અણધાર્યો વળાંક .
- મહેશ યાજ્ઞિક
- પ્રકરણ - 3
- 'ઓ બાપ રે! લૂંટાઈ ગયો!' એમ ચીસ પાડીને સેવંતીલાલએ ફૂટપાથ ઉપર રડવાનું ચાલુ કરી દીધું એટલે ટોળું બનીને બધા એમને ઘેરી વળ્યા. 'શું થયું, સેવંતીલાલ?'
ટ્રાવેલ કંપનીની ઑફિસમાં પ્રિ-ટૂર મિટિંગમાં પ્રવાસીઓને આવકારીને કંપનીનો મેનેજર હિતેશ દક્ષિણ ભારતના પ્રવાસ અંગે બોલી રહ્યો હતો, પરંતુ અનિકેત હજુ આશ્ચર્યમાં અટવાયેલો હતો. સામેની ખુરસીમાં બેઠેલા બહેન પોતાને જોઈને એકદમ ડરી ગયા હોય એમ ગભરાઈને એમણે પોતાના પતિનો હાથ જોરથી જકડી લીધો હતો! અગાઉ ક્યારેય એ બહેનને પોતે મળ્યો નહોતો, એમને જોયા પણ નહોતા, એ છતાં એમણે આવું વિચિત્ર વર્તન કેમ કર્યું?
થોડી વાર પછી સાવ સ્વાભાવિક રીતે જ નજર ફેરવીને અનિકેતે એ બહેનની સામે જોયું. અત્યારે એ બહેન પતિનો હાથ છોડીને ટ્રાવેલ કંપનીએ આપેલા થેલામાં રહેલી વસ્તુઓ ફંફોળી રહ્યા હતા. એમના ચહેરા પર લગીર પણ ગભરાટ નહોતો.
અનિકેતે મનોમન તાળો મેળવ્યો કે મારા જેવા દેખાવવાળી કોઈ વ્યક્તિ સાથે એ બહેનને કોઈ દુશ્મનાવટ હશે-એને લીધે મને જોઈને એ ચોંકી ઉઠયા હશે અને થોડી વારમાં જ એમને એમની ભૂલ સમજાઈ ગઈ હશે એટલે હવે એમના મનમાં કોઈ ઉચાટ નથી.
હિતેશ બોલી રહ્યો કે તરત સ્ટાફના બે બહેન નાસ્તાની પ્લેટસ્ લઈને આવ્યા. એરકન્ડિશન્ડ ઑફિસમાં ગરમાગરમ સમોસા અને કચોરીની સુવાસ પ્રસરી ગઈ. બધાએ નાસ્તો પતાવ્યો ત્યારે તમામ માટે કસાટા આઈસક્રીમ આવ્યો. એ વખતે હિતેશે ઊભા થઈને જાણકારી આપી. 'આ જે કચોરી અને સમોસા હતા એ અમારા તરફથી હતા, પરંતુ આ આઈસક્રીમની પાર્ટી તમારા એક સહપ્રવાસીએ ગોઠવી છે.' અનિકેતની સામે બેઠેલા યુગલ તરફ આંગળી ચીંધીને એણે ઉમેર્યું. 'આ સુરેશભાઈ સોની અને એમના પત્ની સંગીતાબહેન લગભગ દર વર્ષે અમારા એકાદ પ્રવાસમાં જોડાય છે. સુરેશભાઈએ સવારે મને ફોન કરીને પૂછેલું કે મિટિંગમાં કેટલી વ્યક્તિ હશે? એ પછી એમણે કહ્યું કે બધા માટે આઈસક્રીમ લેતો આવીશ. મને સહેજ વિચિત્ર લાગ્યું. અમારી ઑફિસમાં તો અમારે જ વ્યવસ્થા કરવાની હોય એવું મેં કહ્યું. એ છતાં, આગ્રહ કરીને એમણે એમની જીદ પૂરી કરી.'
આટલું કહીને એણે અનિકેતની સામે બેઠેલા યુગલની સામે જોઈને હસીને પૂછયું. 'સુરેશભાઈ, આ આઈસક્રીમ પાર્ટીનું કારણ-જો ખાનગી ના હોય તો પ્લીઝ, ઊભા થઈને અમને કહો તો ખરા.'
અનિકેતની નજર હવે એ યુગલ સામે હતી. પોતાને જોઈને ક્ષણભર ગભરાઈ ગયેલી સંગીતા નામની સ્ત્રી અત્યારે ખુશ થઈને એના પતિ સુરેશના કાનમાં કંઈક કહેતી હતી.
હિતેશે કહ્યું એટલે સુરેશ ઊભો થયો ત્યારે સંગીતાના હોઠ ઉપર નાના બાળક જેવું સ્મિત રમતું હતું. 'એક્ચ્યુઅલી, આ પાર્ટી મારી નથી, પણ મારા શ્રીમતીજી તરફથી છે.' બધાની સામે જોઈને સુરેશે હસીને કહ્યું. 'એને સતત મારી ચિંતા રહે છે. આપણા આ પ્રવાસમાં તમે બધા મને સારી રીતે સાચવો એના માટે એમ માનો કે લાંચ રૂપે એણે આ ખર્ચો કરાવ્યો છે!' બધા હસી પડયા એ પછી સુરેશે ઉમેર્યું. 'આમ તો બધી સ્ત્રી પોતાની ઉંમર છૂપાવવા મથતી હોય છે, પણ સંગીતાએ મને કહ્યું કે તમે સાચું કારણ જાહેર કરજો. આજે એનો જન્મદિવસ છે. ચાલીસમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે એણે આ પાર્ટી ગોઠવી છે!'
આટલું કહીને સુરેશ બેસી ગયો. બધાએ તાળીઓ પાડી. ખુશખુશાલ સંગીતાએ પ્રેમથી પતિનો હાથ જકડી લીધો.
'આ સુરેશભાઈ અને સંગીતાબહેનનો પરિચય તો બધાને મળી ગયો.' બધાની સામે જોઈને હિતેશે સૂચન કર્યું. 'હવે વારાફરતી બધા ટૂંકમાં પોતાની ઓળખાણ આપશો તો આજથી જ પારિવારિક વાતાવરણ ઊભું થઈ જશે. પ્રવાસમાં આત્મીયતા લાગશે.' અગાઉના પ્રવાસોમાં અનિકેતના વર્તનના આધારે હિતેશે અનિકેત સામે જોયું. 'તમારાથી જ શરૂઆત કરીએ.'
અનિકેત ખુરસીમાંથી ઊભો થયો. 'અનિકેત આચાર્ય. નિવૃત્ત બૅન્ક અધિકારી છું. પાલડીમાં રહું છું. પ્રવાસનો શોખ હોવાથી આ લોકોની સાથે ઘણા પ્રવાસનો આનંદ લીધો છે.' હિતેશ સામે જોઈને અનિકેતે હસીને ઉમેર્યું. 'ક્યારેક હોટલવાળા રૂમની સંખ્યામાં ગરબડ કરતા હોય છે. એવું બને તો હું એકલો જ છું એટલે મારી ગોઠવણ લોબીમાં કરી આપશો તોય મને વાંધો નથી!'
બધા હસી પડયા. અનિકેત પાછો ખુરસીમાં બેઠો. એ પછી વારાફરતી બધાએ પોતાનો પરિચય આપ્યો. બે મિત્રો પોતાના પરિવાર સાથે આવવાના હતા. પતિ-પત્ની અને એમના બે બાળકો-એમ ચાર વ્યક્તિનો સમૂહ. આમ કુલ બાવીસ પ્રવાસીઓમાં આઠ તો એ લોકો જ હતા. એટલે પરિચય વિધિમાં વધારે સમય ના ગયો.
સુરેશ અને સંગીતા સિવાય અન્ય પાંચ યુગલ હતા. ભંડેરી પોળમાં રહેતા સેવંતીલાલ પતંગ અને ફટાકડાનો સિઝનલ ધંધો હોલસેલમાં કરતા હતા. એમણે ખૂબ લાંબો પરિચય આપીને પોતાના ધંધાના પ્રચારની તક ઝડપી લીધી!
કાશીબા નામના પાંસઠ વર્ષના વૃધ્ધા પોતાની પાંચ વર્ષની પૌત્રીને સાથે લઈને આવવાના હતા. એમણે કહ્યું કે હું તો મારી ઢબુડીને લઈને ખાસ તો તિરૂપતિના દર્શન માટે જ આ ટુરમાં આવવાની છું. બાધા રાખેલી છે એટલે ત્યાં અમે બંને મૂંડન કરાવવાના છીએ.
સુરેશે કહ્યું કે સોની છું પણ સોના-ચાંદીનો ધંધો નથી કરતો, એક સરકારી કોર્પોરેશનમાં ઑફિસર છું. પાલડી કોચરબ આશ્રમ સામેની ગલીમાં મારો ફ્લેટ છે.
પરસ્પર પરિચય વિધિ પતી ગઈ એ પછી હિતેશે પ્રવાસ માટેની જરૂરી સૂચનાઓ આપીને મંગળવારે સવારે સમયસર એરપોર્ટ પર આવી જવાની ખાસ તાકીદ કરી. આજે અહીં આવવા બદલ બધાનો આભાર માનીને એણે મિટિંગ પૂરી કરી. હવે બધા અંદરોઅંદર વાતો કરતા હતા. એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે પણ ચાલતી હતી.
આઈસક્રીમ ખાધો હતો એટલે જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે સંગીતાની આસપાસ બધા ટોળે વળ્યા હતા. સંગીતાના પ્રારંભિક વિચિત્ર વર્તનની જાણકારી મેળવવાની જિજ્ઞાસા તો મનમાં હતી જ, પરંતુ આવી બાબત એના પતિની હાજરીમાં ના પૂછાય એવી સમજદારી સાથે અનિકેતે વિચાર્યું કે પ્રવાસ દરમ્યાન તક મળશે ત્યારે પૂછીશ. અત્યારે એ જઈને સંગીતાની સામે ઊભો રહ્યો અને બે હાથ જોડીને જન્મદિવસ મુબારક એમ કહ્યું. સામે સંગીતાએ પણ બે હાથ જોડીને અનિકેતનો આભાર માન્યો.
અનિકેત સુરેશ પાસે ગયો. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા. આઈસક્રીમના અહેસાનનો બોજ ઊતારવા માટેનો ઉપાય અનિકેતે વિચારી લીધો હતો. 'સુરેશભાઈ, જો વાંધો ના હોય તો આપણે એક કામ કરીએ.' એણે સુરેશને કહ્યું. 'હું એકલો જ છું. મંગળવારે સવારે એરપોર્ટ જવા માટે ઉબરની ટેક્સી કરવી પડશે. હું પાલડી રહું છું એટલે તમારું ઘર રસ્તામાં જ આવશે. હું કેબ લઈને આવું એ વખતે તમે બંને કોચરબ આશ્રમ સામે ઊભા રહેશો તો પિકઅપ કરતો જઈશ. મારો ફોન નંબર તો તમારી પાસે છે જ એટલે તમારી રીતે વિચારીને કાલે ફોન કરજો. બરાબર?'
'એમાં વિચારવાનું શું?' સુરેશે નિખાલસતાથી કહ્યું. 'તમે લઈ જતા હો તો મારે ઉબરની ઝંઝટ કરવાની શું જરૂર? સાડા આઠે ત્યાં પહોંચવાનું છે એટલે પોણા આઠ વાગ્યે અમે બંને તૈયાર રહીશું. તમે નીકળો ત્યારે રિંગ મારજો એટલે અમે આશ્રમની સામે આવીને ઊભા રહીશું.' આટલું કહીને એણે ઉમેર્યું. 'તમારા કે મારા પક્ષે કોઈ ફેરફાર હોય તો ફોન કરી દેવાનો-બાકી પાક્કું!' મોં મલકાવીને સુરેશે અનિકેત સાથે ઉષ્માથી હાથ મિલાવ્યો.
'ઓ.કે. ડન!' અનિકેતે પણ એના સ્મિતનો જવાબ સ્મિતથી આપ્યો અને એ જ વખતે સિઝનલ ધંધાવાળા સેવંતીલાલે આવીને અનિકેત અને સુરેશના હાથમાં પોતાનું કાર્ડ પકડાવીને કંઈ પણ કામકાજ હોય તો ફોન કરવા માટે કહ્યું. પેલું આઠ જણનું જે ગૃપ હતું એ બંને મિત્રો સરકારી વીમા કંપનીમાં નોકરી કરતા હતા અને એલ.ટી.સી. વાપરવા માટે આ પ્રવાસમાં આવવાના હતા. અનિકેતે એમની સાથે વાત કરી. એ બંને ખુશમિજાજ ટિખળી હોય એવું અનિકેતને લાગ્યું. એકનું નામ કમલેશ અને બીજાનું નામ મનોહર હતું. મોબાઈલ નંબરની આપ-લે સમયે એમણે કહ્યું કે સ્ટાફના બધા તો અમને કનુ-મનુની જોડી તરીકે ઓળખે છે!
બધા પ્રવાસીઓ એકબીજાને મળી રહ્યા હતા ત્યારે વૃધ્ધ કાશીબા ખૂણામાં એક ખુરસી પર બેસીને બધાની સામે જોઈ રહ્યા હતા. અનિકેતે એમની સામે જોયું અને પછી એમની પાસે બેઠો. 'બા, આ ઉંમરે તમે જબરી બાધા રાખી છે. વળી, એકલા આવવાના છો!'
'એકલી ક્યાં આવવાની છું? મારી ઢબુડી તો આખી યાત્રામાં મારી સાથે જ હશેને?' કાશીબાએ હસીને માહિતી આપી. 'મારા દીકરા માવજીને આ ટૂર કંપની ઉપર ભરોસો છે. એને બાપડાને રજા મળે એવું નથી. એટલે એણે આ રીતે ગોઠવણ કરી. એમાંય પાંચ વર્ષની ધડકન તો પલંગમાં મારી જોડે સૂવાની છે એટલે ટૂર કંપનીએ વ્યાજબી કરી આપ્યું છે.'
'ધડકન?' અનિકેતે આશ્ચર્યથી પૂછયું. 'તમે કાશીબા. તમારો દીકરો માવજી. તો પછી માવજીની દીકરીનું હિન્દી પિક્ચર જેવું નામ સાંભળીને નવાઈ લાગે છે.'
'એના માટે તો આ બાધા રાખવી પડી છે.' કાશીબાએ ખુલાસો કર્યો. 'ધડકનના જનમ પહેલા આઠમા મહિને જ માવજીની વહુને ઉપાધિ થયેલી. એને ડૉક્ટર પાસે લઈ ગયા. મશીનથી તપાસીને ડૉક્ટરે કીધું કે પેટમાં બાળકના ધબકારા બંધ થઈ ગયા લાગે છે. હવે તો બધુંય ભગવાનના હાથમાં જ છે એવું એણે કહી દીધું. લગ્નના છ વર્ષ પછી માંડ પહેલી વાર માવજીની વહુનો ખોળો ભરાયેલો એટલે માવજી મૂંઝાયો. અગાઉ નોકરી માટે એણે તિરૂપતિની બાધા રાખેલી અને એ એને ફળેલી એટલે એણે દવાખાનામાં બેસીને જ બાધા રાખી કે હે બાલાજી ભગવાન! જો બધું હેમખેમ પાર પડશે તો આવનારા સંતાનને લઈને તિરૂપતિ આવીશ અને ત્યાં એનું મૂંડન કરાવીશ!'
એકધારું આટલું બોલીને એ લગીર અટક્યા. 'જાણે ચમત્કાર થયો હોય એમ પેટમાં આ છોકરીના ધબકારા ચાલુ થઈ ગયા. એનો જનમ થયો ત્યારે ખુદ ડૉક્ટરે હસીને અમને કહ્યું કે ઈશ્વરની દયાથી આ તમારી લક્ષ્મીજીના હૃદયની ધડકન ફરીથી ચાલુ થઈ ગઈ, એટલે આ છોકરીનું નામ ધડકન જ રાખજો. આવી રીતે એનું નામ ધડકન તો રાખ્યું પણ બાધા પૂરી કરવામાં વચ્ચે કોરોના આવી ગયો અને પૈસાની પણ તકલીફ હતી. અત્યારે વહુને ફરીથી સારા દિવસો જાય છે. છઠ્ઠો મહિનો ચાલે છે, પણ ધડકન વખતે રાખેલી બાધા હજુ પૂરી નહોતી થઈ એટલે માવજી અને વહુને ફફડાટ થયો કે ભગવાન ખીજાશે તો? માવજીને નોકરીમાં રજા મળે એવું નથી, આ દશામાં વહુથી આટલી લાંબી મુસાફરી ના થાય અને ધડકનને લઈને એ અજાણ્યા મુલકમાં હું એકલી તો ક્યાંથી પહોંચી વળું? આ તો સારું થયું કે માવજીએ ટૂરની જાણકારી મેળવીને પૈસા ભરી દીધા. જિંદગીમાં પહેલી વાર વિમાનમાં બેસવા મળશે. તમે બધા સાથે છો એટલે સુખરૂપ યાત્રા થઈ જશે.'
કાશીબાએ વાત પૂરી કરી ત્યાં સુધીમાં લગભગ બધા પ્રવાસીઓ વિખરાવા લાગ્યા હતા. ખુરસી પરથી ઊભા થતાં અગાઉ અનિકેતે કાશીબાને ધરપત આપી. 'બા, તમે જરાય ચિંતા ના કરતા. આ યાત્રામાં કોઈ પણ કામ હોય તો જરાય સંકોચ વગર જાણે માવજીને કામ સોંપતા હોય એવી જ રીતે મને કહી દેજો. મારું નામ અનિકેત છે એ યાદ રાખજો.' કાશીબા એની સામે આભારવશ નજરે જોઈ રહ્યા અને એમને હાથ જોડીને અનિકેતે વિદાય લીધી.
અનિકેત ઘેર પહોંચ્યો ત્યારે ઘર ખુલ્લું હતું. દેવીબહેન રસોડામાં હતા. 'તું કંઈ કહીને નહોતો ગયો અને સાંજની રસોઈ પહેલી વાર બનાવવાની હતી એટલે શું બનાવવું એ મૂંઝવણ હતી.' દેવીબહેને એની પાસે આવીને કહ્યું. 'ઘરમાં બટાકા સિવાય કોઈ શાક પણ નહોતું એટલે લસણ નાખીને બટાકાનું શાક બનાવ્યું. સાથે ચાર ભાખરી અને થોડીક ખીચડી બનાવી છે. તને ભાવશેને?'
'ભાવશે? અરે, જલસો થઈ જશે!' અનિકેતે હસીને જવાબ આપ્યો. 'મારા મા-બાપ જીવતા હતા ત્યારે મારા બાપાને ભાવે એ માટે લગભગ રોજ સાંજે મારી બા આ જ બનાવતી હતી. શાકમાં રીંગણ-બટાકાનું મિક્સ શાક બનાવે અને ક્યારેક એની સાથે કઢી પણ બનાવે.' અનિકેતના અવાજમાં લાગણીની ભીનાશ ઉમેરાઈ. 'આજે તો તમે મારી બાની યાદ અપાવી દીધી.'
'તારી મા તો દેવી હતી, દેવી!' દેવીબહેન ભીના અવાજે બોલ્યા. 'મારા બકલાના બાપા દેવલોક પામ્યા ત્યારે અમારી દશા એવી હતી કે એમના દેહ પાસે દીવો કરવા માટે પણ ઘરમાં ઘી નહોતું! અમારી અવદશા તારી મા જાણતી હતી. સોસાયટીમાં બીજા કોઈને ખબર પણ ના પડે એમ એક શેર જેટલું ઘી લઈને એ આવ્યા અને મારા હાથમાં પરાણે છસ્સો રૂપિયા પકડાવી દીધેલા! સગી બહેન પણ ના રાખે એવી લાગણીથી એમણે અમને સાચવી લીધેલા!' આંખમાં ધસી આવેલા ઝળઝળિયાં લૂછીને દેવીબહેન એમના ઘેર ગયા.
સોમવારે લાલજીને સાથે રાખીને અનિકેતે આખું ઘર વ્યવસ્થિત કર્યું અને એ પછી પ્રવાસ માટે પેકિંગની તૈયારી કરી. સાંજે લાલજી અને દેવીબહેનને સૂચના આપી કે હવે તેર દિવસ હું નથી, ઘરનું ધ્યાન રાખજો.
મંગળવારે સવારે તૈયાર થઈને એણે ટેક્સી માટે ફોન કર્યો એ જ વખતે સુરેશ સોનીનો ફોન આવ્યો. 'અનિકેતભાઈ, અમે તૈયાર છીએ. તમે આવો જ છોને?' 'તમે રોડ પર આવી જાવ. ત્રણ મિનિટમાં જ કેબ આવે છે.'
કેબ આવી. ડ્રાઈવરે ડેકી ખોલીને બેગ અને બગલથેલો અંદર મૂક્યો. ડ્રાઈવરની પાસે બેસીને અનિકેતે સૂચના આપી કે બે પેસેન્જરને કોચરબ આશ્રમ પાસેથી પિકઅપ કરવાના છે. સુરેશ અને સંગીતા રોડ પર જ ઊભા હતા. સુરેશ સૂટબૂટમાં સજ્જ હતો અને ઘેરા વાદળી રંગના પંજાબીમાં સંગીતાની ગોરી ત્વચા વધુ ગોરી લાગતી હતી. એમનો સામાન ડેકીમાં ગોઠવાયો અને એ બંને પાછળની સીટમાં બેઠા. ડ્રાઈવરે ટેક્સીને રિવરફ્રન્ટના રોડ પર ભગાવી.
ખુશખુશાલ વાતાવરણમાં ટૂર મેનેજર હિતેશ બધા પ્રવાસીઓને આવકારી રહ્યો હતો. બાવીસે બાવીસ પ્રવાસીઓ આવી ગયા એ પછી એણે સૂચના આપી કે ચેન્નાઈ એરપોર્ટ ઉપર આપણા માટે એસી કોચ તૈયાર હશે. એ આપણને રોયલ ગ્રીન હોટલમાં લઈ જશે. હોટલ સરસ છે, બધા રૂમ એસી છે. રસોઈ માટે આપણા મહારાજને આખું રસોડું મળે એવી હોટલ્સ જ આપણે પસંદ કરી છે.
બધાની સાથે હાય-હલ્લો કરીને અનિકેત કાશીબા પાસે ગયો. એમની બાજુમાં બેઠેલી પાંચ વર્ષની ધડકન વિસ્મયથી ચારે તરફ જોઈ રહી હતી. અનિકેતે એના માથા પર હાથ મૂક્યો. સિઝનલ બિઝનેસવાળા સેવંતીલાલ અને એમના પત્ની પણ ત્યાં આવ્યા. 'અમારુંય તમારા જેવું જ છે, માજી!' સેવંતીલાલે હસીને કાશીબાને કહ્યું. 'પહેલી વાર પ્લેનમાં બેસવાનું છે એટલે થોડીક બીક લાગે છે.' કાશીબાએ રણકતા અવાજે એને જવાબ આપ્યો. 'મને જરાય બીક નથી લાગતી. જે ઘડીએ જે થવાનું હોય એમાં આપણું કંઈ ના ચાલે. આકાશમાં ઊડવાનો લાભ મળ્યો એ બદલ ભગવાનનો આભાર માનવાનો, બીવાનું નહીં.'
એનાઉન્સમેન્ટ થયું અને બધા પ્લેનમાં ગોઠવાયા. વીમા કંપનીમાં નોકરી કરનાર કનુ-મનુની જોડીના ચારેય બાળકોની ઉંમર દસથી પંદર વર્ષની વચ્ચે હતી. એ ચારેય ધમાલમસ્તી કરતા હતા. અનિકેતની પાસે કોઈ અજાણ્યા સજ્જન બેઠા હતા.
ચેન્નાઈ એરપોર્ટ ઊતરીને બધા એસી કોચમાં ગોઠવાયા અને પાંચ જ મિનિટમાં રોયલ ગ્રીન હોટલમાં પહોંચ્યા. 'અહીં આપણા મહારાજ અને એમની ટીમ આવી ગઈ છે. હવે પછીનો પ્રવાસ તો બસમાં જ કરવાનો છે. તમે બાવીસ છો અને આપણી બસ પાંત્રીસ સીટની છે એટલે એ ટીમ બસમાં આપણી સાથે જ રહેશે.' હોટલમાં બધાને રૂમની ફાળવણી કરતા અગાઉ હિતેશે અનિકેત સાથે ચર્ચા કરી. અનિકેત અને કાશીબા સિવાય બાકીના બધા તો યુગલ જ હતા. બે વ્યક્તિ વચ્ચે એક રૂમ ફાળવવાનો હતો એટલે એણે અનિકેતની સાથે કાશીબા રહે એવી ગોઠવણ કરી. મહારાજે આવીને હિતેશને કહ્યું એટલે હિતેશે બધાને સૂચના આપી કે ગાર્ડનમાં લોન પર ટેબલ-ખુરસી ગોઠવ્યા છે. ફ્રેશ થઈને અર્ધા કલાકમાં જમવા આવી જાવ.
મોટા ભાગના પ્રવાસીઓ અલગ વસ્ત્ર પરિધાનનો શોખ પૂરો કરવા તૈયાર થઈને જમવા આવ્યા. સરસ ગુજરાતી ભોજન હતું. એમાં પણ ટેબલે ટેબલે ફરીને હિતેશે બધાને આગ્રહ કરીને મોહનથાળ પીરસ્યો. 'જમીને બધા ગેટની બહાર આઈસક્રીમ પાર્લર પાસે ઊભા રહેજો. પાર્કિંગનો પ્રોબ્લેમ હોવાથી બસ ત્યાં આવશે.' હિતેશે સૂચના આપી. 'ચેન્નાઈ સીટી ટૂરમાં છેલ્લે મરીના બીચ પર જઈને રાત્રે જમવાના સમયે પાછા આવવાનું છે એટલે પોતપોતાની દવા જેવી જરૂરી વસ્તુઓ સાથે લેવાનું ભૂલતા નહીં.'
જમ્યા પછી ધીમે ધીમે બધા બહાર નીકળ્યા. હોટલના ગેટથી ત્રીસેક ફૂટ દૂર વિશાળ આઈસક્રીમ પાર્લર હતું. ત્યાં ફૂટપાથ ઉપર ઊભા રહીને બધા વાતો કરતા હતા. એ જ વખતે 'ઓ બાપ રે! લૂંટાઈ ગયો!' એમ ચીસ પાડીને સેવંતીલાલ ફૂટપાથ ઉપર ફસડાઈ પડયા! એમણે રીતસર રડવાનું ચાલુ કરી દીધું એટલે ટોળું બનીને બધા એમને ઘેરી વળ્યા. 'શું થયું, સેવંતીલાલ?'
જવાબમાં સેવંતીલાલે નીચે બેસીને જ બંને હાથથી માથાના વાળ ખેંચ્યા. એમની આવી દશા જોઈને એમની પત્ની ગભરાઈ ગઈ. એમની પાસે નીચે બેસીને હિતેશે એમના ખભે હાથ મૂકીને પૂછયું. 'વડીલ! પ્રોબ્લેમ શું છે?'
'હું લૂંટાઈ ગયો!' બંને હાથથી માથું કૂટીને સેવંતીલાલે દયામણા અવાજે કહ્યું. 'હું ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ પણ નથી રાખતો. ચાર લાખ રૂપિયા રોકડા લઈને આવેલો. બે હજારની નોટના નવાનક્કોર બે પેકેટને પલળે નહીં એટલે ઝભલાથેલીમાં લપેટેલા. રૂમમાં રાખવાને બદલે એ બંડલ ખિસ્સામાં મૂકીને જમવા આવેલો. અત્યારે જોયું તો ખિસ્સું ખાલી-આખું બંડલ ગૂમ!' એમણે જોરજોરથી રડવાનું શરૂ કર્યું એટલે એમની પત્નીએ પણ ભેંકડો તાણ્યો.
'ચાર લાખ રોકડા? પ્રવાસમાં એવી શું જરૂર હતી?' હિતેશે પૂછયું.
'ધંધા માટે.' સેવંતીલાલે ઢીલા અવાજે કહ્યું. 'તક મળે તો શિવાકાશી જઈને ફટાકડાનો એડવાન્સ ઑર્ડર આપવાનું વિચારેલું.' એણે રડીને ઉમેર્યું. 'એમાં કોઈ મોરલો કળા કરી ગયો ને મારું સૂરસૂરિયું થઈ ગયું!'
એ પતિ-પત્ની નીચે બેસીને વિલાપ કરતા હતા. આવું કઈ બને? કોણે ચોરી કરી હશે? પ્રવાસના પ્રારંભે જ આવું બન્યું એટલે બધા સ્તબ્ધ હતા!
(ક્રમશ:)