સિદ્ધ યોગીની વચનસિદ્ધિનો ચમત્કાર .
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- 'તું બડા ધનવાન બનેગા. તું બહુત ખુશકિસ્મત હો જાગેયા.' મહાત્માની વાત સાચી પડી. થોડા સમયમાં તો અબ્દુલ ઓગણીસ વહાણનો માલિક બની ગયો...
મ હર્ષિ પતંજલિ એમના યોગસૂત્રમાં કહે છે - 'સત્યપ્રતિષ્ઠાયાં ક્રિયાફલાશ્રયત્વમ્ - જ્યારે યોગી મન, વચન અને કર્મથી સત્યને સિદ્ધ કરી લે છે ત્યારે એની વાણી પણ સિદ્ધ થઇ જાય છે. એના દ્વારા કહેવાયેલા વચનોનો પ્રભાવ બીજા પર પણ પડે છે.' સિદ્ધ યોગીની વાણી હંમેશાં સાર્થક થતી જોવા મળે છે. એને લીધે જ એવા યોગીઓના આશીર્વાદ અને અભિશાપ વાસ્તવિક પરિણામ લાવતા જોવા મળે છે. સિદ્ધયોગીના આત્મબળનો પ્રભાવ જબરદસ્ત હોય છે. એટલે જ કહેવાયું છે - 'ક્રિયાસિદ્ધિ સત્વે ભવતિ મહતાં નોપકરણે - મહાપુરુષોની ક્રિયાસિદ્ધિ તેમના આત્મબળમાં રહેલી હોય છે, બહારની સાધના-સામગ્રીમાં નહિ.' સિદ્ધયોગી જે બોલે તે પ્રમાણે થાય તેને તેમની વચન સિદ્ધિ કહેવાય છે. સિદ્ધયોગીના આત્મશક્તિ પૂર્વક ઉચ્ચારાયેલા શબ્દો ભવિષ્યકાળની ઘટનાઓને પણ આકાર આપી શકે ? બધું તેને અનરૂપ જ બને તેવી રીતે ઘટનાઓને નિયંત્રિત પણ કરી શકે ? કેટલીક ઘટનાઓમાં એવું બનતું જોવામાં આવ્યું છે. ખરેખર આ વચન સિદ્ધિનો ચમત્કાર અત્યંત અચરજ ઉપજાવે છે. આવી એક ઘટના આશરે ત્રણસો વર્ષ પૂર્વે ગુજરાતના સૂરત શહેરમાં બની હતી.
ગુજરાતના પાટણ શહેરમાં રહેતો એક મુસ્લિમ શિક્ષક મુલ્લા અબ્દુલ ગફાર પાટણ છોડી વધારે સારા ધંધાકીય લાભ માટે સૂરત આવ્યો. એના પૂર્વજો શિક્ષણ આપવાનું કાર્ય કરે એટલે તેણે પણ તે કાર્ય ચાલુ રાખ્યું પણ તે સાથે એક દુકાન શરૂ કરી. તેમાં તે નાની- મોટી ઘરવપરાશની વસ્તુઓનું વેચાણ કરે. તેની આર્થિક સ્થિતિ તદ્ન સાધારણ હતી. આ બન્ને પ્રવૃત્તિઓથી એનું ગુજરાન ચાલે એટલે તેને મળી રહેતું. એ જમાનામાં સૂરતની ભારે પ્રસિદ્ધિ હતી. ત્યાં ધંધા-વ્યવસાય સતત ધમધમતા રહેતા. દેશ-વિદેશથી એના બારામાં વહાણો આવે અને માલની આયાત-નિકાસ થાય. જો કે અબ્દુલ ગફારને એ બધાની સાથે ખાસ નિસ્બત નહીં. કારણ કે તે તો બહુ જ નાનો દુકાનદાર હતો.
એક દિવસ અસાધારણ દિવ્ય તેજ ધરાવતા એક મહાત્મા, સિદ્ધ યોગી સૂરતમાં અચાનક આવી પહોંચ્યા. લોકો એવું કહેતા કે તે અનેક ચમત્કારિક શક્તિઓ પણ ધરાવે છે. એક દિવસ અબ્દુલ ગફુર પણ તેમને જોવા ગયો. તેમના દિવ્ય તેજથી પ્રભાવિત થઇ તે તેમની પાસે બેસતો, તેમની નાની-મોટી સેવા-ચાકરી પણ કરતો. એક દિવસ તેણે સિદ્ધયોગી મહાત્માને પૂછ્યું - 'બાપજી, મેરે નસીબ મેં ક્યા લિખા હૈ ? મૈં બડી મુશ્કિલસે મેરા પરિવાર નિભા રહા હું. ક્યા ઐસી હાલત જીવનભર રહેગી ?'
સિદ્ધ મહાત્મા તેના લલાટના લેખમાં શું લખાયેલું છે તે જોવા ધ્યાનમાં સરી ગયા. ધ્યાનમાંથી બહાર આવ્યા બાદ તેને કહેવા લાગ્યા - 'અબ્દુલ, તુમ્હેં ચિંતા કરનેકી જરૂરત નહીં હૈં. તું બડા ધનવાન બનેગા. તું બહુત ખુશ કિસ્મત હોં જાગેયા.' અબ્દુલ તેની સામે જાણે માનતો ના હોય તેમ જોઇ રહ્યો. થોડા દિવસ પછી તે મહાત્માએ તેમની સમક્ષ ઉપસ્થિત લોકોને કહ્યું - ' અબ મૈં યર્હાં સે બિદા લે રહા ર્હું. કોઇ દૂસરી જગહ ચલા જાઉંગા. 'સાધુ તો ચલતા ભલા' ઐસા હમ સાધુ લોગોં કા નિયમ હૈ.' એ બધા લોકોમાં સૌથી આગળ અબ્દુલ ઊભો હતો. તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું - બેટા, ઇધર બૈઠ જા. મૈં તુઝે કુંછ દે રહા હું ? તેમણે જે રેતીના ઢગલા પર બેઠા હતા. તેમાંથી એક મુઠ્ઠી રેતી લીધી અને પોતાના ભિક્ષાપાત્રમાં નાંખતા કહ્યું- 'બોલ, એક' તેણે કહ્યું - 'એક' પછી બીજી મુઠ્ઠી લઇને કહ્યું - 'બે' આ રીતે ભિક્ષાપાત્રમાં એક પછી એક મુઠ્ઠી નાંખતા ગયા અને સંખ્યા બોલતા ગયા. આમ તેમણે ૧૯ મુઠ્ઠી ભિક્ષાપાત્રમાં નાંખી. વીસમી મુઠ્ઠી ભિક્ષાપાત્રમાં નાંખવા જતા હતા તે વખતે અબ્દુલ બોલી ઉઠયો - બસ બાબા, બહુત હો ગઇ. મુઝે ઇસસે જ્યાદા રેતી નહીં ચાહિયે. યોગી મહાત્માએ હસીને કહ્યું - સચમેં નહીં ચાહિયે ? જયાદા ચાહિયે તો બોલો, અભી દે સકતા ર્હું. બાદ મેં ઇસસે જયાદા નહીં મિલેગા.' અબ્દુલે વિચાર્યું - વધારે રેતી લઇને હું શું કરીશ ? એટલે તેણે ના પાડી દીધી. તેણે ભિક્ષાપાત્રમાં રહેલી ૧૯ મુઠ્ઠી એની ખેલીમાં લઇ લીધી. ઘરે જઇને તેણે તે સુરક્ષિત પવિત્ર જગ્યાએ તે મહાત્માની યાદગીરીમાં મૂકી દીધી. પછી તે મહાત્માએ ત્યાંથી વિદાય લઇ લીધી.
થોડા સમય બાદ એક ઘટના બની. સૂરતના એક સોદાગર મિર્ઝા ઝાહીદ બેગના વહાણમાં બેસીને એક આરબ વેપારી અરબસ્તાનથી સૂરત આવી રહ્યો હતો. વેપારીની અન્ય વસ્તુઓ સાથે એની પાસે ખજુરના વાડિયાં પણ હતા. એમાં એણે મોંઘા રત્નો અને અશરફીઓ સંતાડેલા હતા. દાણચોરી કરી એ કીમતી માલ સૂરતમાં ઘુસાડવાનો ઇરાદો હતો. પણ દુર્ભાગ્યે તે વહાણ સૂરત આવે તે પહેલાં એનું દરિયામાં મરણ થઇ ગયું. એમાં વળી પાછું વહાણ દરિયાઇ તોફાનનો ભોગ બન્યું. વહાણનો ઘણો ખરો માલ ભીજાઇને ખરાબ થઇ ગયો. ખજુરના વાડિયા પણ ભીંજાઇને ખરાબ થઇ ગયા. વહાણ સૂરતના બારામાં લાંગ્યું પછી પેલા આરબ વેપારીને સહાયકોએ પેલો બગડેલો માલ સસ્તામાં વેચી દેવાનું નક્કી કર્યું. તેમણે સાવ નાના વેપારીઓનો સંપર્ક કર્યો અને પેલો માલ સાવ જ સત્તામાં વેચવા માંડયો. આ જ વખતે અબ્દુલ ગફાર મિર્ઝા ઝાહીદના માણસોએ તેને તે માલ વેચ્યો. એમાં ખજૂરના વાડિયા તો મફતમાં જ આપી દીધા. એકાદ દિવસ બાદ તેણે ખજૂરનું વાડિયું કોઇ કારણથી તોડયું તો અંદરથી મોંઘા રત્નો અને અશરફી નીકળ્યાં. બાકીના બધા વાડિયામાંથી એ જ રીતે છુપાવેલા રત્નો અને અશરફીઓ નીકળ્યા. એના નસીબ આડેથી પાંદડું ખસી ગયું. તે માલામાલ થઇ ગયો. એ બધાને વેચીને તેનું ધન ધંધામાં લગાવી દીધું. નસીબે જબરદસ્ત યારી આપી અને વેપારી જગતમાં તેનું મોટું નામ થઇ ગયું.
અબ્દુલને પેલા સાધુ - મહાત્મા, સિદ્ધયોગીની ભવિષ્યવાણી યાદ આવી. તેમણે તેને વર્ષો પૂર્વે કહ્યું હતું - 'તું બડા ધનવાન બનેગા. તું બહુત ખુશકિસ્મત હો જાગેયા.' મહાત્માની વાત સાચી પડી. થોડા સમયમાં તો અબ્દુલ ઓગણીસ વહાણનો માલિક બની ગયો. વળી પાછી તેને મહાત્માએ ૧૯ મુઠ્ઠી ભરીને રેતી આપી હતી તે વાત યાદ આવી. એ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. એ પછી એક અજબ લાગે તેવી વાત બની તે એની આખી જિંદગીમાં અનેકવાર પ્રયત્નો કરવા છતાં વીસમાં વહાણનો માલિક બની શક્યો નહીં. તે વહાણ બનાવે કે ખરીદે ખરો, પણ તે દરિયામાં ડૂબી જ જાય. તેને પેલા સાધુનું વચન પાછું યાદ આવ્યું - 'જયાદા ચાહિયે તો બોલો, બાદ મેં ઇસસે જયદા નહીં મિલેગા.' હકીકતમાં એવું જ થયું. આમ પેલા સિદ્ધ મહાત્માએ અબ્દુલ ગફાર વિશે જે ભવિષ્યવાણીઓ કરી હતી તે બધી ચમત્કારી રીતે સાચી પડી. અબ્દુલ ગફારનું મરણ થયું તે વખતે તેની મિલકતની કિંમત પંચાશી લાખની હતી. એ પછી સૂરતનાએ મુલ્લાજીઓની અટક 'પંચાશી' પડી ગઇ હતી.