તંત્રશાસ્ત્રોમાં ગણપતિ અને મહાગણપતિ વચ્ચેનો તત્ત્વભેદ!

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
તંત્રશાસ્ત્રોમાં ગણપતિ અને મહાગણપતિ વચ્ચેનો તત્ત્વભેદ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- દ્વાપરયુગમાં એમણે મૂષક પર સવાર થઈને ગજાનન સ્વરૂપ ધારણ કર્યું, જેને આપણે સૌ ગૌરીપુત્ર અર્થાત્ મા પાર્વતીના પુત્ર તરીકે પુજીએ છીએ...

મો ટાભાગની તાંત્રિક સાધનામાં મહાગણપતિનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. શ્રીવિદ્યા તંત્રસાધના અને એના વિભિન્ન સંપ્રદાયોમાં મહાગણપતિના અનુષ્ઠાનનું અત્યાધિક મહત્વ જોવા મળે છે. અહીં યક્ષપ્રશ્ન એ છે કે ગણપતિ અને મહાગણપતિ વચ્ચે શું અંતર છે ? શું બંને એક જ સ્વરૂપો છે ? કે પછી એમના વચ્ચે કોઈ તત્વભેદ છે.

પહેલું વહેલું તો એ જાણી લેવું પડે કે ગણેશ પુરાણ અનુસાર ભગવાન ગણપતિના પણ જુદા જુદા અવતારો છે. જેવી રીતે ભગવાન વિષ્ણુના દસ અવતારો (મૂળ તો ચોવીસ) છે. એવી જ રીતે દરેક યુગમાં ભગવાન ગણપતિએ અવતાર ધારણ કર્યા છે. સતયુગમાં એમણે મહોત્કટ વિનાયક તરીકે અવતાર લીધો, જે સિંહારૂઢ છે, અર્થાત્ સિંહરૂપી વાહન પર સવાર છે. ત્રેતાયુગમાં મયુર એટલે કે મોર ઉપર આરૂઢ થઈને એમણે મયુરેશ્વર અવતાર ધારણ કર્યો. ઘણાં ચિત્રોમાં આજની તારીખે પણ ગણપતિ ભગવાન મોર ઉપર આરૂઢ થયેલાં જોવા મળશે. એની પાછળનું રહસ્ય ઉપરોક્ત કથનમાં છુપાયેલું છે. દ્વાપરયુગમાં એમણે મૂષક પર સવાર થઈને ગજાનન સ્વરૂપ ધારણ કર્યું, જેને આપણે સૌ ગૌરીપુત્ર અર્થાત્ મા પાર્વતીના પુત્ર તરીકે પુજીએ છીએ. જેનો સ્પષ્ટ અર્થ એ થયો કે આજની તારીખે મંદિરો અને તીર્થસ્થાનોમાં આપણે જે ગણપતિની પૂજા કરીએ છીએ, એ દ્વાપરયુગના ગણેશનું એક સ્વરૂપ છે.

રસપ્રદ વાત એ છે કે કેટલાક પુરાણો તો એમ પણ જણાવે છે કે ભગવાન કળિયુગમાં પણ અવતરણ પામશે. અશ્વ એટલે કે ઘોડા ઉપર આરૂઢ થઈને તેઓ દુષ્ટોના સંહાર માટે ભૂલોક પર અવતાર ધારણ કરશે. ધ્યાનાકર્ષક વાત એ છે કે ભગવાન વિષ્ણુના દશાવતારોમાંના અંતિમ એટલે કે દસમા - કલ્કી અવતાર માટે પણ આવું જ વિધાન શાસ્ત્રોમાં આલેખાયેલું છે.

આ તમામ સ્વરૂપો મહાગણપતિના અંશમાત્ર છે, એવું શાસ્ત્રો જણાવે છે. બ્રહ્માંડપુરાણના લલિતોપાખ્યાનમાં ભગવાન મહાગણપતિના સાકાર સ્વરૂપના પ્રાગટય અંગે સુદીર્ઘ કથા આપવામાં આવી છે. જેવી રીતે શ્રીવિદ્યાની ગણના સર્વોચ્ચ તંત્રવિદ્યા તરીકે થાય છે, એવી જ રીતે શ્રીવિદ્યાના અધિષ્ઠાત્રી દેવી - મા લલિતા મહાત્રિપુરસુંદરીના પ્રભાપુંજથી અવતરેલાં મહાગણપતિને સર્વોચ્ચ તાંત્રિક ગણપતિની ઓળખ પ્રાપ્ત છે.

મૂળ કથા મુજબ, મા લલિતા મહાત્રિપુરસુંદરીનાં સાકાર સ્વરૂપમાં પ્રાગટય પશ્ચાત્ ભંડાસુર નામના દૈત્ય સાથે એમનું ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ભગવતી મા બાલામ્બિકા અને દંડનાથા નામની એમની બે સંગિની-શક્તિઓએ ભંડાસુરના ત્રણસો પુત્રોનું નિકંદન કાઢી નાખ્યું હતું. આ કારણોસર, ભંડાસુર આક્રોશ, વેદના અને ચિંતાથી ગ્રસ્ત હતો. આ વાતથી ચિંતિત એના મંત્રી વિશુક્ર દ્વારા એક તાંત્રિક ઉપાય અજમાવવામાં આવ્યો. તેણે રાતભર જયવિઘ્ન યંત્ર પર અનુષ્ઠાન કર્યું અને મા લલિતાની છાવણી (સેનાનગરી)માં ચૂપકેથી મૂકી આવ્યો.

યંત્રન પ્રભાવથી માતાની આખી સેના, પ્રમાદ, નિદ્રા, શિથિલતા, વિસ્મૃતિનો શિકાર બની. જેવા તેઓ યુદ્ધ લડવા માટે છાવણીની બહાર નીકળે કે તરત હતોત્સાહ થઈને આળસથી ભરાઈને ફરી પાછા સેનાનગરીમાં જઈને આરામ કરવા માંડે ! સેનાએ પોતાના શસ્ત્રોનો તો જાણે ત્યાગ જ કરી દીધો હતો. આફતને અવસર તરીકે જોવા માટે ટેવાયેલાં વિશુક્રે માતાની સેના પર હુમલો કરી દીધો અને એમની પાસેથી દિવ્ય અસ્ત્રો-શસ્ત્રો છીનવવા લાગ્યો.

એ સમયે મા લલિતાની સેનાનાયિકા દંડનાથા અને એમની મંત્રિણી સચીકેશી એકદમ સભાનાવસ્થામાં હતાં અને તેઓ પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયાં. એમણે તાત્કાલિક ધોરણે માતા પાસે જઈને સેના-શિબિરના સમાચાર જણાવ્યાં. મા લલિતા એ ક્ષણે એમના ભરથાર સદાશિવ મહાકામેશ્વર સાથે સિંહાસન ઉપર બિરાજમાન હતાં. માએ કામેશ્વર સામે દ્રષ્ટિપાત કરીને મંદ સ્મિત આપ્યું અને એમના મુખમંડલનું નિરીક્ષણ કરવા માંડયાં.

મહાત્રિપુરસુંદરીના એ માર્મિક અને મંદ સ્મિતમાંથી એક દિવ્ય તેજોપુંજનું પ્રાક્ટય થયું, જે હતા મહાગણપતિ ! એમનું મુખ હાથી સમાન હતું. પોતાના દસ હાથોમાં એમણે ગદા, શંખ, ધનુષ, શુલ, પાશ, ઉત્પલ, અકુશ વગેરે ધારણ કર્યા હતા. એક હાથમાં રત્નમય કળશ હતો અને બીજો હાથ વરદમુદ્રામાં ! તેઓ લંબોદર પણ હતાં અને મસ્તક પર ચંદ્રાકાર ચૂડામણિ પણ શોભાયમાન હતી. તેઓ સિદ્ધિલક્ષ્મીના સ્વામી હતા.

ગજાનન દેવતા અર્થાત્ મહાગણપતિએ પ્રગટ થતાંની સાથે જ લલિતા દેવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને આદેશ કરવા જણાવ્યું. એ પછી માતાએ એમને જે આદેશ આપ્યો અને મહાગણપતિએ કઈ રીતે વિશુક્રના તાંત્રિક યંત્રને નષ્ટ કર્યું એની કથા આવતાં અંકે.


Google NewsGoogle News