Get The App

ભારતમાં રીટેલ રીવોલ્યૂશન : કાગળના પડીકાં પર પ્લાસ્ટિકના પેકેટ્સનો દબદબો

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ભારતમાં રીટેલ રીવોલ્યૂશન : કાગળના  પડીકાં પર પ્લાસ્ટિકના પેકેટ્સનો દબદબો 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- અનાજ, કઠોળ, દૂધ, છાસ, નાસ્તાના તૈયાર પેકેટ્સની ડિમાન્ડ દેશભરમાં ખૂબ વધી છે. પેકેજિંગનો બિઝનેસ અનેક ગણો વધ્યો છે

ભા રતના છૂટક બજારોનું અનેક રીતે વર્ગીકરણ કરવામાં આવે છે જેમ કે ગ્રામ્ય બજાર શહેરી બજાર ડીસ્ટ્રીકટસ, તાલુકા અને મહાનગરોનું બજાર, દક્ષિણ-ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ ભારતનું તેમજ સર્બબન બજાર વગેરે. ભારતના છૂટક વેચાણને ગ્રામ્ય કક્ષાએ અને તે પણ તદ્દન નાના ગામડાઓ સુધી લઇ જવામા ભારતની કેટલીક રાષ્ટ્રીય કંપનીઓ જેમ કે એશીયન પેઇન્ટસ, ઝંડુ, પતંજલિ, ડાબર, ઇમામી, એમડીએચ મસાલા, વગેરેએ પણ કમાલ કરી છે. હવે ગામડાંની છૂટક દુકાનોમાંથી પણ ત્રાજવાનો વપરાશ ઓછો થવા માંડયો છે અને મોટાભાગની ચીજવસ્તુઓનુ વેચાણ ટકાઉ અને હાઈજીનીક પેકેજીઝમાં થવા માંડયું છે. અનાજ અને કઠોળ પણ હવે ૧૦૦ ગ્રામ કે ૫૦૦ ગ્રામ કે કીલોના પેકેટસમા મળવા લાગ્યા છે. આમા છૂટક બજારના વેચાણમા પાંચ કે દસ રૂપિયામા વેચાતા હાઈજીનીક, એરટાઈટ નાસ્તાના કે રોજીંદી વપરાશની ચીજો (મરીમસાલા)ના પેકેટસે વેચાણમા હદ કરી નાખી છે. હવે ગામડાની દુકાનોમા પણ માખીઓથી બણબણતા ગોળ અને ખાંડના ખુલ્લા કોથળાઓ કે ખુલ્લા ડબ્બાઓ જોવા મળતા નથી. દાયકાઓ પહેલા માત્ર સોડાલેમન, ચા, કોફી, સીગરેટસ, ચોકલેટ અને માથાના દુખાવા માટેની ટેબલેટ્સ કે હીંગ કે બ્લેડ કે ટુથપેસ્ટ કે નાવાના સાબુ જેવી ચીજવસ્તુઓ જ પેકેટસમા કે કાચની બોટલ્સમા મળતી હતી. હવે ચોખા, ઘઉં, કઠોળ, તેલ અને તમામ પ્રકારના લોટ વગેરે પણ પેકેટસમા મળે છે જેથી છૂટક બજારોની દુકાનોમા સ્વચ્છતાનુ પ્રમાણ વધ્યુ છે. ટૂંકમાં ભારતના છૂટક બજારોના વેચાણમા મજબૂત, ટકાઉ, આકર્ષક, રંગરંગીન (ખાસ કરીને નાસ્તાના પેકેટસ) અને ચીજવસ્તુઓને સારી રીતે રાખી શકે તેવા પેકેજીઝનું મહત્ત્વ ઘણુ વધી ગયું છે. ટૂંકમાં આપણી રાષ્ટ્રીય અને જગતની બહુરાષ્ટ્રીય કંપનીઓએ છૂટક બજાર ક્ષેત્રમા 'પેકેજીંગ રીવોલ્યુશન' કર્યું છે તેથી ભલે પ્લાસ્ટીક, પૂંઠા, કે એલ્યુમીનીયમ ફોઇલનો વપરાશ વધ્યો છે જે વાતાવરણનુ પ્રદૂષણ કરે છે. પરંતુ તેના કારણે ગ્રાહકોને પ્રમાણમા સ્વચ્છ અને માનવ હાથનો સ્પર્શ કર્યા વિનાની પ્રોડક્ટ મળે છે. પ્લાસ્ટીકના અધધધ વપરાશને કારણે વાતાવરણનું પ્રદૂષણ ઘણું જ વધી ગયું છે એટલે હવે બહુરાષ્ટ્રીય કંપનીઓએ પેકેજીંગ માટે તમામ પ્રકારના બાયોડીગ્રેડેબલ મટીરીયલ્સની શોધ કર્યા વિના છૂટકો નથી કદાચ ભવિષ્યમાં બાયોટેકનોલોજીની મદદથી એવુ પ્લાસ્ટીક, પૂઠું, પેપર કે અન્ય પ્રકારનું પેકેજીંગ મટીરીયલ બનાવી શકાય જે પાણીમા ઓગળી અને જમીન માટે ફળદ્રૂપ ખાતરમા ફેરવાઈ જઇ શકે.

પેકેજીંગના ફૂડ ઇન્ડસ્ટ્રી માટે ટેટ્રાપેકેજીંગની શોધ અગત્યની મનાય છે. અલબત્ત આ પ્રકારનું પેકેજીંગ ખર્ચાળ છે. પરંતુ તેમાં ચીજવસ્તુ બહુ લાંબા સમય સુધી તાજી રહે છેે. ભારતમા ફરસાણની દુકાનો હજી કાગળોના પડીકામા ફરસાણ આપે છે. માર્કેટીંગના ચાર અગત્યના પીમાં પ્રોડક્ટ (ચીજવસ્તુ કે સેવા), પ્રાઈસીંગ (ભાવનિર્ધારણ), પ્રોમોશન (જાહેરાતો કે પબ્લીસીટી) અને પ્લેસ (એટલે કે છૂટક વેપાર કે જથ્થાબંધ વેપારની દુકાનો જેને માર્કેટીંગમા ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમનો ભાગ ગણવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. હવે ઘણા માર્કેટીંગ પ્રોફેશનલ્સ તેમા પાચમા 'પી' ઉમેરવા માગે છે અને તે છે 'પોલીટીકલ'. સરકારની મહેરબાની કે સરકારી અમલદારોને ખુશ કર્યા વિના તમારા વેચાણને કોઇક 'અદ્રશ્ય' પરિબળો એવુ આપણા દેશમા વારંવાર બને છે તેવું ઘણા માને છે.માર્કેટીંગના ચાર 'પી'નો વિચાર ઉત્પાદકો કે ઉદ્યોગકારોની દ્રષ્ટિથી ઊભો થયો છે. દા.ત. પ્રાઈસીંગનો વિચાર એમ કહે છે ક ચીજવસ્તુ કે સેવાઓનું ભાવ નિર્ધારણ (પ્રાઈસીંગ) એવી રીતે કરો કે કંપનીનો નફો ઉત્તરોત્તર વધ્યા જ કરે પછી ભલે ને કંપની કે કંપનીઓ રશિયા અને ઓપેકના દેશોની જેમ બજારમા બળતણના તેલની કૃત્રીમ અછત ઊભી કરે ? ભારતમા પણ અમુક બે કંપનીઓ વિરાટ કદની બની ગઈ છે તેમા 'પોલીટીકલ પેટ્રોનેજ' કારણભૂત છે તેમ ઘણા માને છે.

ચાર એ

ગ્રાહકને લક્ષમા રાખીએ તો કંપનીએ પોતાના માલના માર્કેટીંગની સફળતા માટે, વેચાણ અને નફો વધારવા માટે અંગ્રેજીના પ્રથમ અક્ષર 'એ' થી શરૂ થતા ચાર શબ્દોને સતત ધ્યાનમા રાખવા પડે. આ ચાર અંગ્રેજી શબ્દો નીચે મુજબ છે. પ્રથમ અક્ષર છ એટલે અવેલેબીલીટી જેનો ખર્ચ થાય છે કે જે વસ્તુ તમે વેચતા હોવ તે ગ્રાહકો માટે લભ્ય હોવી જોઇએ. તમે અમુક ચીજવસ્તુઓ વેચતા હો પણ તેનો છૂટક બજારની દુકાનોમા સ્ટોક (સંગ્રહ) જ ના હોય તો ગ્રાહકો નિરાશ પામી પાછા જતા રહે અને તેમને ગમે તેવી વૈકલ્પિક પ્રોડક્ટ કે સેવાઓની પસંદગી કરે. આપણે ત્યાં રેશનીંગની દુકાનોમા 'સ્ટોક નથી'ના પાટિયા વારંવાર જોવા મળે છે જે બાબત ગ્રાહકોમા બહુ જ ગુસ્સો અને નિરાશા ઉત્પન્ન કરે છે. તમે ફેસ પાવડર લેવા નીકળ્યા હોય અને દુકાનદાર કહે કે તમારી બ્રાંડનો ફેસ પાવડર અઠવાડિયા પછી અમારી દુકાનમા આવશે તો તમે તરત જ બીજી દુકાનેથી આ ફેસ પાવડર ખરીદશો. અંગ્રેજીમાં 'અવેલેબીલીટી' (સુલભ હોવુ) શબ્દ માર્કેટીંગ માટે અગત્યનો છે. આજથી થોડા વર્ષો પહેલા રાંધણગેસ એકાએક ખલાસ થઇ જાય અને છોકરાઓની પરીક્ષાઓના દીવસ હોય અને રાંધણગેસ એકાએક ખલાસ થઇ જાય તો ગૃહીણીઓના છાતીના પાટીયા બેસી જતા કારણ કે ગેસ ભરેલો બાટલો આવતા ઓછામાં ઓછા દસથી પંદર દીવસો લાગી જતા.

સુલભતા : માર્કેટીંગના ચાર છ માંથી બીજો અક્ષર એક્સેસીબીલીટી છે એટલે કે ગ્રાહકને જે ચીજવસ્તુ કે સેવા જોઇએ તે સહેલાઇથી મળવી જોઇએ. ગ્રાહકને અમુક ચીજવસ્તુ જોઇતી હોય અને તેની દુકાન બે માઇલ દૂર હોય કે એ દુકાન જ વારે તહેવારે બંધ રહેતી હોય તો ગ્રાહકની સ્થિતિ શું થાય ? સરકારી હોસ્પીટલ હોય પણ તે તમારા ઘરથી માઇલો દૂર હોય તેનો શું અર્થ ? હવે ફુડ ડીલીવરી પોતાને ઓફીસે કે ઘેર કરી શકાતા તેની 'એક્સેસીબીલીટી' (સુલભતા) વધી છે. એકલા રહેતા વ્યક્તિ માટે કે તદ્દન માદા પથારીવશ દર્દી માટે તે આશીર્વાદ સમાન સાબીત થઇ છે. દર્દી માટે સારૂ ભોજન લભ્ય હોવુ જોઇએ અને સુલભ પણ હોવુ જોઇએ.

અવેલીબીલીટી, એક્સેસીબીલીટ પછી ગ્રાહકલક્ષી ત્રીજો શબ્દ એક્સેપ્ટીબીલીટી માટે ચોથો શબ્દ જે ઘણો અગત્યનો છે અને તે છે એફોર્ડેબીલીટી છે. ગ્રાહકને તમારી ચીજવસ્તુ કે સેવા પોસાય તેવી હોવી જોઇએ. તમારે ઘર નજીકની રેસ્ટોરા સરસ અને સ્વાદીષ્ટ ભોજન બનાવતી હોય પરંતુ તે માટે હાજા ગગડી જાય તેવા ભાવ લેતી હોય તો તમે ત્યા જમવા જઇ શકો નહીં. ભાવો વાજબી હોવા જોઇએ. કયો ભાવ 'વાજબી' ગણાય તે ગ્રાહકના મનમા હોય છે અને તે માટે ગ્રાહકોના માનસને (ગમા અણગમાને) બંને પ્રોડક્ટસને જાણવા માર્કેટ રીસર્ચ કરવી પડે. એફોર્ડેબીલીટી એ ચોથો A    છે જ્યારે ત્રીજો A તે ખૂબ જ અગત્યનો છે અને તે છે એક્સેપ્ટીબીલીટી છે. આ A સૌથી અગત્યનો છે. કારણ કે તમારીપ્રોડક્ટ કે સર્વીસ ગ્રાહકને એક્સેપ્ટેબલ એટલે કે સ્વીકારવા યોગ્ય હોવી જોઇએ. એકસ્પ્ટેબલ એટલે જો ગ્રાહકને તે ગમી ગઈ હોય તો તે માટે તે ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર થાય. તેથી એર્ફોટેબીલીટીની આગળ ત્રીજો નંબર એક્સ્પેટીબીલીટીને આપવો પડે. પ્રોડક્ટ કે સર્વીસને કેવી રીતે સ્વીકાર યોગ્ય બનાવવી તે માટે પ્રોડક્ટ કે સર્વીસમાં સતત સુધારા વધારા કે તર્ક જ કરવા પડે.  છેલ્લા માત્ર ૨૫ વર્ષમા જ આપણા મોબાઈલ ફોનમા કેટલા જબરજસ્ત ફેરફારો થઇને હવે 'સ્માર્ટ ફોન્સ' બજારમા મુકાયા છે ? આજથી માત્ર ચાલીસ વર્ષ પહેલા કોઇને પણ કલ્પના હતી કે મોબાઈલ ફોનમાંથી ફોટો પણ લઇ શકાશે અને વીડીયો પણ ઉતારી શકાશે ?

છૂટક વેચાણમાં ડ્રોનનો ઉપયોગ

ભારતમા છૂટક બજારોની દુકાનોમાજે પરિવર્તનો આવશે તેમા ઓટોમેશન અને એઆઈની ભૂમિકા પ્રમુખ હશે. અત્યારે દુકાનમા માલ ખરીદીને પેટીએમ દ્વારા કે ડેબીટ ક્રેડીટ કાર્ડ દ્વારા પૈસા ચૂકવવાનુ તો શહેરોમા સામાન્ય બાબત થઇ ગઇ છે. પરંતુ ભવિષ્યમા બે ફેરફારો અગત્યનો ભાગ ભજવશે (૧) હોસ્પીટલમા કેટલીક ઇર્મજન્સી દવાઓ કે સાધનો ડ્રોનથી મોકલવામા આવશે. (૨) દુર્ગમ પ્રદેશોમા સૈનિકો માટે દવાઓ, ફુડ, શસ્ત્રો ડ્રોનથી મોકલવામા આવશે. (૩) આર્ટીફીશીયલ્સ ઇન્ટેલીજન્સના મશીનોની મુખ્ય કામગીરી ઇન્વેન્ટરી કન્ટ્રોલ રહેશે. અમુક ચીજવસ્તુઓનાં સ્ટોક ઓછો થાય એટલે રોબોટ જ સપ્લાયર કંપનીને ફોન કરી નિશ્ચિત કરેલી ચીજવસ્તુઓ ફેકટરી કે દુકાનો પર મોકલાવશે. બીલની અને પૈસાની લેવડ દેવડ રોબોટ જ કરશે અને રોબોટ જ દુકાનો ખોલશે અને તમામ લાઇટો બંધ કરી દુકાનને પણ બંધ કરશે. ભારતનો ૯૫ ટકા છૂટક વેપાર હજી બહુ જ સાધારણ કે સામાન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પરંતુ ભારતના છૂટક દુકાનદારોને એઆઈની સ્પીડ, એફીસીયન્સી અને એક્યુરસીની જાણ થતા તેઓ ચેટબોક્ષ કે રોબોટીક્સને અપનાવવામા વાર નહી લગાડે.


Google NewsGoogle News