોર્ટના પિંજરામાં ઊભા હોય તેવા પણ હાલ કરી દેવા માટે પણ તેઓ સમર્થ છે. ભારતે મજબૂત ઈરાદો બતાવવાનો છે કે કમલા હેરિસ ભારત વિરોધી હોય તો પણ... વ્હુ કેર્સ