પ્રતિષ્ઠિત ગણાતી પી.એચ.ડી. ડિગ્રીનું આજકાલ કોઈ મૂલ્ય નથી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
પ્રતિષ્ઠિત ગણાતી પી.એચ.ડી. ડિગ્રીનું આજકાલ કોઈ મૂલ્ય નથી 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- થોડાં વર્ષ અગાઉ યુજીસીએ ધારો ઘડયો હતો કે લેક્ચરરના હોદ્દા પરથી પ્રમોશન મેળવી રિડર થવા માટે પીએચ.ડી આવશ્યક છે

જ નમાનસમાં પીએચ.ડી એટલે શિક્ષણજગત સાથે સંકળાયેલી એક કઠિન ઉપાધિ. ગમે તેમ એક એવી છાપ પ્રચલિત થઈ ગઈ છે કે પીએચ.ડી એટલે ચશ્માંધારી અભ્યાસુ. પછી ભલેને ડૉક્ટરેટ ધાતુશાસ્ત્ર અથવા ઇલેકટ્રોનિક્સ અથવા સમુદ્રવિષયક, ન્યુક્લિયર એન્જિનિયરિંગ અથવા કૉમ્પ્યુટર હાર્ડવેર પર કરવામાં આવી હોય. ડૉક્ટરેટ કરવા માટે ત્રણથી પાંચ વર્ષનો સમય લાગે છે. જો કે ઘણાને બાદમાં વાસ્તવભાન થાય છે કે આ ડિગ્રી નોકરી માટેનો મેડિકલ ડિગ્રી જેવો પાસપોર્ટ નથી. આ દેશમાં આજે ૨,૦૨,૫૫૦ ડૉક્ટરેટ્સ ઊભરાય છે.  ભારતમાં દર વર્ષે ૨૦,૦૦૦ પીએચડી સ્કોલર્સ તૈયાર થાય છે. શું પીએચ.ડી માટે નામ લખાવનારા બધાને આ ડિગ્રી મળી જાય છે? જે લોકો આ ડિગ્રી મેળવવામાં સફળ થઈ જાય છે તેમાંના કેટલાં તેમના ડિગ્રીના અભ્યાસના ક્ષેત્રમાં નોકરી મેળવી શકે છે? આટલી મોટી સંખ્યામાં કામ વગર ભટકતાં ડૉક્ટરેટ્સ વિશે વિચારવા સઘન વિશ્લેષણ કરવું પડે. આપણી શિક્ષણવ્યવસ્થાનો જ આમાં દોષ છે જે આટલા બધા ડૉક્ટરેટ્સ પેદા કરે છે, પણ તેમને બેકાર રાખે છે.

હમણીં 'નીટ'ને મામલે તેમ જ પેપરલીક થવાને કારણે શિક્ષણક્ષેત્રે પ્રવર્તતા ગંદવાડને પગલે હવે પીએચડી બાબતે પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

ભારતમાં હ્યુમિનિટિઝ (માનવ સંસ્કૃતિ વિષયક વિદ્યા શાખાઓ)ના પીએચ.ડી ધારકો મોટા ભાગે કૉલેજ અથવા યુનિવર્સિટીમાં  પ્રોફેસર  બને છે. વિજ્ઞાન શાખાઓમાં આપણે વિલક્ષણ વલણ અપનાવ્યું છે. મોટા ભાગના પીએચ.ડીના વિષય માટે સૈદ્ધાંતિક વિજ્ઞાનના વિષયો પસંદ કરે છે, પણ ડૉક્ટરેટ મળ્યા પછી તેઓ જે ક્ષેત્રમાં તાલીમ મેળવે  છે તે ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ બનવાને બદલે જનરલ પ્રેક્ટિશનર બની જાય છે.

ભૌતિકશાસ્ત્રમાં પીએચડી ધરાવનાર વહીવટી અધિકારી તરીકે કે પીએચ.ડી ધરાવતો આઇપીએસ ઑફિસર જાહેર સંપર્ક અધિકારી તરીકે કામ કરતો હોય તે સામાન્ય બાબત છે. મોટા ભાગના આ માટે સરળ સમજૂતી આપે છે કે તેમના વિષય સંબંધી ક્ષેત્રમાં તેમને કામ ન મળતા તેમણે સમાધાન કરી લેવું પડયું છે.

આ દેશમાં અડધા કરતાં વધારે ડૉક્ટરેટ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં રોજગારી મેળવે છે ત્યાર બાદ લેબોરેટરી જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓનો ક્રમ આવે છે, જેમાં ૪૦ ટકા પીએચ.ડી ધારકોને કામ મળે છે. ભારતમાં પીએચડી હોલ્ડરનું સરેરાશ વેતન ૨૪ લાખ રૂપિયાની આસપાસ હોય છે. જ્યારે એક અનુભવી આઇટી પ્રોફેશનલની વાર્ષિક સેલરી ૪૦ લાખ રૂપિયા હોય છે.

થોડાં વર્ષ અગાઉ યુજીસીએ ધારો ઘડયો હતો કે લેક્ચરરના હોદ્દા પરથી પ્રમોશન મેળવી રિડર થવા માટે પીએચ.ડી આવશ્યક છે. આ યોજનાનો દુરુપયોગ થતો હોવાનું જણાતાં આ યોજના પાછી ખેંચી લેવાઈ હતી. શિક્ષણ વ્યવસ્થામાં મોટા પાયે ક્ષતિઓ હોવાથી શૈક્ષણિક લાયકાતમાં કોઈ નોંધપાત્ર સુધારો થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં ડિગ્રીઓ અપાઈ જાય છે. સદ્ભાગ્યે ટેક્નોલોજી અને ઈજનેરી વિભાગોમાં આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો.

પ્રોફેસર જે. બી. એસ. હલદણેના જણાવ્યા મુજબ વિજ્ઞાનવિષયક વિષયોમાં ભારતીયો મોટા ભાગે થિયોરિટિકલ કામ પસંદ કરે છે. એ નોંધવું રસપ્રદ છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેક્નોલોજી જે એન્જિનિયરિંગ સ્પેશિયલિસ્ટો પેદા કરવા સ્થાપવામાં આવી હતી તે એન્જિનિયરિંગ કરતાં વધારે ડૉક્ટરેટ્સ વિજ્ઞાનના વિષયોમાં પેદા કરે છે. વાસ્તવમાં આ ઇન્સ્ટિટયૂટ યુનિવર્સિટીઓ કરતાં વધારે ડૉક્ટરેટ્સ પેદા કરે છે.

સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં દર્શાવાયું છે કે ૯૦ ટકા ડૉક્ટરેટ્સ સંસ્થાકીય અથવા જનરલ સર્વિસ સેક્ટરમાં કાર્ય કરે છે અને ૧૦ ટકા ઉત્પાદક (ઇન્ડસ્ટ્રિયલ) ક્ષેત્રમાં કાર્ય કરે છે. આ બાબત કોઈને પણ વિચાર કરવા તરફ દોરી જાય કે છેવટે પીએચ.ડી શાને માટે? મોભા, કામ કે ઉત્પાદક કાર્ય માટે.

છેલ્લા ચાર દાયકાથી વધારે સમય બાદ આપણા દ્રષ્ટિકોણમાં વિરાટ પરિવર્તન આવી ગયું છે. દાખલા તરીકે લગ્ન પહેલાં નોકરીને મળવા માંડેલી અગ્રતાને જ લો. સનદી સેવાઓ  અને સશસ્ત્ર દળો એક સમયે નોકરી માટે શ્રેષ્ઠ ગણાતાં હતાં, પણ હવે તેમનુંય સ્થાન દસમું કે અગિયારમું થઈ ગયું છે.

આજે પીએચ.ડી કરતાં એમ.ટેક. વીથ એમબીએની બોલબાલા વધારે છે. આ બેવડી ડિગ્રી ધરાવનારાઓ લેબોરેટરીમાં બેઠાડું કામ કરવાને બદલે મેનેજમેન્ટની સત્તાની સીડી ચડવાનું વધારે પસંદ કરે છે.

ભારતમાં યુનિવર્સિટીઓ એકબીજા સાથે સંપર્ક રાખતી નથી તેમ છતાં આપણી પાસે એક સર્વોચ્ચ તંત્ર છે જેને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન નામે ઓળખવામાં આવે છે.

સંશોધન માટે જે વર્તમાન વ્યવસ્થા હેઠળ કામ કરીને ડૉક્ટરેટ મેળવાય છે તે વ્યવસ્થામાં જ ઘણી ખામીઓ છે. પશ્ચિમમાં યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાથી જ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે કડક પસંદગીનાં ધોરણો અપનાવાય છે જે પીએચ.ડી સ્તરે પણ ચાલુ રહે છે.

પીએચ.ડી સ્તર પછી પણ અન્ય ડિગ્રીઓ હોય છે જે તે વિદ્વાનો દ્વારા તેમના સ્પેશિયલાઇઝ્ડ વિષયમાં કરેલા કાયમી પ્રદાનને આધારે અપાય છે. સામાન્યપણે આ બાબત વધુ જાણીતી નથી. વિદ્વાનોએ લખેલાં સંશોધન વિષયક પેપર્સ અને પુસ્તકોના આધારે અપાતી ડિગ્રીઓમાં ડી.લિટ અથવા ડી. એસસી અથવા એલએલડીનો સમાવેશ થાય છે જે ભાગ્યે જ અપાય છે. ભારતીય યુનિવર્સિટીઓએ પણ મોડે મોડે આ ડિગ્રીઓ લગભગ પીએચ.ડીની જેમ આપવાની શરૂઆત કરી છે.

હવે આપણે પી.એચ.ડી. મેળવવામાં વિદ્યાર્થી દ્વારા  કેવા ખેલ  ખેલાય છે. તે જોઈએ. પી.એચ.ડી. કરનારા ગ્રેજ્યુએટ દ્વારા  સંશોધનને નામે બહુધા મોટાં ધતિંગો ચાલે છે. ઘણી વાર તો સંશોધનને નામે લોકોની આંખોમાં ધૂળ નાખવામાં આવે છે. આપણી યુનિવસટીઓમાં પીએચ. ડી.ની જે ડિગ્રીઓ આપવામાં આવે છે તેમાંથી ઘણી ડિગ્રીઓ તો ધૂળધોયાનું કે તફડંચીકાર્ય કરનારનું ગતકડું હોય છે. કોલેજોમાં ઊંચી નોકરીઓ માટે હવે પીએચ.ડી.ની ઉપાધિ હોવી તે ફરજિયાત ગણાય છે. એટલે એકદમ સબ-સ્ટેન્ડર્ડ માલ બનાવવાનાં કારખાનાં રાતદિવસ ધમધમે છે. 

તૈયાર થિસિસો ગરમા ગરમ ભજીયાંની જેમ ગલીએ ગલીએ વેચાતી મળે છે. આવા મહાનિબંધોમાંથી સ્કોલરશિપ શોધવી એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું મહા ભગીરથ કાર્ય ગણાય. આજે તો પીએચ.ડી. એટલે એસએસસીની પરીક્ષામાં થતા ચીટિંગનું એક્સટેન્સન. ભારતીય રિસર્ચની ઊણપો અને ક્ષતિઓ ઓછી હોય તેમ હમણાં હમણાં રિસર્ચના વિદ્યાર્થીઓએ એવી નવી બૂમ પાડવા માંડી છે કે અમારા ગાઇડ્ઝ અમારું શોષણ કરે છે. મદ્રાસ યુનિવસટીમાં હમણાં રિસર્ચના અનેક વિદ્યાર્થીઓએ એવી ફરિયાદ કરી છે કે અમારા ગાઇડ તો અમને મળતી ફેલોશિપમાંથી ૫૦ ટકા નાણાં ટેબલ તળે લઇ લે છે. એક જમાનામાં મદ્રાસ યુનિવસટીના નામના સિક્કા પડતા હતા. ધીરે ધીરે બધું સડી ગયું અને બધી જણસોની જેમ રિસર્ચનું પણ નિર્ભેળપણે વેપારીકરણ થઈ ગયું.

મદ્રાસ યુનિવસટીમાં એક અનુસ્નાતક વિદ્યાર્થીને વાષક ૩૦,૦૦૦ રૂપિયાની ફેલોશિપ મળતી હોય તો તેનો ગાઇડ ૧૨થી ૧૫ હજાર રૂપિયા ટેબલ તળે લઇ લે છે. આ ઉપરાંત કેટલાક અધ્યાપકો તો પોતાના રિસર્ચ સ્ટુડન્ટની ૭૫૦૦ રૂપિયાની કોન્ટિનજ્નસી  ગ્રાન્ટ પણ ઓહિયાં કરી જાય છે. જેમ પ્રિન્સિપલો વિદ્યાર્થી પાસેથી કોલેજપ્રવેશ માટે પાઘડી લે છે, જેમ તબીબી કે ઇજનેરી કે બી.એડ.ની કાલેજોને કપિટેશન ફી નામની પાઘડી લે છે તેમ અનેક માન્યતા પ્રાપ્ત ગાઇડ્ઝ પોતાના રિસર્ચના વિદ્યાર્થી પાસેથી આગોતરી દક્ષિણા મેળવી લે છે. એક સ્કોલરને રિસર્ચ સ્ટુડન્ટ તરીકે એનરોલ કરવાની ફી ૧૦ હજાર રૂપિયા બોલાય છે. આ જ ગાઇડ પાછો પેલા સ્કાલરની થિસિસને ક્લિયર કરવા માટે મોટી લાંચ લે એમાં શી નવાઇ?  બાય ધ વે,  એક રિસર્ચ સુપરવાઇઝર એક સાથે ચાર થી વધુ વિદ્યાર્થીના ગાઇડ તરીકેની સેવા આપી શકતો નથી.

મદ્રાસ યુનિવસટીની સેનેટે થોડા વર્ષ પૂર્વે તફડાવાયેલી થિસિસો વિશે એકદમ વિગતે છણાવટ કરી હતી અને ઘાલમેલિયા અધ્યાપકોને વાનગ આપી હતી. આજે તો ટેલન્ટ અને પ્રતિભાનું બ્રેઇન-ડ્રેઇન થઇ જાય છે. જગદીંશ ચંદ્ર બોઝ અને સી. વી. રામન જેવા સ્કાલરો આજે વિરલ છે. જવાહરલાલ નેહરુ યુનિવસટીએ કરેલી એક મોજણીમાં એમ બહાર આવ્યું હતું કે માત્ર ૪૦ ટકા ગાઇડ જ પોતાના સ્કાલરોની રિસર્ચમાં રસ લે છે. બાકીના ગાઇડ્ઝને તો પોતાનો વિદ્યાર્થી  શી રિસર્ચ કરે છે તેનુંય ભાન નથી હોતું. એ જ મોજણીમાં જવાહરલાલ નેહરુ યુનિવસટીને ખબર  પડી હતી કે ૧૦૦માંથી ૯૮ રિસર્ચો  તો એકદમ ઈરેલેવન્ટ (અપ્રસ્તુત) હોય છે,  એટલે જ થોડા સમય પૂર્વે  વર્લ્ડ બન્કે ઇન્ડિયન રિસર્ચની ગુણવત્તા વિશે પ્રતિકૂળ ટિપ્પણી કરી છે.

અહીં એક નોંધાવા લાયક વાત એ છે કે છેલ્લાં બે વર્ષથી તામિલનાડુ રાજ્યમાંથી સૌથી વધુ ડોકટરેટ (પીએચડી) બન્યા છે.

પાયાનો પ્રશ્ન એ છે કે સામાન્ય બુદ્ધિમત્તા ધરાવતો માણસને પીએચ.ડી કરવા માટે પરવાનગી આપવી જોઈએ. ઉપર ઉપરથી જોતાં તો નિયમોનું આખું માળખું છે, પણ તેને સરળતાથી ટાળી શકાય છે. શા માટે અન્ય દેશોની જેમ પીએચ.ડીને મર્યાદિત કરી અને તે કરનારને રોજી મળે તેવી વ્યવસ્થા કરવાની અને તેની પ્રમાણિત ગુણવત્તા જાળવી રાખવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી? ડિગ્રીનું મૂલ્ય સુધારવા અને તે એક જમાનામાં ધરાવતી હતી તેવી મહત્તા તેને પાછી આપવી જોઈએ અને આપણી શૈક્ષણિક વ્યવસ્થા સુધારવી જોઈએ.


Google NewsGoogle News