'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં ભારતનો ક્રમ સુધર્યો .
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
ઈ ઝ ઓફ ડુઈગ બિઝનેસ એટલે નવો ધંધો સ્થાપવામાં સરળતાનો આંક વર્લ્ડ બેંક દર વર્ષે બહાર પાડે છે. તે માપવાના અનેક પાસાઓ છે. દા.ત. શું દેશમાં કન્સ્ટ્રકસનની પરવાનગી સહેલાઈથી અને ઝડપથી મળી જાય છે કે નહીં, શું વીજળીનું કનેકશન મેળવવામાં વાર લાગે છે કે ઝડપથી મળી જાય છે ? શું જમીન મેળવીને તેનું રજીસ્ટ્રેશન કરવાનું કામ સહેલું છે કે કઠિન છે ? શું કંપની ખોટ કરે અને તેને નાદારી નોંધાવી હોય તો તે પ્રક્રિયા ઝડપી છે કે તેને વર્ષો લાગી જાય છે ? વળી દેશમાં અરાજકતા હોય, લૂંટફાટનું વાતાવરણ હોય, જીવન અને પ્રોપર્ટીની સલામતી ના હોય તો તેવા દેશમાં નવો બીઝનેસ શરૂ ના થઈ શકે અને શરૂ થયો હોય તો ઠપ્પ થઈ જાય. આવા ૧૦ પરિબળો (ફેકટર્સ)નો ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસનો સૂચકાંક રચવામા ઉપયોગ થાય છે.
ક્રમમાં સુધારો
ઈ.સ. ૨૦૧૩માં વર્લ્ડ બેંકના આ સર્વેમાં ભારતનું સ્થાન ૧૩૪મું હતું. ૨૦૧૭માં ભારતનો ક્રમાંક સુધરીને ૧૦૦ થયો અને ૨૦૧૮માં તે ક્રમાંક (કુલ દેશો ૧૯૦) વધુ સુધરીને ૭૭મો થયો. ૨૦૨૩માં આ ક્રમ ૬૩મો થયો હતો.
સીંગાપોર-હોંગકોંગ આ બાબતમાં જગતભરમાં ઊંચું સ્થાન ધરાવે છે. ભારતનો ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ એટલે કે ધંધો સ્થાપવાના બાબતમાં આગળ નંબર આવ્યો તેના ૧૦ ફેક્ટર્સમાંથી માત્ર ૪ જ ફેક્ટર્સમાં તેની પ્રગતિ જોવા મળે છે. ૧) ભારતમાં પહેલાં કરતા વધુ ઝડપથી કન્સ્ટ્રક્શન પરમીટ મળી જાય છે. ૨) વીજળીનું કનેકશન હવે વધુ જલદીથી મળી જાય છે. ૩) પ્રોપર્ટીની નોંધણી વધુ ઝડપથી થાય છે. ૪) ભારતમાં લઘુ રોકાણકારો (ખાસ કરીને માયનોરીટી ઈન્વેસ્ટર્સ)ને ઊંચી સુરક્ષા મળે છે. બીઝનેસની સરળતા માટે ૧૦ પરિબળો છે. ૧) બીઝનેસ શરૂ કરવાનો પ્રોસીજર ૨) કન્સ્ટ્રકશન પરમીટ ૩) વીજળી મેળવવી ૪) પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન ૫) લોન મેળવવી ૬) ટેક્ષ આપવામાં સરળતા ૭) સરહદ પારના વ્યાપારમાં સરળતા ૮) કોન્ટ્રાક્ટનું પાલન ૯) નાદારીની પ્રોસીજર ૧૦) રોકાણકારોની સલામતી અને તેમના રોકાણ સુરક્ષિતતા
દસે પરિબળો મજબૂત કરો
ભારતને આ બાબતમાં હજી વધુ સુધરવાની જરૂર છે. એક ઉચ્ચ લેવલની કમીટીએ માત્ર આ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરીને ધંધા સ્થાપવાના તમામ દસ પરિબળોને મજબૂત કરવાના છે.
સ્થિર કરન્સી : ભારતનો ક્રમ ઉંચો ગયો તેમ છતાં એ કબૂલ કરવું પડે કે છેલ્લે છેલ્લે ભારતમાં રૂપિયાના મૂલ્યનું જબરજસ્ત ધોવાણ થયું છે. આથી ભારતના ઉદ્યોગકારોને નિકાસ ભલે સસ્તી પડે પરંતુ આયાત મોંઘી પડે. ભલે નવા ઉદ્યોગકારને દેશનું જ બજાર કબજે કરવું હોય તો પણ ભારતમાં ધીરે ધીરે કાચા માલના ભાવ વધી રહ્યા છે. ક્રુડ ઓઈલના અને પેટ્રોલના ભાવો વધવાની અસર બીજી હજારો કોમોડીટીઝ પર પડે છે. આને અંગ્રેજીમાં કોસ્ટ-પુશ (cost-push) ફુગાવો કહે છે. ટૂંકમાં સારા ધંધાકીય વાતાવરણ માટે રૂપિયાનું મૂલ્ય મોટેભાગે સ્થિર રહેવું જોઈએ.
ત્રણ અગત્યના મોટિવ
દરેક વ્યક્તિને પ્રેરણા આપનારા (મોટીવેટ) પરિબળો અલગ અલગ હોય છે. કોઈને પ્રતિષ્ઠાની ઝંખના હોય, ઘણાને પુષ્કળ પૈસા કમાવવાની ઝંખના હોય છે, ઘણાને પુષ્કળ સત્તા જોઈએ છીએ, ઘણાને સત્તા કે ધન કરતા કુટુંબમાં અને સમાજમાં હળીમળીને
રહેવાનું પસંદ પડે છે. ડેવીડ સી. મેકલીલેન્ડ નામના પ્રોફેસરે માનવજાત માટે ત્રણ સૌથી અગત્યના પ્રેરણાબળો (મોટીવ્ઝ) નીચે મુજબ ગણ્યા છે.
૧) સત્તાપ્રાપ્તિ માટેની ઝંખના આ લોકો સત્તાને માટે અદમ્ય ઝંખના ધરાવે છે. તેઓને ધન પ્રાપ્તી ગમે છે પરંતુ ધન પ્રાપ્તી તેઓ સત્તા દ્વારા મેળવવા પ્રયત્ન કરે છે. આ પ્રકારના લોકો ખૂબ સરસ વક્તા હોય છે, અને જાહેરમાં વકતવ્ય કરવાનું તેમને ઘણું ગમે છે. સત્તા પ્રાપ્તી માટે તેઓ કેટલીક વાર નિર્દયી પણ બની શકે છે અથવા નૈતિકતાના મૂલ્યોને બાજુએ રાખે છે, મિત્રોને પણ દગો દઈ શકે છે. નવા નવા ગઠબંધનો રચી શકે છે.
૨) સંપીને રહેવાની ઝંખના - એફીલીમેશન નીડ પ્રોપેકલીલેડે આને એફીલીએશન (કોઈ સંસ્થા કે ગુ્રપ કે માનવ જૂથના ભાગ હોવાની ઝંખના) માટેની જરૂરિયાત કહે છે. આ પ્રકારના લોકો અન્ય લોકો સાથે ઘણા મીઠાં અને મધુર સંબંધો રાખે છે, બીજાને અણીને વખતે મદદ કરે છે, ઝઘડો ટાળે છે, જ્ઞાતિ કે અન્ય સંસ્થાના સભ્ય હોવાનું ગૌરવ અનુભવે છે. તેઓ અન્યને પ્રેમ કે આદર આપે છે અને અન્ય પાસેથી પ્રેમ કે આદર પ્રાપ્ત કરે છે. તેમને સમાજમાં ઘણા મિત્રો હોય છે. અને મિત્રો ના હોય તેવા સાથે પણ મિત્રાચારી પૂર્ણ સંબંધો રાખે છે.
૩) સિધ્ધિ માટેની ઝંખના : તમારે જો ઉદ્યોગસાહસિક કે વ્યાપારી સાહસિક થવું હોય તો તમારામાં આ ઝંખના હોવી જ જોઈએ અથવા ના હોય તો તેને કેળવવી જોઈએ. તમને કશું સિદ્ધ કરવાની અદમ્ય તાલાવેલી હોવી જોઈએ. તમે સ્પોટર્સ, ડાન્સીંગ, કુકીંગ, પેઈન્ટીંગ વગેરેમાં નંબર ૧ બની શકો છો પરંતુ તેમાં નફાનું તત્ત્વ હોતું નથી માટે તમે ઉદ્યોગસાહસિક ના કહેવાઓ. સિદ્ધ વ્યક્તિ ગણાઓ. ઉદ્યોગ કે વાણીજ્ય સાહસિક ગણતરીપૂર્વકનું જોખમ લે છે અને ચીજવસ્તુના વેચાણ કે સર્વીસના વેચાણ દ્વારા નફો કરે છે. આમ તો જુગારીઓ પણ જોખમ ખેડીને સટ્ટો કરે છે પરંતુ તેમાં તેઓ સફળ થાય તો પણ તેમની મહેનત હોતી નથી. 'ચાન્સ' હોય છે. ઉદ્યોગસાહસિક જોખમ ખેડે છે પરંતુ તે ગણતરીપૂર્વકનું હોવા ઉપરાંત કશુંક ઉત્પાદન કરીને સફળ વેચાણ માટેનું જોખમ હોય છે.
દેશમાં ધંધો કરવાની સહૂલિયત વધતા લાખો નવા લોકો ઉદ્યોગમાં સફળ થાય છે. માટે યાદ રાખો કે તમારામાં 'એચીવમેન્ટ મોટીવેશન' ના હોય, તમને એમ હોય કે જે મળ્યું હોય તેમાં સંતોષ માનો, દોડાદોડ શું કામ કરવી જોઈએ. સંતોષનો સૂકો રોટલો ય સારો આવું બધું માનતા હો તો ધંધો ના કરતાં. તમને અનુરૂપ સારી નોકરી લઈ લેજો.