સિન્થેટિક વિટામિનને બદલે કુદરતી ફળોના ઘૂંટડા માણો...!!
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
ભા ગ્યે જ કોઈ એવું ઘર હશે જેમાં વિટામિનની ગોળી ના હોય. કોઇને ભૂખ ના લાગે તો વિટામિન લેશે. નબળાઈ લાગે તો વિટામિન લેશે. એન્ટિબાયોટિકની સાથે પણ વિટામિન તો જોઇશે જ.
તમારા લોહીમાં મોટે ભાગે વિટામિન ડી અને વિટામિન બી ૧૨ની ઉણપ જણાશે. આપણે સવારનો કુણો તડકો પામતાં નથી એટલે વિટામિન-ડીની ડિલિવરી થતી નથી. પાણી પણ રિવર્સ ઓસ્મોસિસથ પ્રોસેસ થયેલું હોય છે એટલે બી-૧૨ પણ ત્યાં ફિલ્ટર થઈ જાય છે. આપણો આહાર સમતોલ નથી. જંક ફૂડથી ભરપુર હોય છે. એટલે લોહ તત્ત્વ પણ લોહીમાં ઓછું ભળે છે. આને કારણે મોટાભાગના લોકો થકાવટની ફરિયાદ કરતાં હોય છે.
કેટલીક વાર મોટી ઉંમરના લોકોને જીંદગીભર વિટામિન લેવાની ગોળી પ્રિસ્ક્રાઇબ થાય છે. કિડનીને આને કારણે ભારે પડે છે.
આહાર નિષ્ણાતો વિટામિનની ઊણપ દૂર કરવા માટે ફળો અને શાકભાજીમાંથી કાઢેલા રસના ઘૂંટડા ભરવા કહે છે. અંગ્રેજીમાં ડ્રિન્કની ભાષામાં આને 'શૉટ' કહેવામાં આવે છે. જેમ ટકીલા નામના ડ્રિંકનો શૉટ લેવામાં આવે છે તેમ તમારે હવે દારૂબંધીવાળા ગુજરાતમાં ફળોના રસના 'શૉટ' મસ્તીથી લેવાના છે.
મોટા ભાગના લોકોમાં વિટામિન-ડી૩, બી-૧૨ અને લોહ તત્ત્વની ખામી હોય છે. તેમણે ફળોના રસ માણવા જોઇએ.
ફળોના રસમાં રહેલા ડાયેટરી ફાઈબર ડાયાબિટિશ અને હૃદયની તકલીફમાં રાહત આપે છે. સીધા ફળ ખાવા કે શાકભાજી ખાવા કરતાં તેના રસ પીવા સરળ છે અને સ્વાદમાં પણ મસ્તીભર્યા છે.
જેમ કે તમારા 'શૉટ'માં નાળીયેર પાણી, તાજા ફળ, તાજા શાકભાજી, મેવા ઊમેરો તો તે અતિ સ્વાદિષ્ટ બનશે. ફળોના રસમાં મીઠું (સૉલ્ટ) કે ખાંડ ઉમેરવાની ભૂલ ના કરતાં. સૉલ્ટથી પાણી શોષાઈ જશે અને વારંવાર મીઠું છાંટવાની ટેવ પડશે. ખાંડ શરીરમાં વધારાની કેલરી ઊમેરશે.
વિટામિન-એ.કે.સી. ફોલેટ, કેલ્શ્યમ કે પોટેશ્યમ માટે ભૂખ્યા પેટે ૧૫૦ થી ૨૦૦ મી.લી. સેલરી શૉટ લો. તે થાયરોઇડ કન્ટ્રોલ કરશે. લિવર શુધ્ધ કરશે અને ભારે માથાને હળવું કરશે . હેમોગ્લોબિનની ઊણપ માટે ૪૦ મીલી જવારાનો રસ પીઓ. લોહતત્ત્વ ભાજી, પાલક લો. તેમાં આમળાં કે લીંબુ ઉમેરો જેથી લોહ તત્ત્વ લોહીમાં શોષાઈ શકે.
કેલ્શ્યમની ઊણપ માટે કેળાં, પાલક અને બદામ દૂધવાળો શૉટ લો. તમે ૨૦૦ મી.લી. બદામ મિલ્ક અથવા સ્કીમ્ડ યોર્ગટ લઇ તેમાં કેળા, પાલક ઉમેરો.
વિટામિન-બી ૧૨ માટે બદામમિલ્ક, નાળીયેર મિલ્ક, સોયામિલ્ક ઉપરાંત યોગર્ટ, ચીઝ, પનીર લઇ શકાય સવારે આવા કુદરતી શૉટ પછી બે કલાક સુધી અન્ય આહાર લેશો નહિ...!