Get The App

વિશ્વના દુર્ગમ ખડકાળ પર્વતો ને પ્રજ્ઞાચક્ષુ જેસ્સ ડફટોન વામણા સાબિત કરી રહ્યો છે

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
વિશ્વના દુર્ગમ ખડકાળ પર્વતો ને પ્રજ્ઞાચક્ષુ જેસ્સ ડફટોન વામણા સાબિત કરી રહ્યો છે 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ડફ્ટોને અમેરિકાના વાયોમિંગમાં સ્થિત 500 ફૂટ ઊંચા અલ માતાદોર સીધું ચઢાણ પૂરુ કરનારા સૌપ્રથમ પ્રજ્ઞાચક્ષુ પર્વતારોહી તરીકેનું ગૌરવ મેળવ્યું

- મને ખડકો પર સડસડાટ ચઢવા કરતાં રસ્તો ઓળંગતા વધુ ડર લાગે છે. મારા હાથ-પગ કરતાં મારા ઈરાદા વધુ મજબુત છે અને આ જ કારણે હું નિર્ભિક રીતે ખડકો પર ચઢી શકું છું.

- જેસ્સ ડફટોન 

જ્યા રે તમારા પગ સખત મહેનત કરીને થાકી જાય, ત્યારે તમે હામ ભીડીને હૃદયથી દોડવાનું શરુ કરજો.  - રમતની દુનિયામાં સફળતાની કોઈ ચોક્કસ નક્કી કરેલી ફોર્મ્યુલા નથી. જોકે તમામ પડકાર કે વિધ્નોને માત્ર ને માત્ર દ્રઢ ઈચ્છાશક્તિ અને સખત મહેનત થકી જ પાર કરી શકાય છે. આ જ કારણ છે કે, જ્યારે બરોબરીનો મુકાબલો ચાલી રહ્યો હોય, ત્યારે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ ખેલાડીનો હોંસલો બુલંદ રાખવાનો પ્રયાસ કરતાં રહેવું પડે છે. જે પળે નકારાત્મક વિચાર મનમાં પ્રવેશે છે, તે પળે જ પરાજય નિશ્ચિત થઈ જાય છે. જ્યાં સુધી પરિણામની પરવા કર્યા વિના પોતાની પ્રતિભાને શ્રેષ્ઠતાના શીખર સુધી પહોંચાડવાનો જુસ્સો સાબૂત રહે છે, ત્યાં સુધી સફળતા માત્ર હાથ વેંતમાં જ હોય છે. 

માત્રને માત્ર મક્કમ ઈરાદાને સહારે ઘણી વખત હારના આરેથી જીતના દરવાજા સુધી પહોંચવાની અસાધારણ સફર ખેડી શકાય છે. જે દુનિયા માટે ચમત્કારથી કમ નથી, પણ ખેલાડીને અહેસાસ હોય છે કે, જ્યા સુધી ઈરાદો મજબૂત હોય, ત્યાં સુધી સફળતાનો દીવો ઝાંખો ઝાંખો પણ ટમટમતો રહે છે અને તેનો પ્રકાશ જ એક દિવસ આખી દુનિયાનું ધ્યાન ખેંચે તેવું અજવાળું ચારેકોર રેલાવી દે છે. ગ્રેટ બ્રિટનમાં જન્મેલા પ્રજ્ઞાચક્ષુ પર્વતારોહી જેસ્સ ડફ્ટોનની સિદ્ધિ દુનિયાના ભલભલા સહાસિકોને અચંબામાં મુકવા માટે પુરતી છે.

બાળપણથી આંખોની બુઝાતી રોશની સાથે જન્મેલા ડ્ફ્ટોન અમેરિકાના વાયોમીંગમાં આવેલા 'અલ માતાદોર' નામના ખડકાળ પર્વત પર ૫૦૦ ફૂટનું સીધુ ચઢાણ સફળતાપૂર્વક સર કરીને બતાવ્યું છે. સપાટીથી લગભગ ૯૦ અંશની ઊંચાઈ ધરાવતા અલ માતાદોરને રાક્ષસના શહેર તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ દ્રષ્ટીની સાથે સાથે શારીરિક રીતે કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ઉણપ ન ધરાવતા સર્વાંગ પર્વતારોહીઓ માટે પણ અલ માતાદોરને સર કરવો એ જીવ સટોસટનો ખેલ બની જતો હોય છે, ત્યારે બ્રિટનના પ્રજ્ઞાચક્ષુ ડ્ફ્ટોને તેના આત્મબળની સાથે સાથે તેની પત્ની મોલીના માર્ગદર્શનને સહારે આ ચમત્કૃતિ સમાન સિદ્ધિ હાસલ કરી બતાવી છે.

અમેરિકાના અલ માતાદોર જેવા ખડકને સર કરવાની અસાધારણ સફળતાના કારણે ડ્ફ્ટોનને વૈશ્વિક સ્તરે નામના મળી છે. જોકે, તે બાળપણથી જ પર્વતારોહણમાં સૌથી મુશ્કેલ એવી ખડકોના સીધા ચઢાણમાં રસ ધરાવે છે અને અત્યાર સુધી ૨૦૦૦ જેટલા નાના-મોટા ખડકાળ પર્વતોના શિખર પર પહોંચી ચૂક્યો છે. અગાઉ તેણે સ્કોટલેન્ડના ઓર્કનેય દ્વિપ પર આવેલા ઓલ્ડ મેન હોય નામના સાડા ચારસો ફૂટની ઊંચાઈ ધરાવતા ખડકને પણ સર કરવાની સિદ્ધિ મેળવી છે. ડ્ફ્ટોન કહે છે કે, મને ખડકો પર સડસડાટ ચઢવા કરતાં રસ્તો ઓળંગતા વધુ ડર લાગે છે. મારા આંગળીઓ કરતાં મારા ઈરાદા વધુ મજબુત છે અને આ જ કારણે હું નિર્ભિક રીતે ખડકો પર ચઢી શકું છું.

૩૯ વર્ષના ડ્ફટોન માત્ર ૧ ટકા જેટલી જ દ્રષ્ટી ધરાવે છે અને તેને માત્ર ધુંધળા પ્રકાશનો જ ખ્યાલ આવે છે. જોકે તેના હાથ અને પગે આટલા વર્ષોમાં ખડકોની સાથે એવી તો દોસ્તી કરી લીધી છે, જે તે સ્પર્શ થકી તેમાં તિરાડો કે પછી હાથ અને પગ ટેકવવાની જગ્યા શોધી કાઢે છે અને તેના સહારે આગળ વધે છે. આ બધામાં તેની પત્ની મોલીની ભૂમિકા પણ મહત્વની બની રહે છે. તેઓ બંને ટુ-વે રેડિયો સિસ્ટમથી એકબીજાના સંપર્કમાં રહે છે. મોલી પણ એક અચ્છી પર્વતારોહી છે. તે મોટાભાગે ડ્ફ્ટોનની પાછળ રહીને તેને આગળ વધવા માટે માર્ગદર્શન આપતી રહે છે, પણ ખડકો પર ચઢતી વખતે ઘણી વખત એવો સમય આવે છે, જ્યારે ડ્ફટોન મોલીની નજરથી ઓઝલ થઈ જાય છે. મોલી માટે આ સમય અત્યંત મુશ્કેલ હોય છે, પણ ડ્ફ્ટોન તેની આંતરસૂઝ અને અનુભવને સહારે આગળ વધવાનો રસ્તો ખોળી જ લે છે.

આંખોની રોશની છીનવી લેનારે જ ડફ્ટોનને તેની આંગળીઓ અને પગના સ્પર્શ થકી તેમનો આંખોની જેમ ઉપયોગ કરતાં શીખવી દીધું છે અને આ જ બાબત ડ્ફ્ટોનને અન્ય પર્વતારોહીઓ કરતાં અલગ ઊંચાઈ પર પહોંચાડે છે. પોતાની મર્યાદાને સ્વીકારીને એક તરફ બેસી ન રહેવાનું જોશ ડ્ફ્ટોનને તેના પરિવારમાંથી જ મળ્યું છે. 

જેસ્સ ડીસ્ટ્રોફિસ ડ્ફટોનને કોન-રોડ ડિસ્ટ્રોફીની અસરની સાથે જન્મ્યો હતો. આ કારણે તેની દ્રષ્ટીમાં વિઘ્ન સર્જાયું હતુ અને બાળપણમાં તેની દ્રષ્ટીક્ષમતા માત્ર ૨૦ ટકા જેટલી જ હતી. કરુણતા એ હતી, તેની દ્રષ્ટીની આ ક્ષમતાં તબક્કાવાર ઘટતી જવાની હતી. જોકે, તેના પરિવારે ક્યારેય તેને તેની મર્યાદાનો અહેસાસ થવા ન દીધો. તે બાળપણથી જ પિતાની સાથે પર્વતારોહણમાં જતો અને પહેલેેથી તેને તેની મર્યાદામાં રહીને શ્રે પરિણામ હાંસલ કરવા માટેની તાલીમ મળી. 

તેણે પર્વતારોહણની સાથે સાથે રગ્બી અને માર્શલ આર્ટ જુજીત્સુુ પર હાથ અજમાવ્યો. રમતોને કારણે તે ખડતલ બન્યો અને  માર્શલ આર્ટના કારણે તેની એકાગ્રતામા વધારો થયો. ધીરે ધીરે માત્ર પર્વતારોહણ પર જ ધ્યાન કેન્દ્રીત કરવા લાગેલા ડફ્ટોનની મુલાકાત યુનિવર્સિટી દરમિયાન મોલી સાથે થઈ. મોલીને પણ પર્વતારોહણનો જબરો શોખ. તેમાં ય દ્રષ્ટીની મર્યાદા છતાં પર્વતારોહણમાં ડ્ફોટનની કાબેલિયતને જોઈને તે દંગ રહી હતી અને આખરે તેણે બાકીની જિંદગી માટે તેની આંખો બનીને રહેવાનું નક્કી કર્યું. 

બ્રિટન જ નહીં, સાઉથ આફ્રિકા, અમેરિકા તેમજ યુરોપના વિવિધ દેશોમાં અત્યંત પડકારજનક મિશન પાર પાડી ચૂકેલા ડ્ફટોન અને મોલીને ૨૦૧૭માં બ્રિટનની દિવ્યાંગ પર્વતારોહીઓની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથો ક્રમ હાંસલ કર્યો હતો. પર્વતારોહણની સાથે સાથે ડ્ફટોન એક ટેકનોલોજીના ક્ષેત્રની કંપનીનો પેટન્ટ એન્જિનિયર પણ છે. 

ડ્ફ્ટોન કહે છે કે, પર્વતારોહણ એ જિંદગી જેવું જ છે. તમારે તમારી કાબેલિયનની જોડે તમારા સાથીઓ પર પણ ભરોસો રાખવાનો છે. સ્હેજ પર ચૂક્યા તો તમને ખાઈમાં પડતા વાર લાગતી નથી, પણ સચેત રહીને ડગલા ભરતા રહીએ તો નવીન ઊચાઈઓને પાર કરી શકાય છે. 

વિશ્વભરના દિવ્યાંગો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેલા ડ્ફ્ટોનનો ઈરાદો તેના કૌશલ્યને હવે બર્ફિલા પહાડોની સાથે સાથે માટીના ઊંચા ટેકરાઓ પર પણ અજમાવવાનો છે. પળેપળ જીવનેે હથેળીમાં મુકીને આગળ વધતો ડ્ફ્ટોન માને છે કે, બાળકોને પડકારનો સામનો કરવા દો. તેમને થોડું જોખમ ઉઠાવવા દો, તો જ તેઓ આગામી સમયના મુશ્કેલ પડકારોની સામે મક્કમતાથી ટકી રહેશે. 


Google NewsGoogle News