ક્યારેક પરિણામ કરતાં પ્રક્રિયા વધારે મૂલ્યવાન હોય છે
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- ભવ્ય અને દિવ્યની ઝાંખી કરવા માટે ક્યારેક જગતને નહીં જાતને સાંભળવાની હોય છે, મનને નહીં હૃદયને સાંભળવાનું હોય છે, દુન્યવી તક જતી કરી જીવનને તક આપવાની હોય છે....
બાહ્ય સૌંન્દર્ય આકર્ષે છે, અંતરંગ સૌંદર્ય જકડી લે છે. :
કેટ એન્જલ્લ
ઈ.સ.૧૮૯૬- એથેન્સથી આરંભાયેલી ઓલમ્પીક્સ રમાયા કરે છે. નવી કથાઓ રચાય છે- જૂની ભુંસાય છે. ઊર્જાની નવી વસંત આવે છે, ઝાંખી પાનખર ચાલી જાય છે. ક્રમશ: તાળીઓનો ગડગડાટ અને પળનો ઝળહળાટ આંકડાઓ બની જાય છે. જીવન હોય કે રમત તે સમાંતરે બાહ્ય અને અંદર જીવાયા કરે છે, રમાયા કરે છે. તેમાં ક્યારેક બહાર જીતનાર અંદર હારે છે તો ક્યારેક અંદર જીતનાર બહાર હારી જાય છે. એક વાત નિશ્ચિત છે -માણસ તરીકે રમવું ફરજીયાત છે. આવો, એક વણનોંધાયેલ રમતના-સ્પર્ધાના સાક્ષી બનીએ...
એક વખત એક યુવાને સાયકલ સ્પર્ધામાં ભાગ લીધેલો. ઊર્જાથી છલકતાં અનેક યુવાનોએ પણ તેમાં ભાગ લીધેલો. દરેક આરંભ-રેખાએ સજ્જ બનીને વ્હીસલની રાહમાં ઉભેલા. દરેકને એમ પ્રતિત થતું હતું કે મારગ, ખીણ, ટેકરીઓ સાદ પાડે છે. તેમનો ટ્રેક તો ખૂબ લાંબો હતો. વ્હીસલ વાગી, સ્પર્ધા આરંભાઈ અને ઊર્જાનો વિસ્ફોટ થયો. સૌ માટે વર્ષોની તાલીમ પછી આ પર્ફોમન્સની પળ આવી હતી. પેલો યુવાન પણ અનેકને વટાવતો બધાની આગળ નીકળી રહ્યો હતો. ત્યાં એક વળાંકે તળાવડીના કાંઠેથી એક આકાશી રંગના વિશાળ બગલાએ ટેક ઓફ કર્યું - ઉડાન આરંભી. પેલા યુવાનની સાવ નજીકથી. આ અ-લૌકિક પળે તેની સાઈકલ થંભી ગઈ અને રેસ પણ જાણે થંભી ગઈ. તેની અંદર કશુંક ઉઘડી ગયું- તેનામાંથી કશુંક ઊડી ગયું, પેલા બગલાની સાથે જ. તે ટ્રેકથી બહાર નીકળી ગયો તેનો સ્વ પણ પાર નીકળી ગયો. બધા સ્પર્ધકો પસાર થઈ ગયા તે ઉભો જ રહ્યો. જીવનભર સૌ આ અંગે પૂછતા ત્યારે તે કહેતો, 'હું હાર્યો નથી ખસી ગયો હતો!'
સ્પર્ધા જીતવા, હારવા અને છોડી દેવામાં ચૈતન્યભેદ હોય છે. ક્યારેક પરિણામ કરતાં પ્રક્રિયા વધારે મૂલ્યવાન હોય છે. ક્યારેક પંખી માત્ર ભૂરા આકાશ અને ઉડાનનો જ આનંદ લે છે- કશે પહોંચવાનો નહીં. દરેક વખતે પહોંચી જવામાં સાહસ નથી હોતું, અટકી જવામાં કે રોકાઈ જવામાં પણ હોય છે. આપણો ખરો પાઈલોટ આપણી અંદર વસે છે. આપણો બેસ્ટ મેડલ તે માંહ્યલાને ઓળખી અને પામી જવામાં છે. આ માટે ક્યારેક જગતના સરવાળા-બાદબાકી, નફો-તોટો, હાર-જીતના ગણિતને સંકેલી લેવાનું હોય છે. આ માટે ક્યારેક :
આરંભવાનું નથી - સ્થિર થઈ જવાનું છે,
ચાલવાનું નથી - અટકી જવાનું છે,
દોડવાનું નથી - ધીમા પડી જવાનું છે,
પહોંચવાનું નથી - રોકાઈ જવાનું છે,
હાથવગુ કરવાનું નથી - જતું કરવાનું છે,...
શ્રી રામકૃષ્ણ પરમહંસના બાળપણમાં તેમણે જ્યારે ખેતર વચ્ચેથી કાળા ભમ્મર વાદળો વચ્ચેથી શ્વેત સારસ પંખીઓની એક હરોળ ઉડતી જોઈ ત્યારે સમાધિનો સ્વાદ ચાખેલો. ભવ્ય અને દિવ્યની ઝાંખી કરવા માટે ક્યારેક :
જગતને નહીં - જાતને સાંભળવાની હોય છે,
મનને નહીં - હૃદયને સાંભળવાનું હોય છે,
દુન્યવી તક જતી કરી - જીવનને તક આપવાની હોય છે....