મૂર્ખરાજનાં લક્ષણ .
- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
'મહારાજ ! હું ખાતાં ખાતાં ચાલતો નથી, હસતા હસતા બોલવા જતો નથી, જે બની ગયું તેનો શોક કરતો નથી તો પછી હું મૂર્ખ કેવી રીતે કહેવાઉં ?'
खादन्न गच्छामि हसन्न जल्पे गतः न शौचामि कृतं नं मन्ये ।
दवाभ्या तृतीयो न भवामि राजन् किं कारणं भोजा भवामि मुखः।।
મૂર્ખાઓની બુદ્ધિના અભાવના ઉદાહરણ અહીં આપી દીધાં છે. પણ તેની સાથે એક રસિક દંતકથા જોડાઈ ગઈ છે.
ધારા નગરીના પ્રખ્યાત રાજા ભોજ સાહિત્ય રસિક હતા. કવિ-કુલ શિરોમણિ કાલિદાસ તેમના આશ્રિત હતા,પણ મિત્ર બની ગયા હતા. રાજાની રસિકતા અને જિજ્ઞાસા અને કવિની કુશળતા અને ચતુરાઈ વિષે સંખ્યાબંધ દંતકથાઓ પ્રચલિત છે. એક વખત રાજાને અચાનક બહુ તાકીદનો એક વિચાર આવ્યો તેના વિશે તરત રાણી સાથે વાત કરવા એ રણવાસમાં દોડી ગયા. રાણી તેમની દાસી સાથે કોની વાત કરતા હતા પણ અત્યંત અધીરા થયેલા રાજા વાટ જોઈ શક્યા નહીં અને રાણીને સંબોધીને વાત કરવા લાગ્યા. દાસી સાથેની વાત કપાઈ જતા રાણી નારાજ થયા અને રાજાને આવકાર આપ્યો : 'આવો મૂર્ખરાજ !' રાજા નારાજ થયા એમણે એવી શી કસૂર કરી હતી કે તેમને આવો ઇલ્કાબ આપવો પડયો ? પણ એમને કોણ કરે અને એ કોને પૂછે ? ઘણું મૂંઝાયા. આખરે બીજા દિવસે દરબારમાં વહેલા વહેલા પહોંચી ગયા અને દરેક આગંતુકને 'પધારો મૂર્ખરાજ' કહીને આવકારવા લાગ્યા. સૌ અકળાયા પણ શું કરે ? આખરે કવિ કાલિદાસ આવ્યા અને બીજા જેવો જે આવકાર પામ્યા પણ એ કેમ સહન કરે ? એમણે તરત ઉપરોક્ત શ્લોક કહ્યો. એમનો સવાલ હતો 'મહારાજ ! હું ખાતાં ખાતાં ચાલતો નથી, હસતા હસતા બોલવા જતો નથી, જે બની ગયું તેનો શોક કરતો નથી, મેં કરેલા કામોનું અભિમાન કરતો નથી અને બે જણા વાતો કરતા હોય તેમાં વચ્ચે ટપકી પડતો નથી તો પછી હું મૂર્ખ કેવી રીતે કહેવાઉં ?' રાજાને પોતાની શંકાનો જવાબ મળી ગયો. રાણી દાસી સાથે વાત કરતા હતા તેમાં પોતે દખલ કરે તે બરાબર નહોતું !
મૂર્ખામીના આ મોટાં લક્ષણો છે દરેક સમાજમાં તેમ મનાય છે ચાલતા ચાલતા ફાંફા મારવાથી વાતોમાં વિઘ્ન આવે છે ખાધેલું પચતું નથી અને વાનગી વેરાઈને ગંદકી કરે કે બોલતા બોલતા હાસ્યના ઠહાકા મારવાથી સાથીદારને બરાબર સંભળાતું નથી અને આ વર્તન અવિવેક અને અપમાન જેવું લાગે છે. ભૂતકાળમાં બનેલી વાતોનો શોક કે પોતાના કૃત્યોનું અભિમાન ન કરવું એ ઉપદેશ તો છેક ગીતામાં પણ આપેલો છે. અને બે માણસ વાત કરતા હોય ત્યાં ત્રીજાએ તેમાં ટાપશી ન પુરાવવી તેમ કરવું તે શિષ્ટાચારની વિરૂદ્ધ છે. આપણા સુધારક કવિ નર્મદે કહ્યું છે કે, 'બેની વાતમાં ત્રીજાએ ઝટ વિચાર ન આલવા.' સમાજમાં સન્માન ઇચ્છનાર દરેક જણે આ દુર્ગુણોથી દૂર રહેવા કાળજી રાખવી જોઈએ.