હું છું ભગવાન મહાવીરનું સાચું સંતાન! .

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
હું છું ભગવાન મહાવીરનું સાચું સંતાન!                      . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- જૈન ધર્મની શ્રમણ સંસ્કૃતિ એ પ્રકૃતિની ખુબ નજીક છે અને તેથી જ તે એને આત્મસાત્ કરવું વધુ પ્રિય લાગે છે. એણે કહ્યું કે માણસ પોતે જ આતંકવાદી બન્યો છે...

આ પત્તિગ્રસ્ત, યુદ્ધગ્રસ્ત અને અન્યાયગ્રસ્ત આ જગતમાં માનવી શાંતિની ખોજમાં નીકળ્યો છે. રોજેરોજ ચાલતા યુદ્ધોની ભીષણતા અને નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનો થતો સંહાર એના હૃદયને પરેશાન કરી મુકે છે. એને એવા કોઈ વિશ્વની ખોજ છે કે જ્યાં સર્વત્ર શાંતિ હોય, સુખ હોય, પરસ્પરની ચિંતા હોય અને એવા વિશ્વની ખોજ કરતા-કરતા એ અહિંસાની ભાવના સુધી પહોંચ્યો છે.

૨૦૦૨ની ૨૫મી એપ્રિલ, ગુરૂવારે વિવિધ ધર્મનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ન્યૂયૉર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સામે આવેલા યુનાઈટેડ નેશન્સના ચેપલમાં યોજાયેલી વિચારકો અને ધર્મચિંતકોની સભામાં વક્તવ્ય આપવાનો અવસર સાંપડયો. વક્તવ્યનો વિષય હતો 'અહિંસા ફ્રોમ ભગવાન મહાવીર ટૂ મહાત્મા ગાંધી' અને એ સમયે સામે જ આતંકવાદથી ગ્રસિત થયેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજરે પડતું હતું. એ સભામાં ભગવાન મહાવીરની અહિંસાની સૂક્ષ્મતાની વાત કરી. જેમાં હિંસા એટલે માત્ર કોઈની હત્યા કરવી કે પ્રહાર કરવો એટલું જ નહીં, બલ્કે શોષણ અને અનાચાર પણ હિંસા છે. હિંસા પહેલાં તો માનવીના મનમાં જન્મે છે. વ્યક્તિના મનમાં જાગતો કોઈ કટુ કે દ્વેષભર્યો વિચાર એ પણ હિંસા છે.

વળી માનવીએ માત્ર માનવી સાથે જ નહીં, બલ્કે પશુ, પક્ષી, પ્રકૃતિ અને સમગ્ર પર્યાવરણ સાથે અહિંસક વર્તાવ કરવો જોઈએ એમ કહ્યું. જો બે વ્યક્તિનાં ચિત્તમાંથી પરસ્પરનો વેરભાવ ચાલ્યો જાય તો જગતમાં આપોઆપ શાંતિ સ્થપાય. એ સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ અને ઈરાકના સદ્દામ હુસેન વચ્ચે સંઘર્ષ થવાના ભણકારા વાગતા હતા. જો એ બંનેના મનમાંથી પેલો દ્વેષભાવ ચાલ્યો જાય તો જગતમાં કેટલી શાંતિ સ્થપાય. આ કાર્યક્રમના અંતે એક ધર્મગુરૂએ કહ્યું કે, 'અમને પણ આજે એક મહાવીર આપો ને !'

અહિંસાની આ ભવ્ય ભાવનાને માત્ર ભક્ષ્ય-અભક્ષ્ય કે જયણા સુધી આપણે લઈ ગયા છીએ, પરંતુ જો એને યથાર્થ રીતે વિશ્વમાં દર્શાવવામાં આવે તો આ જગત અત્યંત શાંતિ અને સૌહાર્દભર્યું બને. એ પ્રસંગ યાદ આવે છે કે જ્યારે એન્ટવર્પમાં પર્યુષણ પર્વનાં પ્રવચનો દરમિયાન ગેબ્રિયલ હેલ્મરની મુલાકાત થઈ. જર્મનીમાં વસતા ગૅબ્રિયલના પિતાને વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ફરજિયાત ભરતી થવું પડે તેમ હતું. પરંતુ ટૂંકા હાથને લીધે એમને લશ્કરમાં સામેલ ન કર્યા, પણ એના પિતાને આ શાસકો કહે એ જ રીતે પાક ઉગાડવો પડે, આકરી મહેનત કરવી પડતી અને માગે તે ધરી દેવું પડે. નાની ગૅબ્રિયલના પિતા પર દમનનો કોરડો વીંઝાતો હતો. જ્યારે ગૅબ્રિયલની માતાને તો લશ્કરના હુકમ અનુસાર કોઈ ને કોઈ જગાએ જવું પડતું અને કહે તે કામ કરવું પડતું.

ગૅબ્રિયલ હૅલ્મરને બાળપણમાં ક્યારેય કશું મેળવવાની ઈચ્છા થતી નહોતી. બીજાં બાળકો ચૉકલેટ, કૅડબરી કે રમકડાં મેળવવા માટે થનગનતાં હોય ત્યારે ગૅબ્રિયલ માત્ર શાંત બેસી રહેતી. ચાર વર્ષની વય પછી તો ઘણાં વર્ષો સુધી એણે મૌનની મજા માણી. સાતમા વર્ષે એણે દૂધનો ત્યાગ કર્યો. ઘરની નજીક આવેલા ખેતરમાં એણે જોયું કે યુરોપીઝ પ્રાણીઓ પાસેથી દૂધ મેળવવા માટે એ પ્રાણીઓને અપાર યાતના આપવામાં આવે છે. એને મશીનથી દોહવામાં આવે છે. એને મારવામાં આવે છે. ગૅબ્રિયલના અહિંસક હૃદયને આમાં એટલી બધી મોટી હિંસા લાગી કે એ દિવસથી એણે દૂધ અને દૂધની બનાવટોનો ત્યાગ કરી દીધો !

ગૅબ્રિયલને ચોતરફ થતી હિંસા અકળાવનારી લાગતી હતી. એણે સૌપ્રથમ વખત ભગવાન મહાવીરની અહિંસાનો અભ્યાસ કર્યો, ત્યારે એનો આત્મા નાચી ઊઠયો. એમના ઉપદેશ જેવું જીવન એ જીવી રહી હતી! કોઈ પૂર્વભવના સંસ્કાર હશે ? નહીં તો પશ્ચિમના માંસાહારી, ઝાકઝમાળવાળા, ભૌતિક સુખ પાછળ ઘેલા સમાજમાં પોતાને આવું કેમ બને ?

અહિંસાની ગહનતાનો આ પહેલો સ્પર્શ ગૅબ્રિયલને સમજાવી ગયો કે આ એક એવી ભાવના છે કે જે કોઈ જાતિ કે રાષ્ટ્રથી પર એવી સહુ કોઈને સ્પર્શે તેવો ભીતર ભાવ છે. એની સાથે એણે ઉપવાસ કરવાનો પ્રારંભ કર્યો. જેમ જેમ એ ઉપવાસ કરતી ગઈ, તેમ તેમ એને વધુ ને વધુ સંવેદનશીલતાનો અનુભવ થયો. આત્માની સાથે નિકટતા સધાતી ગઈ. એને એવું લાગતું કે બોલવાને બદલે મૌન રહેવું કેટલું સારું છે. ગૅબ્રિયલે મૌન અને ઉપવાસથી એક અવર્ણનીય અનુભૂતિ મેળવી.

ગ્રેબિયલે ધીરે ધીરે પોતાના સામાજિક સંપર્ક ઓછા કર્યા. એના પુત્ર હેન્રિને એ જતનથી ઉછેરવા લાગી, પરંતુ ગૅબ્રિયલનો પુત્ર જર્મનીમાં વસતો હતો અને ગૅબ્રિયલ બેલ્જિયમના ઍન્ટવર્પ શહેરમાં રહેવા આવી. એનો પુત્ર હેન્રિ માતાના મનોભાવને સમજે છે અને તેથી ફોન કે ઈમેઈલ દ્વારા અવારનવાર માતાના જીવનને 'એન્કરેજ' કરે છે. એની બે બહેનો પણ જર્મનીમાં છે તેની સાથે એ અવારનવાર વાતચીત કરે છે.

ગૅબ્રિયલે યુનિવર્સિટી ઑફ સ્વિટ્ઝર્લેન્ડની અનુસ્નાતક પદવી મેળવ્યા પછી જૈન ધર્મમાં ડૉકરેટનો અભ્યાસ શરૂ કર્યો. યુનિવર્સિટી પાસે એક નાની રૂમ લીધી, પરંતુ એમાં કોઈ ફર્નિચર રાખતી નથી. આટલી હિંસા પણ શા માટે ? ધીરે ધીરે એણે એની કાર અને વિમાનની મુસાફરીનો પણ ત્યાગ કર્યો. એણે કહ્યું કે જેમ જેમ હું ત્યાગ કરું છું, તેમ તેમ વધુ સમૃદ્ધ હોવાનો અનુભવ કરું છું. More I Gave up, more rich I feel.

એના જીવનમાં આવતા પ્રશ્નોનો જવાબ એને એનાં મૌન અને ધ્યાનમાંથી મળી રહે છે. એણે પીએચ.ડી. માટે સંશોધન શરૂ કર્યું અને એમ કરતાં ધર્મના સંશોધનને બદલે ધર્મના અનુભવનો ઝોક એનામાં વધારે આવ્યો.

મૌન સહિતના ૩૦ દિવસના ઉપવાસને પરિણામે એણે કહ્યું કે હું મારા આત્માની નજીક આવી છું. મારું શરીર થોડું કૃશ થયું હોય, પરંતુ હું મનથી ખુબ મક્કમ બની છું. ચિત્તમાં નીરવ શાંતિનો અનુભવ કરું છું. કોઈ બાબતની જરૂર હોય એવો મને લેશ અહેસાસ થતો નથી. કોઈ અપેક્ષા નથી. ચિત્તશાંતિનો અહર્નિશ અનુભવ કરું છું.

વર્ષો સુધી ગૅબ્રિયલે કશું અનાજ રાંધ્યું નથી. એને રાંધવામાં પણ હિંસા દેખાઈ અને તેથી માત્ર ફળફળાદિ અને સૂકો મેવો ખાઈને એ જીવી રહી છે. ટ્રેઈન કે બસમાં જવાનું એણે એ માટે બંધ કર્યું કે એમાં ઘણું 'ઑઈલ' વપરાય છે. એના કહેવા પ્રમાણે આ ઑઈલનો ઉપયોગ જ આતંકવાદનો જન્મદાતા છે. એ કહે છે કે બીજા લોકોને આતંકવાદથી આશ્ચર્ય થાય છે પરંતુ એને નથી થતું કારણ કે આ યુદ્ધ જ ઑઈલ માટે છે અને એથી જ ગૅબ્રિયલે ટ્રેન કે બસમાં જવાને બદલે સાઈકલ પર કે ચાલતા જવાનું વધુ મુનાસિબ માન્યું. ઍન્ટવર્પમાં રાત્રે દસ-સાડા દસે પ્રવચન પૂર્ણ થાય, ત્યારે બધા પોતાની મોંઘી કારમાં બેસીને જતાં હોય અને ગૅબ્રિયલ સાઈકલ-સવાર થઈને નીકળતી હોય!

જૈન ધર્મની શ્રમણ સંસ્કૃતિ એ પ્રકૃતિની ખુબ નજીક છે અને તેથી જ તે એને આત્મસાત્ કરવું વધુ પ્રિય લાગે છે. એણે કહ્યું કે માણસ પોતે જ આતંકવાદી બન્યો છે. લંડનમાં વૉટરલૂ પાસે એ રહેતી હતી. એના ઘણા ફોટોગ્રાફ એની પાસે છે. એ જૂના ફોટોગ્રાફમાં આખોય પ્રદેશ હરિયાળો હતો. આજે ત્યાં બધાં જ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. માત્ર કૃત્રિમ રીતે એક બાગ બનાવ્યો છે. ગૅબ્રિયલ કહે છે કે એ પુરાણી તસવીર અને આજનું દ્રશ્ય જોઉં ત્યારે ધુ્રસકે ધુ્રસકે રડી પડાય છે. વિચાર કરે છે કે માણસ કેવો નિર્દય બનીને કુદરત પર જુલમ કરતો રહ્યો છે. એ કહે છે કે નેચર અહિંસક છે અને કલ્ચર એ હિંસક છે. બધાં 'કલ્ચર' હિંસા પર આધારિત છે.

કુદરતમાં જે જન્મે છે એનો નાશ હોય છે. માણસે પણ એના નાશ માટે, એના મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ. જેમ એક દિવસ જન્મ્યા, તે જ રીતે એક દિવસ મૃત્યુ પામવાનું છે. પરંતુ મૃત્યુથી ડરનારો માણસ જ હિંસક બને છે. ગૅબ્રિયલ કહે છે કે કુદરતની જન્મ-મરણની કે સર્જન-સંહારની પ્રક્રિયા માણસે સમજવી જોઈએ અને જો એ જીવનમાં મૃત્યુને સમજે તો ઘણી હિંસા ઓછી થાય.

બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં એ સમયે વહેલી પ્રભાતે એના મંદિરમાં પૂજા, પ્રાર્થના અને ધ્યાન કરતી ગૅબ્રિયલ આર. હેલ્મરને નિહાળતાં આશ્ચર્ય જ થાય. કારમી ઠંડી અને આછા-પાતળા વરસાદમાં રોજ સવારે ગૅબ્રિયલ સાઈકલ પર બેસીને મંદિરમાં આવે. તલ્લીન બનીને પ્રભુ-પૂજા કરે, પછી ધ્યાનમુદ્રામાં ઊભી રહે. ત્યારબાદ પ્રવચન સમયે વક્તાની સામે ગોઠણભેર આગવી યોગમુદ્રામાં ગૅબ્રિયલ ધ્યાનસ્થ બનીને સાંભળતી હોય. ગુજરાતીમાં અપાતું પ્રવચન એ એકચિત્તે સાંભળે. થોડું સમજે અને પ્રવચન બાદ અંગ્રેજીમાં પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે. ગૅબ્રિયલે બે વર્ષીતપ કર્યાં અને એક માસક્ષમણ (૩૦ દિવસના ઉપવાસ) કર્યા છે. એના ૩૦ દિવસના ઉપવાસ પૂર્ણ થાય તે પૂર્વે તેણે સંસ્થાના અગ્રણીઓને જણાવ્યું પણ ખરું કે એના માસક્ષમણ નિમિત્તે કોઈ સમારંભ કરવો નહીં. એની કોઈ જાહેરાત કરવી નહીં. એ એકાંતમાં પારણું કરશે. એ કશુંય સ્વીકારશે નહીં.

ગૅબ્રિયલ આજે રોજ સવારે ચાર વાગે ઊઠે. બે કલાક યોગ અને પ્રાણાયામ કરે પછી દેરાસરમાં જઈ પૂજા અને ધ્યાન કરે. રોજ ચારેક કલાક પોતાના મહાનિબંધ અંગે અભ્યાસ કરે છે. વળી સાંજે યોગ કરે છે. એ પોતાની જાતને યુરોપમાં જન્મેલા ભગવાન મહાવીરના એક સંતાન તરીકે ઓળખાવે છે. વાતો, વિચારો કે પ્રવચનોથી નહીં, પરંતુ જીવન જીવીને એ મહાવીરનો સંદેશ ફેલાવવા ચાહે છે : જેને રસ પડે, તે મારી જેમ જીવે - એ જ એની વાત. આવા સંદેશ માટે એને પોતાનું જીવન સાધ્વી જેવું કરી દીધું છે. એણે સાંસારિક સંબંધોનો સર્વથા ત્યાગ કર્યો. કુટુંબનો ત્યાગ કર્યો. આજે મૌન અને તપશ્ચર્યામાં રહીને પરમાત્મા મહાવીરના સંદેશાની સમીપ જઈ રહી છે.

મનઝરૂખો

ગ્રીસના મહાન તત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્વ કરતા હતા અને દ્રઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. 'જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.' અને એટલે જ એણે એમ કહ્યું હતું કે 'મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે.' શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવ વ્યક્તિત્વને કંડારે છે.

આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ઠીંગણું કદ, ચીબુ નાક, આગળ પડતી મોટી આંખો આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા. એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરૂ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું.

'ગુરૂજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?'

શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડયા અને બોલ્યા, 'વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? ુપરંતુ મારા પ્રિય શિષ્ય, સહુને દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.' શિષ્ય અધવચ્ચે બોલી ઊઠયો, 'પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાના વાસ્તવિક્તાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુ:ખ પહોંચે.' સૉક્રેટિસે કહ્યું, 'કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.'


Google NewsGoogle News