ડાટ, ડાટા અને ડૂચા .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ભૌતિકતાનો અતિરેક આપણા જીવનનો ડાટ વાળી દે તે પૂર્વે આપણે આપણા ઈન્દ્રિય દ્વારો ઉપર ડાટો કે ડૂચો મારીએ
ડા ટ, ડાટા અને ડૂચો ત્રણેય શબ્દો લાક્ષણિક અર્થમાં વિશેષ વપરાય છે. ડાટ, ડાટો અને ડૂચો ત્રણેય શબ્દોના અર્થોમાં રહેલી ભિન્નતાને જાણીએ. મધ્યકાલીન ગુજરાતી કવિ ભટ્ટ પ્રેમાનંદ કૃત 'મામેરુ' આખ્યાન ખૂબ જાણીતું છે. તેમાં ભક્તકવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના સીમંતનો પ્રસંગ છે. નાગરી નાતના તત્કાલીન રીત રિવાજ મુજબ કુંવરબાઈનાં વડસાસુ કુંવરબાઈ પાસે જ મામેરું ભરવા માટેની એક યાદી તૈયાર કરાવે છે. કુંવરબાઈ બિચારી જાણે છે કે મારા, પિતા ફકીર છે, તેઓની આમાનું કશું જ કરી શકે તેવી સ્થિતિ નથી, તે જાણવા છતાં એને યાદી તૈયાર કરવી પડે છે ત્યારે એના મુખમાંથી જે નિસાસો સરી પડે છે તેને કવિ પ્રેમાનંદે 'ડોશીએ ડાટ વાળ્યો રે' પંક્તિમાં શબ્દસ્થ કર્યો છે. અહીં 'ડાટ વાળવો' એ શબ્દસમૂહ આખો રૂઢિપ્રયોગના રૂપે વપરાય છે. મોટી 'ખુંવારી' થવી કે કરવી એવો અર્થબોધ તેમાં રહેલો છે. ખરેખર તો 'ડાટ'નો સીધોસાદો અર્થ છોડી દેવું, પુરી દેવું, દાટી દેવું થાય છે. કોઈ આબરૂદાર ઘરનો દીકરો કે દીકરી ખાનદાન ઘરને ના શોભે એવી વર્તણૂક કરે ત્યારે પણ 'ડાટ વાળ્યો' જે પ્રયોગ થાય છે, એવી રીતે કોઈની પેઢી દેવાળુ ફૂંકે, કોઈ નાદાર થઈ જાય કે કોઈ દેવાદાર થઈ જાય, કોઈ આબરૂ વગરનો થઈ જાય, કોઈ મોભાદાર કલંકિત થઈ જાય ત્યારે પણ 'ડાટ' વાળ્યો કહીએ છીએ. સમાજમાં કશીક મોટી ખુવારી સર્જાતી જણાય ત્યાં આવો પ્રયોગ સાંભળવા મળે છે. ભારે વરસાદ પડે ને બધો પાક ધોવાઈ જાય, ભારે તારાજી થાય ત્યારે પણ વરસાદે 'દાટ વાળ્યો' તેવું કહીએ છીએ, પરંતુ મોંઘુંદાટ કહીએ ત્યારે દાટ શબ્દ પદાર્થનો મોઢાવાળો ખુલ્લો ભાગ જેના દ્વારા સજ્જડ બંધ કરાય તેને ડાટો કહેવામાં આવે છે. કોઠીએ ડાટો મરાય. દવાની શીશીના ઢાંકણાને પણ દાટો કહીએ છીએ. ડાટો મારવાથી અંદરનું પ્રવાહી દ્રવ્ય બહાર નીકળી ન શકે વહેતા કે ભરેલા પ્રવાહનો રસ્તો બંધ કરવો એટલે ડાટો મારવો. નહેર મારફતે કે ભુંગળા દ્વારા આવતું પાણી ડાટો વાગી જાય પછી વહેતું બંધ થઈ જતું હોય છે. આવો ડાટો દરના દ્વાર ઉપર મરાતો હોય છે. ડાટાનું બીજું નામ બૂચ પણ છે.
ડૂચો અથવા દાટો એ જૂના વસ્ત્રોનો મોટેભાગે બનતો હોય છે. ડૂચો ગાભાનો છે. ગુજરાતી ભાષામાં આવે છે. એ ડૂચો શબ્દ કોઈ પ્રવાહને રોકવા માટેના સાધનનો અર્થનિર્દેશ કરે છે. અનાજ ભરેલી કોઠીમાં નીચે બહારની તરફ દેખાતુ જે કાણું હોય છે, તેમાંથી દાણા બહાર નીકળે છે, દાણા કાઢયા પછી એ કાણામાં જે અવરોધક લૂગડાં-ગાભા ભરાવીને દાણા બહાર આવતાં રોકવામાં આવે તે ડૂચો છે. ડૂચો કેવળ કપડાનો જ હોય એવુ નથી કાગળનો, લાકડાનો પણ ડૂચો હોય છે. એક તરફ નકામો જે પદાર્થ છે તેને ચોળીને ફેંક્યો તે ડૂચો-બીજી તરફ કોઠીના કાણામાં, પાણીના હોજના કાણામાં કપડાં ભરાવી જે પ્રવાહને રોકે છે તે પણ ડૂચો-શબ્દ એક અને અર્થ નોખા નોખા. કોઈ રમકડું, કોઈ પદાર્થને ભાગી તોડી નાખીએ ત્યારે પણ ડૂચો કર્યો એવો પ્રયોગ થાય છે. ડૂચો એ ચોળાઈ ગયેલાં વસ્ત્રો માટે પણ વપરાય છે. ડૂચા જેવો માણસ પણ કહેવાય છે.
ખૂબ વધારે પ્રમાણમાં કોળિયો મોંમાં મુકીને ખાનારને પણ ડૂચા મારે છે એમ કહીએ છીએ. ડૂચો શબ્દમાં બે દીર્ઘ સ્વરોનો ઉચ્ચાર છે. એ દીર્ઘતાના સાયુજ્યમાંથી સંઘર્ષી 'ચ' જેવો, સંઘર્ષ રચાય છે. ડૂચો વહી જતા પ્રવાહને રોકવાનું સામર્થ્ય ધરાવે છે એ માનવસર્જિત હોઈ, તેમાં ઉપયોગિતાની અર્થ વ્યાપ્તિ સચવાઈ છે કુદરતી ઝરણા જ્યાં પોતીકી રીતે અટકે છે - વહે છે તેને ડૂચો કહેવાની પ્રથા નથી. હ્ય્દયના ભાવનો અતિરેક થઈ જાય અને વાણી માટે કોઈ જગ્યા જ ન રહે, પ્રવાહ અટકી જાય ત્યારે 'ડૂચો' ભરાયો એવો પ્રયોગ થાય છે., ત્યાં પણ અવરોધની સ્થિતિ છે. ડૂચો એ માનવસર્જિત ઢાંકણ પણ છે અને સ્પીડબ્રેકર પણ છે, જેને તળ માણસો ઉબેટ કહે છે. ડૂચો વળે એવો આહાર સરળતાથી આવીને ખાઈ શકાતો નથી. કોઈની વાત કે વિચાર ધ્યાને જ લેવાય ત્યારે પણ એ વાતનો ડૂચો આવી જાય છે.
'દરવાજા ઉગાડા અને ખાળે ડૂચાં એવા શબ્દ પ્રયોગમાં ડૂચો-ડાટાના પર્યાય તરીકે વપરાય છે. સામાન્ય રીતે અબુધ હોય, અસંસ્કારી હોય એવા માણસો માટે પણ ડૂચો શબ્દ રૂઢ થયેલો છે. સાયકલનો, ગાડીના ડબ્બાનો, સ્કૂટરનો કે કારનો ભારે અકસ્માતમાં ડૂચો વળી જતો હોય છે ત્યાં ડાટો શબ્દ ના વપરાય, પરંતુ કોઈ સજીવ કૂતરાએ સજીવ માણસને બટકું ભર્યું અથવા કરડયું તો 'ડૂચો ભર્યો' એમ કહેવાય. કૂતરા, ગધેડુ, ઘોડુ, ભૂંડ, શિયાળ, વાઘ, સિંહ અને માણસ કરડે છે ત્યારે ડૂચા ભરે છે, એવું કહેવાય છે.'
ડાટો કે ડૂચો બંને વ્યંગ્યાર્થ પણ આપે છે. આમ તો બંનેનું ભૌતિક અસ્તિત્વ કાગળનું કે ગાભાનું હોય છે. કાગળનો ડૂચો અને પાણીની પાઈપને દાટો માર્યો એવું સ્પષ્ટ અલગ કહેવાય છે. જેમ સ્થિતિ કોઈ પરિસ્થિતિને કારણે દયાપાત્ર થઈ જાય ત્યારે પણ 'ડૂચો વળી ગયો.' જેવો રૂઢિપ્રયોગ સમાજ વાપરે છે. ખોરાક ગળે ઠીક રીતે ન ઊતરે ત્યારે પણ ડૂચો બાઝયો કહેવાય એ રીતે ખોરાકના કોળિયા મોટા રાખી જે ઊતાવળે ખોરાક ખાતો હોય તેને પણ 'ડૂચા મારે છે'- એમ કહીએ છીએ. ડૂચો મારવો, ડૂચો કાઢવો, ડૂચો વાળવો જેવા રૂઢીપ્રયોગ ભિન્ન ભિન્ન અર્થમાં વપરાય છે. 'ડુજ્જય' સંસ્કૃત શબ્દનો અર્થ વસ્ત્રનો ટુકડો થાય છે. તેમાંથી ડૂચો શબ્દ આવ્યો હશે એમ લાગે છે. ચાવતાં ચાવતાં જે વધે, ન ખવાય કે ન ગળાય તે પણ ડૂચો ઈસ્ત્રી વગરનાં કપડાં પણ ડૂચા જેવાં, કપડાં ધોવાં એટલે ડૂચા ધોવા. ડૂચા ઊડી જવા એટલે ટુકડે ટુકડા થઈ જવા, ભાંગીને ભુક્કો થવું આપણા લોકગીતોમાં પણ ડાટ, ડાટો અને ડૂચો ત્રણેય શબ્દો ભિન્ન ભિન્ન રીતે વપરાયા છે. કંસાર ખાતા વરરાજાને ઉદ્દેશીને ગવાતું ગીત - 'લાડો ડૂચે ડૂચે મંડયા રે' એમાં ખૂબ ઉતાવળે, ફટાફટ ના અર્થમાં વપરાય છે. ખોરાક ગળે ના ઉતરે એવો કડક હોય તો 'ડૂચો વળવો' - પ્રયોગ પણ થાય છે. આપણે આપણી ઈન્દ્રિયોના દ્વારે ડૂચો કે ડાટો વાળી મનને ઊર્ધ્વ ચેતના ના માર્ગ તરફ વાળીએ. ડાટ વાળવો ડાટો વાગવો/મારવો અને ડૂચો મારવો/ભરવો ત્રણેય પ્રયોગો સમાજમાં પ્રચલિત છે. ભાષક એની ઉપયોગિતા બરાબર સમજે છે.