કોરોના વેક્સિનની આડઅસરો વિશે અનેક માન્યતા

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
કોરોના વેક્સિનની આડઅસરો વિશે અનેક માન્યતા 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

કો વિડ ૧૯ની બીમારી વિશે આપણે બધા જ જાણીએ છીએ. ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાન પ્રાંતમાં શરૂ થયેલી આ બીમારી ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં ઘણા બધા લોકોનો ભોગ લઇ ચૂકી છે. દુનિયાભરમાં આશરે ૭૦ લાખ લોકો આ બીમારીના લીધે મૃત્યુ પામ્યા છે. આપણા દેશની વાત કરીએ તો આશરે ૫.૩૦ લાખ લોકો આ બીમારીના લીધે મૃત્યુ પામ્યા છે. એક પ્રકારના કોરોના વાયરસ દ્વારા થતી આ બીમારી હવા દ્વારા ફેલાય છે અને એક દર્દીથી બીજા દર્દી સુધી ખૂબ જ ઝડપથી આગળ વધે છે. આ બીમારી સામે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેડિકલ સાયન્સ પણ પહેલા એક વરસ સુધી બિલકુલ લાચાર હતું પરંતુ ત્યારબાદ આ રોગ સામેની અસરકારક દવાઓના કારણે, વેક્સિનના કારણે અને કુદરતી રીતે વાયરસ નબળો પડી જવાના કારણે આ મહામારીમાંથી આપણું વિશ્વ બહાર આવી શક્યું.

કોરોના વેક્સિન : અત્યાર સુધી આપણા દેશના ૧૦૦ કરોડ ઉપરાંત લોકોએ કોરોનાની રસી લીધી છે અને ૯૫ કરોડથી વધારે લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છે.આમાંના મોટાભાગના લોકોએ કોવીશીલ્ડ અથવા કોવેકસિન ની વેક્સિન લીધેલી છે. આ સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ ભારત સરકાર, ICMR  અને રાજ્ય સરકારની મદદ દ્વારા પાર પાડવામાં આવ્યો. આપણા દેશના નાગરિકોએ પણ આમાં ખૂબ જ સારો સહકાર આપ્યો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક વેક્સિન લેવાની તૈયારી બતાવી. આપણા દેશે આપણા નાગરિકોને આપવા ઉપરાંત બહારના દેશોને પણ વેક્સિન પૂરી પાડી. વેક્સિન આવી ત્યારે ઘણા બધાને એ બીક હતી કે વેક્સિન કેટલી સુરક્ષિત છે, શું આડઅસર થશે અને તેના વિશેના ઘણા તર્ક-વિતર્ક ચાલ્યા. 

શરૂઆતમાં આ વેક્સિન હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ અને ડોક્ટરોને આપવામાં આવી અને અગત્યની વાત તો એ છે કે ખૂબ ઓછા લોકોએ આ વેક્સિન લીધેલી હોવા છતાં આપણા હેલ્થ કેર વર્કર્સે વેક્સિન લેવાની તૈયારી બતાવી અને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર વેક્સિન લીધી. ભારત સરકારે કરેલા સર્વે મુજબ વેક્સિન લીધા પછી ત્રણથી છ મહિનાની અંદર કુલ ૮૦૦ ઉપરાંત કેસ વેક્સિનની સીરિયસ સાઇડ ઇફેક્ટ ના સામે આવ્યા અને એમાંથી ૪૮૮ લોકોનું મૃત્યુ થયું. એટલે કે ત્યાં સુધી અપાવેલા ૨૩ કરોડ ડોઝમાંથી ૮૮૭ લોકોને સીરિયસ સાઇડ ઇફેક્ટ થઈ એટલે કે આશરે ૧ લાખ લોકો વેક્સિન લે તો એક જણને આડઅસર થાય તેવું તારણ બહાર આવ્યું. સરકારી આંકડાઓ મુજબ કોવીશીલ્ડ લીધેલા ૨૧ કરોડ વ્યક્તિમાંથી ૪૫૭ લોકોના મૃત્યુ અને કોવેકસિન લીધેલા ૨.૫ કરોડ વ્યક્તિમાંથી ૨૦ લોકોના મૃત્યુ થયા. એનો અર્થ એ થયો કે વેક્સિનથી થયેલા ફાયદા ઘણા જ વધારે છે અને એનાથી થનાર નુકસાનની સંખ્યા ઘણી જ ઓછી છે. હાલમાં કોવીશીલ્ડ બનાવનારી કંપની દ્વારા પ્રકાશિત એક સંશોધનમાં એવું માલુમ પડયું છે કે આ વેક્સિનના કારણે Thrombotic Thrombocytopenic Purpura (TTS)ના અમુક કેસ નોંધાયા છે. તે અંગે હાલમાં ખૂબ જ વાદવિવાદ ચાલે છે પરંતુ WHOના મુખ્ય વૈજ્ઞાાનિક ડોક્ટર સૌમ્ય સ્વામીનાથન મુજબ કોરોનાની બીમારીના લીધે Clotting  થવાની શક્યતા વેક્સિન કરતા ૧૦૦ ગણી વધારે છે જેની સામે વેક્સિનથી થનારી આડઅસરો ઘણી જ ઓછી છે અને રક્ષણ ઘણું જ વધારે છે તેની ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું.


Google NewsGoogle News