મંત્રને અનલોક કરવાની ચાવી! .

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
મંત્રને અનલોક કરવાની ચાવી!                           . 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- મંત્રને ખોલવાની એટલે કે અનલોક કરવાની ક્રિયા એટલે કીલક. એ.ટી.એમ. કાર્ડ સાથે બેંકમાં જઈએ, પરંતુ પીન યાદ ન હોય તો શું કરવાનું? 

મં ત્ર-વિનિયોગના છ અંગો (ષડાંગ)-દેવતા, છંદ, કીલક, શક્તિ, ઋષિ, બીજ-પ્રત્યેક સાધનાની સફળતાનો આધાર છે. પૌરાણિક કાળમાં મંત્રને યાદ રાખવા માટે કાગળ-શાહી તો હતાં નહીં ! આથી, જ્યારે મંત્રના વર્ણને ક્રમબદ્ધ અને લયબદ્ધ કરી દેવામાં આવે, તો તેને યાદ રાખવા સરળ બની જાય. આથી ઋષિ-મુનિઓએ મંત્રને છંદબદ્ધ કરી દીધાં. લોજિક એટલું કે જેવી રીતે કોઈ મનપસંદ ભજન અથવા સ્તુતિને જો સંગીતબદ્ધ કરી દેવામાં આવે તો તેના શબ્દો તરત યાદ રહી જાય છે, એવી જ રીતે મંત્રને ચોક્કસ ક્રમમાં ગોઠવી દેવામાં આવે, તો તેને યાદ રાખવા સરળ બની જાય છે. કુલ ૨૧ પ્રકારના વિભિન્ન છંદોમાં મંત્ર પ્રાપ્ત થઈ શકે છે. ગાયત્રી, ત્રિષ્ટુપ્, જગતી, પંક્તિ વગેરે ! અનુષ્ટુપ છંદમાં આઠ અક્ષરોની જોડ જોવા મળે છે.

દાખલા તરીકે, શ્રીલલિતાસહસ્રનામ અનુષ્ટુપ્ છંદમાં પ્રાપ્ત છે. તેના પ્રથમ પદમાં 'શ્રીમાતા શ્રીમહારાજ્ઞાી'માં આલેખાયેલાં વર્ણનો સરવાળો આઠ થાય છે, એવી જ રીતે, 'શ્રીમત્સિંહાસનેશ્વરી' નામનાં અક્ષરોનો સરવાળો પણ આઠ થાય છે. આવી જ રીતે, શ્રીમદ્ ભગવદ્વીતા પણ અનુષ્ટુપ્ છંદમાં લખાયેલી છે. આટલા મોટા માળામંત્રને યાદ રાખવા માટે તેને ચોક્કસ રીતે છંદબદ્ધ કરવા નિતાંત આવશ્યક હોય છે. શ્રીસૂક્તમ્ પાઠનાં મૂળ ૧૬ મંત્રો પણ આ પ્રકારે અનુષ્ટુપ્ છંદમાં લખાયેલાં છે. જે મંત્રો અથવા માલામંત્ર ગાયત્રી છંદમાં લખાયેલાં હોય, એના અક્ષરોનો સરવાળો ૨૪ થતો હોય છે. આ પ્રમાણે, અલગ અલગ માપદંડો સાથે વિભિન્ન છંદો અસ્તિત્વમાં આવ્યા અને મંત્રોને ગુરુ-શિષ્ય પરંપરાને આધારે આગળ પહોંચાડવા વધુ સરળ બન્યાં. મુખપઠન પરંપરાને આધારે મંત્રોને જીવંત રાખવામાં અને આજના યુગ સુધી અકબંધ રાખવા પાછળ છંદોનો સવિશેષ ફાળો માની શકાય.

આમ છતાં, માત્ર છંદોને આધારે મંત્ર સક્રિય રહે એ સંભવ નથી. એમાં શક્તિનો નિરંતર સંચાર થવો જરૂરી છે. આથી, વિનિયોગનાં છ અંગોમાંનું એક મહત્ત્વપૂર્ણ અંગ 'શક્તિ' પણ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇને કહ્યું હતું કે 'જ્યાં સુધી પદાર્થ પર બાહ્યબળ ન લગાવવામાં આવે, ત્યાં સુધી તેમાં ગતિ લાવવી શક્ય નથી.' એવી જ રીતે, જ્યાં સુધી મનુષ્યમાં શક્તિ ન હોય, તો એક પણ કાર્ય તેનાથી સંભવ બને નહીં. ખુરશી પર બેસવાથી માંડીને હાલવા-ચાલવા-દોડવા સહિતની દરેક પ્રવૃત્તિઓમાં શક્તિનો સંચાર જરૂરી છે. એના વગર માણસ શ્વાસ પણ ન લઈ શકે ! ટૂંકમાં શબ બની જાય. આથી, મંત્રને ગતિમાન અને સક્રિય રાખવા માટે તેમાં શક્તિ હોવી જરૂરી છે.

આ શક્તિનો દુરુપયોગ ન થાય અને યોગ્ય સાધક પાસે મંત્રઊર્જા પહોંચે એ માટે 'કીલક' અંગ મંત્ર-વિનિયોગનું અગત્યનું પાસું બની ગયું. સામાન્ય શબ્દોમાં મંત્રને ખોલવાની એટલે કે અનલોક કરવાની ક્રિયા એટલે કીલક. એ.ટી.એમ. કાર્ડ સાથે બેંકમાં જઈએ, પરંતુ પીન યાદ ન હોય તો શું કરવાનું ? બેંકમાં ભલે કરોડો રૂપિયા પડેલાં હોય તો પણ એને ઉઠાવવા અત્યંત મુશ્કેલ કાર્ય બની જાય. આવી જ રીતે, ગમે એટલો જાગૃત અને સશક્ત મંત્ર પ્રાપ્ત થયો હોય, પરંતુ જો તેને અનલોક કરવાની અર્થાત્ નિષ્કિલનની પ્રક્રિયાનો ખ્યાલ ન હોય, ત્યાં સુધી એ મંત્રની સાધના વિશેષ પ્રભાવ દર્શાવી શકતી નથી.

પહેલાંના લેખોમાં વાત કરી હતી એમ, દરેક મંત્રોનાં વિભિન્ન મંત્રદ્રષ્ટા ઋષિઓએ પોતપોતાના તપોબળ અને સાધના થકી મંત્રોને જાગૃત કર્યા અને વિનિયોગના માધ્યમથી તેને અનલોક કરવાની વિધિ પણ પ્રદાન કરી. સમયની સાથે મનુષ્યજગત સાધનાનું મહત્ત્વ ભૂલતું ગયું અને મોટાભાગના લોકો ફરિયાદ કરવામાં લાગી ગયાં કે મંત્રો કામ નથી કરી રહ્યાં ! પરંતુ સૌથી અગત્યનો સવાલ અહીં પોતાની જાતને એ પૂછવો જોઈએ કે શું આપણે શાસ્ત્રોમાં દર્શાવેલી વિધિ પ્રમાણે મંત્રને ઉપયોગમાં લેવાની ચેષ્ટા કરી ખરી ? જો આ પ્રશ્નનો જવાબ ના હોય, તો 'દ્રાક્ષ ખાટી છે' જેવો ઘાટ ઊભો કરવાને બદલે સ્વયંને મંત્રજ્ઞાન માટે તૈયાર કરવામાં સમજદારી છે. 'મંત્રમહોદધિ' અને 'મંત્રમહાર્ણવ' આ બંને શાસ્ત્રો પ્રત્યેક સાધકે પોતાના ઘરમાં અચૂક વસાવવા જોઈએ, જેથી સાધનાની યાત્રા દરમિયાન વિધિ-વિધાનો સમજવામાં અને અનુષ્ઠાન કરવામાં સરળતા રહે.


Google NewsGoogle News