Get The App

શસ્ત્રભંડારોમાં વારંવાર થતાં વિસ્ફોટોનું ઘૂંટાતું રહસ્ય

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
શસ્ત્રભંડારોમાં વારંવાર થતાં વિસ્ફોટોનું ઘૂંટાતું રહસ્ય 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- છેલ્લા પાંચેક વર્ષમાં દેશની ઓર્ડનન્સ ફેક્ટરીઓ તથા દારૂગોળા  અને શસ્ત્રસરંજામના ભંડારોમાં આગ લાગવાની નાનીમોટી 70 ઘટનાઓ બની છે

છે લ્લાં દસ વર્ષથી એક ઘટનાનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને તે છે આપણા શસ્ત્રભંડારોમાં આગ લાગવાની દુર્ઘટના. છેલ્લા પાંચેક વર્ષમાં દેશની ઓર્ડનન્સ ફેક્ટરીઓ તથા દારૂગોળા  અને શસ્ત્રસરંજામના ભંડારોમાં આગ લાગવાની નાનીમોટી ૭૦ ઘટનાઓ બની છે. તેમ છતાં સમસ્યા એ છે કે આ આયુધ ભંડારો તેમ જ શસ્ત્રસરંજામ પુરવઠાની પૂરતી કાળજી લેવાતી નથી.

ગઈ ૨૪ જાન્યુઆરીએ  ભંડારાના જવાહરનગરમાં આવેલી ડિફેન્સની ઓર્ડનન્સ ફેક્ટરીમાં સવારે ૧૦.૩૦ વાગ્યે  જબરદસ્ત ધડાકો  થયો હતો. પ્રાથમિક માહિતી  મુજબ આ દુર્ઘટનામાં ૮ વ્યક્તિનાં મોત થયાં હતા અને ૭ જણ ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે યુનિટની ઇમારત તૂટી પડી અને એમાં આગ લાગી ગઈ હતી. પ્રચંડ વિસ્ફોટને  કારણે દૂર સુધી લોખંડના મોટા ટુકડાઓ ઊડયા હતા.

તમને કદાચ પ્રશ્ન થશે કે ઓર્ડનન્સ ફેક્ટરી એટલે શું? ઓર્ડનન્સ ફેક્ટરીનો અર્થ આયુઘ બનાવવાનું કારખાનું એ રીતનો થાય. સરલ ભાષામાં  તેને શસ્ત્ર  ભંડાર પણ કહેવાય.  કારણ કે આ સ્થળે  શસ્ત્રો  અને દારૂગોળો બને છે.  તેમ આ શસ્ત્ર-અસ્ત્રનો  સંગ્રહ પણ થાય છે.  ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડની સ્થાપના ભારતીય સશસ્ત્ર દળો માટે શસ્ત્ર સરંજામ, દારૂગોળો, ટેન્ક સહિતના સંરક્ષણનાં સાધનો-હથિયારો અને વાહનો બનાવવા માટે કરવામાં આવી હતી અને ભારતીય સશસ્ત્ર દળોને મોટા ભાગનાં સ્વદેશી હથિયારો  આ ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા જ પૂરા પાડવામાં આવતા હોય છે. દેશમાં અત્યારે  કુલ મળીને ૪૧ ઓર્ડનન્સ  ફેક્ટરી છે.  જેમાં કુલ મળીને ૮૦,૦૦૦ કામદારો છે. 

થોડાં  વર્ષ પૂર્વે  વર્ધામાં પુલગામાં આવેલા દેશના સૌથી મોટા શસ્ત્રભંડારમાં ૩૦ મે ની   રાતે રહસ્યમય રીતે લાગેલી ભીષણ આગ અને સ્ફોટના લીધે બે સિનિયર લશ્કરી અધિકારી સહિત ૨૦ જવાન શહીદ થઈ ગયા હતા.  

૨૦૦૭માં  ૧૧ ઑગસ્ટે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા ૨૧-ફિલ્ડ એમ્યુનિશન ડેપોમાં વહેલી સવારે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. દારૂગોળો સળગવાને કારણે લાગેલી ભીષણ આગમાં ૧૮ વ્યક્તિ ભડથું થઈ ગઈ અને આસપાસના ગામોનાં ૨૮૦૦૦ રહેવાસીઓ છતાં ઘરે બેઘર બની ગયા.

એવી જ  રીતે  અનંતનાગના   વિસ્ફોટમાં  રૂ.૧૩૦૦  કરોડનો દારૂગોળો નષ્ટ પામ્યો હતો ત્યારે  પણ ઘણો વિવાદ થયો હતો. સરકાર આ બાબતોેનો તલસ્પર્શી અભ્યાસ કરતી નથી અથવા કરે છે તો એ મુજબના સુરક્ષા પગલાં વધારતી નથી. આ ઘટનાઓ દ્વારા એવો પણ સંકેત મળે છે કે સરકાર જેટલી હોેવી જોઈએ તેટલી આ મામલે ગંભીર નથી. દરેક અગ્નિકાંડ કે દુર્ઘટનાની તપાસ થઈ, પણ એ તપાસ કોઈ નિષ્પક્ષ સંસ્થાએ નહીં બલકે આ દુર્ઘટના સાથે સંકળાયેલા અધિકારીઓએ જ કરી. તેથી તેનો કોઈ અર્થ સર્યો નહીં. સ્થાપિત હિતોએ અને દોેષી તત્વોએ સાચી હકીકત બહાર આવવા દીધી નહીં. આ તમામ દુર્ઘટનાઓની તપાસ પૂરી થયા પછી કોઈ જવાબદાર અધિકારી સામે પગલાં લેવાયાં હોવાની વાત બહાર આવી નથી. અર્થાત કોઈની સામે પગલાં લેવાયાં જ નથી. 

એવું  કહેવાય  છે  કે  જ્યારે આ પ્રકારનો અકસ્માત સર્જાય છે ત્યારે લશ્કરી અધિકારીઓ જાહેર  વહીવટી સંસ્થાઓ કે પોલીસને ઘટનાસ્થળની આસપાસ ફરકવા દેતા નથી. તેની તપાસ માત્ર લશ્કરી સંસ્થાઓ કરે છે અને તેને કારણે સત્ય બહાર આવવાને  બદલે તે લશ્કરી છાવણીની અંદર જ દબાઈ જાય છે.

 થોડા વરસ પૂર્વે રાજસ્થાનના સુરતગઢ સ્થિત દારૂગોળાના એક વિશાળ ભંડારમાં ભીષણ આગ લાગી. આગ  એટલી મોટી હતી કે સુરક્ષાના કારણોસર આસપાસનાં ૨૦ ગામો લશ્કરે ખાલી કરાવ્યાં, પરંતુ એ પહેલાં જ આગની જ્વાળાઓમાં ઘણા લોકો ભરખાઈ ગયા અને આ આગમાં અબજો રૂપિયાનો  દારૂગોળો નષ્ટ થઈ ગયો. 

આ ઘટના પછી બિકાનેરમાં ઉદાસર ક્ષેત્રમાં શસ્ત્રો અને દારૂગોળાથી ભરેલી ૮૦ ટ્રકોમાં આગ લાગી ગઈ. દારૂગોળાને આગ લાગવાથી એટલો મોટો ધડાકો થયો કે આસપાસના વિસ્તાર કાંપી ઉઠયા અને તેમાં કરોડો રૂપિયાનો દારૂગોળો નષ્ટ થઈ ગયો. આ દુર્ઘટનામાં શસ્ત્રો અને આગની રીતસર આકાશમાંથી જાણે વર્ષા થઈ. તેમાંનું એક મિસાઈલ નજીકની હોસ્પિટલ ઉપર પડયું અને અડધો ડઝન દર્દીઓને ભરખી ગયું.  બીજા અનેક દર્દીઓ દાઝી ગયા. એ વખતે આ સ્થળે શસ્ત્રો અને  દારૂગોળાથી લદાયેલી બીજી ૨૫૦ ટ્રકો ઊભી હતી તેમને જોકે સુરક્ષા કર્મચારીઓએ દૂર ખસેડી લીધી, અન્યથા જે નુકસાન થાત તે ખૂબ અકલ્પનીય હોત. લશ્કરનો દાવો છે કે આ આગ વીજળીના શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. પરંતુ સ્થાનિક પોલીસે આ અકસ્માતને પાકિસ્તાની  જાસૂસોનાં  કરતૂત તરીકે  ઓળખાવ્યો હતો.

આ ઘટનાના એક અઠવાડિયા પહેલા  ઈટારસીસ્થિત આયુધ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી, જેમાં ઓછામાં ઓએછા ત્રણ કર્મચારીઓ માર્યા ગયા હતા. આ  ધડાકો ફેક્ટરીના નાઈટ્રો-ગ્લિસરીન પ્રોસેસ યુનિટમાં થયો હોવાનું જણાવાયું  હતું. આ ધડાકાને કારણે ફેક્ટરીનો મોટો હિસ્સો નાશ પામ્યો. એ પહેલાં જબલપુરની એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગને કારણે થયેલા ધડાકાઓથી આખું જબલપુર શહેર હચમચી ઉઠયું હતું.

૨૦૦૨માં  પઠાણકોટ નજીકની મામૂન છાવણીસ્થિત શસ્ત્રસરંજામ ભંડારમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં પાંચ હજાર ટન દારૂગોળો નષ્ટ પામ્યો હતો. આસપાસના વિસ્તારને લશ્કરે રાતોરાત ખાલી કરાવ્યો હતો. એ પહેલાં  તેમાં ઘણાં લોકો માર્યા ગયા તથા અનેક મકાનો ધરાશાયી બની ગયા. લશ્કરે આ અને બીજી તમામ આગની ઘટનાઓની તપાસ પોલીસ કે સિવિલ એજન્સીને કરવા દીધી નહોતી, પરંતુ વહીવટી તંત્રના મત મુજબ આ આગ પાકિસ્તાની એજન્ટોએ લગાડી હતી. 

૨૦૦૬માં  સૌથી ભીષણ અકસ્માત  ભરતપુરની આયુધ ફેક્ટરીમાંથયો. આ ધડાકાને કારણે આસપાસનો વિસ્તાર એક અઠવાડિયા સુધી કાંપતો રહ્યો. દારૂગોળો અને મિસાઈલો આડેધડ ફાટવાથી આસપાસનાં  ૧૮ ગામોમાં અનેક મકાનોને નુકસાન થયું. સરકારી સૂત્રોનાં આંકડા મુજબ આ અકસ્માતમાં આશરે રૂપિયા  ૫૬૭ કરોડનો પાંચ હજાર ટન દારૂગોળો નષ્ટ થઈ ગયો, આ દારૂગોળામાં ૧૦૫ મિ.મિ. ૧૩૦ મિ.મિ. અને ૧૫૫ મિ.મિ.ની બોફોર્સ તોપના ગોળા, રણગાડી વિરોધી મિસાઈલો, રોકેટો, ભૂમિ પરથી આકાશમાં ફેંકાતા ક્ષેપકાસ્ત્રો તથા બંદુકો અને મશીનગનમાં વપરાતી ગોળીઓ, હાથબોમ્બ વગેરેનોે સમાવેશ થાય છે.  

ભારતની મોટાભાગની આયુધ ફેક્ટરીઓ બીજા વિશ્વયુદ્ધના સમયની છે તેથી તેમાં સુરક્ષાના સાધનો પણ જૂની ઢબનાં-જરીપુરાણાં છે, પરંતુ ભરતપૂર, મામૂન, સુરતગઢ જેવી કેટલીક આયુધ ફેક્ટરીઓ તો આધુનિક ઢબની છે. છતાં ત્યાં સુરક્ષાવ્યવસ્થા અને સાધનો આધુનિક ઢબનાં અને જડબેસલાક કેમ નહીં હોય, તેવોે પ્રશ્ન થાય. સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક સમિતિએ દેશભરમાં ફેલાયેલા શસ્ત્ર ભંડારો તથા ઓર્ડનન્સ ફેક્ટરીઓની સુરક્ષા માટે કેટલીક ભલામણો કરી હતી, પરંતુ સરકારે આ ભલામણોનો પણ અમલ કર્યો હોય તેમ લાગતું નથી. સુરક્ષાની બાબતે ગોપનીયતા રાખવી જરૂરી છે, પણ તેની આડશમાં શિથિલતા અને ભ્રષ્ટાચારનું સંવર્ધન થતું હોય તો તે રાષ્ટ્રના હિતમાં નથી.

ભૂતકાળમાં ભરતપુર આગને પગલે જે વિગતો બહાર આવી હતી.  એ જોતા આજે અબજો રૂપિયાનો દારૂગોળો સાચવવા માટે શસ્ત્રાગારની વ્યવસ્થા કેવી કંગાળ અને પ્રાથમિક સ્વરૂપની હોય છે તેનો ખ્યાલ આવે છે. દારૂગોળો જ્યાં ત્યાં બહાર ખુલ્લામાં કોંક્રિટની પ્લીન્થ ઉપર પડયો હોય છે. ભારતીય સેનાએ શસ્ત્રાગારની વ્યવસ્થાનો બચાવ કર્યો છે. અને દારૂગોળો ખુલ્લામાં વ્યવસ્થિત ગોઠવવાની તથા દારૂગોળાના બે જથ્થા  વચ્ચે ચોક્કસ અંતર રાખવાની કાળજી લેવાઈ હતી એમ જણાવે છે. ભરતપુરના શસ્ત્રાગારની આગ એ રીતે લાગી હોય તો તે ગુનાહિત કહેવાય! આ રીતે  તો કોઈ દુશ્મન પણ બહારનું ઘાસ સળગાવી શસ્ત્રાગાર ખતમ કરી શકે છે. પુલગાંવની આગમાં તપાસનો અહેવાલ સ્પષ્ટ જણાવે છે કે શસ્ત્રાગાર ફરતે હાથી ઊંચુ ઘાસ ઊગવા દેવું નહીં. 

બીજું, આજુબાજુ આગ લાગે તેની તરત ચેતવણી આપતી એલાર્મ સિસ્ટમ ગોઠવવી તથા આગ બુઝાવવા માટે સ્વયંસંચાલિત પણે પાણી છાંટતા સ્પ્રિન્કલર્સ ગોઠવવાં! આ ભલામણોનો ભરતપુરમાં અમલ થયો નહોતો. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે આજે પણ ભારતીય લશ્કરના સમગ્ર દેશમાં પથરાયેલા ૧૭ શસ્ત્રભંડારોમાં ૬૦ ટકા દારૂગોળો ખુલ્લા આકાશ નીચે પડયો હોય છે. સમસ્યા એ છે કે નીતિ ઘડનારાઓ પાઈ બચાવવામાં રૂપિયો ખોવે તેમાંના છે. નીતિ ઘડનારાઓનાં ઘર તથા કચેરીઓમાં ચાર ચાર એરકંડિશનર્સ બેસાડેલાં હોઈ તેઓ એમ જ માને છે કે તમામ અત્યાધુનિક શસ્ત્રસરંજામ પણ તપાસ અદાલતે કરેલી ભલામણ મુજબ યોગ્ય વાતાનુકૂલિત સ્થળે પડયો છે. ખાસ કરીને  પઠાણકોટના એરબેઝમાં  અંદર ઘૂસીને  હુમલો કર્યા બાદ તેમ જ ભૂતકાળમાં  દિલ્હીના  લાલ કિલ્લા અને સંસદ ભવન ઉપર હુમલા થયા પછી   આપણા શસ્ત્રભંડારોની સુરક્ષા પ્રત્યે આપણને બિલકુલ લાપરવાહી પોસાય નહીં.

 સરકારે આ બાબતમાં ગંભીરપણે  સચેત થવાની જરૂર છે. આવી ઘટનાને બે સરખામણીથી વિચારવી જોઈએ. એક તે છેલ્લાં દસ-પંદર વર્ષમાં દુનિયાના કેટલા દેશોેમાં એનાં લશ્કરી શસ્ત્રાગારોમાં આગ લાગી છે? બીજું તે આઝાદી પહેલાંના બ્રિટીશ રાજ્યમાં પચાસ વર્ષમાં ભારતીય લશ્કરી શસ્ત્રગારોમાં કુલ કેટલી આગ લાગી હતી? બંનેનો જવાબ જો નકારાત્મક હોય અથવા નહિવત્ હોય તો છેલ્લાં પાંચેક  વર્ષમાં લાગેલી આટલી બધી આગો આકસ્મિક નથી પણ ભાંગફોડનું પરિણામ જ એવું અનુમાન સ્પષ્ટ અને વ્યાજબી ગણાય. આથી સરકાર અને આપણું સંરક્ષણ ખાતું આ વાતને જો સામાન્ય ગણી કાઢશે તો તે એક ભયંકર ભૂલ પુરવાર થશે.


Google NewsGoogle News