Get The App

ભાવેશનો ભાવનાલોક .

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ભાવેશનો ભાવનાલોક                                      . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- ગાયના દૂધને માટીના વાસણમાં ગરમ કરી તેનું અન્ય માટીના વાસણમાં દહીં જમાવે અને સવારે વલોણાથી માખણ કાઢીને ઘી બનાવે છે

રા જસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવેલા સૂરજગઢ તાલુકાના અસલવાસ ગામમાં ભાવેશ ચૌધરીનો જન્મ થયો હતો. જયપુરથી ૧૮૦ કિમી. દૂર આવેલા આ ગામમાં એના પિતા શેરસિંહ ચૌધરી ખેતીવાડી કરતા હતા, પરંતુ તેની સાથે સીમા સુરક્ષા દળ - બીએસએફમાં નોકરી કરતા હતા, તેથી આર્થિક કોઈ મુશ્કેલી પડતી નહોતી. સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ કરતાં ભાવેશને અભ્યાસ કરવો પસંદ નહોતો. એના ગામમાં સહુનું લક્ષ્ય ભણીગણીને સરકારી નોકરી મેળવવાનું રહેતું હતું. મોટાભાગના તો સૈન્યમાં કે પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા હતા, પરંતુ ભાવેશે પોતાના ભવિષ્ય વિશે કોઈ વિચાર કર્યો નહોતો. ક્યારેક એના પિતા શેરસિંહ તેમની નોકરીના સ્થળે પોતાની સાથે લઈ જતા. ભાવેશ જોતો કે પિતાને જાતજાતના આદેશોનું પાલન કરવું પડતું. આ જોઈને ભાવેશને ક્યારેય નોકરી મેળવવાની ઇચ્છા ન થઈ.

ચાર ભાઈ-બહેનોમાં ભાવેશનો બીજો નંબર હતો. અત્યાર સુધી પોતાની કારકિર્દી વિશે કશો વિચાર નહીં કરનાર ભાવેશ જ્યારે બારમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો, ત્યારે તેની સામે પહેલો પ્રશ્ન આવ્યો કે હવે શું કરવું ? આગળ અભ્યાસ કરવાની ભાવેશની ઇચ્છા નહોતી, પરંતુ પરિવારના દબાણથી વધુ અભ્યાસ કરવા માટે બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો. સાથે સાથે સરકારી નોકરી માટે ૨૦૧૭માં પરીક્ષાઓ આપી, પરંતુ એકેયમાં સફળતા હાંસલ ન થઈ. કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ છોડી દીધો અને કોઈ આગવું કામ કરવાની ઇચ્છા પ્રગટ કરી. એના પિતા અત્યંત નારાજ થયા. સંબંધીઓ અને પરિચિતો પણ મજાક કરવા લાગ્યા. રાજસ્થાન તથા હરિયાણામાં વાસ્તવિકતા એ જ છે કે જે યુવાન પાસે સરકારી કે ઊંચા પગારવાળી નોકરી ન હોય તેને લગ્ન કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. પિતાના દબાણને કારણે બાજુમાં આવેલા લોહારુ શહેરમાં એન્જિનિયરીંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ એને ન તો રસ પડતો કે ન સમજ ! કારણ કે તેણે અત્યાર સુધી હિન્દી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો અને અહીં તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાનો હતો. એક મહિનામાં જ એણે એન્જિનિયરીંગ કૉલેજમાં જવાનું છોડી દીધું, પરંતુ હવે શું કરવું તે તેને માટે મૂંઝવનારો સવાલ હતો. તેની સાથે ભણતાં ઘણા મિત્રો નોકરીમાં ગોઠવાઈ ગયા હતા, પરંતુ ભાવેશના મનમાં નક્કી હતું કે અન્યના હુકમને માનવાવાળી નોકરી તો નથી જ કરવી, ત્યારે એને યાદ આવ્યું કે એ જ્યારે હોસ્ટેલમાં રહેતો હતો, ત્યારે તેના સહાધ્યાયીઓ તેમજ કૉલેજના અધ્યાપકો તેની પાસે તેની માતાએ બનાવેલું દેશી ઘી લાવવાનું કહેતા અને તે ઘી લાવી આપતો. તેઓ સ્થાનિક ભાવ પ્રમાણે પૈસા પણ આપતા. 

આ અનુભવે ભાવેશે દેશી ઘીનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. ૨૦૧૯માં એણે પોતાના બે-ત્રણ મિત્રો પાસેથી ત્રીસ હજાર રૂપિયા ઉધાર લીધા અને એક વેબસાઇટ બનાવડાવી, પરંતુ માર્કેટિંગનું કોઈ જ્ઞાન કે અનુભવ તેની પાસે નહોતા. જેણે વેબસાઇટ બનાવી હતી તેણે ભાવેશને સમજાવ્યું કે વેબસાઇટ પર ઉત્પાદનની માહિતી અને ફોટા મૂકવા પડે, પરંતુ એવું કાંઈ ન કરી શકતા વેબસાઇટ શરૂ થતાં પહેલાં જ બંધ થઈ ગઈ. ભાવેશ નિરાશ થયો, પરંતુ પ્રયત્ન ચાલુ રાખ્યા. તેણે યુટયૂબ પર વીડિયો જોયા. નીચે કોમેન્ટ કરનારા સાથે આવડે એવો સંવાદ કર્યો. માતાએ ડ્રાઇવિંગ લાયસન્સ માટે આપેલા ત્રણ હજાર રૂપિયામાંથી આનલાઇન ઑર્ડર કરીને કાચની બે બરણી મંગાવી. પરિવારને પોતાનો કોઈ વિચાર જણાવ્યા વિના એના આ કામમાં આગળ વધતો રહ્યો. તેણે યુટયૂબ વીડિયો બનાવ્યા અને તેમાં શુદ્ધ ઘી ખાવાના ફાયદા બતાવ્યા. વૉટ્સ એપ પર માહિતી મૂકી. સવારથી રાત સુધી તે પોતાના ઘીની જાહેરખબર જ કરતો. વીસ વખત શૂટ કરે ત્યારે માંડ એક વાક્ય પૂરું કરી શકતો હતો, કારણ કે રાજસ્થાની કે હરિયાણવી બોલીને બદલે એને હિન્દીમાં બોલવામાં થોડીક મુશ્કેલી પડતી.

આટલી મહેનતને અંતે સપ્ટેમ્બર ૨૦૧૯માં તેને બિહારના ભાગલપુરથી એક હજાર એકસોને પચીસ રૂપિયાના ઘીનો પ્રથમ ઑર્ડર મળ્યો. આ દિવસને ભાવેશ આજેય ભૂલ્યો નથી. તેનાથી આત્મવિશ્વાસ વધ્યો, કામ વધ્યું, આવક વધી. પિતાના સહયોગથી ગાયોની સંખ્યા વધી અને ગૌશાળાનો વિસ્તાર થયો. આજે એની પાસે વીસ ગાયો છે. દોઢસો જેટલા દેશી ગાયોના પાલકો અને દૂધ ઉત્પાદકો સાથે જોડાણ કર્યું. ૨૦૨૧ના એપ્રિલમાં દોઢ લાખનું વેચાણ કર્યું, ત્યારે એને આનંદ એ થયો કે તેના મિત્રનો સરકારી નોકરીમાં તેટલો જ પગાર હતો. એ પછી મે મહિનામાં છ લાખનું વેચાણ થયું અને એક લાખ એંશી હજારની આવક થઈ. ગાયના દૂધને માટીના વાસણમાં ગરમ કરી તેનું અન્ય માટીના વાસણમાં દહીં જમાવે અને સવારે વલોણાથી માખણ કાઢીને ઘી બનાવે છે.  સમગ્ર પ્રક્રિયા દેશી પદ્ધતિએ થવાથી તેનો સ્વાદ અને સુગંધ અનોખા હોય છે. 'કસુતમ એ-ર દેશી ગાય ઘી'ના નામે વેચે છે. પંદર હજાર ગ્રાહકો ધરાવનાર ભાવેશ મહિને સિત્તેર લાખ અને વર્ષે આઠ કરોડ રૂપિયાની કમાણી કરે છે. સરકારમાં નોકરી કરતી તેની બંને બહેનોની મજાક કરીને ભાવેશ કહે છે કે, 'સરકાર તમને જેટલો પગાર આપે છે તેનાથી વધારે તો હું જીએસટી ચૂકવું છું.'

તન્વીનો પુનર્જન્મ

ખરેખર તો છેલ્લે મેં આશા છોડી દીધી હતી. ક્યારેક તો ઠંડીને કારણે એક ક્ષણ માટે લાગ્યું કે હું મરી જઈશ...

ના શિકમાં જન્મેલી અને ઉછરેલી તન્વી દેવરેને નાનપણથી જ પાણીનું આકર્ષણ હતું. જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ એને સ્વિમિંગ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. સ્કૂલે જતાં પહેલાં અને સ્કૂલેથી આવ્યા પછી તે સ્વિમિંગ કરતી. તેની આ લગનીને કારણે તે સ્કૂલમાં અને જિલ્લા કક્ષાએ અનેક વાર ચેમ્પિયન બનતી, પરંતુ નવમા ધોરણ પછી તેના જીવનની પ્રાથમિકતા બદલાઈ ગઈ અને સ્વિમિંગને બદલે અભ્યાસમાં વધુ સમય આપવા લાગી. એ પછી જીવનનાં બધાં વર્ષો અભ્યાસ, વ્યવસાય, લગ્ન કરવા અને પોતાના બાળકોની સંભાળ લેવામાં વીત્યા. તન્વી રીસોર્ટ સંભાળવા ઉપરાંત માતા અને પત્નીની ભૂમિકામાં એવી ખોવાઈ ગઈ કે પોતાની સ્વિમર તરીકેની ઓળખ વિસરી ગઈ.

એક દિવસ તેને વિચાર આવ્યો કે એ જે જિંદગી તે જીવે છે તેમાં કશુંક ખૂટે છે. ૨૦૨૨ના જાન્યુઆરી મહિનાની એક સવારે ચા પીતાં-પીતાં તેણે તેના પતિને કહ્યું કે તે નાની હતી ત્યારે ઇંગ્લિશ ચેનલ તરવી તે એનું સ્વપ્ન હતું. તેમાં ઇંગ્લૅન્ડથી ફ્રાંસનું તેત્રીસ કિમી.નું અંતર તરવાનું હોય છે. સ્કૂલમાં હતી, ત્યારે તેના વિશે ઘણા લેખો વાંચ્યા હતા અને પોતે પણ એક દિવસ ઇંગ્લિશ ચેનલ તરશે એવું સ્વપ્ન જોયું હતું. પતિની સંમતિથી તેત્રીસ વર્ષની તન્વી દેવરેએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું અને તાલીમ લેવા માંડી. અઢાર વર્ષ પછી સ્વિમિંગ પુલમાં પડી, ત્યારે એની આંખમાં હર્ષાશ્રુ ઉમટી આવ્યાં. પોતાના જીવનનો ખોવાયેલો અંશ મળી ગયો હોય તેટલો આનંદ થયો.

તન્વીની ટ્રેઇનિંગ શરૂ થઈ. ઓપન વૉટર સ્વિમિંગમાં ટ્રીપલ ક્રાઉન મેળવનાર શ્રીકાંત વિશ્વનાથન નામના કોચ પાસે તાલીમ લેવાનું શરૂ થયું. આ સમયે તે ત્રણ વર્ષની ટ્વીન દીકરીઓની માતા હતી. તેથી તેણે પોતાની દિનચર્યા એવી રીતે ગોઠવવાની હતી. શરૂઆતમાં તે માંડ વીસ મિનિટ સ્વિમિંગ કરી શકતી, તે થાકી જતી હતી. બીજી બાજુ તેને પોતાના બાળકોને મૂકીને સ્વિમિંગ કરવા જવા માટે સતત અપરાધભાવ રહ્યા કરતો. આમ શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરતાં કરતાં તે આગળ વધી. વીસ મિનિટથી શરૂ કરેલું સ્વિમિંગ સાત-આઠ કલાકે પહોંચ્યું. શનિ-રવિના દિવસોમાં નાશિકના ડેમમાં સ્વિમિંગની તાલીમ ચાલતી. કોચ શ્રીકાંત વિશ્વનાથનનો સતત સહકાર રહેતો અને પ્રોત્સાહન આપતા, પરંતુ પિતા કિરણ ચવ્હાણને પોતાની પુત્રી શા માટે આવું જોખમ લે છે તે સમજાતું નહીં અને તેથી તેઓ નારાજ રહેતા.

ઇંગ્લિશ ચેનલ તરવામાં તેનું ઠંડું પાણી પડકારરૂપ બનતું હોય છે, તેથી તેણે ઠંડા પાણીથી નહાવાનું શરૂ કર્યું. પહેલાં અડધો કલાક અને પછી એક કલાક બરફ નાખેલા પાણીમાં બેસતી અને તે પણ રાતના બેથી ત્રણ વાગ્યા સુધી ! તેણે નૈનીતાલના નૈની લેઇકમાં એક અઠવાડિયા સુધી સ્વિમિંગ કર્યું. એ જ્યારે નૈનીતાલ પહોંચી, ત્યારે ત્યાં બરફ પડેલો અને તેમના કોચે અગિયાર ડિગ્રી સે.માં સ્વિમિંગ કરાવ્યું, જેથી ઇંગ્લિશ તરવામાં એના શરીરને વાંધો ન આવે. તે રોજના આઠ કલાક સ્વિમિંગ કરતી. તેની તાલીમના છેલ્લાં સાત મહિના સોશિયલ મીડિયા અને સામાજિક પ્રસંગોથી દૂર રહી. એક મહિના પહેલાં તન્વી અને તેનો પરિવાર યુ.કે.ના ડોવર પહોંચી ગયા અને ત્યાં બીચ પર સ્વિમિંગ કર્યું, જેથી તે વાતાવરણથી એનું શરીર ટેવાતું જાય. ૨૦૨૪ની ૨૯ જૂને તેણે ઇંગ્લિશ ચેનલ તરવાનું શરૂ કર્યું. તેની સાથે બીજી સાત વ્યક્તિઓ પણ હતી. તન્વીની સાથેની બોટમાં બે પાયલોટ, ચેનલ સ્વિમિંગ એસોસિયેશનના એક નિરીક્ષક, તન્વીના કોચ, તેના પતિ અને પિતા હતા. ઇંગ્લિશ ચેનલ તરવામાં સૌથી મોટો સામનો જેલી ફિશનો કરવાનો હોય છે. ઈલેક્ટ્રીક કરંટનો સામનો કરવો મુશ્કેલ હોય છે. અગિયાર-બાર કલાક તર્યા પછી હવામાનમાં એકાએક પલટો આવ્યો. તન્વીના અથાગ પ્રયત્ન છતાં તે આગળ વધી શકતી નહોતી. આવી પરિસ્થિતિમાં તન્વી ત્રણ કલાક સુધી ફસાયેલી રહી. તેની સાથે ત્રણ સાથીદારોએ તો આટલા ખરાબ હવામાનને કારણે ચેનલ પાર કરવાનો પ્રયત્ન કરવાનો છોડી દીધો. દરિયાનાં મોજાં બેથી ત્રણ મીટર ઊંચા ઊઠતા હતા અને તે તરનારાઓને ઇંગ્લૅન્ડ તરફ પાછા ફેંકતા હતા. આને કારણે તન્વીએ પોતાનો માર્ગ બદલ્યો. ફ્રાંસ પહોંચવા માટે દસ કિમી. વધુ સ્વિમિંગ કરવું પડયું. છેવટે સત્તર કલાક અને બેંતાળીસ મિનિટમાં ૪૨ કિમી. તરીને તન્વી દેવરે ફ્રાંસના વિસેન્ટ પહોંચી અને તેણે પોતાનું બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું. ઇંગ્લિશ ચેનલ તરનારી ભારતની પ્રથમ માતા બની.

તન્વી આજે પણ તેને યાદ કરતાં રોમાંચિત થઈ ઉઠે છે. પોતાના અનુભવને યાદ કરતાં કહે છે કે, 'ખરેખર તો છેલ્લે મેં આશા છોડી દીધી હતી. ક્યારેક તો ઠંડીને કારણે એક ક્ષણ માટે લાગ્યું કે હું મરી જઈશ, પરંતુ મારા કોચે મને માનસિક રીતે ખૂબ તૈયાર કરી હતી.' તન્વી પોતાની સફળતાનો યશ પરિવારજનોને આપે છે. તન્વીના નિર્ણયથી નારાજ પિતા આજે 'તન્વીના પિતા' તરીકે ઓળખાય છે. તો માતાને લાગે છે કે તેની પુત્રીનો ફરી જન્મ થયો છે. મક્કમ મન સાથે કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે, તેનું જીવંત ઉદાહરણ તન્વી દેવરે છે.


Google NewsGoogle News