Get The App

માણસે 5500 વર્ષ પહેલાં મેળવેલી કુશળતા જેન-ઝી ગુમાવી દેશે!

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
માણસે 5500 વર્ષ પહેલાં મેળવેલી કુશળતા જેન-ઝી ગુમાવી દેશે! 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- 1997થી 2012ના ગાળામાં જન્મેલી જનરેશનમાં ડિજિટલ ક્રાંતિના કારણે હેન્ડરાઈટિંગ અને કોમ્યુનિકેશન્સ જેવી સ્કિલ ઘસાવા માંડી છે...

જ નરેશન ઝેડ માનવસભ્યતામાં યુનિક કેમ છે? 

જેન-ઝેડ, જેન-ઝી, ઝૂમર્સ જેવા કેટલાય નામોથી જાણીતી આ જનરેશન ડિજિટલ યુગમાં મોટી થયેલી પહેલી જનરેશન છે. ટીવી, કમ્પ્યુટર્સ તો ઠીક, મોબાઈલ, સ્માર્ટફોન જોઈને આ જનરેશન ઉછરી છે. મિલેનિયલ્સ યાને ૧૯૮૧થી ૧૯૯૬ના ગાળામાં જન્મેલી જનરેશનને સમજણાં થયા પછી જે ટેકનોલોજીનો લાભ મળ્યો એ ટેકનોલોજીની વચ્ચે રહીને, એને જોતાં જોતાં, સમજતાં સમજતાં, ઓપરેટ કરતાં કરતાં જેન-ઝેડનું બાળપણ વીત્યું.

૨૧મી સદીની ડિજિટલ ક્રાંતિ અને જેન-ઝેડ એક સાથે ગ્રો થયાં. તેમને ટીનેજમાં કમ્પ્યુટર ઓપરેટ કરતાં આવડતું હતું ને સ્માર્ટફોનમાંથી ઈ-કોમર્સમાં ઓર્ડર પ્લેસ કરતાંય ફાવતું હતું. એ રીતે ડિજિટલ એજમાં જન્મેલી, ઉછરેલી આ જનરેશન યુનિક છે ને કદાચ એટલે જ તેમને સમજવા માટે અત્યારે દુનિયાભરમાં અસંખ્ય સંશોધનો-સર્વેક્ષણો થઈ રહ્યા છે.

એવું જ એક લેટેસ્ટ સંશોધન થયું છે, જેમાં પહેલી વખત એવો દાવો થયો કે ડિજિટલ એજમાં જન્મેલી આ જનરેશનમાંથી પાંચ-સાત હજાર વર્ષ જૂની આવડતો ગાયબ થઈ રહી છે. મીનિંગ, માણસજાતે તબક્કાવાર સૈકા દર સૈકામાં જે કૌશલ્ય વિકસાવ્યું હતું અને પછી પેઢી દર પેઢી એ જીન્સમાં ઉતરી આવતું હતું એનો ફ્લો જનરેશન-ઝેડમાં ઘટયો છે.

***

આદિમાનવે સૌપ્રથમ શિકારની કુશળતા શીખી હશે. આગ પ્રગટાવવી એ આજે આસાન ઉપાય છે, પરંતુ આદિમાનવે ખાસ પ્રયાસપૂર્વક આગ પ્રગટાવવાનું કૌશલ્ય શીખવું પડતું હશે. પછી હથિયારો બનાવતા અને ઓપરેટ કરતા શીખનારા આદિમાનવે ધીમે ધીમે બીજી બધી સ્કિલ શીખવાનું શરૂ કર્યું હશે. 

અગાઉ આદિમાનવો આજે માણસ બોલે છે એવી રીતે બોલી શકતા ન હતા. જંગલી પશુઓને ડરાવવા માટે અવાજો કાઢતા શીખ્યા પછી તબક્કાવાર સારી રીતે બોલતા શીખ્યા. સંકેતો પ્રયોજતા શીખ્યા ને એમાંથી ભાષાઓ સર્જાઈ. માણસ લિપિ બનાવીને લખવાની કળા શીખ્યો. ભાષા બોલવા-લખવાનું શીખ્યા પછી સાહિત્ય રચાયું. એ રીતે માનવજાત વર્ષોવર્ષ કંઈનું કંઈ શીખીને આજે જે મુકામે છે ત્યાં પહોંચી શકી છે. જેમ એકવાર કોઈ વાયરસ શરીરમાં આવે પછી જીન્સ મારફતે બીજી પેઢીમાં કેરીફોરવર્ડ થાય છે એમ આ આવડતો પણ પેઢીઓથી માણસમાં કેરીફોરવર્ડ થતી આવી છે, પણ ૨૧મી સદી એમાં અપવાદ બને તો નવાઈ નહીં.

નોર્વેની સ્ટેવેન્જર યુનિવર્સિટીએ જેન-ઝેડનું બેહદ ઈન્ટરેસ્ટિંગ સંશોધન હાથ ધર્યું હતું. એમાં જે પરિણામો મળ્યા એ ચોંકાવનારા છે અને ભવિષ્યમાં સર્જાનારી દુનિયાનો ચિતાર આપનારા પણ છે. કદાચ ટેકનોલોજી એટલી વિકસી જશે કે માણસને સદીઓ પહેલાં જે સ્કિલ વિકસાવી હતી એની જરૂર નહીં રહે. કદાચ ૨૧મી સદીથી માણસમાં નવી સ્કિલ્સ ડેવલપ થશે અને તે અપકમિંગ જનરેશન્સમાં કેરીફોરવર્ડ થશે.

***

ગાંધીજીએ આત્મકથામાં સ્વીકાર્યું છે કે તેમના અક્ષરો ખરાબ થતાં એનો તેમનો કાયમ અફસોસ રહ્યો છે. એમણે તો ત્યાં સુધી કહેલું કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. હજુ હમણાં સુધી સારા અક્ષરોના વધુ માર્ક્સ મળતાં. અક્ષરો સારા ન હોય તો શિક્ષકો રિમાર્ક લખાતા : 'અક્ષરો સારા કરો!' હવે આવી રિમાર્ક આખી જનરેશન-ઝેડ માટે લખવી પડે એવું તારણ લેટેસ્ટ સંશોધનમાં રજૂ થયું છે.

સ્ટેવેન્જર યુનિવર્સિટીનું સંશોધન આ પ્રકારનું પહેલું સંશોધન છે. એનું માનીએ તો ૫૫૦૦ હજાર વર્ષ કે તેથી વધુ સમયથી માણસ પાસે ભાષાઓ લખવાની જે આવડત છે એ હવે ઝાંખી પડવા માંડી છે. જનરેશન-ઝેડ એવી પ્રથમ જનરેશન છે કે જેમાં હસ્તાક્ષરની કળા લુપ્ત થતી દેખાઈ છે. યુનિવર્સિટીએ તુલનાત્મક અભ્યાસ કર્યો તો જણાયું કે જનરેશન-એક્સ અને મિલેનિયલ્સની સરખામણીએ જનરેશન-ઝેડના સરેરાશ લોકોના અક્ષરો ખૂબ નબળા છે. તેમની લાઈફસ્ટાઈલ ડિજિટલ થઈ એટલે હાથથી લખવાની જરૂરિયાત ઘટી ગઈ છે. તેની સીધી અસર તેમના લખવાના મહાવરા પર પડી છે. જનરેશન-ઝેડમાંથી ૪૦ ટકા પાસે હેન્ડરાઈટિંગની સ્કિલ નથી. પેન પકડવાની મૂળભૂત મેથડ તેમને આવડતી નથી.

અદ્લ એવું જ કોમ્યુનિકેશન સ્કિલનું થયું છે. જેન-ઝેડના ૪૩ ટકા પાસે સારી કોમ્યુનિકેશન સ્કિલ નથી. તેમને બોલવાની કે હેન્ડરાઈટિંગની જરૂર ઓછી પડે છે તેના બદલે ટાઈપિંગથી કામ ચાલી જાય છે. આ જનરેશનની ટાઈપિંગની ઝડપ તેમની પાછળની જનરેશન કરતાં ઘણી વધુ છે. તેમને શોપિંગમાં જઈને બોલવાનું હોતું નથી એટલે બાર્ગેનિંગની આવડત ઘટી છે. માનવજાતે જે સ્કિલ બહુ શરૂઆતમાં શીખી હતી એમાંની એક આવડત હતી બાર્ગેનિંગની. મોલ-ભાવ કરવાની કે સોદો પાર પાડવાની આવડત વેપારથી લઈને ચીજવસ્તુઓ સુધી કે પછી લાર્જ સ્કેલ પર મોટી મોટી ડીલ કરતી વખતે ખૂબ ખપમાં આવે છે. ઈ-કોમર્સમાં ડિસ્કાઉન્ટ્સ મળી રહે છે એટલે બાર્ગેનિંગની જરૂર પડતી નથી. ઓનલાઈન ઓર્ડર પ્લેસ થઈ જાય છે.

રિસર્ચ કહે છે, સાધારણ વાતચીતનો સોશિયલ મેનર જનરેશન-ઝેડમાં ઓછો જોવા મળે છે. બે લોકો વચ્ચે વાતચીત કરવામાં કોમ્યુનિકેશન સ્કિલ બહુ ચાવીરૂપ બને છે. મિત્રો કે પરિવાર સાથે વાતચીતમાં પણ સારી રીતે બોલવું જરૂરી છે. ઓફલાઈન વાતચીતનું સ્થાન ઓનલાઈન ચેટે લઈ લીધું છે એટલે પોતાની વાત સારી રીતે બોલીને કહેવાની કળાને ફટકો પડયો છે.

જનરેશન-ઝેડના ૩૮ ટકા લોકોની બોડી લેંગ્વેજમાં આત્મવિશ્વાસ ઓછો થયો છે. સામાજિક મેળાવડામાં બોલવાની કે હળવા-મળવાની બાબતમાં જેન-ઝી એટલી સહજ નથી જેટલી વિડીયોકોલમાં કે ચેટમાં હોય છે. શબ્દોથી કે પત્ર લખીને ફીલિંગ્સ એક્સપ્રેસ કરવામાં જેન-ઝી કાચી પડે છે. એના બદલે કઈ ફીલિંગ્સ માટે કયુ ઈમોજી પંસદ કરવું એની જેન-ઝેડમાં જબરી ફાવટ છે.

***

જનરેશન-ઝેડમાં ડિજિટલ ડિવાઈસ ઓપરેટ કરવાની સ્કિલ ખૂબ ઉમદા છે. ઘણાં નવા ઉમેરાયેલા ફિચર્સનો ઉપયોગ આ જનરેશનને ક્વિકલી સમજાય છે. કીબોર્ડમાં ટાઈપિંગની સ્પીડ કલ્પના બહાર વધતી જાય છે. સ્ક્રીનને ટચ કરીને કામ લેતી જેન-ઝી પેન પકડવાની કળા ગુમાવી રહી છે. કદાચ એના પગલે પગલે પછીની આલ્ફા અને બીટા જેવી જનરેશન્સમાં પણ આ કળા લુપ્ત થતી જશે. એના બદલે ટેકનોલોજી ઓપરેટ કરવાની, ટેકનોલોજીને વિકસાવવાની નવી નવી કળા ઉભરી આવે ને એ નેક્સ્ટ જનરેશનમાં કેરીફોરવર્ડ થાય એ શક્ય છે.

આ સંશોધન એટલેય મહત્ત્વનું છે કે એ માનવજાતે વિકસાવેલી આવડતો ટેકનોલોજીના કારણે નાશ પામશે એવો ઈશારો કરે છે. આવું કદાચ પહેલી વખત નહીં થયું હોય. શહેરીકરણ ને ઔદ્યોગિકીકરણથી મોટા વર્ગમાં કૃષિ-પશુપાલનની આવડત નાશ પામી હતી. માણસે સૂર્યની દિશા પરથી ઋતુ પરિવર્તનનો સંકેત મેળવવાની કળા શીખી હતી. રાતના તારા જોઈને દિશા પારખવાની ક્ષમતા વિકસાવી હતી - એ બધું ધીમે ધીમે લુપ્ત થયું છે કે થઈ રહ્યું છે. શક્ય છે કે માનવજાત ફરી એક વખત ગિયર બદલીને જૂનું છોડશે, નવું મેળવશે.

વેલ, અત્યારે તો હેન્ડરાઈટિંગ અને કોમ્યુનિકેશન સ્કિલ ઘટયાનું જણાયું છે. આગામી સમયમાં આવા અનેક નવા તારણોય રજૂ થશે. સવાલ એ છે કે જનરેશન-ઝેડથી જૂના કૌશલ્યો ઝાંખા થયા છે તો પછી નવા કૌશલ્યોનો વિકાસ થશે?

એનો ઉત્તર સમય સિવાય કોઈ આપી શકે તેમ નથી! 

જેન-ઝી પાસેથી કામ લેવું એટલે માથાનો દુ:ખાવો! : મેનેજમેન્ટની ફરિયાદ

સ્વિટ્ઝર્લેન્ડની ફર્મ રેઝ્યૂમ જીનિયસના એક સર્વેક્ષણમાં મોસ્ટલી મેનેજર્સની એવી ફરિયાદ ઉઠી કે વર્કફોર્સમાં નવી નવી જોડાયેલી જનરેશન-ઝેડ સાથે કામ કરવાનું બહુ જ કપરું છે. અત્યારે કંપનીઓમાં મિલેનિયલ્સ (૧૯૮૧થી૧૯૯૬) અને જનરેશન-એક્સ (૧૯૬૫થી ૧૯૮૦) ટોપ પોઝિશન્સમાં છે. તેમના હાથમાં કંપનીઓનું સુકાન છે. ટોપ મેનેજમેન્ટમાં સક્રિય લોકોની એજ ૪૦-૪૨થી ૫૫-૬૦ સુધીની છે. કદાચ તેમને જેન-ઝેડ સાથે જનરેશન ગેપ ફીલ થતો હોય એ પોસિબલ છે. કદાચ જનરેશન-ઝેડ ખરેખર જ તેમના કામમાં ફોકસ નથી એ પણ શક્ય છે. કંપનીએ ઓનલાઈન સર્વે કન્ડક્ટ કર્યો ને હજારો મેનેજર્સ સાથે વાત કરી. મેનેજર્સે ફરિયાદ કરી કે આ જનરેશનના નવા જોડાતા લોકોમાં ધીરજ નથી. વારંવાર ડિસ્ટ્રેક્ટ થઈ જવાની સમસ્યા કોમન છે. ૩૩ ટકા મેનેજર્સે જ જનરેશન-ઝેડને નોકરીએ રાખવાની તૈયારી બતાવી હતી. ૩૮ ટકાએ કહ્યું કે તેમની પાસે મિલેનિલ્સનો વિકલ્પ હોય તો એ જેન-ઝેડને પસંદ કરશે નહીં.

ટેકનોલોજીની જનરેશનને ટેકનોલોજીથી જ ખતરો

ટેકનોલોજીની ક્રાંતિ સાથે જન્મેલી-ઉછરેલી જનરેશનને સૌથી વધુ ખતરો ટેકનોલોજીથી જ છે. એક સર્વેનું માનીએ તો કંપનીઓ જેન-ઝેડને નોકરી આપવાને બદલે રોબોટ્સ પર પસંદગી ઉતારે છે. કારણ કે ૮૮ ટકા એચઆર ડિપાર્ટમેન્ટને કંપનીની જરૂરિયાત પ્રમાણેની ટેલેન્ટ મળતી નથી. પરિણામે તેમણે અન્ય વિકલ્પો તલાશવા પડે છે. ૮૯ ટકા કંપનીઓ તુરંત ગ્રેજ્યુએટ થયેલા જેન-ઝીને નોકરીએ રાખવાનું ટાળે છે. ઘણી કંપનીઓ અને એચઆર માને છે કે અત્યાર સુધીમાં ગ્રેજ્યુએટ થઈને આવેલી બધી જનરેશન્સમાંથી જેન-ઝેડ નોકરી માટે સૌથી ઓછી સજ્જ છે. પરિણામ એવુંય આવે છે કે અમેરિકન કંપનીઓમાં જ સરેરાશ ૫૪ ટકા જેન-ઝેડ કર્મચારીઓને ત્રણ મહિનામાં નોકરી ગુમાવવી પડી હતી. ૨૩ ટકા આ વયજૂથના કર્મચારીઓ કંપનીમાં સરેરાશ માંડ ૧૮ મહિના ટકે છે. આ બધા કારણોસર કંપનીઓ ટેકનોલોજીની મદદ વધુ લે છે. ઘણી કંપનીઓ મિલેનિયલ્સને ટેકનિકલ સાઉન્ડ બનાવીને તેમને આગળ કરવાનું વધુ પસંદ કરે છે.


Google NewsGoogle News