પ્રકૃતિની કળા કળાની પ્રકૃતિ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
આપણા હૃદય બાગમાં ખીલેલાં પુષ્પો એટલે પ્રેમ, લાગણી, જુસ્સો, ભાવોર્મિ, ખેંચાણ, સમર્પણ, એકલીનતા, કેન્દ્રસ્થ ધ્યાન, ઘેલછા અને કંઇક સમજાય-ન સમજાય એવું ગણું બધું. એનો પમરાટ આપમેળે ઉદ્ભવે અને પ્રસરે. એને માટે કોઈ અભ્યાસક્રમ કે તાલીમ ઉપલબ્ધ નથી. કુદરતી રીતે જ એની અભિવ્યક્તિ એક યા બીજા સ્વરૂપે અનુભવાય. આ બધી જ ભાવવાચક સંજ્ઞા માત્ર મનુષ્ય સુધી સીમિત નથી. પ્રકૃતિનાં અન્ય તત્ત્વો પાર વગરનાં જીવો, વનસ્પતિ, જળસ્ત્રોત, પર્વત, ખીણ, પવન, અવકાશી તત્ત્વો, વાદળ, વીજળી... અધધધ...! જીવનનાં ચાહત એક મોટી ભેટ છે કુદરત તણી... પરિણામે ઇશ્વરદત્ત ! દરેક જીવ પોતાની લાગણી વ્યક્ત કરે છે પરંતુ તેને વૈશ્વિક પ્રસિધ્ધ મળતી નથી. વાચા-વાણીનું વરદાન હોવાને કારણે માનવ જ એક એવી પ્રજાતિ છે કે જે પ્રેમ વહેંચી શકે છે. હા, બધા જ એને માટે સુપાત્ર નથી હોતા; તેથી પ્રેમ ભાવના બહુ ઓછા લોકોને હાથવગી હોવાથી સંસારના આંગળીના વેઢે ગણાય એટલા માણસો જ સાચા અર્થમાં 'પ્રેમ' વહેંચી જાણે છે. એટલે જ તેઓ વિશ્વાકાશમાં તેજસ્વી તારલા જેવા શોભે છે. ખેર, આ તો થઇ મહાપુરુષો-ઓલિયાઓ-સંતો અને અંતે અવતાર રૂપે ઓળખાતા દૈવી માનવોની વાત. આપણે જો સરેરાશ માનવીની વાત માંડીએ તો આપણી જન્મદાત્રી પ્રકૃતિને જ ઓળખીને આત્મસાત કરવાનો આપણી પાસે સમય નથી હોતો - ઇરાદો પણ નહિ. જેમ નિસર્ગમાં ઠેર ઠેર કળાનાં પગરણ પથરાયેલાં દેખાય છે તેમ કળામાં પણ કુદરત ડોકાય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ અને પ્રભાવ પણ. વાહ ! કેટલું સુંદર છે આ સંયોજન !
હાતિકુલી ઑર્કિડ પાર્ક, કોહોરા ચરિયાલી, ગામ
છ એકરમાં ફેલાયેલા આ પરિસરમાં આસામનું રાષ્ટ્રીય સંગ્રહસ્થાન છે જેમાં સંગીતનાં વાદ્યો, હસ્તકલા પરંપરાગત વાસણો, ખેતીનાં સાધનો, પારંપરિક આભૂષણો છે જે મોતી, સોના અને ચાંદીનાં છે. કાપડ વણવાની શાળ, ગમછા, સાડી અને 'કોકાઈ શાલ', વાંસ તથા નેતરની આઈટમો અને પુરાતત્ત્વ ખાતાએ ઉત્ખનન દરમ્યાન ખોળી કાઢેલી વસ્તુઓ પણ અહીં છે. પરિસરમાં ચોખાની વિવિધ જાતોનું મ્યુઝિયમ અલગથી છે. ચાય બાગાન, ટ્રી હાઉસ અને માનવસર્જિત તળાવે પણ રસિકોનું મન મોહી લીધું છે. 'પીઠા' નામની મિઠાઈ અને મિષ્ઠી દોઈ (મીઠું દહીં) અહીં છૂટથી ખવાય છે. આ સ્થળે 'કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ' વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન સુપેરે કરે છે. કળા અને કુદરતનાં તત્ત્વોથી જેનો દેહ ઘટાડો છે તેવા આ શુભ સ્થળે સંધ્યાટાણે દીવા બત્તી વખતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીત, સંગીત, નૃત્ય અને નાટક ભાવકોનું મન હરી લે છે. ભારત રત્ન ભૂપેન હજારિકાનાં ગીતો ભાવપૂર્ણ, ઊંડા, માદક અવાજે અહીં કલાકારો પીરસે અને રસિકો ડોલે. વિવિધ ઋતુ, તહેવાર અને પ્રસંગોચિત પરાંપરાગત નૃત્યો યુવા કલાકારો દિલથી પ્રસ્તુત કરે. 'આજકી શામ આપકે નામ' કહી ઉદ્બોધનમાં સંગીત અને કલાગુરુશ્રી વિપ્લવ બરૂઆ મહેમાનોનું તહેદિલથી સ્વાગત કરે. દરેક વાદ્ય, ગીત અને નૃત્યમાં પારંગત આ ગુરુ પ્રફુલ્લિત મુદ્રા અને ચેષ્ટામાં પૂર્વોત્તરની ભાષામાં ગવાતા ગીતોનો પરિચય આપે. અનેક આદિવાસીઓની લાક્ષણિકતા ગણાતાં વાદ્યો અને પહેરવેશ સાથે સમૂહનૃત્યો સભાને ઇન્દ્રસભામાં તબદીલ કરી દે. ઢોલ ખોલ, મંજિરા નગારા, ઝાંઝ, પખાવજ, વાંસળી, તબલાં, નગારાં, ઝાયલોફોનની જાણે કે તાલવાદ્ય કચેરી જ જોઈ લો !
ઝરણાંની ઝલક પ્રકૃતિની મીઠી હલક
લીલાંછમ વેલબુટ્ટા ભરેલી કિનખાબી ચાદર ઓઢેલા પર્વતો પરથી પોતાની કેડી કંડારી, સિમેન્ટ કોંક્રિટના કઠોર રસ્તાને વીંધીને નીચે પડતા ધોધને જોતાં જોતાં શહેરી સંસ્કૃતિ તરફ લઇ જતા રસ્તા પર્વતોને પાછળ મૂકતા જાય, પર્વત ટેકરી કે ખડક જેવા દેખાવા માંડે ત્યારે કડકડતી ઠંડી અને આકરા તાપમાં ઉતરવા માંડે પર્વતનાં બાળ મોવાળા (વનરાજી) અને તે કથ્થઇ રંગ ધારણ કરે. રસ્તાની ધારે ધારે વૃક્ષોને સ્થાને છોડવાં દેખાય. પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં આપણી સાથે એ છોડ પણ શહેર ભણી ચાલે. એ છોડનાં ડાળી-ડાંખળાં શહેરમાં 'ઝાડુનાં ઝાડ' તરીકે ઓળખાય. આપણે મેઘાલય જઇએ ન જઇએ પણ આ છોડ ભારતના ઘરે ઘરે પહોંચે સ્વચ્છતાના પ્રહરી તરીકે. તેઝપુર છોડયા પછી આસામમાં વિશ્વપ્રસિધ્ધ 'કાઝીરંગા નેશનલ પાર્ક'ના એક શીંગડાવાળા ગેંડાનું બહુમાન કરી ત્યાંથી માત્ર બે જ કિ.મી. દૂર 'આસામ બાયોડાયવર્સિટી પાર્ક'માં પ્રકૃતિ અને કળા બન્ને સદેહે મળે. આ પાર્કમાં વિશ્વમાં ભારતનો ડંકો વગાડતો 'ઑર્કિડ પાર્ક'માં વિવિધ વનસ્પતિ, મશરૂમ ઔષધીય છોડ, કેકટસ (થોર)ની ૧૩૨ પ્રજાતિ, વાંસની ૪૬ વેરાયટી, નેતરની ૧૨ જાત દેખાય. વાઇલ્ડ ઑર્કિડ (વિવિધ રંગ આકાર અને સુગંધયુક્ત પુષ્પો)ની અ.ધ.ધ. ૫૦૦ વેરાયટી અહીં છે. ખૂબ સંકુલ છે આ ફૂલોનાં કુળ ! અતિ દેખાવડાં-સુંદર આ સુમન રાષ્ટ્રીય વારસાનું પ્રતીક છે. પૂર્વોત્તરનાં અનેક ગામડાંઓમાંથી અહીં લાવાયાં છે આ લાકડાં છોડ અને વેલ જેને ગ્રીન હાઉસમાં પાળ્યાં-પોષ્યાં છે. આસામનું આ ગૌરવપૂર્ણ ફૂલ એનું 'રાજ્ય પુષ્પ' છે. ભારતમાં સૌથી વધુ ઑર્કિડ (ઑર્ચિડ) અહીં જ ફૂલે ફાલે ઝૂલે છે.
ઑર્કિડનાં નામ નૃત્યાંગના તિતલી, મર્કટ, શ્વેતશ્યામ
'મંજિરા નૃત્ય'ને હાથ અને આંગળીઓથી શણગારી શાંત ધ્વનિમાં નમસ્કાર કરાય. 'દીવા નૃત્ય'માં મણિપુરી મુદ્રાની છાયા દેખાય. 'તિતલી કોકિલા' નૃત્યમાં પતંગિયા અને કૉયલની કુદરતી ગરિમા ઝલકે. બોડો જાતિના આ ગીતમાં જીવસૃષ્ટિનું મહત્ત્વ છે. 'હંજર ડાન્સ'માં ઝનૂની સ્પેટ્સ સાથે ચાનાં પાન ચૂંટવાની ક્રિયા ઉપર ધ્યાન રખાય. આસામના લોકનૃત્યમાં આદિવાસી પ્રેમી પંખીડાં નદીના સામસામે કાંઠે રહીને ઝૂરતાં હોય ત્યારે છોકરો છોકરીને લઇને નદીના વહેણમાં જાય ત્યારે કલા અને પ્રકૃતિનો સંગમ થાય. 'કરબી બામ્બુ ડાન્સ'માં વાંસ, સૂપડાં, લાકડી, આદિનું મહત્ત્વ છે. 'ભોરતાલ નૃત્ય'નાં મૂળિયાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં છે જેને નરહરિ ભગતનામના કલાકારે વિકસાવ્યું છે. 'બિટ' એટલે કે 'ઝિયાનોમ'નું મહત્ત્વ ખૂબ છે એમાં. 'હમઝાર નૃત્ય'ના નામમાં જ રસ છે. 'હા' એટલે પૃથ્વી અને 'મઝાર' એટલે વનમધ્યે. 'બિહુ ઉત્સવ' અત્યંત લોકપ્રિય નૃત્ય પ્રકાર છે. વૈશાખમાં 'રોંગાલી બિહુ' નવ વર્ષનું સ્વાગત રંગારંગ નૃત્ય વડે કરે. કારતકમાં 'કોંગાલ બિહુ'માં વાવણી થાય. મહામાસમાં! ભૂગાલી બિહુમાં નવા પાકનો ભોગ લગાવાય. આ નૃત્ય પહેલાં ભવાઈ જેવી પિપૂડી વાગે. છોકરીઓ હાથમાં 'જાપી' (ટોપી) લઇ કમનીય વળાંક સાથે ચકરી લઇ, કેડે હાથ દઈ, આસામની મેખલા ચાદરનો વેશ પહેરી પૂર્ણ શૃંગાર સહ પ્રસ્તુત થાય. મંગળગીત ગાય. આ છે ગુજરાતી ભાવાનુવાદ.
લસરકો :
ચૈતર જતાં વૈશાખ આવી લાગે
વને પર્ણો ખરતાં લાગે
બિહુ ટાણે ઢોલ, નગારાં, પિપૂડી વાગે
નાચો, નાચો નવલા રાગે