આ બધાનો હિસાબ કેમ થશે? .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'આ સિવાય મારા બા અને બાપુજીએ મારા અને મારા પરિવાર માટે ઘણું કર્યું છે જે આ કાગળના ટુકડામાં લખી શકાય તેમ નથી અને સમાઈ શકે તેમ પણ નથી'
'મો ટા ભાઈ આવતીકાલે રાત્રે મારા ઘરે ભેગા થવાનું નક્કી કર્યું છે. આઠમની રજા છે, કોઈને રાંધવા-ખાવાની ચિંતા નથી. માનસીએ બધા માટે ફરાળની વ્યવસ્થા કરી દીધી છે. પહેલો ફોન તમને કરું છું કારણ કે તમે આવશો તો જ બાકીના બંને ભાઈઓને હું દબાણ કરી શકીશ. તેમાંય નાનકો તો તમારી ભયે જ આવશે. પ્લીઝ તમે ના ન પાડતા.' - મોટાભાઈએ ફોન ઉપાડતાની સાથે જ નિમેષ જાણે કે ગોખીને બેઠો હોય તેમ બધું જ બોલી ગયો.
'અરે, નિમલા પણ આમ ઉતાવળો કેમ થાય છે. બાપુજીએ કહ્યું એટલે તાત્કાલિક પૂરું કરી દેવાનું એમ થોડું હોય. થોડી રાહ જો નહીંતર જમાનો શું કહેશે. અમે તારા ઘરે આવીશું પણ જે નિર્ણય થાય તે તાત્કાલિક અમલમાં નહીં મુકાય. છ-બાર મહિના જવા દે પછી બધું કરીશું. તને એ વાત મંજૂર હોય તો જ હું આવું.' - મોટાભાઈએ શરત મુકી.
'મોટા ભાઈ તમે કહો તે બધું મંજુર પણ હવે ઉકેલ લાવો. તમે બસ આવી જજો હું બાકીનાને કહી દઉં છું.' - નિમેષે આજીજી કરી.
'સારું ગોઠવી દે.' - મોટાભાઈએ કહ્યું અને નિમેષ રાજીના રેડ થઈ ગયો. ત્યારબાદ તેણે મેહુલભાઈને ફોન કર્યો.
'મેહુલભાઈ, આઠમે રાત્રે મારા ઘરે બધાએ ભેગા થવાનું છે. ફરાળ મારે ત્યાં જ કરવાનું છે અને મોટાભાઈ પણ આવે છે. તો આપણે હિસાબ પતાવી દઈએ. તમારું શું કહેવું છે.' - નિમેષ બોલ્યો.
'નિમલા હું તો ક્યારનો તલપાપડ છું. મારે તો ઝડપથી ભાગ મળે એટલે છોકરાઓ જોડે અમેરિકા જ જતા રહેવું છે. મારે હવે આ ઝંઝટમાં વધારે રહેવું જ નથી. અહીંયા રહેવાની મને તો મજા જ નથી આવતી. બાપુજીના કારણે આવવું પડે છે. તને શું લાગે છે, કમલીયો માનશે આ બધું?' - મેહુલભાઈ બોલ્યા.
'મોટાભાઈ કહેશે પછી તો કમલીયો શું એનો બાપેય માનશે... કમલને એક વખત મારા ઘરે આવવા તો દો.' - નિમેષ આટલું બોલીને ખંધુ હસ્યો અને સામે પણ એવા જ હાસ્યમાં જવાબ આવ્યો અને ફોન મુકાઈ ગયો. ત્યારબાદ નિમેષે કમલને ફોન કર્યો.
'હેલ્લો, નાનકા આઠમના દિવસે મારા ઘરે ફરાળ કરવાનું રાખ્યું છે. મોટાભાઈ અને મેહુલભાઈ પણ આવવાને છે. તમે ત્રણેય પણ આવી જજો. બાપુજી તો અહીંયા જ છે. આપણે ભેગા થઈને આનંદ કરીએ.' - નિમેષે કહ્યું.
'નિમેષ ભાઈ, આનંદ કરીએ કે પછી બાપુજીએ કહ્યું તે પ્રમાણે હિસાબ કરી લઈએ. મને ખબર જ છે કે તમને ભેગા થવામાં નહીં હિસાબ પતાવીને ભાગલા પાડવામાં વધારે રસ છે. તમે ચિંતા ના કરશો આ વખતે તો મારે પણ મુક્ત થવું છે તો હું ચોક્કસ આવીશ.' - કમલે કહ્યું અને ફોન મુકી દીધો. નિમેષ તો રાજી રાજી થઈ ગયો. આ વખતે નાનકાએ કોઈપણ આડોડાઈ વગર વાત માની લીધી. તેણે બધી જ વાત પોતાની પત્ની માનસીને કહી અને તે પણ ખુશ થઈ ગઈ.
નિમેષે આપેલા આમંત્રણને માન આપીને આઠમની રાત્રે બાલકૃષ્ણ હવેલીની સામે આવેલા યશોદાભુવન નામના વિશાળ બંગલામાં બધા ભેગા થયા. જાતભાતની વાતો અને આનંદ બાદ બધાએ સાંજે ફરાળ કર્યું અને બાળકો બહાર ફરવા નીકળ્યા તો કેટલાક સામેની હવેલીમાં કૃષ્ણજન્મ મહોત્સવની તૈયારીમાં જોડાવા માટે પહોંચી ગયા. હવે ઘરના વરંડામાં ખુરશીઓ ગોઠવાઈ અને દરેક ભાઈ અને તેમની પત્નીઓ પણ ગોઠવાયા. દરેકના હાથમાં હિસાબનું કાગળ હતું. બાપુજી બરાબર સામેની બંગલામાં પોતાના મિત્રો સાથે બેઠા હતા. તેમણે આ તરફ જોયું અને તેમના ચહેરા ઉપર આછું સ્મિત આવી ગયું. તેમને અંદાજ હતો કે આ બધા શા માટે ભેગા થયા છે. તેઓ તો પોતાના મિત્રો સાથે અલકમલકની વાતો કરવામાં મશગુલ થઈ ગયા.
'ચાલ નિમેષ પહેલાં તારો હિસાબ ગણાવી દે પછી બાકીનાની વાત કરીએ છીએ.'- મોટાભાઈએ કહ્યું.
'મોટાભાઈ મારા હિસાબમાં કુલ બાર લાખ રૂપિયા લેવાના નિકળે છે. બે વખત બા અને બાપુજીને હોસ્પિટલાઈઝ કર્યા તેના જ નવ લાખ રૂપિયા થઈ ગયા હતા. તે ઉપરાંત બંનેને એક વખત ચારધામ કરવા મોકલ્યા હતા તેનો ખર્ચો, બાના ગુજરી ગયા બાદ બાપુજીએ જે દાન કરાવ્યું તેનો ખર્ચો, બાપુજીના ચશ્મા અને દવાઓનો ખર્ચો. અત્યાર સુધી બાપુજીને જે કપડાં લાવી આપ્યા તેનો ખર્ચો. તેમને મોબાઈલ લાવી આપ્યો, તેમના માટે નવો બેડ બનાવડાવ્યો અને બીજું બધું થઈને બાર લાખ રૂપિયા થાય છે.' - નિમેષે લખેલું કાગળ વચ્ચે ટેબલ ઉપર મુક્યું જેની સાથે બિલો પણ જોડેલા હતા.
'મેહુલભાઈ હવે તમારો હિસાબ પણ બતાવી જ દો.' - નિમેષે કહ્યું.
'મોટાભાઈ મારે તો ખાસ પૈસા લેવાના નિકળતા નથી તેમ છતાં ચાર-સાડા ચાર લાખ રૂપિયા થાય છે. બા અને બાપુજીને અમરનાથ યાત્રા કરાવી હતી તેનો ખર્ચો તથા અત્યાર સુધી મારા ઘરે જેટલી વખત રહ્યા તે દરમિયાન કરેલા દવા-દારૂનો ખર્ચો. બાકીના નાના-મોટા ખર્ચ મને યાદ નથી પણ જે યાદ છે તે લખાણની સાથે બિલ અટેચ કરેલા છે.' - મેહુલભાઈએ કહ્યું.
'મેહુલ ચલ તારા પાંચ લાખ માની લઈએ છીએ. ઠીક છે. પાંચ-પચ્ચીસ હજારમાં કશું ય ખાટું-મોળું થવાનું નથી. હવે મારું જોઈ લો.' - મોટાભાઈએ કહ્યું અને મેહુલભાઈની આંખમાં ચમક આવી ગઈ.
'નિમલા સૌથી પહેલાં તો તું આ મકાનમાં રહે છે તેના ઉપર વીસ લાખની લોન મારા નામે લીધી હતી. હપતાનું વ્યાજ જવા દઈએ તો પણ વીસ લાખ સીધે સીધા જ લેવાના થાય છે. તે ઉપરાંત પપ્પાની બાયપાસ કરાવી, મમ્મીનાં ઢિંચણનું ઓપરશન કરાવ્યું તેનો ખર્ચો. અલ્પાના લગ્ન કર્યા ત્યારે કૌશિકકુમારને આપેલી સોનાની ચેન અને વીંટીનો ખર્ચો પણ મેં જ કર્યો હતો. આ બધું જ ભેગું કરીને ત્રીસ લાખ જેવો હિસાબ થાય છે.' - નાનકા હવે તારું જણાવ એટલે બાપુજીને બધું આપી દઈએ અને આગળની કામગીરી કરીએ. મેં પપ્પાની વકીલે પણ વાત કરી લીધી છે.
'મોટાભાઈ, કમલભાઈ અને નિમેષ ભાઈ મારે એકપણ રૂપિયો લેવાનો નિકળતો નથી. મારે તો ઉપરથી આપવાના થાય છે. મારા ઉપર મમ્મી-પપ્પાનું કેટલુંક ઋણ છે તે મારે ઉતારવાનું છે. તમે ત્રણેય મોટાભાઈઓ બાપુજી સાથે વાત કરીને નક્કી કરી લેજો કે કોને કેટલું આપવાનું આવે છે.' - નાનકો બોલ્યો અને બાકીના ત્રણેય ભાઈઓ અને ભાભીઓની આંખો ચમકી.
'નાનકા, તારે કયું ણ ઉતારવાનું છે. અમને તો આ વિશે કશું ખબર જ નથી.' - મોટાભાઈએ કહ્યું.
'મોટાભાઈ સૌથી પહેલાં તો બાનું ણ ઉતારવાનું છે જેમણે મને નવ મહિના પેટમાં રાખ્યો અને અસહ્ય પીડા સહન કરી. ત્યારબાદ તેણે મારો સારી રીતે ઉછેર કર્યો. બાપુજીએ મને શાળામાં અભ્યાસ કરવા મુક્યો, ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યો તેની પાછળ ખર્ચો કર્યો. હું જ્યારે જ્યારે બિમાર પડયો ત્યારે આખી આખી રાત બા અને બાપુજી મારી પડખે બેસી રહેતા, મારા માથે પોતા મુકતા, દવા અને દુવા કરતા તે બધાનો ખર્ચો. મને જ્યારે ઓરી નીકળ્યા ત્યારે મારા માટે દરરોજ દવા અને દુવા કરવા જાગતા હતા બા અને બાપુજી, તેમની માનતાઓ, તેમની શ્રદ્ધાના ફેરા, હું સાજો રહું તે માટે ચાલતા ડાકોર જવાની માનતા રાખી અને પૂરી કરી. સેજલ જ્યારે ગર્ભવતી હતી ત્યારે બધું સાજું સમું પાર પડી જાય તે માટે રાખેલી માનતા અને ધિમહીના જન્મ બાદ અલૂણી નવરાત્રીના ઉપવાસ કરીને પૂરી કરેલી માનતા. મારી નિષ્ફળતાઓ, મારી મુશ્કેલીઓમાં સતત મારી પડખે રહેવાનો જે શ્રમ કર્યો તેનો ખર્ચો. મારા થકી તેમને ઘણી વખત પીડા થઈ હશે તેનો ખર્ચો. દરરોજ મારી સંભાળ રાખી, મને ભોજન કરાવ્યું, મને કપડાં લઈ આપ્યા, મને વસ્તુઓ લઈ આપી, મને રમકડાં લઈ આપ્યા, મને આગળ વધવાનો અવસર આપ્યો.
મને અતિશય હેત અને વ્હાલ આપ્યા, ઉચ્ચ અને અમૂલ્ય સંસ્કારો આપ્યા. મારી દીકરીને સાચવી, તેને દાદા-દાદીની હુંફ આપી. તેનામાં સંસ્કારોનું સિંચન કર્યું. આજીવન મને, મારી પત્નીને અને મારા પુત્રને સ્નેહ કર્યો, અમારી કાળજી લીધી અને અમને પગભર કર્યા.'
'આ સિવાય મારા બા અને બાપુજીએ મારા અને મારા પરિવાર માટે ઘણું કર્યું છે જે આ કાગળના ટુકડામાં લખી શકાય તેમ નથી અને સમાઈ શકે તેમ પણ નથી. આ બધાનો હિસાબ કેવી રીતે કરશો તે તમે ત્રણેય ભાઈઓ જોઈ લેજો. બાકી મારે કશું જ જોઈતું નથી. હા એક વાત છે, બધું પૂરું થયા બાદ બાપુજી મને આપી દેજો. બાકી તમારે જે જોઈતું હોય તે રાખી લેજો.' - નાનકો આટલું બોલીને ઊભો થયો અને સેજલની સાથે ઝાંપાની બહાર નીકળી ગયો. ત્યાં જ બાલકૃષ્ણની હવેલમાં જયઘોષ થયો... નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલકી....