ચંચળ મનને ખામોશી ખૂંચતી હોય છે! .
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- મતંગ ઋષિના વચનનો મર્મ એ છે કે, 'મનને જેમ કામની જરૂર છે, એમ આરામની પણ જરૂર છે.'
- આપણું શરીર નિરોગી રહે તે માટે આપણે કેટલી બધી ચિંતા સેવીએ છીએ, પણ નિરોગી શરીરમાં રોગી મન વસશે તો મોટી આફત સર્જાશે એ ભૂલવું ન જોઈએ
ગા યક મન્ના ડેનાં ભજનની એ પંક્તિ 'મન કી આંખે ખોલ બાબા'ને આપણા મનમાં રાખીને આપણે 'મનની ચંચળ આંખ'નો વિચાર કર્યો. એ મન આપણાં રાગ-દ્વેષોનો અરિસો બનીને આપણી ઈચ્છાઓ અને નિંદાઓનું વાણી દ્વારા પ્રાગટય છે અને જ્યારે આપણે એમ માનીએ છીએ કે ઘડિયાળને આપણે ચલાવીએ છીએ, પણ હકીકતમાં ઘડિયાળ આપણને ચલાવે છે. એ જ રીતે આપણે માનીએ છીએ હું મારી મરજી મુજબ ચાલું છું, પણ હકીકતમાં આપણે આપણા મનની મરજી મુજબ ચાલીએ છીએ. પેલી કથામાં આવે છે કે એક માણસ ગાયના ગળામાં દોરડું બાંધીને એને દોરી જતો હોય છે, ત્યારે કોઈ એને પ્રશ્ન પૂછે છે કે, 'ગાય તને દોરે છે કે તું ગાયને દોરે છે ?'
એ રીતે આપણું મન કઈ રીતે ચંચળતાથી આપણા જીવન પર છવાઈ જાય છે અથવા તો એને બરબાદ કરે છે એ વિશે આપણે જોયું, પણ હવે એ મનની આંખને વશ કરવાના તમને બે ઉપાયો બતાવવા છે. પહેલો ઉપાય એ છે કે મનની આંખ ખુલ્લી રાખીને ચિત્તમાં કોઈ પરમાત્માની મૂર્તિનો વિચાર કરો. એથીયે વિશેષ ઈશ્વરની મૂર્તિ સામે બેસીને ઈશ્વરની આંખ સાથે તમે એકાગ્ર દ્રષ્ટિએ જુઓ. આપણે ઈશ્વરનાં દર્શન કરીએ છીએ, પણ મોટાભાગનાં લોકો એટલી દોડાદોડીમાં દર્શન કરે છે કે પોતાની આંખથી થોડી વાર પણ 'પ્રભુમિલન' કરતા નથી. આંખથી પ્રભુમિલન થાય, ત્યારે તમારા મનની કેવી ઉત્કૃષ્ટ અવસ્થા હોય છે, તેનો વિચાર કરો. આંખ દ્વારા મનનાં ભાવો કેવા પવિત્ર બની જાય છે. બાહ્ય જગતની સઘળી ઘટનાઓ વિલુપ્ત થઈ જાય છે અને આને માટે એક ઉપાય એ છે કે મંદિરનાં કોલાહલમાં નહીં, પણ કોઈ શાંત વાતાવરણમાં અથવા તો પોતાના નિવાસસ્થાનમાં ભગવાનની અર્ધખુલેલી કે પૂર્ણરૂપે ખુલેલી આંખો સાથે અંખિયા મિલાવીએ, તો અનેરો આધ્યાત્મિક આનંદ થશે.
હકીકતમાં આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ, પણ એનો પરિચય પામતા નથી. એનો પરિચય એટલે એની સાથે ખુલ્લા દિલે અને મોકળા મને નિરાંતે વાતચીત કરવી. આમ મનની એકાગ્રતાનું મુખ્ય માધ્યમ એ ઈશ્વરની આંખ સાથેનો મેળાપ છે. જે મન આપણને સતત બોલવા માટે ઉશ્કેરે છે. એ જ મન સાથે બીજી મોટી તાકાત છે તે નીરવ મૌનની. આ મનનું મૌન એ સાધનાનું મોટું પગથિયું છે. વાણીનાં મૌનની વાત તમે સાંભળી હશે ! પણ જ્યારે વાણી, વિચાર એ સઘળાનું મૌન સધાય, ત્યારે મનનું મૌન સર્જાય છે.
આ મનનાં મૌનની સાધના એ જીવનમાં વિરલ આનંદ આપે છે. કોઈ શાંત સ્થળે મનનાં આવા મૌનનો વિચાર કરજો. પહેલાં થોડીક ક્ષણો મન મૌન રાખી શકશે, કારણ કે અટકચાળા મનને ખામોશી હંમેશા ખૂંચતી હોય છે. એ સતત તમને કોઈને કોઈ પ્રશ્નમાં કે વિચારમાં તમારા મનને સતત જકડી રાખે છે. જેમ માણસ મનથી વધુને વધુ પકડાતો જાય, તેમ તેમ એ જીવનમાં વધુને વધુ સ્ટ્રેસનો અનુભવ કરશે. એનું મન સતત એને એક પછી એક આજ્ઞા આપતું રહેશે અને એ આજ્ઞાપાલન કરવા જતાં મન વધુને વધુ સ્ટ્રેસ કે તનાવ અનુભવતું જશે.
તો આ મનને મૌન રાખશો કઈ રીતે ? એને શાંત રાખવાનો એક ઉપાય પરમજ્ઞાની મતંગ ઋષિએ બતાવ્યો છે. એ મતંગ ઋષિ પક્ષીઓ સાથે લાંબા સમય સુધી ગેલ કરતા અને ત્યારે કોઈએ પૂછયું કે, 'તમારા જેવા શાસ્ત્રજ્ઞા ઋષિ શા માટે પક્ષીઓ સાથે ખેલીને મૂલ્યવાન સમય બરબાદ કરે છે ?'
એ સમયે મતંગ ઋષિએ કહ્યું કે તારો ઉત્તર આ છે અને એમ કહીને બાજુમાં પડેલું ધનુષ્ય હાથમાં લઈને એની પણછ(દોરી) ઢીલી કરી, પણ પ્રશ્નકર્તાને ઋષિનો એ પ્રત્યુત્તર સમજાયો નહીં, ત્યારે મતંગ ઋષિએ આપેલા ઉત્તરનાં એ શબ્દો જોઈએ. એમણે કહ્યું,
'મન એ ધનુષ્યની પણછ જેવું છે. જો ધનુષની દોરીને સતત ચુસ્ત અને કડક રાખો, તો તે થોડા સમયમાં તૂટી જશે, પરંતુ માત્ર ધનુષ્યનો ઉપયોગ કરતી વખતે એને બરાબર ચડાવવામાં આવે, તો એ ધનુષ્ય લાંબો સમય ટકે છે અને ધાર્યું નિશાન પાડી શકે છે. આથી કોઈ પણ કામ કરવા માટે એકાગ્ર મન જરૂરી છે, પરંતુ કામ પૂર્ણ થયે મનને આરામ આપવાથી એ વધુ સ્ફૂર્તિવાન, એકાગ્ર અને ચેતનવંતુ બનશે, એથી ય વિશેષ લાંબા સમય સુધી સ્વસ્થ અને કાર્યાન્વિત રહેશે.'
મતંગ ઋષિના વચનનો મર્મ એ છે કે, 'મનને જેમ કામની જરૂર છે, એમ આરામની પણ જરૂર છે.'
પણ બને છે એવું કે આજના વ્યસ્ત જીવનમાં માણસ સતત ઉશ્કેરાટ અનુભવતો રહે છે. આ ઉશ્કેરાટથી એ બ્લડપ્રેસરનો દર્દી બને અને હૃદયરોગને નિમંત્રણ પણ આપે છે. જો એ જીવનમાં મનના મૌનની સાધના કરે, તો એને જીવનનાં, વ્યવહારના, વ્યવસાયનાં તનાવમાંથી મુક્તિ મળે છે.
મનની એક બીજી મુશ્કેલી એ છે કે જો એ દીર્ઘસૂત્રી બની જાય તો એ જીવનમાં ઘણી મોટી આફત વહોરી લાવે છે. કેટલીક વ્યક્તિઓ ખુબ લાંબું અને દીર્ઘસૂત્રી બોલતી હોય છે. વળી એમની વાત કરવાની રીત પણ એવી છે કે એ દૂરના ભૂતકાળથી વાત શરૂ કરે અને પછી ઘણું બોલ્યા પછી માંડ વર્તમાનમાં આવે અથવા તો પોતાના મુખ્ય સવાલ પાસે પહોંચે. આનું પરિણામ એ આવે છે કે સામી વ્યક્તિની ધીરજ ખૂટી જાય છે અથવા તો આવી દીર્ઘસૂત્રી વ્યક્તિનો ફોન આવે તો એ ઉપાડવા રાજી હોતો નથી.
બીજું એવું પણ બને છે કે વ્યક્તિ ઘણું લાંબું બોલે, એમાં કોઈક એવી વાત પણ બોલી નાખે છે કે જે સ્વયં એને મુશ્કેલીરૂપ બનનારી હોય. એની આ આદતને કારણે ઘણીવાર એ પોતાના પગ પર કુહાડો મારતા હોય છે. એટલે જરૂર છે લાઘવથી વાત કરવાની, મુદ્દો સંક્ષેપથી રજૂ કરવાની. આજના ઝડપી યુગમાં તો એની વિશેષ જરૂર છે.
'બોલે તેના બોર વેચાય' એવી કહેવત ભલે આપણે બીજાને કહેતા હોઈએ. પણ ઘણીવાર એમનાં ઠળિયાં ય વેચાતા નથી. વળી બને છે એવું કે બહુ બોલનાર જીવનની સપાટી પર રહે છે. જીવનનાં પ્રશ્નોની ભીતરમાં એ જઈ શકતો નથી અને તેથી એના જીવનમાં કોઈ આઘાત આવે તો એને વધારે અસર થાય છે. આપણે ત્યાં કોઈનું અવસાન થાય, ત્યારે આવી બહુ બોલનારી વ્યક્તિ શોકની વ્યથા-કથામાં એટલી તો ડૂબી જાય છે કે અન્ય વ્યક્તિઓ રાહ જોતી હોય છે કે ક્યારે એમનું આ શોકપુરાણ પૂરું થાય. આથી મનને નિયંત્રિત કરવાનું એક મહત્વનું પગથિયું એ લાઘવથી વાત કરવાનું છે.
ઘણા લોકો એટલા બધા વિશેષણો પ્રયોજતા હોય છે કે વ્યક્તિનું નામ આવતા ભારે વિલંબ થઈ જાય છે. અબ્રાહમ લિંકનના સમયમાં આંતરવિગ્રહ ચાલતો હતો, ત્યારે એમને નવી શોધાયેલી બંદૂકની વિશેષતા જાણવા માટે એક તપાસસમિતિની નિમણૂક કરી. આ સમિતિએ કેટલીય બેઠકો કરી, અનેક લોકોનાં અભિપ્રાયો લીધાં અને એનો દળદાર અહેવાલ તૈયાર કર્યો. અબ્રાહમ લિંકનને એ આપવામાં આવ્યો, ત્યારે એમણે કહ્યું, 'આપનો આ દળદાર અહેવાલ વાંચવા તો મારો આખો દિવસ નીકળી જાય. મને માત્ર સંક્ષેપમાં મુદ્દાઓ સમજાવો.'
વિશેષજ્ઞાોએ અદબપૂર્વક કહ્યું, 'આવું આપ શા માટે કહો છો, તે અમે સમજી શકતા નથી ?'
ત્યારે અબ્રાહમ લિંકને ઉત્તર આપ્યો, 'હું તમને ઘોડા ખરીદવાનું કામ સોંપું અને તમે એની વિશેષતા અને મર્યાદા બતાવો એટલું પૂરતું છે, પણ એ ઘોડાનાં પૂંછડામાં કેટલાં વાળ છે એની સંખ્યા બતાવવાનું કામ કરો તે સહેજે જરૂરી નથી.'
આમ મનને જે લાઘવમાં રાખે છે, એ વ્યક્તિ એના જીવનમાં વિશેષ કામ કરી શકે છે અને પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરે છે. આથી આપણે ત્યાં કહે છે કે, 'મગજને ઠંડું રાખો દરેક બાબતમાં ઉશ્કેરાટ જરૂરી નથી.'
આ બાબત એ સૂચવે છે કે આપણા શારીરિક સ્વાસ્થ્યનાં જેટલું જ મહત્વનું આપણું માનસિક સ્વાસ્થ્ય છે. આપણું શરીર નિરોગી રહે તે માટે આપણે કેટલી બધી ચિંતા સેવીએ છીએ, પણ નિરોગી શરીરમાં રોગી મન વસશે તો મોટી આફત સર્જાશે એ ભૂલવું ન જોઈએ.