Get The App

સ્વપ્નિલ કુસાલે : ઓલિમ્પિક કાંસ્યસિદ્ધિ હાંસલ કરનારો નિશાનેબાજ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
સ્વપ્નિલ કુસાલે : ઓલિમ્પિક કાંસ્યસિદ્ધિ હાંસલ કરનારો નિશાનેબાજ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- મહારાષ્ટ્રના કામ્બાલ્વાડી ગામની શાળાના શિક્ષકના પુત્રએ ગાંઠના નાણાં ખર્ચીને રાઈફલ ખરીદી : મર્યાદિત આર્થિક ક્ષમતાને કારણે પ્રેક્ટિસમાં સ્વપ્નિલ પ્રત્યેક બુલેટ કરકસરથી વાપરતો

દ રેકની આંખોમાં કોઈને કોઈ સ્વપ્ન છુપાયેલું હોય છે. સ્વપ્ન એ બીજ છે, જેને વૃક્ષના રુપમાં સાકાર કરવા માટે મન અને શરીરને પ્રવૃત્ત કરવાની જરુરિયાત રહે છે. જે આ સ્વપ્નના બીજને તેની મહત્તમ ક્ષમતા સુધી વિકાસિત કરવા માટેનું અનુકૂળ વાતાવરણ પુરુ પાડે છે, તેમને જ તે વૃક્ષ પર મૌસમને અનુરુપ આવતા ફળનું આસ્વાદન પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવવા માટે કટિબદ્ધ બનીને કામગીરી કરવામાં ન આવે ત્યાં સુધી તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. પેરિસમાં પૂરા થયેલા પૃથ્વી પરના સૌથી મોટા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને નિશાનેબાજીની સ્પર્ધામાં કાંસ્ય સિદ્ધિ અપાવનારા સ્વપ્નિલ કુસાલેની સફર પણ ભારે રોમાંચક બની રહી છે.

પેરિસ ઓલિમ્પિકમાં ૨૯ વર્ષના સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં ૪૫૧.૪ના સ્કોર સાથે ત્રીજું સ્થાન હાંસલ કરતાં ભારતને નિશાનેબાજીની રમતમાં વધુ એક ચંદ્રક અપાવ્યો હતો. ભારતને આ સાથે ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં ચંદ્રક જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આ સફળતાની સાથે સ્વપ્નિલ ભારતના મહાન રાઈફલ શૂટરો અભિનવ બિન્દ્રા અને ગગન નારંગની હરોળમાં આવી ગયો છે. તેે ઓલિમ્પિકમાં ભારત માટે ચંદ્રક જીતનારો ભારતના સાત નિશાનેબાજોમાં સ્થાન ધરાવે છે. બિન્દ્રાએ ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં સુવર્ણ અને ગગને ૨૦૧૨ના લંંડન ઓલિમ્પિકમાં કાંસ્ય જીત્યો હતો. આ ઉપરાંત રાજ્યવર્ધન રાઠૌર, વિજય કુમાર, મનુ ભાકર (બે કાંસ્ય) અને સરબજોત સિંઘ પણ ઓલિમ્પિકમાં ભારતને ચંદ્રક અપાવનારા નિશાનેબાજોમાં સ્થાન ધરાવે છે. 

સ્વપ્નિલનો ઓલિમ્પિક ચંદ્રક તેની કારકિર્દીમાં એટલા માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તેણે છ વર્ષમાં આ પહેલીવાર કોઈ વ્યક્તિગત સ્પર્ધામાં ચંદ્રક જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સ - ૨૦૨૨ની સાથે સાથે શૂટિંગ વર્લ્ડ કપ અને એશિયન રાઈફલ-પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક તેમજ ૨૦૨૨ની કાયરો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય અને ૨૦૨૩ની એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક હાંસલ કર્યો હતો. જોકે તેના આ તમામ ચંદ્રકો ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનની ટીમ સ્પર્ધામાં છે. પેરિસ ઓલિમ્પિક અગાઉ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો છેલ્લો વ્યક્તિગત ચંદ્રક તેને ૨૦૧૭ની બ્રિસબેન કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કાંસ્યના રુપમાં પ્રાપ્ત થયો હતો. જ્યારે ૨૦૧૫માં તેણે કુવૈતમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં આ જ સ્પર્ધામાં જુનિયર કેટેેગરીમાં સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. 

આંતરરાષ્ટ્રીય નિશાનેબાજીમાં માત્ર ૧૭ વર્ષની વયે ૨૦૧૨માં ડગ માંડનારા સ્વપ્નિલને ઓલિમ્પિક જેેવા મહારમતોત્સવમાં પ્રવેશ મેળવવા માટે ૧૦ વર્ષની લાંબી તપશ્ચર્યા કરવી પડી. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ સ્વપ્નિલે તેની એકાગ્રતાને ભંગ થવા ન દીધી. તેના માતા-પિતા અને કોચ દીપાલી દેશપાંડેએ તેનો જુસ્સો ટકાવી રાખ્યો અને તે જ તેને પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રક સુધી દોરી ગયો. 

પશ્ચિમ બંગાળના ખડકપુર રેલવે સ્ટેશનમાં ટિકિટ કલેક્ટર તરીકે નોકરી કરતાં કરતાં ભારતના જ નહીં પણ વિશ્વના સફળ કેપ્ટન્સમાં સ્થાન મેળવનારા મહેન્દ્ર સિંહ ધોનીની કારકિર્દીની સફરે સ્વપ્નિલને પ્રેરણા પુરી પાડી. સ્વપ્નિલ ખુદ પણ રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે નોકરી કરતો અને તેને પૂનેના રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવી હતી. નોકરીની સાથે સાથે પણ નિશાનેબાજીની કારકિર્દીને આગળ ધપાવનારા સ્વપ્નિલની કારકિર્દી એ આત્મવિશ્વાસ અને અડગ જઝ્બાનું જીવંત પ્રતીક બની રહી છે.

મહારાષ્ટ્રના કામ્બાલ્વાડી ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતાં સુરેશ તેમના પુત્ર સ્વપ્નિલને વિવિધ રમતોમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરતાં. આ દરમિયાન તેમણે જ સ્વપ્નિલને મહારાષ્ટ્ર સરકારની ક્રિડા પ્રબોધિની યોજનામાં તાલીમ માટેે સાંગલીમાં મુકી દીધો. તેની માતા અનિતા ગામના સરપંંચની જવાબદારી સંભાળતા. તેઓએ પુત્રને રમતની તાલીમ માટે પોતાની દૂર જવા દેવાનો મુશ્કેલ નિર્ણય લીધો. આ દરમિયાન પૂણેમાં ૨૦૦૮માં યુથ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. તેણે ટીવી પર આ રમતોત્સવમાં શૂૂટિંગની સ્પર્ધા નિહાળી અને તેમાં આગળ વધવાનું નક્કી કર્યું. જેના કારણે તેને સાંગલીમાંથી નાસિકના ટ્રેનિંગ સેન્ટરમાં મૂકવામાં આવ્યો.

સ્વપ્નિલને ભોસલા મિલિટરી સ્કૂલમાં નિશાનેબાજીની પદ્ધતિસરની તાલીમ મળી. તેણે ધીરે ધીરે રાષ્ટ્રીય સ્તરની જુનિયર સ્પર્ધાઓમાં શાનદાર દેેખાવ કરવા માંડયો અને ૨૦૧૫ની એશિયન શૂટિંગની સ્પર્ધામાં જુનિયર ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. આ જ વર્ષે તેણે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડાલીસ્ટ ગગન નારંગ અને ટોચના શૂટર ચૈન સિંઘને હરાવીને સુવર્ણચંદ્રક જીતીને ખળભળાટ મચાવ્યો હતો. આ દરમિયાન જ તેને રેલવેમાં નોકરી મળી ગઈ અને તેણે શૂટિંગ પણ જારી રાખ્યું હતુ. સ્વપ્નિલે તેના પગારની બચતમાંથી ત્રણ લાખ રુપિયાની રાઈફલ ખરીદી. આ પછી તેણે ૨૦૧૭માં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કાંસ્ય જીત્યો, ત્યારે તેના પિતા સુરેશે બેન્કમાંથી લોન લઈને તેને આઠ લાખ રુપિયાની રાઈફલ લઈ આપી.

શૂટિંગ જેવી ખર્ચાળ રમતમાં ટકી રહેવું સ્વપ્નિલ માટે અત્યંત મુશ્કેલ હતું, કારણ કે તેની પ્રત્યેક બુલેટ ૧૨૦ રુપિયાની પડતી. આ જ કારણે તે પ્રેક્ટિસમાં પણ ખુબ જ સાચવી-સાચવીને બુલેટ વાપરતો. તેનો સંઘર્ષ આખરે ૨૦૨૧માં નવી દિલ્હીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ફળ્યો અને તેણે ૫૦ મીટર થ્રી પોઝિશન રાઈફલની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી તો એશિયન ગેમ્સ સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેણે અસરકારક સફળતા મેળવી બતાવી. જોકે ટોકિયો ઓલિમ્પિકની ટિકિટ ન મેળવી શકવાના રંજ છતાં તેણે પ્રયાસ જારી રાખ્યા. 

પરિવારનું સમર્થન અને કોચ દીપાલી દેશપાંડેના માર્ગદર્શનને કારણે આખરે સ્વપ્નિલે પેરિસમાં ઓલિમ્પિક મેડલ જીતીને ભારતીય રમત ઈતિહાસમાં અમીટ સ્થાન હાંસલ કરી લીધું છે. સ્વપ્નિલે હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતની સ્પર્ધાઓમાં વ્યક્તિગત સફળતા મેળવવા તરફ મીટ માંડી છે.


Google NewsGoogle News