Get The App

સહુ કોઈ છે જ્ઞાનના હકદાર .

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
સહુ કોઈ છે જ્ઞાનના હકદાર                                   . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- ભિક્ષુ બનવાનો વિચાર છોડી દીધો, પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા તેમણે ૧૯૯૯માં લોડેન ફાઉન્ડેશનની સ્થાપના કરી

ભા રતનો પાડોશી દેશ ભૂતાન એ ખુશમિજાજ લોકોનો દેશ છે. આશરે આઠ લાખની વસ્તી ધરાવતા ભૂતાનમાં ચોરાણું ટકા લોકો પોતાના વર્તમાન જીવનથી પ્રસન્ન છે અને તેથી ભૂતાન એ હેપીનેસ ઈન્ડેક્સમાં આગળ પડતું સ્થાન ધરાવે છે, પરંતુ આજે ભૂતાનને યાદ કરવાનું કારણ છે લોપેન કર્મા ફુંટશો. મધ્ય ભૂતાનના બુમથાંગ જિલ્લાના ઉરામાં લોપેન કર્મા ફુટશોનો ૧૯૭૦માં જન્મ થયો હતો. તેમના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી, પરંતુ સહુ કોઈ તેમના પ્રત્યે સન્માન અને અહોભાવથી જોતા હતા. તેનું કારણ એ હતું કે બંને બૌદ્ધ ધર્મના પ્રતિતિ પુરોહિત ખાનદાન સાથે સંબંધ ધરાવતા હતા. કર્મા ફુંટશોના પિતા ખેતી કરવાની સાથે સાથે ધાર્મિક ક્રિયાકાંડ પણ કરાવતા. તેમણે કર્માને 'ચોકી' વર્ણમાલા શીખવી અને પ્રાર્થનાના સંસ્કાર આપ્યા. તેમનો ઉરા પ્રાથમિક સ્કૂલમાં શૈક્ષણિક જીવનનો પ્રારંભ થયો અને ત્રીજા ધોરણ પછીનો અભ્યાસ જકાર સ્કૂલમાં થયો, જે તેમના ગામથી પચાસ કિમી. દૂર હતી.

જકાર જુનિયર હાઈસ્કૂલમાં હોસ્ટેલની સગવડ હોવાથી એને શાળાકીય શિક્ષણની સાથે સાથે વ્યવહારિક કૌશલ્ય અને અન્ય જીવનોપયોગી શિક્ષણ મેળવવાની તક સાંપડી, તેથી જ્યારે જ્યારે વેકેશન પડતું ત્યારે ઘરે જવાને બદલે તેઓ પડોશમાં આવેલ લ્હુનત્સે જિલ્લાના ગોપાલકોને ગાયો ચરાવવામાં મદદ કરતા.  ૧૯૮૬માં તેઓ નવમા ધોરણમાં હતા, ત્યારે દેશની રાજધાની થિમ્પૂમાં અભ્યાસ કરવાની તક મળી. આધુનિક શિક્ષણ મેળવવાની સાથે શહેરની જિંદગીને નજીકથી જોવાનો અને જાણવાનો અનુભવ થશે એવા વિચારથી કર્મા ફુંટશો ખૂબ ખુશ હતા, પરંતુ તેમની આ ખુશી લાંબો સમય ટકી નહીં. તેનું કારણ એવું હતું કે તેમની ઊંચાઈ ઓછી હોવાથી સહાધ્યાયીઓ તેમને ઠીંગુજી કહીને ચીડવતા. સહાધ્યાયીઓની મશ્કરી અને શિક્ષકોની ઉદાસીનતાને કારણે કર્મા ફુંટશોનું અભ્યાસમાંથી મન ઊડી ગયું અને તે જ સમયે ભૂતાન નરેશે અપીલ કરી હતી કે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ભિક્ષુ બને. તેમના મનમાં આ વાત ઠસી ગઈ અને સ્કૂલ છોડીને તેઓ ચેરી મઠ પહોંચી ગયા અને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. બાળપણમાં પિતા પાસેથી મળેલું ચોકી વર્ણમાલાનું જ્ઞાન અને અત્યાર સુધીનું શિક્ષણ એને ઉપયોગી બની રહ્યું.

સોળ વર્ષના કર્મા ફુંટશોએ બૌદ્ધ ધર્મનો ગહન અભ્યાસ કર્યો, નગાગ્યુર નિંગ્મા સંસ્થાન અને સેરા મઠમાં દસ વર્ષ રહ્યા. તેમની વિદ્વત્તા તેમને ૧૯૯૭માં ઓક્સફર્ડ યુનિવર્સિટી સુધી અભ્યાસ માટે લઈ ગઈ. ૨૦૦૩માં બૌદ્ધ અધ્યયનમાં ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ પેરિસમાં નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રીસર્ચ સંસ્થામાં પોસ્ટ-ડોક્ટરલ સંશોધક તરીકે તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સામાજિક નૃવંશવિજ્ઞાન વિભાગમાં કામ કર્યું. તેમની જ્ઞાનપિપાસને કારણે તેઓએ ફ્રાંસ, બ્રિટન અને ભારતની કેટલીય પ્રતિતિ સંસ્થાઓમાં અધ્યયન-અધ્યાપન કર્યું. અગિયાર ભાષાના જાણકાર બન્યા. ભિક્ષુ બનવાનો વિચાર છોડી દીધો, પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા તેમણે ૧૯૯૯માં લોડેન ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા એક બાળકી માટે બ્રિટનથી વર્ષે પચાસ પાઉન્ડ મળે તેવી વ્યવસ્થા કરી. નિયમિત આર્થિક સહાય મળવાથી આજે તે બાળકી ઇતિહાસની શિક્ષિકા છે. ભુટાનીઝ શબ્દ લોડેનનો અર્થ છે 'બુદ્ધિ ધરાવવી'. તેનું સૂત્ર છે જ્ઞાન માલિક વિનાનું છે અને દરેક વ્યક્તિ તેનો હકદાર છે.

લોડેન ફાઉન્ડેશને અત્યાર સુધીમાં ૨૧૯ હોશિયાર ગરીબ બાળકોનો સ્નાતક કક્ષા સુધી અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે, તો એક સો જેટલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ આપી છે. ૨૦૦૮થી ઉદ્યોગસાહસિકોને તાલીમ આપે છે. સાડા પાંચ હજારથી વધુ ઉદ્યોગસાહસિકોને તાલીમ આપી છે અને પોણા ત્રણસોથી વધુ વ્યવસાયોને ભંડોળ પૂરું પાડયું છે, જેમાં ૯૨ વ્યવસાયો મહિલાઓ દ્વારા સંચાલિત છે. લોપેન કર્મા ફુંટશોએ 'ધ હિસ્ટ્રી ઓફ ભૂતાન'માં પોતાના દેશનો પ્રામાણિક ઇતિહાસ અંગ્રેજી ભાષામાં આપ્યો છે. તર્ક અને જ્ઞાાન મીમાંસા વિશે પુસ્તક લખ્યું છે, જે પાઠયપુસ્તક છે. તે ઉપરાંત થગસે દાવા ગ્યાલ્ત્શેન અને ગ્યાલસે પેમા થિનલેનાં જીવનચરિત્રો તેમની પાસેથી મળે છે. આ બધા કરતાં તેમની સૌથી મોટી ઉપલબ્ધિ લોડેન ફાઉન્ડેશન અંતર્ગત ચાલતો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ લેખિત વારસો, મૌખિક પરંપરાઓ અને કળા તથા સ્થાપત્ય - એમ ત્રણ ઘટકમાં કામ કરે છે. લોડેન ફાઉન્ડેશન દ્વારા ૩,૨૬૭ કલાકનો મૌખિક ઇતિહાસ રેકોર્ડ કર્યો છે. ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા પિસ્તાળીસ લાખ પાનાંઓનું ડિજિટાઇઝેશન કર્યું છે તથા દોઢ લાખથી વધુ કલાકૃતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. લોપેન કર્મા ફુંટશો એમના દૂરદર્શિતાપૂર્ણ અને માનવતાના કાર્યો માટે રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભૂતાની છે.

અવસર છે વધતી ઉંમર

તેઓ વધતી ઉંમરની મહિલાઓને ઉંમર વધવાના ડરથી મુક્ત કરી રહ્યા છે. સમાજમાં વૃદ્ધાવસ્થાનો ડર ગંભીર સમસ્યા બની રહ્યો છે. 

સ માજમાં મોટી ઉંમરની વ્યક્તિઓને કેટલાક લોકો કહેતા હોય છે કે ઉંમર તો માત્ર એક નંબર છે, એ જીવનમાં બાધારૂપ નથી, પરંતુ જ્યારે વ્યક્તિ પ્રથમ વખત પોતાના કાળા વાળમાં સફેદી જુએ કે ચહેરા પર કરચલી જુએ, ત્યારે પોતાની ઉંમર વિશે વિચારતો થઈ જાય છે, પરંતુ જીવનની આ વાસ્તવિકતાને સ્વીકારને મોટી ઉંમરે મોડલિંગ કરતા મુક્તા સિંહ અનેક સિનિયર સિટીજન માટે પ્રેરણારૂપ બની રહી છે. મૂળ રાજસ્થાનના પરંતુ હાલ ગુરુગ્રામ રહેતા મુક્તા સિંહએ અંગ્રેજી વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી અને તેના લગ્ન વાયુસેનામાં કામ કરતાં પાયલોટ સાથે થયા. આજે એકસઠ વર્ષના મુક્તા સિંહના નાની ઉંમરથી જ વાળ સફેદ થવા લાગ્યા હતાં અને તેઓ નિયમિત રીતે તેની સંભાળ લેતા હતા, પરંતુ તેમના માતા કેન્સરના અંતિમ તબક્કામાં હતા અને પાળેલો કૂતરો પણ બીમાર હતો, ત્યારે મુક્તા સિંહના મનમાં દુવિધા થતી કે ઘરની જવાબદારી સાથે માતાની સંભાળ રાખવી કે પોતાના પ્રત્યે ધ્યાન આપવું ?

આવી પરિસ્થિતિમાં મુક્તા સિંહે વાળને કલર કરવાનું છોડી દીધું, જે તેમનાં માતાને પસંદ ન આવ્યું અને તેમની મિત્ર સમાન પુત્રીએ કહ્યું કે, 'મા, તમે એક વાર વાળને કલર કરવાના બંધ કરી દેશો, તો જીવનમાં ઉત્સાહ રહેશે નહીં, જીવનની ઇચ્છા ગુમાવી દેશો' અને પુત્રીની નારાજગી છતાં મુક્તા સિંહે વાળને કલર કરવાનું છોડી દીધું. જોકે તેઓ વાળની પહેલાં કરતાં વધારે સંભાળ લેવા લાગ્યાં. ૨૦૧૯ના અંતમાં તેમના માતાનું અવસાન થયું અને ત્યારબાદ કોરોના મહામારીને કારણે ઘરમાં જ રહેવાનું બન્યું. આ સમયે તેમની પુત્રી મુક્તા સિંહના ફોટા સોશિયલ મીડિયા પર મૂકતી. આ સમય દરમિયાન પરિવારમાં લગ્નપ્રસંગ આવ્યો. તે માટે મુક્તા સિંહે એક ડિઝાઇનર સાડી ખરીદી અને પોતે કઈ રીતે સારી દેખાઈ શકે તે માટે ઘણો પુરુષાર્થ કર્યો. મુક્તા સિંહની મહેનત રંગ લાવી. ઘણાએ તેમની પ્રશંસા કરી અને કહ્યું કે સફેદ વાળ સાથે આ સાડી ખૂબ સરસ લાગતી હતી. 

લગ્નમાંથી ઘરે પાછા આવીને તેમણે સોશિયલ મીડિયામાં પોતાની તસવીર મૂકી. ડિઝાઈનર સાડીવાળાને પણ એ તસવીર મોકલી. એ તસવીર વાયરલ થઈ અને અન્ય ડિઝાઈનરોએ પોતાનાં વસ્ત્રો માટે મોડલિંગ કરવા માટે તેમનો સંપર્ક કર્યો. આજે મુક્તા સિંહ ખૂબ ખુશ છે, કારણ કે નાનપણથી જ તેમને સરસ રીતે તૈયાર થયેલી મહિલાઓને જોવાનો, ફેશન મેગેઝિન વાંચવાનો અને મોડલોને જોવાનો ખૂબ શોખ હતો. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ આ ક્ષેેત્રમાં કામ કરશે. તેઓ કહે છે કે જીવન આશ્ચર્યોથી ભરેલું છે. અભ્યાસ પછી તરત લગ્ન અને બાળકોની જવાબદારી આવી પડી. પતિ વાયુસેનામાં પાયલોટ હોવાથી કોઈ એક જગ્યાએ સ્થિરતાથી રહેવાનું બન્યું નહીં, તેથી તેમણે પોતાના શોખથી આર્ટ  ગેલેરીમાં મેનેજર તરીકે, ઇવેન્ટ માર્કેટિંગ ટીમમાં, ફ્રીલાન્સ લેખક અને કોપી ઓડિટર તરીકે તેમજ કોર્પોરેટ ટ્રેનર તરીકે - જેવાં અનેક કામ કર્યાં, પરંતુ તેમાં ક્યાંય જીવનનો આનંદ ન મળ્યો.

તેમના ગુરુ દાઈસાકૂ ઈકેદા પોતાની પંચાણું વર્ષની ઉંમરે પણ પોતાને યુવાન માનતા હતા. મુક્તા સિંહ માને છે કે તેમની કલા અને ધર્મની સાધનાએ જ તેમને તેમના વ્યક્તિત્વને રચનાત્મક રીતે અભિવ્યક્ત કરવામાં મદદ કરી છે. પોતાની અઠ્ઠાવન વર્ષની ઉંમરે મોડલિંગની કારકિર્દી બનાવનાર મુક્તા સિંહ ફોટોગ્રાફર, સ્ટાઇલિસ્ટ અને ડિઝાઈનરનો આભાર માને છે, કારણ કે તેઓના સતત સંપર્કને કારણે તેમને આત્મવિશ્વાસનો સુખદ અનુભવ થાય છે. જોકે ફેશન ઉદ્યોગમાં મોટી ઉંમરે પ્રવેશ કરવામાં જેઓને નિષ્ફળતા મળી છે તેઓ ટીકા-ટિપ્પણી કરે છે, પરંતુ તેનાથી મુક્તા સિંહને કોઈ ફેર પડતો નથી. સોશિયલ મીડિયા પર આજે તેમના હજારો ફોલોઅર છે. યુવતીઓ માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. 

તેઓ વધતી ઉંમરની મહિલાઓને ઉંમર વધવાના ડરથી મુક્ત કરી રહ્યા છે. સમાજમાં વૃદ્ધાવસ્થાનો ડર ગંભીર સમસ્યા બની રહ્યો છે. કેટલાક ડિઝાઈનરો, અભિનેતા કે અભિનેત્રી નિશ્ચિત ઉંમર સુધી પહોંચીને આત્મહત્યા કરી લે છે. તેઓ વૃદ્ધ થવા નથી ઇચ્છતા અને તેમાંય ખાસ કરીને હોલીવૂડમાં ! તેઓ માને છે કે સાર્થક રીતે જીવન જીવવું અને તેમાં પરિવર્તન લાવવું મહત્ત્વપૂર્ણ છે. આવું કરવાથી તમારી સાથે ક્યારેય મહત્ત્વહીન વ્યક્તિ તરીકેનો વ્યવહાર નહીં થાય. પોતાની સાથે થઈ રહેલા વ્યવહાર માટે વડીલોએ પરિસ્થિતિને દોષ દેવો જોઈએ નહીં. સમાજને કોઈ અમુક રીતે જ વ્યવહાર કરવા માટે કહી શકાય નહીં. બીજાને નિયંત્રિત કરવાને બદલે પોતાના જીવનને જ નિયંત્રિત કરવું જોઈએ એમ માનનાર મુક્તા સિંહ વધતી ઉંમરના સકારાત્મક પાસાં દર્શાવી રહ્યા છે. નિવૃત્તિ જીવનના અંત તરફ જવાનો માર્ગ નથી, પરંતુ વ્યસ્ત જીવનમાં તમે જીવનભર નથી કરી શક્યા તે કરવાનો અવસર છે. તેમને લાગે છે કે દરેક ક્ષેત્રમાં વડીલો માટે તક ઊભી કરવાની જરૂર છે, કારણ કે તેઓ પાસે યુવા પેઢીને આપવા માટે ઘણા અનુભવો છે.


Google NewsGoogle News