વસંતને આવકાર એટલે સર્જનાત્મકતાને આવકાર
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
એસ' એસ' વસંત ધરાતલે.
આન' મુહુ મુહુ નવ તાન, આન' નવ પ્રાણ નવ ગાન
એટલે, આવ વસંત ધરાતલ ઉપર આવ. વારે વારે નવી નવી તાન લાવ, નવા પ્રાણ લાવ.
(ગીત પંચશતી રવિન્દ્રનાથ ઠાકુર)
ભલેને વસંતનો આ આવકાર દોઢસો વર્ષ પૂર્વેનો હોય પણ આજે બેસતી શ્રીપંચમી કે વસંતપંચમી પણ એક જ ગોત્ર કે કુળની છે. તે વસંત કવિ બાશોની હોય કે કવિવર ટાગોરની. જ્યારે પણ પ્રકૃતી કે પ્રજ્ઞા ખીલે કે ખુલ્લે ત્યારે તેજ અને બોધ એક જ કુળના હોય છે. પ્રેમ, સૌન્દર્ય અને આનંદ પ્રાપ્તિની યાત્રાનો આરંભ રસની તરસથી તો થાય છે. કાવ્ય તો પળનું હોય છે, છબી તો ક્ષણની જ હોય છે. વાસંતી પળની ક્ષણભંગુરતા શાશ્વત બની જાય છે, આખરે ક્ષણભંગુરતા સ્વયં એક શાશ્વત શો છે. તેમાં આકસ્મિક જ અપૂર્વ અને અનન્ય એવો જીવન-બોધ હોય છે. જાપાનીઝ ઝેન ધારા કહે છે કે તેમાં કીગો (મોસમ) અને કીરેજી (વિસ્મય) બન્ને હોય છે. આવી વાસંતી પળે કાવ્ય અને જીવન એકમેકમાં ઓતપ્રોત હોય છે. આવા અર્થમાં વસંત બે હોય છે: બહારની અને અંદરની. બાશો કહે છે :
અવાચક ઉભો છું,
કોળતી લીલીછમ્મ વાસંતી કૂંપળો સામે,
ઝળહળતાં સૂર્યપ્રકાશમાં.
તમે જુઓ, અહીં બાહ્ય ઝળહળાટનું જ પ્રતિબિંબ કવિ બાશોના અંદરના ટમટમાટમાં છે. જ્યારે આરંભમાં આપેલ કવિવર ટાગોરના કાવ્યમાં વસંતને આવકાર સાથે તેઓ કહે છે કે તેની સાથે આળસ ભર્યો સમીર લાવ, વિશ્વના અંતરે અંતરમાં ગાઢ ચેતના લાવ, નવ ઉલ્લાસના હિલોળા લાવ, પૃથ્વી પર આનંદ છંદના હિંડોળા લાવ, બંધનની શૃંખલા તોડી નાખ, પૃથ્વી પર ઉદિપ્ત પ્રાણની વેદના લાવ. પછી એક પંક્તિમાં કહે છે, નંદનવનના પથના ચીરયાત્રી આવ. સ્પંદિત, નંદિત ચિત્તભવનમાં ગીતે-ગીતે પ્રાણે-પ્રાણે આવ...
વસંતને આવકાર એટલે સર્જનાત્મકતા, સંવેદનશીલતા અને સંબોધીને આવકાર. વસંતઋતુ પરમ અસ્તિત્વનો આંગડીઓ છે. વસંત એટલે આ બન્ને વચ્ચેનો માંગલ્ય પૂર્ણ સંવાદ. આ અર્થમાં વસંતપંચમી શ્રી સરસ્વતી માતાનું વંદના પર્વ છે. જીવન મરમી રવિન્દ્રનાથ આપણું ધ્યાન દોરતા કહે છે કે પ્રકૃતિમાંથી રસ, સૌંદર્ય અને આનંદ મળે છે પણ તેને ભોગી અને ભાવુક જેમ નહીં પણ ભક્ત જેમ પામવાનાં છે. રસ-સૌંન્દર્ય વિલાસ નથી સાધના છે. પૃથ્વી પર જે કાંઈ સુંદર છે તેને ભોગ-વિલાસની વૃતિથી અસત્ય અને ક્ષુદ્ર નથી બનાવવાના. તેઓ કહે છે, જીવન એટલે સત્યને સુંદર અને સુંદરને મહાન તરીકે પામવાની સાધના.
હિન્દી ભાષાના કવિ માયામૃગ તેની 'સબસે સુંદર પલ હરે હોતે હૈ'માં લખે છે :
એક પીપલ લગાના ઘર કે બહાર
કચ્ચા સૂત બાંધના સદીયોકી પરંપરા કે નામ
હર પરીક્રમા કે સાથ સાધતે જાના જીવન
મન મેં પીપલ હો તો કામનાઓ કો ઠોર મિલ જાતા હૈ
ઠહર જાતા હૈ મન !
જીવન અને સર્જનને લગાવ, ઝુકાવ અને ઠહરાવ આપવા તો આવે છે; વસંત !