હાહા, હૂહૂ અને તુમ્બુરુ : પરબ્રહ્મ દર્શનની એક અદ્ભુત કથા! .
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- સમય સમયાંતરે ઈશ્વરે આ ધરતી ઉપર આવીને પૂરવાર કર્યુ છે કે અવતાર ભલે શ્રીહરિનો હોય, કે પછી ગણપતિ અથવા મહાદેવનો; પરંતુ એમનું મૂળ તો એક જ છે! તમામ સ્વરૂપો પરબ્રહ્મ જ છે
તાજેતરમાં 'શ્રીગણેશપુરાણ'નાં અધ્યયન સમયે એક અદ્ભુત પ્રસંગ વાંચવાનો અવસર મળ્યો. તંત્રમાર્ગે અગ્રેસર સાધક સામે પાંચ માર્ગ ઉપલબ્ધ હોય છે : (૧) શૈવતંત્ર (૨) વૈષ્ણવતંત્ર (૩) શાક્તતંત્ર (૪) સૌરતંત્ર (૫) ગાણપત્યતંત્ર.
વૈદિક અને તાંત્રિક એમ બે વિભાગોમાં વહેંચાયેલાં ગણેશ ભગવાનની સાધનાનાં વિધિ-વિધાનો અને એમના સ્વરૂપો અંગે ગણેશપુરાણ તથા મુદ્ગલપુરાણ વિસ્તારપૂર્વક વર્ણન કરે છે. માત્ર આટલું જ નહીં, ભગવાન ગણેશ અને અન્ય દેવી-દેવતા વચ્ચે કેટલું સામ્ય છે, એ અંગે પણ જાણકારી પ્રાપ્ત થાય છે.
પૌરાણિક કાળની વાત છે. સંગીતવિશારદ ગંધર્વો હાહા, હૂહૂ અને તુમ્બુરુ પિતાંબર વસ્ત્રો ધારણ કરી, કપાળ પર ગોપીચંદન તિલક સાથે વીણા ઉપર મધુર સ્વર સાથે હરિભજન ગાતાં ગાતાં મહર્ષિ કશ્યપના આશ્રમ પર પહોંચ્યાં. સતયુગની આ ઘટના છે, જ્યાં ભગવાન મહાગણપતિએ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિને ત્યાં મહોત્કટ વિનાયક ગણપતિ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો.
મહર્ષિ કશ્યપે ત્રણેય ગંધર્વોનું સ્વાગત કર્યુ અને ભોજન ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી. અતિથિઓએ સ્નાન કર્યા પશ્ચાત્ પંચદેવતા - સૂર્ય, શક્તિ, શિવ, વિષ્ણુ અને વિનાયક - ની પૂજા કરી અને પછી પોતપોતાના ઈષ્ટનું ધ્યાન ધરવા માંડયાં. એ જ સમયે મહોત્કટ બહારથી રમીને આવ્યા અને એમની નજર પંચદેવતાઓનાં વિગ્રહ પર ગઈ. રમત-રમતમાં એમણે પાંચેય વિગ્રહને ઉઠાવીને બહાર કશેક પધરાવી દીધાં! આ બાજુ, ગંધર્વોનું ધ્યાન સંપન્ન થતાંની સાથે જ એમણે આંખો ખોલી અને સામે વિગ્રહનાં દર્શન ન થવાને કારણે તેઓ આકુળવ્યાકુળ થઈ ગયાં. એમણે વિગ્રહનાં અદ્રશ્ય થવા અંગેની વાત મહર્ષિ કશ્યપને જણાવી.
મહર્ષિ કશ્યપ આશ્ચર્યચકિત થવાની સાથોસાથ ચિંતામાં પણ પડી ગયા. જો વિગ્રહ ન મળે તો અતિથિઓનંિ અપમાન થયું ગણાય અને એમનો ઋષિધર્મ લાજે! બધી બાજુ દોડધામ કર્યા પછી તેમને પોતાના ચંચળ પુત્ર મહોતકટ તરફ ધ્યાન ગયું અને એમની શંકા મજબૂત થઈ. હાથમાં લાઠી લઈને તેમણે ક્રોધમાં ધ્રુજતાં ધ્રુજતાં મહોત્કટને પૂછયું, 'ગંધર્વોનાં વિગ્રહ સાથે તેં શું કર્યું?'
'હું તો બહાર મારા મિત્રો સાથે રમી રહ્યો હતો, પિતાશ્રી!' મહોત્કટે પણ ભયભીત થઈને ઉત્તર આપ્યો.
'તું શીઘ્રાતિશીઘ્ર વિગ્રહ લાવીને આપ, નહીંતર આજે તો તારી ધોલાઈ થશે!' મહર્ષિ કશ્યપ પણ બરાબરના ક્રોધિત થયા હતા.
'મેં મૂર્તિ નથી લીધી, પિતાશ્રી!' કહીને મહોત્કટ રોવા માંડયા અને જમીન પર આળોટવા માંડયાં.
એટલામાં માતા અદિતિ પણ ત્યાં પહોંચી ગયાં.
'જો આપને એવું લાગતું હોય કે માટીની એ નાની પ્રતિમાઓનું હું ભક્ષણ કરી ગયો છું, તો મારા મુખમાં દ્રષ્ટિપાત કરો. આપને સત્યનો પરિચય થઈ જશે.' એટલું કહીને મહોત્કટે પોતાનું મુખારવિંદ ખોલ્યું.
સર્વપ્રથમ માતા અદિતિએ એમના મુખમાં નજર કરી, ત્યાં તો તેઓ મૂર્છિત થઈને જમીન પર ઢળી પડયાં. એટલામાં, ત્રણેય ગંધર્વ અને મહર્ષિ કશ્યપ ઘટનાનો તાગ મેળવવા માટે મહોત્કટ પાસે આવ્યાં અને એમના મુખમાં નજર કરી. બાળક મહોત્કટનાં નાનકડાં મુખમાં કૈલાસ, શિવ, વૈકુંઠસહિત વિષ્ણુ, સત્યલોક, અમરાવતી, પર્વત, વન, સમુદ્ર, નદી, યક્ષ, વૃક્ષો સહિતની સમસ્ત પૃથ્વી, ચૌદ ભુવનો, પાતાળ, દસ દિશાઓ સહિતની અદ્ભુત સૃષ્ટિનાં દર્શન થયાં!
મહર્ષિ કશ્યપને પ્રતીતિ થઈ કે સાક્ષાત્ ભુવનેશ્વર પ્રભુ ગણપતિએ જ એમને ત્યાં અવતાર ધારણ કર્યો છે અને લાઠી નીચે મૂકીને એમણે ગંધર્વોને કહ્યું કે, 'આમને દંડ આપવાનો વિચારમાત્ર જ મારી મોટામાં મોટી ભૂલ હતી! હું આ નહીં કરી શકું. આપને હવે જે ઉચિત જણાય, એમ કરો.'
માતા અદિતિ પણ સભાનાવસ્થામાં આવીને બાળક મહોત્કટને સ્તનપાન કરાવવા માંડી.
નિયમ પ્રમાણે, જ્યાં સુધી દેવ-પ્રતિમા ન મળે ત્યાં સુધી ગંધર્વ કોઈ પ્રકારનું અન્ન ગ્રહણ ન કરી શકે! પરંતુ તત્ક્ષણ એમને બાળક મહોત્કટમાં જ પંચ-દેવતાઓનાં દર્શન થયાં અને મહર્ષિ કશ્યપ દ્વારા પીરસવામાં આવેલાં ભોજનને આરોગીને તેઓ તૃપ્ત થયાં.
દ્વાપરયુગમાં આ જ લીલા ભગવાન શ્રીકૃષ્ણે યશોદામૈયા સાથે કરી હતી. સમય સમયાંતરે ઈશ્વરે આ ધરતી ઉપર આવીને પૂરવાર કર્યુ છે કે અવતાર ભલે શ્રીહરિનો હોય, કે પછી ગણપતિ અથવા મહાદેવનો; પરંતુ એમનું મૂળ તો એક જ છે! તમામ સ્વરૂપો પરબ્રહ્મ જ છે.