જયણાને ભૂલનારો માનવી જગતની આત્મહત્યા કરે છે!
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- 'જેઓ શુદ્ધ અંત:કરણથી, અખિલ બ્રહ્માંડના તમામ જીવો પ્રત્યે કરેલા પોતાના અપરાધોની ક્ષમા માગે છે, મિચ્છા મિ દુક્કડમ્ દે છે, તે ભવદુ:ખ છેદીને કાળક્રમે મોક્ષનું અક્ષય અને અવ્યાબાધ સુખ પામે છે
પો તાના મોંઘેરા પર્વાધિરાજ પર્યુષણનો આજના બીજા દિવસનો મહિમા છે અભયદાનનો. અભયદાન એ સૌથી મોટું દાન કહેવામાં આવે છે. વ્યક્તિને અન્નદાન આપો, વસ્ત્રદાન આપો, પણ એ થોડા સમયનું હોય છે, જ્યારે અભયદાનમાં એને પોતાના મોંઘેરા જીવનનું દાન મળે છે. આવી પ્રાચીન ગ્રંથોમાં મળતી કથા જોઈએ.
વસંતપુરના રાજા અરિદમનની ચાર રાણીઓએ પર્વ સમયે પુણ્યકાર્ય કરવા ફાંસીની સજાને પાત્ર ચોરને ખુશ કરવા અઢળક ધન વહાવ્યું. ખુદ પોતે નૃત્ય કર્યું ! જ્યારે અણમાનીતી રાણીએ કાનામાત્રા વગરના ત્રણ અક્ષર માગ્યા.
અને તે અભય !
'અભયદાન એ મહાદાન છે ! ચોરે ભય અને હિંસા તજવાનો નિર્ણય કર્યો. એ ચોર તરી ગયો.
દરેક વર્ષ પહેલાંનો વિચાર કરીએ તો ઘરમાં ચકલીનો માળો હોય અને વહેલી સવારે ચકીલીનાં ચીં...ચી... અવાજો સાથે જાગવાનું થતું હતું. હવે આજે એ ચકલી જ અદ્રશ્ય થઈ ગઈ છે, એ કાબર ખોવાઈ ગઈ છે અને હિંદુ ધર્મમાં શ્રાદ્ધ વખતે કાગડાને શોધવા જવું પડે છે.'
આજે જીવોનો નિર્દયી મહાસંહાર ચાલી રહ્યો છે અને એનું કારણ છે જંગલોનો નાશ, પ્રાણી પ્રત્યે ક્રૂરતા, જમીનોનો ઉદ્યોગો અને રહેઠાણો માટે ઉપયોગ, ધીરે ધીરે જીવલેણ બની રહેલું પ્રદૂષણ, આતંકવાદ અને પરમાણુશસ્ત્રોનો ભય - એ બધાને કારણે આજે સર્વ જીવો પ્રત્યે ક્ષણે ક્ષણે ઘોર અપરાધ થઈ રહ્યો છે. એક સામાન્ય ગણતરી પ્રમાણે પહેલાં દસ હજાર વર્ષે પૃથ્વી પરથી પશુ-પંખીની એક મહત્વની જાતિ કાયમી રીતે નષ્ટ થતી હતી. વિરાટકાય ડાયનોસોર આવી રીતે જ નષ્ટ થઈ રહી છે, તે તમે જાણો છો ? બે વિશ્વયુદ્ધોનો માનવજાતિએ અનુભવ કર્યો, પણ આજે છહ્મ રીતે કેટલાય દેશો વચ્ચે 'ત્રીજું વિશ્વયુદ્ધ' ખેલાઈ રહ્યું છે !
આપણાં આ સૂત્રોમાં માત્ર માનવ, પ્રાણી કે પ્રકૃતિની જ વાત નથી કરી, પરંતુ એમાં વૈશ્વિકદર્શન છે. એક અર્થમાં કહીએ તો એ ેંહૈાઅ ર્ક ન્ૈકી જોતું ર્ભજસૈબ ફૈર્જૈહ છે અને તેથી જ જૈન ધર્મએ પશુ-પંખીનું અસ્તિત્વ, પ્રકૃતિનું અસ્તિત્વ અને માનવઅસ્તિત્વ-એ તમામનો સમાવેશ કરતા સમગ્ર બ્રહ્માંડને પોતાના વ્યાપમાં લીધું છે. સંસારી જીવો, સ્થાવર જીવો, વનસ્પતિકાયના જીવો, ત્રસકાયના જીવો, પંચેન્દ્રિયના જીવો, નારકના જીવો, તિર્યંચ પંચેન્દ્રિયના જીવો, સ્થળચરના જીવો, મનુષ્યના જીવો અને દેવોના જીવો-એ તમામની આ સંદર્ભમાં એના જુદા જુદા ભેદ અને ઉત્તરભેદ સાથે ચર્ચા કરી છે.
પ્રતિક્રમણ સમયે 'ઈરિયાવહી સૂત્ર' બોલાય છે, સામાયિક, પ્રતિક્રમણ અને ચૈત્યવંદન પૂર્વે બોલાતું આ સૂત્ર વાસ્તવમાં અધ્યાત્મજગતનું અને વ્યવહારવિશ્વનું એક મહાન સૂત્ર છે. આ 'ઈરિયાવહી સૂત્ર' સંસ્કૃતમાં 'ઈર્યાપથિકી સૂત્ર' તરીકે ઓળખાય છે. આત્મશુદ્ધિના પ્રયાસ કરનારને માટે આ સૂત્ર પ્રથમ સોપાનરૂપ છે, આથી જ જૈન ધર્મના આરાધક સ્ત્રી-પુરુષો જ્યારે જ્યારે ઉત્તમ ધર્માનુષ્ઠાનો કરે છે, ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ કરે છે. પ્રાકૃત ભાષામાં લખાયેલું આ સૂત્ર અહિંસાની સૂક્ષ્મ ભાવના દર્શાવનારું છે.
જૈન ધર્મ એ અહિંસા ધર્મ છે અને તેથી જ ઈરિયાવહી સૂત્ર એ એનું પ્રવેશદ્ધાર છે. આ પ્રવેશદ્ધારમાં પ્રવેશો પછી જ ધર્મારાધનાની ઈમારત સુધી પહોંચી શકો. ધર્મની આરાધના વખતે આરાધક એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય છે. આવા સમયે એનાથી જાણતાં-અજાણતાં જીવોની હિંસા થવાનો સંભવ છે. આરાધનાના પ્રારંભે જાગૃત આરાધક આ સૂત્ર દ્વારા ક્ષમા માગે છે.
આરાધનાનો પ્રારંભ કરતાં પૂર્વે અગાઉ થયેલી વિરાધનમાંથી મુક્તિ મેળવવી જોઈએ. પ્રતિક્રમણની આંતરયાત્રા કરનાર આથી જ 'ઈરિયાવહિય સૂત્ર'થી ધર્મક્રિયાનો પ્રારંભ કરે છે. માનવીના જીવનમાં કુદરતી રીતે જ કેટલીક હિંસા થતી હોય છે, આથી પોતાના ગમન-આગમનથી થયેલી હિંસાની વાત કરી છે. પ્રાણીઓ મારાથી વિરાધાયા હોય કે મારાથી દુ:ખ પામ્યા હોય, તે સહુની ક્ષમા માગું છું.
એક સવાલ એ જાગે છે કે શા માટે કીડી, મકોડા અને કરોળિયાની ચિંતા કરવામાં આવી છે ? આવી સૂક્ષ્મ અહિંસાની ભાવનાનો કેટલાક મજાક કે ઉપહાસ કરતા હોય છે, કિંતુ એને આના મર્મની ખબર નથી. હિંસાનું પ્રભવસ્થાન માનવીનું ચિત્ત છે. એ ચિત્તમાં જાગતી હિંસા પ્રહાર, આક્રમણ કે યુદ્ધમાં પરિવર્તિત થતાં હોય છે. મનમાંથી જ એ હિંસાને અળગી કરવા માટે અહિંસાની જાગૃતિ જોઈએ. આવી સૂક્ષ્મ અહિંસક ભાવના વ્યક્તિના ચિત્તમાં હિંસાના પ્રાદુર્ભાવને અટકાવે છે, આથી આ સૂત્રોની ગહનતા પામવા માટે મનન-મંથન જોઈએ.
આ સંદર્ભમાં જોઈએ તો હિંસા બે પ્રકારે થાય છે : એક આક્રમણથી અને બીજી સંક્રમણથી. આક્રમણથી એટલે પગની નીચે જંતુઓ કચડાઈ જાય અને સંક્રમણ એટલે જીવજંતુ ઉપર થઈને જવાયું હોય - આ બંને પ્રકારે જે જંતુઓ મારાથી વિરાધના પામ્યા હોય, મારાથી દુ:ખ પામ્યા હોય તેની ક્ષમા માગવાની વાત છે, વિરાધનાનો એક બીજો પણ અર્થ છે અને તે એ કે જેના વડે પ્રાણીઓમાં દુ:ખ મુકાય અર્થાત્ દુ:ખ ઉપજાવાય તે વિરાધના છે.
આ સૂત્રમાં એકેન્દ્રિય, બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચાર ઈંદ્રિય અને પાંચ ઈંદ્રિયવાળા જીવની વાત કરે છે. અને એ વિશે હિંસાની શક્યતાઓ જોઈને તેની સૂક્ષ્મ સમજ આપે છે. કઈ રીતે આ જીવો હણાયા હશે તેની શક્યતાઓ દર્શાવતાં કહે છે કે લાત મારવામાં આવી હોય, ધૂશ વડે ઢંકાઈ ગયા હોય, જમીન સાથે ઘસડાયા હોય, અરસપરસ શરીરો દ્વારા અફળાવાયા હોય અથવા તો ખેદ પમાડાયા હોય, ડરાવવામાં આવ્યા હોય, એક સ્થાનથી બીજે સ્થાન ફેરવાયા હોય અને જેને મારી નખાયા હોય તે સર્વને કારણે થયેલા અતિચારનો નિર્દેશ કર્યો છે.
'આવું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.' એવી સાધક અરજ કરે છે. આ રીતે આત્મનિરીક્ષણ, જીવનનું અવલોકન અને ભાવશુદ્ધિ માટેની ક્રિયા જેમાં નિહિત છે એવા પ્રતિક્રમણ દ્વારા વ્યક્તિ જીવવિરાધના અંગે પશ્ચાત્તાપ કરે છે અને અધ્યાત્મસાધનાની દુનિયામાં અહિંસાની પરમ ભાવના સાથે પ્રવેશ પામે છે.
'શ્રી ઈરિયાવહી સૂત્ર' દ્વારા અઢાર લાખ ચોવીસ હજાર એકસો ને વીસ પ્રકારની ક્ષમાપના માગવામાં આવે છે. આ સર્વ જીવોને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા-આ છની સાક્ષીએ ખમાવવાના છે. અને 'ઈરિયાવહી કુલક' ગ્રંથ તો કહે છે કે 'જેઓ શુદ્ધ અંત:કરણથી, અખિલ બ્રહ્માંડના તમામ જીવો પ્રત્યે કરેલા પોતાના અપરાધોની ક્ષમા માગે છે, મિચ્છા મિ દુક્કડમ્ દે છે, તે ભવદુ:ખ છેદીને કાળક્રમે મોક્ષનું અક્ષય અને અવ્યાબાધ સુખ પામે છે.'
અભયદાનની વાત કરીએ, ત્યારે જૈન ધર્મનો અત્યંત વિશિષ્ટ એવો સમગ્ર જીવવિચાર જોવો જોઈએ. બી.બી.સી.ના 'નેચરલ હિસ્ટ્રી યુનિટ' વિભાગના દિગ્દર્શક જ્હોન ગાયનરે 'મેન એન્ડ એનિમલ' નામની બી.બી.સી. માટે ચાર ભાગમાં દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી. આને માટે ચાલીસ દેશોમાં ફરીને એણે માનવી અને પ્રાણીઓના સંબંધો વિશે ચાર ભાગમાં દસ્તાવેજી ચિત્ર તૈયાર કર્યું. ભારતમાં આવ્યા પછી એણે મને કહ્યું, 'કુમારપાળભાઈ, મારે અમદાવાદ આવીને જીવાતખાતાના ફિલ્મિંગ કરવું છે.' એણે લખ્યું કે શહેનશાહ અકબરે જૈનોને આપેલાં ફરમાનમાં આ જૈન કોમનો 'જીવાતખાનાવાળી કોમ' તરીકે ઉલ્લેખ કર્યો છે. અમદાવાદમાં આજે તે વળી આવું જીવાતખાનું મળે ક્યાંથી ? અમદાવાદના રિલીફ રોડ પર આવેલી રૂપમ સિનેમા પાછળ એક જીવાતખાનું હતું તે સાફ કરાવીને તેનું ફિલ્મિંગ કરાવ્યું. નોંધપાત્ર બાબત એ છે કે જોન ગાયનરે આ કામ પૂર્ણ થતાં નોંધ કરી, 'માનવ અને પ્રાણી વચ્ચેના સંબંધોનો શ્રેષ્ઠ ઉકેલ જૈન ધર્મએ આપ્યો છે.'
વિ.સં. ૧૬૩૯ના જેઠ વદ તેરસને શુક્રવારે આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી શહેનશાહ અકબરને મળે છે, ત્યારે એ મહેલના કીમતી ગાલિચા પર ચાલવાની ના પાડે છે, કારણ કે એની નીચે કોઈ જીવજંતુ હોય તો કચડાઈ જાય. સાઠ વર્ષની વયે છેક ગુજરાતથી પાદવિહાર કરીને આવેલા આચાર્યશ્રી હીરવિજયસૂરજીને શહેનશાહ અકબર ભેટ રૂપે સુવર્ણરજત સ્વીકારવાનું કહે છે, ત્યારે આચાર્યશ્રી કહે છે કે જો આપવું હોય તો તારા નગરના પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કર, ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કર અને પર્વાધિરાજ પર્યૂષણના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે એવું ફરમાન કર. આ છે જૈન ધર્મના જીવવિચારનું સક્રિય રૂપ. શહેનશાહ અકબરે પર્યુષણના આઠ દિવસ ઉપરાંત પોતાના તરફથી ચાર દિવસ ઉમેરીને સમગ્ર રાજ્યમાં બાર દિવસ સુધી પ્રાણીહત્યાની મનાઈ ફરમાવી. અહીં કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યના સમયમાં સમ્રાટ કુમારપાળે કરેલી 'અમારિ ઘોષણા'નું પણ સ્મરણ થશે. આજે જગતમાં હિંસાની પરિસ્થિતિ કેટલી વ્યાપક બની છે તે ગંભીર વિચાર માગી લે છે.