મ્યુઝિક કોન્સર્ટનો મહાકુંભ... હોટ કોલ્ડપ્લેનું વૈશ્વિક વશીકરણ!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- હિટ કોલ્ડપ્લે હેરી પોટરની જેમ બધાને એકસાથે વર્ષોથી આબાદ કનેક્ટ કરે છે, માત્ર બેન્ડના જોરે, પરફોર્મન્સની કમાલથી!
- ''એવરીવન ઇઝ એન એલિયન સમવ્હેર!''
અમદાવાદમાં પ્રજાસત્તાક દિને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગી માનવમહેરામણ વચ્ચે કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન એના ગીતના આ શબ્દોનું ટી શર્ટ થોડી વાર માટે પહેરેલું. સાવ સાદા લાગતા વાક્યમાં કેવી અદ્ભૂત વાત! એલિયન એટલે પરગ્રહવાસી એવું તો હોલીવુડ ફિલ્મો જોનારાને ખબર હશે. ટિપિકલ દુનિયા કે માણસોથી વેગળા યાને અલગ, ડિફરન્ટ. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક તો એલિયન જેવું જ ફીલ કરીએ. કોઈ લગ્ન સમારંભમાં સતત વ્હેવારવેપારની વાતો કરી કિક મેળવતા વડીલો વચ્ચે કોઈ કળા કે સાહિત્યનો પ્રેમ પૂજારી જીવ એલિયનેટેડ ફીલ કરે, લે આપણે તો આ પ્લેનેટના નથી. લોકોને કેવળ જૂઠ ને હસાહસ જોતી હોય ત્યાં કોઈ અઘરુંસાચું જ્ઞાન પીરસનાર એલિયન થઈ જાય. જુના ગ્રંથોના નામે ધાર્મિકતાની ફેંકાફેંકી કોઈ વિજ્ઞાનીને એલિયન બનાવે કે મિથ્યાભિમાની દેશભક્તો વચ્ચે કોઈ માનવતાવાદી વિશ્વ નાગરિકને એલિયન હોવાનો અહેસાસ થાય.
હવે ડિજિટલયુગમાં દુનિયા ખાસ્સી એકમેક સાથે જોડાઈ ગઈ. બાકી એક સમયે ને હજુ પણ ગામડેથી આવનારને શહેરમાં ને શહેરમાં મોટા થનારને ગામડે એલિયન જેવું ફીલ થતું! પરંપરા સામે આધુનિકતા અને વેપાર સામે વિચાર ને એલિયન જેવું લાગવાનું. કોલ્ડપ્લે શું છે એની ખબર ન હોય ને એવું કોઈ કુતૂહલ પણ ના હોય છતાં એને વખોડયા કરતા ને સંગીત તો ફલાણું કહેવાય ને ઢીંકણા યુવક્ યુવતી તો ખોટા એના ગીતોમાં ઝૂમે છે એવા બખાળા કાઢનારાને ખબર જ નથી કે કોલ્ડપ્લેની મોહિની કેવી ચુંબકીય છે! અમસ્તો એને લીધે ભારતમાં કરોડોનો કારોબાર થયો?
આપણા બધાને જે ક્યાંક આઉટસાઇડર હોવાનો, મિસફિટ હોવાનો અહેસાસ થાય છે, એને વાચા આપે છે આ બેન્ડ જેવા ગીતો ને ધમાકેદાર સંગીત. પોતાને કોલ્ડપ્લે શું એમાં ટપ્પો ના પડતો હોય એટલે ખીજકાઇને બીજા રસિયાઓને ઘેલા હોવાના સર્ટિ ફાડનારા તો એલિયન-એ-આઝમ કહેવાય! નવું હોય, યુવા હોય ને ખાસ તો મનોરંજક હોય એટલે પાપ માનીને ધીબેડવાનું એવો જ વાયડાઈના વાઇરસથી કરપ્ટ સોફ્ટવેર એમના દિમાગની ઓપરેટિંગ સીસ્ટમ હેક કરી નાખે છે. કેટલાકને એવા ફાંકા હોય છે કે આપણા ડાયરાના લોકગીતો ને આપણા શાસ્ત્રીય સંગીત સામે આ કોલ્ડપ્લે ફોલ્ડપ્લે તો ડૂચા બાકી! આવું કોલ્ડપ્લે તો શું કોઈ વેસ્ટર્ન સ્ટાર નહી કહે. ડયુઆ લિપા હોય કે બીટલ્સ. આ મનોરોગ કેવળ આપણને જ હોય છે, સતત સરખામણી કરીને બીજાઓને નીચા ઉતારી પાડીને જાતે ને જાતે જ ખુદના બેસ્ટ હોવાનો વિશ્વગુરુ સિક્કો મારવાનો!
પણ મહાકુંભમાં સ્ટંટ કરી વાઇરલ થતાં અખાડાબાજોને કોમ્પલેકસ આવી જાય ને ફિલ્મથી પુસ્તકો સુધીના ગુજરાતી ઇન્ડસ્ટ્રી બેહોશ થઈ જાય એવો પ્રચંડ જલસો કોલ્ડપ્લેએ કરી બતાવ્યો છે. એ પણ એવા લોકો જે મફતમાં નહિ, તગડા દામ ચૂકવીને આવે છે. જાહેરાત કે માર્કેટિંગ વગર સેકન્ડોમાં ટિકિટ તરત ધારી મળે નહિ, એમ બૂક થઈ જાય છે! મફતના પરદેશી સોશ્યલ મીડિયા પર મફતિયા કોમેન્ટ ઠોકીને બેઠેલા નવરાઓની મફતની લાઈક્સ મેળવવી આસન છે. લોકો કોન્સર્ટ ટિકિટ જ નહી, હોટલ, કપડાં, પ્રવાસ બધાનો જંગી ખર્ચ કરીને પણ દીવાના થઈને આનંદિત થાય એ જાદૂ સર્જવામાં ખરી ચેલેન્જ છે. કોલ્ડપ્લે કે બીટીએસ એટલે સ્પેશ્યલ છે. અને નવી પેઢીને સમજવી હોય તો પૌરાણિક ડાયનોસોર બનવાને બદલે આ બધું માણતા ને જાણતા શીખવું જ જોઈએ!
કમનસીબે, આ ખાઈ આપણે ત્યાં ઝટ મોટી થતી જાય છે. એક મિત્રને કહ્યું કે મધરાતે ખુલેલી પ્રીમિયમ ટિકિટસ ખરીદી છે કોલ્ડપ્લેની. ત્યાં તો નવોઢા બનનારી દીકરી મેંદીવાળા હાથે કિચનથી દોડતી આવી કે ''વાઉ! તમે કોલ્ડપ્લેમાં જવાના?'' એક અલગ અહોભાવ રચાયો એની આંખમાં! ભારતની યુવાશક્તિની ચોટલી કેવી રીતે ''મંતરી'' છે આ બ્રિટિશ બેન્ડની કે કોન્સર્ટ ચાલુ થયા બાદ પણ કેટલાક યંગસ્ટર્સ મોટેરામાં સ્ટેડિયમમાં દરવાજે રીતસર કોઈની વધેલી ટિકીટ હોય તો ખરીદી લેવાની રીતસર ''ભીખ'' માંગતા હતા!
***
અમદાવાદમાં પાછલા શનિ રવિ કોલ્ડપ્લે નામના પ્લેનેટના નાગરિકો ધસારો કરી રહ્યા હતા કલાકોના ટ્રાફિક જામથી થાક્યા વિના. પ્રયાગરાજની જેમ અહીં પણ ભરચક્ક મેળામાં ડૂબકી મારવાની હતી. મોક્ષની નહિ, મોજની. સ્વર્ગ મેળવવાને બદલે ધરતી પર અનુભવવાની!
વાંસળીવાળાના સંમોહનમાં પહેલા ઉંદરો અને પછી બાળકો કેવી રીતે બધું ભૂલીને છકી નીકળ્યા એ ફનાગીરીની કથા બાળવાર્તા લાગતી હોય તો જરા આ ક્રેઝી સૈલાબ જુઓ મ્યુઝિક લવર્સનો. ચાર લોકોનું બેન્ડને મુખ્યત્વે લીડ ફેસ ક્રિસ માર્ટિન કેવી રીતે એમને સહજભાવે પોઝિટિવલી નિયંત્રિત કરતા હતા એ જુઓ. ભારતને આમે ભીડનો અનુભવ તો હોય. પણ કોલ્ડપ્લેમાં કોઈ એવી છાપાની ભાષામાં કહીએ તો મોટી અનિચ્છનીય ઘટના બન્યાના ન્યુઝ નથી.
નજરે નિહાળે તો અરસિક અધૂરિયાઓના ડોળા ચકળવકળ થઈ જાય એવા ઓછા ને આછા વસ્ત્રોમાં સુડોળ ને નોટ સો સુડોળ પગ અને પેટ બતાવતી અધધધ અપ્સરાઓનો મેળાવડો હતો ત્યાં. એ જ પુરાવો હતો કે ગુજરાત બહારથી પણ ઘણા ચાહકો આવ્યા છે. પણ કોઈ છેડતી કે સિસોટીના મૂડમાં નહોતું ખાસ એટલી પોલીસને નિરાંત હતી. કારણ કે બધા કોલ્ડપ્લેના કોમન ગોલ સાથે આવેલા. બધા પોતપોતાની કંપનીમાં એન્જોય કરવા આવેલા. કોઈની મજા બગાડવા નહિ. ઉદ્દેશ જ મોટો હોય ત્યારે બીજી ઉપાધિઓ સાઈડમાં જતી રહે. આ સ્વયંશિસ્ત હતી. કોઈ પણ આર્ટિસ્ટને ડોલાવે એવી કે ખાલી સ્ટાર નથી થવું, થવું તો આ લેવલે જવું છે જ્યાં દોઢેક લાખ લોકો અપલક નેત્રે તમારી પ્રતીક્ષા કરી ચિચિયારીઓ કરે ને કલાકો સુધી ઊભા ઊભા તપ કરે.
ઊંચા ભાવને લીધે ભારતમાં થોડું ફિલ્ટર તો લાગે છે. ગમે તે સડકછાપ ટપોરી એમ જ ઘૂસી શકતો નથી. આમે સંસ્કૃતિ ને મર્યાદાના ઉંચા ઊંચા બાંગા મારતા કલાકારો પ્રાચીન શૂરાતનના ઓઠાં નીચે સંકુચિત રૂઢિચુસ્ત દિમાગ ધરાવતા મવાલીઓ વધુ પેદા કરે છે જેમના મગજમાં સ્ત્રી કોઈ તાળાચાવીમાં ગોંધી રાખવાની પેટીપેક સીલપેક વસ્તુ હોય છે. પુરુષ સતત મગજ તપાવેલું રાખી ગુમાનમાં ફરતો ક્રિમીનલ આવારા હોય છે. જૂનવાણી વાતો સાંભળનારા ચાહકો બટાઝટીના એરોગન્ટ વાયોલન્ટ એગ્રેસિવ મોડમાં હોય છે. કોલ્ડપ્લેએ જાહેર પુરાવો આપ્યો કે એમનાં ચાહકો કૂલ છે. એ સેન્સિબલ છે. ભણેલા અને સંસ્કારી છે. એ મોજમસ્તી કરે છે, પણ કોઈને નડવા-કનડવામાં માનતા નથી. એ સેક્સને વિકૃતિ નથી માનતા અને બિન્દાસ હોટ ડ્રેસીઝ પહેરે છે, પણ ગંદી કોમેન્ટ્સ કે અજાણ્યા સાથે ગોબરી હરકતો નથી કરતા. એમને પોલિટિકલ ઝપાઝપી કરતા માનવતા, પર્યાવરણ, પ્રેમ જેવા વિષયોમાં વધુ રસ પડે છે. એમનું ટેન્શન પર્સનલ રિલેશન ને કરિઅર એમ્બિશન છે. એ બહુ ધાર્મિક નથી ને મોજને પાપ માનતા નથી. એ લોજિકથી વધુ જીવે છે, ફેઇથથી ઓછા. રૂપ ને રૂપિયાનું આકર્ષણ એમને માટે અપરાધ નથી. અંગ્રેજી એમને માટે દુશ્મન નથી.
આ પણ એક નયા ભારત છે. મોટા ભાગના રાજ્યો, ખાનપાન, ભાષા વગેરે બેકગ્રાઉન્ડ અલગ હોય પણ એક બની જાય છે, કારણ કે એમના ડ્રીમ્સ, એન્ટરટેઈનમેન્ટ, ફૂડ એન્ડ બ્રાન્ડસ એક સમાન છે. એમનો હેતુ પણ એક છે: એન્જોય. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ કોલ્ડપ્લેના ઇન્ડિયન ક્રેઝને ઝિંદગી ના મિલેગી દુબારા સિન્ડ્રોમ સાથે સરખાવેલો. હવે મિડલ ક્લાસમાં પણ ટ્રેન્ડ છે કે ''આજનો લ્હાવો લીજીયે, કાલ કોણે દીઠી છે!'' એમને હવે ખબર પડી હશે. રીડર બિરાદરો જાણે છે કે વેઇટિંગ મોડ વિના પોસાય એ જલસા કરી લેવાના અભિગમના એમ્બેસેડર બંદા પહેલેથી જ રહ્યા છે. કોવિડ પછી જગત આખું અંતે આ વાત જીવતું થયું છે. આપણા ધર્મગુરૂઓ ને રાજકારણીઓ મૂળભૂત રીતે સ્વાર્થી ને ડરપોક ઉપદેશકો છે, જે નવંલ સમજી કે સ્વીકારી શકતા નથી. હવે લોકોને નવું ને રોજના સ્ટ્રેસ ભૂલાવી દે એવું મનોરંજન જોઈએ છે. બધાને જીવી લેવું છે, જલસા કરી લેવા છે.
કોન્સર્ટ કે લાઈવ મ્યુઝિક કે વિવિધ પ્રકારના અવનવા ફૂડ એન્ડ ડ્રિંક કે પ્રવાસો કે વેબ સીરીઝ કે મોટીવેશન કોર્સ વગેરેમાં પબ્લિકનો રસ આ કારણથી વધે છે. અગત્યનો પાઠ ધીરે ધીરે બધાને સમજાઈ રહ્યો છે કે જીવન જીવ્યા ત્યારે કહેવાય જ્યારે ઢગલાબંધ અનુભવોમાંથી પસાર થયા હોઈએ! એટલે ફરવાનો ને આવા શો એટેન્ડ કરવાનો ક્રેઝ વધતો જવાનો છે. કુંભમાં પણ આસ્થા કરતા વધુ નવતર થ્રીલ માટે આવતો એક વર્ગ પણ છે. કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટનો અલ્ટીમેટ એકસપિરિયન્સ આપે છે. જોયફૂલ એકસપિરિયન્સ. માઈકલ જેક્સન જેવો આલાગ્રાન્ડ રંગારંગ અનુભવ કોલ્ડપ્લે ને ટેયલર સ્વિફ્ટમાં છે. અને હવે નવું ડેટિંગ આવ્યું છે. ટૂર ડેટ. ફિલ્મ જોવાની જેમ આવી મ્યુઝિકલ ઇવેન્ટમાં પાર્ટનર કે પ્રેમી/પ્રેમિકા જોડે જવું તે!
ભારતમાં વધતી જતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોને લીધે આખી એક જવાન જનરેશન આવી ચૂકી છે, જેમને એમના ફેમિલી મેમ્બર કરતા અંગ્રેજી ગીતો સંવાદો ઝટ સમજાઈ જાય છે. એટલે આપણને ''ટપ્પા''ના પડતા હોય, તો બધા ટોપા જ હોય એવું માનવું નહી. બીજું, થોડા વર્ષોથી વિદેશ ભણવા જતા ને કાયદેસર કે હમણાં ટ્રમ્પે ઉઘાડું પડયું એમ ગેરકાયદેસર સ્થાયી થતા ભારતીયોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો છે. એમના ઉપરાંત એમના ઘણા મિત્રો ને સગાઓ અહીં રહીને ગ્લોબલ થતા જાય છે. ત્રીજું, ઇન્ટરનેટે સરહદો ભૂંસી નાખી છે. કોલ્ડપ્લે પહેલું એવું મ્યુઝિક બેન્ડ હતું કે ડિજિટલ સોશ્યલ મીડિયાનો જન્મ થયો ત્યારથી એમાં એક્ટિવ થઈ ગયેલું. સ્નેપચેટ જેવી યુવાઓમાં પોપ્યુલર એપનો તો શરૂઆતમાં પ્રચાર જ એમને લીધે થયેલો. બીટીએસ પાછળથી આવ્યું ને એ પણ કોલ્ડપ્લેને માને છે. આ ''મ્યુઝિક ઓફ ધ સ્ફીઅર''અગાઉ પણ એમની કોન્સર્ટ મુંબઈમાં થયેલી ને આમ જ હાઉસફૂલ હતી. એમનો આખો એક મ્યુઝિક વિડિયો ''હાયમન ઓફ ધ વીકએન્ડ'' ભારતમાં મુંબઈ શૂટ થયેલો છે!
કોલ્ડપ્લેની મ્યુઝિક કોન્સર્ટ માત્ર ફોમો એટલે ફીઅર ઓફ મિસિંગ આઉટ લીધે જ આટલી ચાલી નથી નીકળી. એવું કશુંક ટ્રેન્ડમાં છે તો ગમે તેમ કરી પહોંચી જવાવાળા લોકો છે પણ પંદર વીસ ટકા. આપણા મીડિયાવાળા જ પૂરું જાણતા નથી એટલે એમને એવા લોકો જ દેખાય છે. બાકી કેટલાય મોડર્ન પેરન્ટ્સને એમના ટીનએજર કિડ્સ આ બધી રંગીન દુનિયાનો પરિચય કરાવે છે. એંશી ટકા લોકો વ્યસ્ત છે, છતાં કમાણી ખર્ચીને સમય આપે છે કારણ કે એમને આ અનુભવની તડપ જેન્યુઈન છે. એવા લોકો જ અમદાવાદમાં બહુમતીમાં હતા. જે હરખભેર નાચતા હતા, મોબાઈલમાં જોયા વગર ગાતા હતા. એટલે જ આટલા ટોળા (ક્રિકેટ ફાઈનલથી વધુ કારણ કે મેદાન પર ઊભા રહેવાની એન્ટ્રીમાં પણ ચક્કાજામ હતો. પૂછો ત્યાં ફેન તરીકે હાજર રહી સરસ પોંખાયેલા બૂમરાહને.) યુથ મેજોરિટી ને અલ્ટ્રા મોડર્ન આઉટફિટ્સ સાથે હાજર હોવા છતાં કોઈ માથાકૂટ થઈ ન્હોતી. કહ્યુંને એકચ્યુઅલ આધુનિક જીવનારા કરતા વધુ કકળાટ બીકણ એવા સંસ્કૃતિરક્ષક સડેલાઓને વધુ હોય છે!
એનો જશ એટલે પણ કે કોલ્ડપ્લે ગુ્રપ તરીકે મ્યુઝિકની દુનિયામાં કોમન ગણાય એવા ડ્રગ્સ કે વાયોલન્સ કે રેપ કે ભૂતભડકામણા હોરર લૂકને પ્રમોટ નથી કરતું. એ કાયમ સંસ્કાર ને સંવેદનાની એક લકીર પોતાની ઇમેજમાં ચમકાવી રાખે છે. રિયુઝેબલ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ ને એલઇડી કે ટીશર્ટ કેપમાં પણ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે એની કાયમી કાળજી લઈ એ સ્વવિવેકને પ્રોત્સાહન આપે છે. વાર તહેવારે જગતના શોષિતો પીડિતોની લાગણીને વાચા આપે છે. યુદ્ધનો વિરોધ કરે છે. હ્યુમાનિટી પ્રમોટ કરે છે. પણ ધર્મમાત્રને આદર આપે છે. ભારતમાં આવી રામનામ લઈ શિવમંદિરે જવામાં છોછ નથી. અહીં ઘણાને વંદેમાતરમની એલર્જી છે, પણ એ લોકોએ ગણતંત્ર દિવસ માટે એ ગાઈને અને આવડે એવું ગુજરાતી હિન્દી બોલીને શુભેચ્છા આપી!
આ બધું એક કનેક્ટ બનાવે છે એમનો. અને ૨૦૧૧થી એમણે જ ટ્રેન્ડ કરેલો ગેમ ચેંજર આઈડિયા! રંગબેરંગી લાઈટ થાય એવા રિસ્ટ બેન્ડ. જે કન્ટ્રોલ એમની ટીમ કરે. એટલે આખું સ્ટેડિયમ જાણે એક બની જાય! અજાણ્યા લોકો કોલ્ડપ્લે કલ્ટમાં એકબીજા સાથે જોડાણ અનુભવે. વી આર વન ફેમિલી વાળી ફીલ આવે જે દુનિયાની માફક ગુજરાતે પણ અનુભવી. આ સાચે જ અવર્ણનીય અનુભૂતિ છે. કેવો કમાલ આઈડિયા કે વગર મળ્યે હિપ્નોટાઇઝડ હોય એમ લાખો એકસાથે તમારા ફેમિલીનો હિસ્સો ફીલ કરે!
મ્યુઝિકની લેન્ગવેજમાં એંગેજ્ડ થયાનો આનંદ યાદ રહે મેઘધુષના મહાસાગરમાં હિલોળા લેતો. એકઅફલાતૂન કિક આવે છે નશા જેવી, ધમાકેદાર સંગીતના સથવારે, આતશબાજી ને લેસર શોની ચમકમાં અચાનક જ સાવ અજાણ્યા સેંકડો લોકો સાથે આપણું શરીર છોડીને એકાકાર થઈ ગયાની સરરિયલ અનુભૂતિ છે આ!
વધુ અનાવૃત કરીશું એમની સક્સેસનું સસ્પેન્સ. નેક્સ્ટ શતદલમાં.
ફાસ્ટ ફોરવર્ડ
''આપણા લોકડાયરાને કોલ્ડપ્લેમાં મોટો તફાવત એ કે ડાયરામાં મફત આવીને પૈસા ઉડાડી શકાય, પણ કોલ્ડપ્લેમાં તો જવામાં જ એટલો ખર્ચો થાય કે પૈસા ચા પીવાના પણ વધે નહિ!'' (રીડર બિરાદર અંકિત સાદરિયા)