નાદ બ્રહ્મરૂપ ધ્વનિ ઉપચારથી રોગમુક્તિ
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- સામવેદમાં ઋચાઓના ગાયનથી રોગ મુક્તિનું માહત્મ્ય બતાવવામાં આવ્યું છે. મંત્રોચ્ચારથી ઉત્પન્ન ધ્વનિ પ્રવાહ વ્યક્તિની સમગ્ર ચેતનાને પ્રભાવિત કરે છે
બ્ર હ્મપ્રણવ સંધાનં નાદો જ્યોતિર્મય: શિવ: સ્વયમાવિર્ભ વેદાત્મા મેધાપાયેડશુમાનિવ સિદ્ધાસને સ્થિતો યોગી મુદ્રાં સંધામ વૈષ્ણવીમ્ શૃણુયાદિક્ષણે કર્ણે નાદમન્તર્ગત સદા અભ્યસ્યમાનો નાદોડયં વાહયમાવૃણુતે ધ્વનિન્ પક્ષાદ્ધિપક્ષાખિલં જિત્વા તુર્યપદં વ્રજેત્ । આત્મા અને બ્રહ્મની એકતાનું જ્યારે ચિંતન કરીએ છીએ ત્યારે કલ્યાણખારી જ્યોતિ સ્વરૂપે પરમાત્માનો નાદ રૂપે સાક્ષાત્કાર થાય છે. યોગીએ સિદ્ધાસનમાં બેસીને વૈષ્ણવી મુદ્રા ધારણ કરી અનાહત ધ્વનિને સાંભળવો જોઈએ. આ અભ્યાસથી બહારનો કોલાહલ શાંત થઈને અંતરંગ તુરીય પદ પ્રાપ્ત થાય છે.
(નાદબિંદુ ઉપનિષદ ૩૦-૩૧-૩૨)
નાદ-બ્રહ્મ રૂપ મંત્ર શક્તિ અને સંગીત શક્તિ એ બન્નેનું માહત્મ્ય આપણા આર્ષગ્રંથોમાં કરાયેલું છે. ભૈષજ તંત્રમાં ચાર પ્રકારના ભૈષજ દર્શાવવામાં આવ્યા છે. પવનૌકષ, જલૌકષ, વનૌકષ અને શબ્દોકષ. એમાં અંતિમ જે શાબ્દિક ભૈષજ છે એનું તાત્પર્ય મંત્રોચ્ચારણ અને લયબદ્ધ ગાયન છે. જે રીતે આયુર્વેદના મુખ્ય ગ્રંથો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરેમાં સન્નિપાત, જવર (તાવ), દમ, મધુમેહ (ડાયાબિટિસ) હ્ય્દયરોગ, ટયુબરકુલોસિસ, કમળો વગેરે રોગોમાં મંત્રોથી ઉપચારનો ઉલ્લેખ થયો છે તે રીતે સામવેદમાં ઋચાઓના ગાયનથી રોગ મુક્તિનું માહત્મ્ય બતાવવામાં આવ્યું છે. મંત્રોચ્ચારથી ઉત્પન્ન ધ્વનિ પ્રવાહ વ્યક્તિની સમગ્ર ચેતનાને પ્રભાવિત કરે છે અને એના કંપન અંતરિક્ષમાં વિખરાઈને સમષ્ટિની ચેતનાને પ્રભાવિત કરી પરિસ્થિતિમાં અનુકુળતા લાવે છે. કણ્ઠ, જિહ્વા, તાળવું વગેરે મુખ્ય અવયવોને હેતુપૂર્વક વિરચિત, સુગઠિત શબ્દ સમુચ્ચયના ઉચ્ચારણમાં જુદા જુદા પ્રકારની હલચલ કરવી પડે છે. જેનો પ્રભાવ સ્થૂળ શરીરના અંગ-પ્રત્યંગ પર તો પડે જ છે, તે સાથે સૂક્ષ્મ શરીરમાં રહેલ ઉપત્યિકાઓ, નાડી ગુચ્છકો, વિદ્યુત પ્રવાહો પર પણ પડે છે.
શક્તિ પહેલા એ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે સ્થળને પ્રભાવિત કરે છે. એ રીતે મંત્રોચ્ચારણ બેના ઉચ્ચારકર્તાને પહેલાં પ્રભાવિત કરે છે. મંત્રશક્તિ શબ્દવેધી બાણ જેવું કામ કરે છે જે શરીરના સૂક્ષ્મ અવયવોને ટકરાઈને એમને પ્રભાવિત કરે છે. ક્યા અંગ-પ્રત્યંગને કેટલી હદ સુધી અસરગ્રસ્ત કરી શકાય તેનું ધ્યાન રાખીને મંત્રોનાગઠન અને ઉચ્ચારણનું સુવ્યસ્થિત આયોજન કરાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે સમવેત સ્વરમાં ઉચ્ચારિત મંત્ર પૃથ્વીના આયન મંડળને ઘેરીને રહેલા ભૂચુંબકીય પ્રવાહ શૂમન રેઝોનન્સ (Schumann Resonance) ને અથડાઈ અને ત્યાંથી પાછા ફરી પૃથ્વીના વાયુ મંડળને પ્રભાવિત કરે છે, એ એક અદ્દભુત સામ્ય છે કે શૂમન રેઝોનન્સની અંદર કે તરંગોની ગતિ રહે છે તે જ ગતિ મંત્રોચ્ચાર કરનારા સાધકોની ધ્યાનાવસ્થા વખતે ઉદ્દભવતી દર સેકંડે ૭ થી ૧૩ સાયકલ જેટલી જ હોય છે. આ વૈજ્ઞાનિક તથ્ય દર્શાવે છે કે વ્યક્તિ ચેતના અને સમષ્ટિ ચેતના વચ્ચે કેટલું સઘન તાદાત્મ્ય છે. આનાથી જ મંત્ર દ્વારા રોગનિવારણ અને વરદાન કે અભિશાપ જેવી જબરદસ્ત અસર ઉત્પન્ન કરી શકાય છે.
લય અને તાલબદ્ધ ગાયન સંગીતના રૂપમાં બીજી શબ્દ શક્તિની વિદ્યા છે. જેનાથી શરીરને રોગ મુક્ત કરી શકાય છે. સંગીત કેવળ સ્નાયુઓનાં દુખાવામાંથી છુટકારો અને તનાવ શિથિલતા જ લાવે છે એવું નથી. એનાથી અનેક મનોવિકારોમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે. તાલ અને લયના સમુચ્ચયને જ સ્વરવિજ્ઞાન કહેવાય છે. થાપ ને તાલ અને આલાપને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. એ બન્નેના સમન્વયથી સંગીત બને છે. ભારતીય સંગીતની ધરાના પરંપરા અંતર્ગત વિભિન્ન રાગ-રાગિણીઓના આલાપ અને વીણા, સિતાર, તબલાં, મૃદંગ વગેરે વાદ્યયંત્રોના માધ્યમથી ગાયન-વાદનનો ક્રમ ઘણા સમયથી ચાલતો આવ્યો છે. સંગીતનો હેતુ માત્ર મનોરંજન માટે જ નથી. એનાથી બીજા અનેક લાભ મેળવી શકાય છે. તેનાથી શક્તિવર્ધન ભાવનાઓનું ઉદ્દાતીકરણ અને કાર્યક્ષમતાનું સંવર્ધન થઈ શકે છે. સંગીતના માધ્યમથી આનંદમય પરિસ્થિતિ ઉત્પન્ન કરી સંવેદનાઓને ભાવ તરંગો સાથે જોડી મન:સ્થિતમાં ઈચ્છા પ્રમાણેનું પરિવર્તન લાવી શકાય છે.
ગાયન-વાદન અંતર્ગત સંગીતના છ મુખ્ય રાગો છે જેનો ગાંધર્વવેદમાં ઉલ્લેખ આવે છે આ રોગો છે - શ્રીરાગ, ભૈરવરાગ, હિંડોલ રાગ, માલકૌંસ રાગ, બિહાગ રાગ અને મેઘ રાગ. સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેન વિશે એવું કહેવાય છે કે તે જન્મથી મૂંગા હતા. સાત વર્ષની ઉમર સુધી તેમને બોલતા બિલકુલ આવડતું નહોતું. એમના પિતા મકરંદ અને માતા કાલિંદીબાઈએ એમને બોલતા કરવાં અનેક ઉપચારો કર્યા પણ એનાથી કોઈ સફળતા મળી નહોતી. અંતે સંગીતોપચાર સફળ થયો હતો. તે વખતના મૂર્ધન્ય ગાયક મહોમ્દ ગોસ પાસે તેમને લઈ ગયા. તે તાનસેનને પોતાની સાથે ગાવા પ્રોત્સાહિત કરતા. તેમને જુદા જુદા રાગના આલાપ સંભળાવતા. તેનાથી તેમનું મૂંગાપણું દૂર થયું એટલું જ નહીં તે મધુર કંઠથી ગાવા પણ લાગ્યા હતા. મોહમ્મદ ગોસ વિશે કહેવાય છે કે તેમણે બીજા અનેક કષ્ટસાધ્ય રોગોથી ગ્રસ્ત થયેલા લોકોને તેમના શાસ્ત્રીય રાગના ગાયનથી રોગ મુક્ત કર્યા હતા.
શાસ્ત્રીય રાગ ગાયનથી ગંભીર બીમારીમાંથી છુટકારો મેળવવાના બીજા પણ અનેક પ્રસંગો બનેલા છે. ઉત્તર પ્રદેશના રામપુર સ્ટેટના નવાબને ઘેર સૂરજ ખો નામના ગાયક આવતા હતા. તેમણે સંગીત સંભળાવી નવાબને લકવામાંથી મુક્ત અપાવી હતી. ઈગ્લેન્ડના સમ્રાટ જ્યોર્જ તૃતીયને વિષાદ (melancholia) ની તકલીફ હતી તે સંગીતના ઉપચારથી જ દૂર થઈ શકી હતી. ઈઝરાયેલના શાસક સાલ અને સ્પેનના રાજા ફિલિપ પંચમ પાગલપનનો ભોગ બન્યા હતા એમને સારા કરવા કોઈ ઔષધિ અસરકારક બની નહોતા પણ સંગીત-ઉપચારથી તે તેમની બીમારીમાંથી એકદમ મુક્ત થઈ ગયા હતા.