રાઈટ ટુ ડિસ્કનેક્ટ : જોબના કલાકો પછી... ચલ કહીં દૂર નિકલ જાયેં

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
રાઈટ ટુ ડિસ્કનેક્ટ : જોબના કલાકો પછી... ચલ કહીં દૂર નિકલ જાયેં 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- દુનિયાભરમાં કામનું ભારણ વધતું જાય છે ત્યારે ઓસ્ટ્રેલિયા જેવા ઘણાં દેશોએ જોબ અને લાઈફ વચ્ચે બેલેન્સ જાળવવા માટે કર્મચારીઓની તરફેણમાં નવો કાયદો બનાવ્યો છે

ઓ ક્યુપેશનલ સ્ટ્રેસ. નોકરી-ધંધાને લગતું જે ટેન્શન આવે છે તેની સાઈકોલોજિકલ ટર્મને આ નામ આપવામાં આવ્યું છે. એકદમ બંધબેસતો ગુજરાતી અનુવાદ કરવો હોય તો એને વ્યાવસાયિક તાણ કહેવાય. રોજિંદુ કામ શિફ્ટ દરમિયાન પૂરું થવાની ચિંતાથી લઈને નોકરીમાં સ્ટેબિલિટીનો અભાવ, ગમે ત્યારે નોકરી ગુમાવવાનો ડર, પ્રમોશનની ચિંતા, પગાર વધારાની ચિંતા જેવા કેટલાય પરિબળો ઓક્યુપેશનલ સ્ટ્રેસ માટે જવાબદાર હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલનું માનીએ તો દુનિયામાં વર્ષે સાડા સાત લાખ લોકોનાં મોતનું કારણ છે - ઓક્યુપેશનલ સ્ટ્રેસ.

ટેકનોલોજીની ૨૧મી સદીમાં માણસ અજંપામાં જીવે છે ત્યારે એના દિમાગ પર કંઈ કેટલાય પ્રકારની ચિંતા સવાર થાય છે. પોતાના ભવિષ્યની ચિંતા, પરિવારના ભવિષ્યની ચિંતા, આર્થિક-સામાજિક અસ્થિરતા, કુદરતી-માનવસર્જિત હોનારતોમાં ભોગ બનવાની દહેશત, મહામારીઓના ભરડામાં આવવાની ભીતિ, મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાની દોડ, બદલાયેલી લાઈફ સ્ટાઈલથી શરીર-મન પર પડતી અસરો- એ બધાની વચ્ચે માણસ પર્સનલ અને પ્રોફેશ્નલ લાઈફ વચ્ચે પીસાતો રહે છે.

આ પ્રકારની માનસિક સ્થિતિમાંથી બહાર નીકળવાના કંઈ કેટલાય ઉપાયો થઈ રહ્યા છે. કર્મચારીઓને કામનું ભારણ ન લાગે તે માટે મોટી મોટી કંપનીઓ પ્રયાસો કરી રહી છે. જોબ સેટિસ્ફેક્શનના વિચાર સાથે જ ઓક્યુપેશનલ સ્ટ્રેસને ઘટાડવાનો ખયાલ જોડીને આખી દુનિયામાં કેટલીય કંપનીઓ કર્મચારીઓ માટે સેમિનાર્સ કરે છે, કેમ્પેઈનિંગ ચલાવે છે.

ને એમાંથી જન્મ્યો વર્ક-લાઈફ બેલેન્સિંગનો વિચાર. આખા જગતમાં વર્ક-લાઈફ બેલેન્સ થાય તે માટે સેંકડો કાયદા આવ્યા. એના આધારે કંપનીઓનું આખું વર્ક કલ્ચર બદલાયું. સાતમાંથી છ દિવસ કામ કરવાની પદ્ધતિ બદલાઈને ફાઈવ ડે વીકનો અમલ શરૂ થયો. એમાંથીય હવે તો વીકમાં કામના કલાકો ઘણાં દેશોમાં ૩૫ કરાયા. શનિ-રવિની રજા પછી તુરંત કામનું ભારણ ન આવે તે માટે બેર મિનિમમ મન્ડે જેવો વિચાર પણ ઘણી કંપનીઓમાં અપ્લાય થયો.

વર્ક-લાઈફ બેલેન્સના ભાગરૂપે આવા જ બધા પ્રયાસોમાં વધુ એકનો ઉમેરો થયો છે, જેનું નામ છે - રાઈટ ટુ ડિસ્કનેક્ટ.

ફ્રાન્સની એક કંપનીએ ૨૦૦૪માં કર્મચારીને એ મુદ્દે હાંકી કાઢ્યો કે તે રજા પર હતો ત્યારે કંપનીએ કરેલા ફોનનો જવાબ ન આપ્યો. કર્મચારીએ એની સામે કોર્ટમાં લડત આપી. મામલો છેક ફ્રાન્સની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કર્મચારીની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું: 'કંપનીએ કે કર્મચારીના બોસે નોકરી પછીના કલાકોમાં કે રજાઓ મંજૂર થયા બાદ કરેલા ફોનનો જવાબ ન આપવો તેને ગેરવર્તણૂક ગણી શકાય નહીં. કામના કલાકો બાદ કંપનીનો ફોન રીસિવ કરવો કે ન કરવો એ કર્મચારીની લિબર્ટી છે. ૨૪ કલાક માટે એ કામ કરવા બંધાયેલો નથી. નોકરી પૂરી થયા બાદ કંપની કર્મચારીને ઘરેથી કરવા માટે વધારાનું કામ સોંપી શકે નહીં. કંપનીની ફાઈલ્સ ઘરે લઈ જઈને કામ કરવાનું કહી શકે નહીં.'

આ ચુકાદાની ફ્રાન્સના કંપની કલ્ચરમાં ઊંડી અસર થઈ. કામના કલાકો બાદ ડિસ્કનેક્ટ રહેવાની લિબર્ટી મળતી થઈ. કર્મચારીઓ માટે કાર્યરત સંગઠનોએ સરકારને લેબર લોમાં ફેરફારની ભલામણ કરી. વર્ષોની ચર્ચા-વિચારણા અને વાદ-વિવાદ બાદ આખરે ૨૦૧૬માં ડિજિટલ એજમાં લેબર લો નામે કર્મચારીઓને નોકરી પછી ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપ્યો. ફ્રાન્સમાં તેના માટે પ્રોફેશ્નલ ડિસ્કનેક્શન ટર્મ વપરાય છે. જો કોઈ કર્મચારી કંપની સામે એવી ફરિયાદ કરે કે કામના કલાકો પૂરા થયા પછીય કંપનીમાંથી સતત ફોન કોલ્સ આવે છે કે ઈ-મેઈલના જવાબો આપવાનું દબાણ થાય છે તો એ કંપની સામે દંડની જોગવાઈ છે. આ કાયદામાં એવી એક ગાઈડલાઈન હતી કે જો કંપનીએ કામના કલાકો બાદ કર્મચારી પાસે ફોનથી કે ઈ-મેઈલથી કમ્યુનિકેશન કરાવ્યું હોય તો ઓવરટાઈમ આપવો પડશે.

પણ સરકાર સામે તે વખતે કંપનીઓનું હિત જાળવવાનો પડકાર પણ હતો. મોટા ઉદ્યોગપતિઓએ સરકાર પર આકરા દંડની જોગવાઈ ન કરવાનું દબાણ કર્યું હતું એટલે સરકારે તે વખતે દંડની રકમ કે સજાના વર્ષનો ફોડ પાડયો ન હતો. એમાં કહેવાયું હતું: 'કંપની અને કર્મચારીઓ આપસી સમજદારીથી પ્રેક્ટિકલ રસ્તો કાઢીને આ કાયદાનું પાલન કરે.'

ફ્રાન્સના પગલે યુરોપના અન્ય દેશોએ પણ રાઈટ ટુ ડિસ્કનેક્ટનો કાયદો બનાવ્યો હતો. જર્મની, લક્ઝમબર્ગ, ઈટાલી, બેલ્જિયમ, સ્પેન જેવા ઘણાં દેશોએ કર્મચારીને કામના કલાકો પછી ડિસ્કનેક્ટ રહેવાનો હક આપ્યો. કેનેડા, ચિલી, આર્જેટિના જેવા દેશોએ પણ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કામના કલાકો બાદ કર્મચારી ડિસ્કનેક્ટ રહે તો તેની સામે કંપની કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરી શકે એવી જોગવાઈ કરી છે.

નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે જેવા દેશોએ એવો કોઈ કાયદો બનાવ્યો નથી, પરંતુ કંપની અને કર્મચારીઓ આંતરિક સમજૂતીથી એનું પાલન કરે એવી વ્યવસ્થા કરી છે. આ દેશોના લેબર મંત્રાલયોમાં ઓબ્ઝર્વર કમિટી બેસે છે એ આવા મામલામાં કર્મચારીને રક્ષણ આપે છે.

અમેરિકામાં ડિસ્કનેક્ટ રહેવાનો કાયદાકીય અધિકાર નથી, પરંતુ વર્ક કલ્ચરના ભાગરૂપે કંપનીઓને એવી વ્યવસ્થા કરવાની ભલામણ થાય છે. ઓફિસના કામ પછી કર્મચારીની ડિજિટલી પ્રેઝન્સ અનિવાર્ય નથી. કર્મચારી ફોન બંધ રાખે કે ઈ-મેઈલના જવાબો ન આપે તો એની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.

વેલ, અત્યારે રાઈટ ટુ ડિસ્કનેક્ટનો આ મુદ્દો એટલે ચર્ચામાં આવ્યો છે કે ફ્રાન્સની સરકારે વર્ષો પહેલાં જ્યાંથી વાત અધૂરી મૂકી હતી ત્યાંથી ઓસ્ટ્રેલિયન સરકારે વાત આગળ વધારી છે. ઓસ્ટ્રેલિયાનો નવો કાયદો ભવિષ્યમાં લેબર લોમાં મોટું પરિવર્તન લાવશે.

ઓસ્ટ્રેલિયન સરકારે રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ પાસ કરીને નવો કાયદો બનાવ્યો એ લાગુ પણ પડી ગયો છે. કાયદાની જોગવાઈ પ્રમાણે ઓફિસનું કામ પૂરું થયા પછી કર્મચારી બોસના ફોન કે ઈ-મેઈલ્સ ઈગ્નોર કરી શકશે. એટલું જ નહીં, જો કોઈ બોસ વારંવાર ઈ-મેઈલ કે ફોન કરીને નોકરીના સમય બાદ કે રજા પર હોય એ કર્મચારીને પરેશાન કરશે ને કર્મચારી એની ફરિયાદ કરે તો ૧૫ લાખ રૂપિયા સુધીનો દંડ થશે. એક વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે.

રાઈટ ટુ ડિસ્કનેક્ટ હેઠળ આટલી મોટી દંડની રકમ અને જેલની સજાની જોગવાઈ કરનારો પ્રથમ દેશ છે. ઓસ્ટ્રેલિયા સહિત નાના-મોટા ૨૦ દેશોમાં રાઈટ ટુ ડિસ્કનેક્ટનો કાયદો છે, પરંતુ ક્યાંય દંડની રકમ અંગે ખાસ સ્પષ્ટતા નથી. જેલની સજાની જોગવાઈ તો એકેય દેશમાં નથી. કામના કલાકો બાદ કર્મચારીઓને ફોન, મેસેજ કે ઈ-મેઈલથી પરેશાન કરવાથી તેમની માનસિક સમતુલા ખોરવાય છે એવું માનીને ઓસ્ટ્રેલિયન સરકારે સજા-દંડના આવા વિકલ્પો રાખ્યા છે.

વેલ, સેંકડો કર્મચારીઓને કામના કલાકો બાદ કોઈને કોઈ રીતે કંપની સાથે, બોસ સાથે કનેક્ટ રહેવાની ફરજ પાડવામાં આવે છે. તેમના માટે આવા કાયદાઓ ચોક્કસ ઉપયોગી બનશે, પણ ૨૧મી સદીમાં ક્યાંય ન પહોંચવાની માનવીની જે અજંપાભરી દોટ ચાલી રહી છે એ અટકાવવામાં કોઈ કાયદો કામ લાગશે નહીં. ડિસ્કનેક્ટ થયા પછી ક્યાં કનેક્ટ થવું એની ખબર નહીં હોય તો આવા કાયદાનો કોઈ અર્થ છે? 

ભારતમાં રાઈટ ટુ ડિસ્કનેક્ટનો મુદ્દો સુપ્રિયા સુલેએ ઉપાડયો હતો

૨૦૧૬-૧૭માં ફ્રાન્સમાં કાયદો બન્યો એ પછી યુરોપિયન યુનિયનના ઘણાં દેશોએ એમાંથી પ્રેરણા લઈને કર્મચારીઓને કામના કલાકો બાદ ઓફિસના કામમાંથી મુક્તિ આપવાનો કાયદો બનાવ્યો હતો તેની ચર્ચા દુનિયાભરમાં ચાલી હતી. ભારતમાં ૨૦૧૮માં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કર્મચારીઓને નોકરી પછી ઓફિસના સંપર્કથી મુક્તિ આપવા કાયદો ઘડવાની હિમાયત લોકસભામાં કરી હતી. ત્યારે એ બાબતે ચર્ચા કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ ત્યારથી આજ સુધી રાઈટ ટુ ડિસ્કનેક્ટની ચર્ચા ક્યારેય થઈ નથી.

ભારત જેવા દેશોમાં આ પ્રકારની લિબર્ટી શક્ય પણ નથી એવી દલીલ ઘણાં એક્સપર્ટ્સ કરે છે. તેમનું લોજિક એવું છે કે વેસ્ટર્ન વર્ક કલ્ચરથી ત્રાસીને તો સેંકડો કંપનીઓ ભારત-ચીન જેવા દેશોમાં આવે છે. ભારતનો વર્કફોર્સ આ બધી બાબતોમાં ઘણો ફ્લેક્સિબલ છે. તેમને કામના કલાકો બાદ પણ જરૂર પડયે ઈ-મેઈલના જવાબો આપવામાં કે ફોનમાં કોમ્યુનિકેશન કરવામાં વાંધો નથી. ઈનફેક્ટ, ઘણી વખત ઓફિસના અમુક ફોન કોલ્સ તો ઘરેથી જ સારી રીતે હેન્ડલ થઈ શકે છે.

રાઈટ ટુ ડિસ્કનેક્ટ ભારતના સંદર્ભમાં ઉપયોગી નથી એની દલીલમાં એક મત એવુંય કહે છે કે ભારત ઉભરતું અર્થતંત્ર છે. જે ઝડપે ભારતને વિકાસ કરવો છે એમાં કર્મચારીઓનું ઈન્વોલ્વમેન્ટ ચાવીરૂપ છે. જો કર્મચારીઓ આવી બધી બાબતોમાં અધિકાર ભોગવવા માંડે તો તેની સીધી અસર દેશના ઓવરઓલ પર્ફોર્મન્સ પર પડી શકે છે. ભારતની સીધી સ્પર્ધા ચીન સાથે છે. ચીન તો બેસિક લેબર લોમાંય માનતું નથી, આવી લિબર્ટીની વાત તો દૂર છે. જો ભારત આવું વેસ્ટર્ન વર્ક કલ્ચર સખ્તાઈથી લાગુ પાડે તો વિદેશી રોકાણકારોનું વલણ ચેન્જ થાય તો સરવાળે ભારતને નુકસાન થાય. ભારતે જરૂરી લેબલ લોનું પાલન કરાવીને, કર્મચારીઓના હિતમાં અનિવાર્ય છે એવા કાયદા ઘડીને આગળ વધવું જોઈએ. યુરોપનું આ મોડલ સ્વીકારી લેવાથી દેશના યંગ એનર્જેટિક વર્કફોર્સમાં કામ પ્રત્યેની નિષ્ઠામાં ઘટાડો થશે, તેમનામાં સ્પર્ધાત્મક વલણ ઘટી જશે.

ભારતમાં રાઈટ ટુ ડિસ્કનેક્ટનો કાયદો બનાવવાને બદલે નોર્વે, સ્વીડનની જેમ કર્મચારીઓ અને કંપની આંતરિક સમજૂતીથી નિર્ણય લે તે વધુ યોગ્ય ગણાય. અનિવાર્ય ન હોય ત્યાં સુધી કર્મચારીઓને કામના કલાકો બાદ ડિસ્ટર્બ ન કરવામાં આવે તે હિતાવહ ગણાય.


Google NewsGoogle News