ઈન્દ્રધનુના ચાપ ઉપરનાં નૃત્યો : શ્રાવણ
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- પૃથ્વીમાં પ્રજનન થાય, નદી, ઝરણાં યૌવન પ્રાપ્ત કરે. ડુંગરા ડોલે, સાગર હરખાય, પર્વતો પીગળે અને સરોવરો છલકાય એટલે સમજી લેવાનું શ્રાવણ છે.
ધ રતીની અભીપ્સા અને આકાશની કૃપાની ક્ષણો ચોમાસાના સદ્ભાગ્યમાં હોય છે. શ્રાવણ વધારે કૃપાપાત્ર મહિનો છે. કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર અવતરવા શ્રાવણ ઉપર કળશ ઢોળ્યો છે, ગામડે જાઓ તો શિવ મંદિરોમાં નમ: શિવાયના મંત્રો અને બિલીપત્રોનો ઢગ સાંભળવા અને નિહાળવા મળે વૃક્ષો પણ શાંત ઊભાં હોય. ખેતરમાં શાંત પડેલી વનરાજી લ્હેરાતી હોય, ઉમંગનો રંગ ઊઘડે છે. ધરતી પોતાનું હૃદય ખોલીને પેલે પારનું તાકીને ઊભી છે સૌથી વધારે મેળાનાં પર્વો શ્રાવણના ભાગ્યમાં છે. મેળો મૂળે મેળનો પર્યાય છે મિલનનો મહિનો છે મિલનની ભૂમિકા રચવાનો આ એક ઉત્તમ સમયગાળો છે. કૃષ્ણનું ગોકુળમિલન પણ આ જ મહિનામાં, કૃષ્ણનું પૃથ્વી ઉપરનું અવતરણ શ્રાવણમાં જ કવિ ઉમાશંકરની 'શ્રાવણી મેળો' વાર્તા હોય કે લેખક પન્નલાલ પટેલની 'મળેલા જીવ' નવલકથા હોય, બાલમુકુન્દ દવેની હે જી શ્રાવણ આવ્યો. સરવરિયે કોઈ ઝીલોજીની જેમ ન્હાનાલાલ, રાજેન્દ્ર શાહ અને પ્રિયકાન્ત મણિયારે પણ ગાણાં ગાયાં છે. શ્રાવણમાં સમાન ભૂમિકા ધરાવતાં પાત્રો પરસ્પર નિકટ આવી પ્રસન્નતા અનુભવે છે. હૃદયો સ્પંદિત થાય છે. કવિતાનાં ઝરણાં ફૂટે છે અને ઊર્મિઓ ઊછળે છે. શ્રાવણમાં આકાશમાં વાદળોથી યાત્રા જોવા જેવી હોય છે. સૂરજ સાથે વાદળીઓ સંતાકૂકડી રમે છે. શ્રાવણ એટલે વીજ ઝબકાર ! વીજ ચમકે કે ઝબૂકે ? ઝબકારા કે ચમકારા ? ચમત્કૃતિના સંકેતો છે એ જ મહત્વનું છે. શ્રાવણના પ્રભાવ સૂર્ય તેની પ્રખરતા શિથિલ બનાવે છે. શ્રાવણમા સૂર્ય પણ પીગળે છે.
શ્રાવણમાં લલિત અપ્સરા જેવી વાદળીઓ ઈન્દ્રધનુના ચાપ ઉપર નૃત્ય માંડે છે. ક્યાંક ક્યાંક જળનો વરસાદ તો ક્યાંક તડકાનો વરસાદ !! તડકા ઉપર જળ પડે કે જળ ઉપર તડકો ! ધરતી ઉપર નૃત્ય ! આકાશમાં વાદળીઓનું નૃત્ય ! આભ જટાળા જોગી જેવું ! ક્યારે રીઝે ક્યારે રીઝે ? ક્યારેક ફરફર ઝીણી ઝીણી ! ક્યારેક પ્રિયના અડપલા જેવું ઝાપટું ! ક્યારેક તોફાન તો ક્યારેક શાંત કોલાહલ ! ક્યારેક ઝાંઝરીના અવાજ જેવો રણકાર સંભળાય વરસતા વરસાદમાંથી તો ક્યારેક ડમરું તો નાદ સંભળાય !! શ્રાવણની નજર સીધી તીર જેવી નથી હોતી, કમાન જેવી હોય છે ! એની ફરતી નજરમાંથી બને છે તેને આપણે મેઘધનુ કહીએ છીએ ! એ મેઘધનુ ઉપર શ્રાવણની નજર નાચે છે ! વાદળ નાચે છે ! વીજળી ઝબકે છે ! અવનિ હરખે છે, વાયુ લ્હેરે છે ! દિશાઓ દોડે છે ! આ દિવસો શ્રાવણના છે.
પશુઓના ઉદરમાં લીલોતરી ઉતરે છે, પ્રાણીઓની પક્ષીઓની આંખોમાં અને પાંખોમાં શ્રાવણ ચમકે છે. અવનિમાંથી ફૂટી નીકળેલો ઉમળકો એને આપણે વનસ્પતિ કહીએ છીએ ! ઉત્સવનો આનંદ રચાય છે ચોમેર !! એકાદ બે મહિના અગાઉ ધરતી ઉપર સૂરજનું સામ્રાજ્ય હતું. શ્રાવણે સૂરજને રાજગાદી ઉપરથી હેઠે ઉતારી દીધો છે. ઊડતી ધૂળ ડાહી થઈ ગઈ છે ભણવા બેસી ગયેલી કન્યાની જેમ ! શ્રાવણ ગુરૂ છે ! ધૂળની પ્રકૃતિને પલટી નાખવાનો યશ શ્રાવણ ગુરૂ પાસે છે. ધૂળના તોફાનોને ડાઢા પાડવાનું કામ ગુરૂનું છે. તે અનુભવી શકાય છે. તમો ગુણ કે રજોગુણમાં વકરી ગયેલા પદાર્થોને શ્રાવણ સાત્વિકતાનો પાઠ ભણાવે છે. અષાઢ પાસે આક્રોશ છે શ્રાવણ પાસે નમ્રતા છે. અષાઢનું કામ આપવાનું છે શ્રાવણનું કામ સહાય પહોંચાડવાનું છે. પહાડોની કઠોરતાને ઠારે અષાઢ પણ રમણીય બનાવે શ્રાવણ !! ડુંગરાઓ રૂપાળા કરે છે શ્રાવણની ક્ષણો !! અષાઢમાં ફૂટેલી કૂંપળોનો યોગ્ય દિશા આપવાનું કામ શ્રાવણનું છે. ઝરણાં, નદી અને સાગરને જે ગતિ પ્રાપ્ત થાય છે એ ગત્યાત્મક્તા શ્રાવણને આભારી છે. શ્રાવણની છાતીમાં સ્નેહભર્યો છે. શ્રાવણ સ્નેહથી છલકાય છે.
શ્રાવણની સીમ જુઓ, શ્રાવણના શેઢા જુઓ, શ્રાવણનાં જળ જુઓ, શ્રાવણનાં વૃક્ષો જુઓ પ્રત્યેક પદાર્થ ઉપર શ્રાવણી મુદ્રાનો અનન્ય અનુભવ થશે ! શ્રાવણના વાદળો જાણે રમત રમતી અપ્સરાઓ ! શ્રાવણનાં વૃક્ષો જાણે ધ્યાનસ્થ ઋષિમુનિઓ ! શ્રાવણની ધરા પ્રસન્નચિત્ત નિત્ય યૌવના ! શ્રાવણને સાંભળવા કાન માંડો તો સંભળાય કલકલ કલકલ ઝરણાં ! શ્રાવણને સૂંઘવા નાક માંડો તો અંતરમાં અત્તર અત્તર અનુભવાય !! શ્રાવણને જોવા મીટ માંડો તો દેખાય સોનેરી ચાંદનીનાં ચોસલાં ! સૃષ્ટિ નૂતન શણગાર સજે છે એ શણગાર શ્રાવણના છે શ્રાવણનો ભંડાર અખૂટ છે.
શ્રાવણ સોનેરી રૂપેરી વાદળિયોના વહાણમાં બેસીને મુસાફરી કરે છે. એના પગલે પગલે પ્રસન્નતા ઉતરે છે. એનાં ઝીણાં વસ્ત્રો વાયુનાં છે એ વસ્ત્રોમાંથી મ્હેંક આવે છે કે વસ્ત્રો મ્હેંકાય છે !! એ મ્હેકને માણસ કરતાં પશુ, પંખી, પુષ્પો અને પર્ણો-વૃક્ષો વધારે નજીકથી પામે છે.
પૃથ્વીમાં પ્રજનન થાય, નદી, ઝરણાં યૌવન પ્રાપ્ત કરે. ડુંગરા ડોલે, સાગર હરખાય, પર્વતો પીગળે અને સરોવરો છલકાય એટલે સમજી લેવાનું શ્રાવણ છે. દૂરદૂરથી વૈયાનાં ઝુંડ ઊતરી આવે, પંખીઓના અવાજો સાથે ભળે ત્યારે લાગે એ બધાં સાથે મળી શ્રાવણનું મહિમાગાન કરે છે ! શ્રાવણ મહિનો શિવનો કે કૃષ્ણનો ? શ્રાવણમાં જેટલું મહત્વ કૃષ્ણ જન્મનું છે. એટલો જ મહિમા શિવજીનો પણ છે ! અવનિની હવેલીમાં મનના હીંડોળા એટલે શ્રાવણ !!