‌ધ જીપ રેઇડ:બ્રિ‌ટિશ જીપગાડી તળે જ્યારે જર્મન ‌વિમાનો કચડાયાં

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
‌ધ જીપ રેઇડ:બ્રિ‌ટિશ જીપગાડી તળે જ્યારે જર્મન ‌વિમાનો કચડાયાં 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- બીજા ‌વિશ્વયુદ્ધમાં ‌બ્રિ‌ટનના નાકે દમ લાવી દેનાર જર્મન વાયુસેનાનું નાક ‌બ્રિ‌ટિશ કમાન્‍ડો ટુકડીએ વાઢી નાખ્યાની સત્‍યકથા (લેખાંક-૧).

- મેજર સ્‍ટ‌ર્લિંગનો પ્‍લાન આખરે શો હતો? ટૂંકમાં અને ટુ-ધ-પોઇન્‍ટ કહો તો લશ્‍કરી તવારીખમાં અગાઉ ક્યારેય અમલમાં તો શું, ‌વિચારમાં પણ ન મુકાયો હોય તેવો અનોખો ને અ‌દ્વિતીય!

બરાબર ૮પ વર્ષ પહેલાં આજના ‌દિવસે જર્મન સરમુખત્‍યાર એડોલ્‍ફ ‌હિટલરે પડોશી દેશ પોલેન્‍ડ પર ઓ‌ચિંતો લશ્‍કરી હુમલો કરીને બીજા ‌વિશ્વયુદ્ધનો પલીતો ચાંપ્‍યો હતો. પોલેન્‍ડથી પ્રગટેલી યુદ્ધની આગ ક્રમશ: દાવાનળની માફક ફેલાતી આખા યુરોપને ઘેરી વળી. ‌વિ‌વિધ દેશોના અનેક‌વિધ મોરચે જર્મન ‌વિરુદ્ધ ‌બ્રિ‌ટિશ સેના વચ્‍ચે ખરાખરીનો જંગ ખેલાયો—અને તે દરમ્‍યાન એવાં સંખ્‍યાબંધ સનસનીખેજ ‌લશ્‍કરી મિશનો પાર પડ્યાં કે જેમને યુદ્ધની તવારીખમાં સુવર્ણ અક્ષરે લખી શકાય. અહીં બે હપતામાં રજૂઆત પામતું કમાન્‍ડો ‌મિશન તેમાંનું એક છે.  ‌બ્રિટનના જાંબાઝ કમાન્‍ડો સૈ‌નિકોએ અપ્રતિમ સાહસ અને શૌર્ય વડે તેને પાર પાડી યુદ્ધના ઇ‌તિહાસમાં ગૌરવાન્વિત દાસ્‍તાન લખી. તદુપરાંત યુદ્ધ રણની‌તિના ચોપડે પહેલી વાર એક નવું પ્રકરણ ઉમેર્યું : કમાન્‍ડો અટેક! દુશ્‍મન પ્રદેશમાં ગુપચુપ ઘૂસી જવું, બળતણના તથા શસ્‍ત્રોના ભંડારને ફૂંકી દેવા, ‌મિ‌નિમમ સમયમાં શત્રુના પક્ષે મહત્તમ ખાનાખરાબી કરવી, એમ કરવા જતાં ખુદના પક્ષે જાન-માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તેનું ધ્‍યાન રાખવું અને હુમલાથી બોખલાયેલા શત્રુને કળ વળતાં પહેલાં નાસી છૂટવું એ કમાન્‍ડો અટેકની ખા‌સિયત ગણાય.

આ ખા‌સિયતનો પરચો ‌બ્રિટનના સરફરોશ કમાન્‍ડોએ જુલાઈ, ૧૯૪૨માં જર્મનીને આપ્‍યો. ઇ‌તિહાસમાં ધ જીપ રેઇડ (ધાડ) તરીકે દર્જ એ કમાન્‍ડો અટેકનો ઘટનાક્રમ આમ હતો—

■■■

૧૯૪૨નું વર્ષ મધ્‍યાહ્ને પહોંચ્‍યું હતું. બીજું ‌વિશ્વયુદ્ધ શરૂ થયાના માંડ અઢી વર્ષના ટૂંકા ગાળામાં ‌હિટલરની નાઝી સેનાએ યુરોપના પોલેન્‍ડ, ઓ‌સ્‍ટ્રિયા, હંગેરી, રોમા‌નિયા, યુગોસ્‍લા‌વિયા, બલ્‍ગે‌રિયા, ઇટાલી, ગ્રીસ, બે‌લ્‍જિયમ, ધ નેધરલેન્‍ડ્સ, ડેન્‍માર્ક, ‌ફિનલેન્‍ડ જેવાં દેશો પર જર્મન વાવટા ખોડી દીધાં હતાં. ઉત્તર આ‌ફ્રિકાના ‌લિ‌બિયા, ઇ‌જિપ્‍ત, ટૂ‌નિ‌શિયા અને અ‌લ્‍જિ‌રિયાના કેટલાક ‌વિસ્‍તારોમાં પણ જર્મનીએ પગદંડો જમાવી દીધો હતો. આમાં ઇ‌જિપ્‍ત વ્‍યૂહાત્‍મક રીતે સૌથી મહત્ત્વનું હતું, કેમ કે તેના પર જર્મનીનો સંપૂર્ણ ભોગવટો સ્‍થપાયા પછી સુએઝ નહેરનો કબજો આપોઆપ ‌હિટલરના હાથમાં આવી જાય. (જુઓ, નકશો.) ભૂમધ્‍ય સમુદ્રથી વાયા સુએઝ નહેર રાતા સમુદ્રમાં અને ત્‍યાંથી અરબી સમુદ્રના રસ્‍તે ભારત આવ-જા કરતાં ‌બ્રિ‌ટિશ વ્‍યાપારી તેમજ લશ્‍કરી જહાજો માટે નાકાબંધી સર્જાય. ભારતને ‌બ્રિટન તરફથી મળનાર લશ્‍કરી પીઠબળ નબળું બને તો ‌હિટલરની સેના ભારત પર આક્રમણ લાવે તેવી સંભાવના હતી.

ધ જુએલ ઇન ધ ક્રાઉન અર્થાત્ ‌બ્રિ‌ટિશ તાજનો હીરો ગણાતા ભારતને ગુમાવવાનું થાય એ તો ‌બ્રિ‌ટિશ સામ્રાજ્ય માટે ભારોભાર શરમજનક ‌સ્‍થિ‌તિ કહેવાય. આથી બ્રિ‌ટિશ ‌વડા પ્રધાન ‌વિન્‍સ્‍ટન ચ‌ર્ચિલ સ્‍વાભા‌વિક રીતે ‌ચિં‌તિત હતા. કોઈ પણ સંજોગોમાં ઇ‌જિપ્‍તને તેમજ સુએઝ નહેરને ‌હિટલરના હાથમાં જતા બચાવવા પડે તેમ હતા, પરંતુ એ કાર્ય શી રીતે પાર પાડવું તે મોટો સવાલ હતો. આ‌ફ્રિકાના ઉત્તરી દેશોને મુઠ્ઠીમાં કરી લેવા માટે ‌હિટલરે રચેલી AfrikaKorps/ આ‌ફ્રિકા કોર નામની અલાયદી સેના ક્રમશ: પોતાનો સાથરો ફેલાવ્‍યે જતી હતી. આ સેનાને શસ્‍ત્ર-સરંજામનો પુરવઠો પહોંચતો કરવા માટે અગાઉ જર્મન જહાજો ભૂમધ્‍ય સમુદ્રના માર્ગે ઇ‌જિપ્‍તની ખેપ કરતા. પરંતુ ‌બ્રિ‌ટિશ નૌકાદળનાં યુદ્ધજહાજો તથા સબમરીનો તેમનો ‌શિકાર કરવા લાગ્યા ત્‍યારે જર્મનીએ દરિયાઈ રૂટ બંધ કરી વાયુસેનાનાં ‌વિમાનો મારફત શસ્‍ત્ર-સરંજામની હેરફેરનો ‌‌વિકલ્‍પ અપનાવ્યો. 

જર્મન લડાકુ તથા માલવાહક ‌વિમાનોની મહત્તમ અવરજવર ઇ‌જિપ્‍તના ફુકા પ્રાંતમાં સીદી હનીશ નામના એરબેઝ ખાતે રહેતી કે જ્યાં નાઝી વાયુસેના ‘લુફ્તવાફ’નાં ‌વિમાનોનો કાયમી પડાવ હતો. જર્મનોએ સીદી હનીશમાં બળતણના તથા શસ્‍ત્રોના ડેપો બનાવ્યાં હતાં, લશ્‍કરી છાવણી સ્‍થાપી હતી અને એરબેઝની રખવાળી માટે ‌ સશસ્‍ત્ર નાઝી સૈ‌નિકોનો 24x7 ચોકીપહેરો પણ હતો.

કોઈક રીતે સીદી હનીશ પર ઓ‌ચિંતો હુમલો કરી તે એરબેઝના ભૂકા બોલાવી દેવાય તો ઇ‌જિપ્‍તમાં તૈનાત આ‌ફ્રિકા કોરની સપ્‍લાય લાઇન તૂટે. શસ્‍ત્ર-સરંજામનો પુરવઠો મળતો બંધ થાય તો દાંત-નહોર ‌વિનાનો જર્મન વાઘ ત્‍યાર પછી ‌બ્રિ‌ટિશ સૈન્‍યનો પ્ર‌તિકાર ન કરી શકે. ઇ‌જિપ્‍ત ઉપરાંત અન્‍ય ઉત્તર આ‌ફ્રિકી દેશો પરથી પણ નાઝી પકડ ઢીલી પડે.

પરંતુ ‌બ્રિટન માટે યક્ષપ્રશ્ન એ હતો કે ‘કોઈક રીતે’ એટલે આખરે કઈ રીતે? જર્મન વાઘની સીદી હનીશ નામની બોડમાં આખરે ઘૂસવું શી રીતે? અને ઘૂસ્‍યા પછી સલામત પાછા ફરવું શી રીતે?

■■■

આનો જવાબ સંભવત: એક જ વ્‍ય‌‌ક્તિ આપી શકે તેમ હતી : મેજર ડે‌વિડ સ્‍ટ‌ર્લિંગ! 

સાડા છ ફીટ ઊંચી કાઠી અને લે બોધું, કર સીધુંની પ્રકૃ‌તિ ધરાવતા એ મેજર શત્રુ પર ઓ‌ચિંતી ધાડ પાડવાની રણની‌તિ ઘડવામાં એક્કા હતા. આથી ઉત્તર ‌આ‌ફ્રિકામાં જર્મનો ‌વિરુદ્ધ ખાસ પ્રકારનાં કમાન્‍ડો ‌મિશનો ખેલવા માટે ‌બ્રિ‌ટનના સંરક્ષણ ‌વિભાગે મેજર સ્‍ટ‌ર્લિંગની આગેવાની હેઠળ Special Air Service/ SAS નામના દળનું ગઠન કરાવ્યું હતું. ચુનંદા જાંબાઝ યોદ્ધાઓનું બનેલું એ દળ ઉત્તર આ‌ફ્રિકામાં જર્મન સેનાના સામે પોતાનું કૌવત દાખવી ચૂક્યું હતું. આથી સીદી હનીશને ધમરોળવાની જવાબદારી મેજર સ્‍ટ‌ર્લિંગની SAS ટુકડીને સોંપવાનો ‌નિર્ણય લેવામાં આવ્યો.

જુલાઈ, ૧૯૪૨ના બીજા સપ્‍તાહે ઇ‌જિપ્‍તના પાટનગર કૈરોમાં આવેલી ‌બ્રિ‌ટિશ છાવણીમાં એક ગુપ્‍ત મિટિંગનું આયોજન થયું. મધ્‍ય એ‌શિયામાં તૈનાત ‌બ્રિ‌ટિશ સૈન્‍યના નાયબ વડા મેજર-જનરલ નીલ ‌રિ‌ચિ તેમાં ઉપ‌સ્‍થિત રહ્યા, જેમને મેજર સ્‍ટ‌ર્લિંગે સીદી હનીશ એરબેઝ પર કમાન્‍ડો અટેકની યોજના ‌વિસ્‍તારપૂર્વક કહી સંભાવી. મેજરનો પ્‍લાન જોખમી હતો એટલું જ ન‌હિ, પણ સફળતા ‌સામે ‌નિષ્‍ફળતાની ટકાવારી સહેજ વધારે જણાતી હતી. છતાં સમયનો તેમજ ‌સ્‍થિ‌તિસંજોગોનો તકાદો જોતાં જુગારી દાવ ખેલી નાખ્યા ‌વિના આરો ન હોવાથી મેજર-જનરલ નીલ ‌રિ‌ચિએ  ‌મિશનને લીલી ઝંડી આપી દીધી.

■■■

મેજર સ્‍ટ‌ર્લિંગનો પ્‍લાન આખરે શો હતો? ટૂંકમાં અને ટુ-ધ-પોઇન્‍ટ કહો તો લશ્‍કરી તવારીખમાં અગાઉ ક્યારેય અમલમાં તો શું, ‌વિચારમાં પણ ન મુકાયો હોય તેવો અનોખો ને અ‌દ્વિતીય! સામાન્‍ય રીતે શત્રુ લક્ષ્‍યાંકનો ખાતમો બોલાવવા માટે વાયુમાર્ગે ‌લડાકુ વિમાનો મારફત અથવા ભૂ‌મિમાર્ગે ટેન્‍ક જેવાં બખ્‍તરબંધ વાહન વડે હલ્‍લો બોલાવવાનો થાય. યુદ્ધની એ પરંપરાગત તથા કારગત રણની‌તિ હતી. પરંતુ તેમાં સરપ્રાઇઝનું તત્ત્વ જળવાય ન‌હિ એ મોટી ખામી હતી. દુશ્‍મનને ઊંઘતો ઝડપવો હોય તો હુમલો ઓ‌ચિંતો, અણ‌ચિંતવ્‍યો  ‌અને બિનપરંપરાગત હોવો જોઈએ. આ પ્રકારના હુમલાની રણની‌તિના તુક્કેબાજ મેજર સ્‍ટ‌ર્લિંગે એટલે જ તોપ-ટેન્‍ક-‌વિમાન જેવાં ‘છાપેલ કાટલાં’નાં શસ્‍ત્રોને બદલે સાવ એટલે સાવ નોખું અસ્‍ત્ર પસંદ કર્યું હતું : જીપગાડી!

કમાન્‍ડો ‌મિશનની યોજના મુજબ જુલાઈ ૨૬/૨૭, ૧૯૪૨ની મધરાતે ‌બ્રિ‌ટિશ SAS ટુકડીના બહાદુર કમાન્‍ડોએ કુલ ૧૮ જીપગાડીઓમાં બેસીને ઇ‌જિપ્‍તના સીદી હનીશ એરબેઝ પર ત્રાટકવાનું હતું. આ માટે ‌વિ‌લિસ બ્રાન્‍ડની દરેક જીપ પર વાઇકર્સ પ્રકારની બબ્બે મશીન ગન્સ ધાતુના મુવેબલ સ્‍ટેન્‍ડ પર માઉન્‍ટ કરાવવામાં આવી. એક ‌મિ‌નિટમાં ૧,૨૦૦ બુલેટ્સની ધાણી ફોડી શકતી મશીન ગન્‍સ વડે કમાન્‍ડો સૈ‌નિકોએ સીદી હનીશ એરબેઝ પર પાર્ક કરાયેલાં જર્મન લડાકુ તથા માલવાહક ‌વિમાનોને ફૂંકી મારવાનાં હતાં. 

‌સ્‍થિર બેઠેલી બતકને વીંધી બતાવવા જેવું સરળ જણાતું એ કાર્ય વાસ્‍તવમાં મોતનો ખેલ ખેલવા જેવું ખતરનાક હતું. કારણ કે SASના હુમલાનો વળતો જવાબ આપવા માટે સીદી હનીશના જર્મન ચો‌કિયાતો તેમની મશીન ગન્‍સનાં નાળચાં ખોલી નાખે, તો ગોળીઓની બૌછાર સામે રક્ષણ આપતું કોઈ સુરક્ષા કવચ ખુલ્‍લી જીપમાં બેઠેલા SASના કમાન્‍ડો પાસે નહોતું. આ હકીકત જાણવા છતાં મેજર ડે‌વિડ સ્‍ટ‌ર્લિંગ સ‌હિત પ૪ સરફરોશો મોત સાથે બાથ ભીડવા રાજી હતા.

લશ્‍કરનો વણલખ્‍યો ‌નિયમ છે કે યુદ્ધાભ્‍યાસમાં જેટલો વધુ પસીનો પાડો, યુદ્ધમાં એટલું ઓછું લોહી રેડવું પડે! મેજર સ્‍ટ‌‌ર્લિંગ તે ‌નિયમને અનુસર્યા. સીદી હનીશ એરબેઝ પર સાચેસાચનો હુમલો આરંભતા ઇ‌જિપ્‍તમાં ‌‌બિર અલ કસીર નામની ‌‌‌બ્રિ‌ટિશ છાવણીથી સહેજ ઉત્તરે તેમણે કમાન્‍ડો અટેકનું ‌રિહર્સલ કર્યું. ‌નિ‌શ્ચિત સમયમાં હુમલો આટોપી લેવાનું સમયપાલન, તમામ જીપ વચ્‍ચે તાલમેળ, સડસડાટ હંકારતી જીપમાંથી મશીન ગન્સનું કુશળ સંચાલન વગેરે બાબતોની સોએ સો ટકા ચોકસાઈ ન આવી ત્‍યાં સુધી ‌રિહર્સલ ચાલુ રાખ્યું.

■■■

સ્‍થળ : ઇ‌જિપ્‍તની બિર અલ કસીર છાવણી.

તારીખ : જુલાઈ ૨૬, ૧૯૪૨ની અને સમય : સાંજના ૦૬:૦૦ વાગ્યાનો. 

બીજા ‌વિશ્વયુદ્ધની ઉત્તર આ‌ફ્રિકામાં એડોલ્‍ફ ‌હિટલરે જમાવેલી બાજી ‌‌‌બ્રિટનના પક્ષે પલટી દેવા માટે તેમજ યુદ્ધની તવારીખમાં સાહસનું અભૂતપૂર્વ પ્રકરણ લખવા માટે મેજર ડે‌વિડ સ્‍ટ‌ર્લિંગની ૧૮ જીપગાડીઓ કુલ પ૪ કમાન્‍ડો, વાઇકર્સ મશીન ગન્‍સ, હેન્‍ડ ગ્રેનેડ્સ તથા ટાઇમ બોમ્‍બ સાથે તૈયાર હતી. જીપ કાફલાએ બિર અલ કસીરથી લગભગ ૮૦ ‌કિલોમીટર ઉત્તર-પ‌શ્ચિમ ‌દિશામાં રા‌ત્રિના અંધકાર વચ્‍ચે ગુપચુપ હંકારતા સીદી હનીશ એરબેઝ પહોંચવાનું હતું. આખો રસ્‍તો ઉજ્જડ રે‌ગિસ્‍તાની પ્રદેશમાંથી પસાર થતો હતો. બલકે, એમ કહેવું જોઈએ કે જીપ જેના પર હંકારી શકે એવો સમતળ રસ્‍તો જ નહોતો. નાના-મોટા પાણા અહીં તહીં વેરાયેલા હતા. ખાડા-ટેકરાનો પાર નહોતો. વધુમાં ઘણી જગ્‍યાએ તીવ્ર ખૂણો ધરાવતી નાની ટેકરીઓ હર્ડલ બનીને ઊભી હતી. આ બધી અડચણો ઉપરાંત SAS કમાન્‍ડો ટુકડી માટે આકરો પડકાર એ હતો કે શત્રુનજરે ચડી ન જવાય એ માટે તેમણે રા‌ત્રિના અંધકાર વચ્‍ચે જીપગાડીની હેડલાઇટ ઓફ રાખીને પ્રવાસ કરવાનો હતો.

કમાન્‍ડો ટુકડી માટે સંજોગો ‌વિપરીત હતાં. છતાં તેની દરકાર કર્યા ‌વિના જુલાઈ ૨૬ની એ ઢળતી સાંજે ૧૮ જીપગાડીઓ ધૂળના ગોટા ઉડાડતી સીદી હનીશ તરફ નીકળી પડી. જર્મન ‌વિમાનોની કયામતનું કાઉન્‍ટ ડાઉન એ સાથે શરૂ થયું.■

(ક્રમશ:)


Google NewsGoogle News