'તારા સસરાજીની ખાનદાની જીતી ને હું હારી' .
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- દીકરીને પિયર આવવા માટે કારણોની જરૂર નથી હોતી. આગમનનું પ્રયોજન 'ગેસ્ટ-હાઉસ'વાળા પૂછે, સ્વજન નહી : સદાય આગમન માટે આતુર હોય એનું નામ જ સ્વજન
વિ દેશથી પાછા ફરેલા સંકલ્પે પોતાની મમ્મીને પૂછ્યા વગર જ્યારે પવિત્રા પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે તેના પપ્પા ઉજ્જવલકુમારને આશ્ચર્ય થયું હતું અને તેમનાથી વધારે તો સંકલ્પનાં મમ્મી અલ્પનાદેવીને બહુ નવાઈ લાગી હતી.
પવિત્રાની નિષ્પાપ આંખો, માસૂમ ચહેરો, ઓછા બોલો, એકાંત પ્રિય સ્વભાવ અને નરી સાદગી... અલ્પનાદેવીનું મન પ્રફુલ્લિત થવાને બદલે વ્યથિત થઈ જાય છે.
અલ્પનાદેવી આગળ ખડી થઈ જાય છે. સ્મરણોની વણઝાર. આદત પ્રમાણે તેઓ ચહેરા પર કડકાઈ લાવવા પ્રયત્ન કરે છે. પણ આંખમાંથી અનાયાત સરી જતાં આંસુ એ વાતની ચાડી ખાય છે કે કઠોર પથ્થરની છાતી ફાડીને કરુંણાનું ઝરણું આકાર લઈ રહ્યું છે ?
તેમને યાદ આવે છે પતિ ઉજ્જવલકુમાર સાથેનું દામ્પત્ય. અલ્પનાદેવી અને ઉજ્જવલકુમાર બન્નેનો જીવનવિષયક દ્રષ્ટિકોણ સાવ અલગ હતો. ઉજ્જવલકુમાર જેટલા નમ્ર, નિખાલસ અને નિર્દંભ, અલ્પનાદેવી તેટલાં જ અભિમાની, અક્કડ અને જિદ્દી. અલ્પનાદેવી એક સ્કૂલનાં પ્રિન્સિપાલ હતાં. પતિને લોકસેવામાં રસ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવાની તમન્ના, જ્યારે અલ્પનાદેવીને આયોજનપૂર્ણ નિયમ મુજબ જિંદગી જીવવાનાં અરમાન. ઉજ્જલકુમારનાં સંસ્કાર અને સહિષ્ણુતાને અલ્પનાદેવી કાયરતામાં ખપાવતાં હતાં. તેમ છતાં ઉજ્જવલકુમાર કોઈપણ જાતનો વિદ્રોહ કર્યા વગર અલ્પનાદેવીની દરેક ઈચ્છાને માન આપતા હતા.
સંકલ્પ જ્યારથી સમજણો થયો, ત્યારથી એકપણ દિવસ અલ્પનાદેવીએ તેને લાડથી ક્યારેય ખોળામાં બેસાડયો નહોતો. સાંજે સાતેક વાગે અલ્પનાદેવી સ્કૂલેથી ઘેર આવે ત્યારે તરત જ સંકલ્પ 'મોમ' કહીને તેમને ભેટવા તલપાપડ બની જાય, પણ અલ્પનાદેવીનું મૌન એના ઉત્સાહ પર પાણી ફેરવી દેતું.
ઉજ્જવલકુમાર કહેતા : ''અલ્પના, શું સ્કૂલ એજ તારી જિંદગી છે ? તારી અતિશય કડકાઈ અને શિસ્તનાં નિયમો સ્કૂલે મૂકીને જ તારે ઘેર આવવું જોઈએ. તું ઘેર પણ સંકલ્પને એક વિદ્યાર્થી તરીકે જ મૂલવે છે. તે આપણું સંતાન છે.''
ઉજ્જવકુમાર બોલવાનું પૂરું કરે એ પહેલાં જ અલ્પનાદેવી તાડૂકી ઊઠતાં : ''બસ, બંધ કરો તમારા લાગણીવેડા! તમારા લાડ-પ્યાર જ સંકલ્પને બગાડશે.''
અલ્પનાદેવીએ નક્કી કર્યું હતું કે સંકલ્પ સમજણો થવા માંડે કે તરત જ લાડ-પ્યાર અને મનમોજીપણા પર સખત નિયંત્રણો શરૂ કરી દેવાં. તેના પોકેટમની પર કાપ. સ્વતંત્રતા નિયંત્રણનાં પગલાં પર ભરવાનાં તેમણે શરૂ કરી દીધાં હતા. બીજી બાજુ ઉજ્જવલકુમારે સંકલ્પને મમ્મીની ખોટ ન સાલે એટલા માટે નર મટી નારીનું રૂપ ધારણ કરી લીધું. સંકલ્પ જ તેમનું સર્વસ્વ બની ગયો હતો. સંકલ્પની દૈનિક ક્રિયાઓ શરૂ થતી ત્યારથી એ શાળાએથી પાછો આવે ત્યાં સુધી તેઓ સંકલ્પની કાળજી ખાડે પગે રાખતા. પપ્પાજીના લાડ-પ્યારથી ટેવાયેલા સંકલ્પને 'અલ્પનામોમ'ની બહુ બીક લાગતી હતી.
સંકલ્પને વરસાદમાં ભીંજાવું ગમે, વહેતાં ઝરણાં સાથે વાતો કરવાનું મન થાય, પિકનિક પર જવાની ઈચ્છા થાય... પરંતુ અલ્પાદેવીની મંજૂરી વગર કશું જ શક્ય બનતું નહોતું. એક દિવસ ટયુશન માટે નિયત કરેલા ટીચર સંકલ્પની પીઠ થાબડતાં કહેતાં હતાં : ''બેટા, તું એક મોટા ગજાનો લેખક બનીશ એમ મને લાગે છે.'' ટીચરની વાત સાંભળી અલ્પનાદેવી તાડૂક્યા હતાં : ''મારે એને તમારા જેવો નમાલો નથી બનાવવાનો. એને લેખક બનાવવા માટે તમારું ટયુશન રાખ્યું છે?'' બસ એ પછી ટીચર રફુચક્કર થઈ ગયા હતા.
અલ્પનાદેવીએ સંકલ્પને સાયન્સમાં પ્રવેશ મેળવીને ડૉક્ટર બનવાનું ફરમાન આપી દીધું. જ્યારે સંકલ્પને સાહિત્યમાં ખૂબ જ રસ પડતો હતો. સંકલ્પને આધુનિક એટીકેટ શીખવા માટે વિદેશ જવાનું અલ્પનાદેવીએ ફરમાન કર્યું. સંકલ્પ કોલેજમાં હતો, ત્યારે તેની કોલેજમાં કોમર્સમાં અભ્યાસ કરતી પવિત્રા સાથે તેનો પરિચય થયો. સંસ્કાર અને સાદગી અને નિખાલસતાની મૂર્તિ સમાન પવિત્રા પ્રત્યે સંકલ્પને કૂણી લાગણી થઈ હતી. વિદેશ જતાં પહેલાં સંકલ્પ એકવાર પોતાના પપ્પા ઉજજવલકુમારને મળવા માટે પવિત્રાને લઈને ઘેર આવ્યો, હજુ સંકલ્પ પવિત્રાની ઓળખાણ કરાવે તે પહેલાં જ અલ્પનાદેવી ઓચિંતા જ ઘરે વહેલાં આવી પહોંચ્યા હતાં. પવિત્રાને ડ્રોઈંગરૂમમાં સંકલ્પ સાથે બેઠેલી જોઈને અલ્પનાદેવીનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો. અને પોતાના પતિ ઉજ્જવલકુમારનું હડહડતું અપમાન કરતાં તેમણે કહ્યું હતું : ''એમ કહો ને કે આ બધું નાટક તમારા 'ડાયરેક્શન'માં જ ભજવાઈ રહ્યું છે. તમારી આંખો પર પુત્રપ્રેમનો પડદો પડેલો છે. એટલે તટસ્થપણે વિચારવાની તમારી બુદ્ધિ જ બહેર મારી ગઈ છે. પવિત્રા જેવી નિમ્ન સ્તરના પરિવારની છોકરીને પુત્રવધૂ બનાવીને તમે શું પામશો ? ઘરમાં ગરીબ સગાં-વહાલાં અને રોજના ઝઘડા ? પોતાની યોગ્યતા કરતાં ઊંચી વસ્તુ મળે, તો હલકાં લોકો તેને પચાવી શકતાં નથી એટલું તો સમજો છો ને ?'' ત્યારે ઉજ્જવલકુમારે કહ્યું હતું : ''અલ્પના, મારે પણ એજ કહેવું છે કે પોતાની યોગ્યતા કરતાં ઊંચી વસ્તુ મળે તો તેને હલકાં લોકો પચાવી શકતાં નથી. હીરાની પરીક્ષા તો ઝવેરી જ કરી શકે. પવિત્રાને હલકટ અને નિમ્નસ્તરના પરિવારની કહેતાં પહેલાં એની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી લીધી હોત તો હું માનત કે અલ્પનાદેવી તમે ન્યાયી છો. મને ખબર નહોતી કે ઊંચી ખુરશી પર બેસનારનાં હ્ય્દય આટલાં બધાં સાંકડાં હોય છે અને તમને કોણે કહ્યું કે પવિત્રા લગ્નની વાત કરવા આવી છે ?''
ક્રોધના આવેશમાં અલ્પનાદેવીએ ઉજ્જવકુમારના ગાલ પર એક તમાચો લગાવી દીધો હતો અને ઘર છોડીને પોતાના અમીર પિતાને ત્યાં ચાલ્યાં ગયાં હતા. અને એ આઘાતથી ઉજ્જવલકુમાર હાર્ટ એટેકનો બોગ બન્યા હતા. ઉજ્જવલકુમાર સંપૂર્ણ આરામ હેઠળ હતા. છતાં તેમણે અલ્પનાદેવીના માન ખાતર સંકલ્પને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે દબાણ કર્યું. પવિત્રાએ પણ સંકલ્પને નિશ્ચિત થઈને વિદેશ જવા માટે આગ્રહ કર્યો. પવિત્રાએ ઉજ્જવલકુમારની સમગ્ર જવાબદારી ઊપાડી લીધી હતી. ઉજ્જવલકુમારની માંદગીના સમાચારથી અલ્પનાદેવી વિચલિત તો થઈ ગયાં હતાં. પણ તેમના ઘમંડી સ્વભાવે તેમને પોતાના પતિની સેવા કરવા જતાં રોકી લીધા હતા.
વિદેશથી પાછા આવ્યા બાદ સંકલ્પ પોતાને ઘેર બોલાવી લેશે એવી આશામાં અલ્પનાદેવી સંકલ્પના આવવાની રાહ જોતાં હતા. સંકલ્પે અલ્પનાદેવીને પૂછયા વગર જ પવિત્રા સાથે સાદગીથી લગ્ન કરી લીધાં હતાં. સંકલ્પ અને પવિત્રા બન્ને ઉજ્જવલકુમારની ખૂબ સંભાળ રાખતાં હતા.
અલ્પનાદેવીને તેમના પિતા પ્રેમથી રાખતા હતાં. તેમના આકસ્મિક આગમન વિષે પરિવારમાં કોઈએ કશું પૂછ્યું નહોતું મોડર્ન અલ્પનાદેવીના મોડર્ન પપ્પાજી માનતા હતા કે દીકરીને પિયર આવવા માટે કારણોની જરૂર હોતી નથી. આગમનનું પ્રયોજન 'ગેસ્ટ હાઉસવાળા' પૂછે, સ્વજનો નહીં. સદાય સ્વાગત માટે આતુર હોય એનું નામ સ્વજન. ઉજ્જવલકુમારની તબિયત જોવા અલ્પનાદેવી પણ ન ગયાં એ વાત તેમના ભાભીને ન ગમી. એમણે કહ્યું હતું 'દીદી, તમે અહીં રહો. આ તમારું જ ઘર છે એ કબૂલ પરંતુ ઘરના જમાઈ બિમાર હોય તો પણ તમારી જિદ ન છોડો એ સારું ન કહેવાય. તમે ન ગયાં એટલે અમે પણ ઉજ્જવલકુમારની ખબર જોવા ન ઝઈ શક્યાં. પપ્પાજી તો તે ઘરના વેવાઈ કહેવાય. એ પણ ન ગયા. એટલે સમાજમાં આપણા પરિવારની લોકો વાતો કરે છે. આપણે સંસ્કાર બતાવવામાં ઊણાં સાબિત થયાં છીએ દીદી.'
''બસ ભાભી, તમારો ઉપદેશ બંધ કરો. મારે નથી સાંભળવો. મારે એકાંતની જરૂર છે.''
દિવસો વહેતા ગયા. અલ્પનાદેવી સ્કૂલના પ્રિન્સિપાલ હતાં એટલે પોતાનું ભરણપોષણ કરવામાં સક્ષમ હતાં. પરંતુ ભાઈ-ભાભીના ઘરમાં એમનું કશું જ ચાલતું નહોતું. એમના પોતાના ઘરે તો સ્કૂલ છૂટવાના સમયે ઉજ્જવલ કુમાર અને સંકલ્પ બન્ને તેમની રાહ જોતા ઊભા રહેતા હતા. સંકલ્પ તેમના વાત્સલ્ય માટે તડપતો હતાં. ઉજ્જવલકુમારનો તિરસ્કાર કરીને કેટલી મોટી ભૂલ તેમણે કરી હતી તેનો અહેસાસ હવે તેમને થતો હતો.
અલ્પનાદેવી છાની રીતે ઉજ્જવલકુમાર અને સંકલ્પના સમાચાર મેળવી લેતાં હતાં. સંકલ્પ અને પવિત્રા બન્ને ખૂબ જ સમજુ હતાં. બન્નેનું દામ્પત્ય પ્રસન્નતાથી છલકાતું હતું. પવિત્રાને અલ્પનાદેવીની ગેરહાજરી ખટકતી હતી. તેણે ઘણીવાર સંકલ્પને કહ્યું હતું કે, 'આપણે મમ્મીજીના આશીર્વાદ લેવા જોઈએ.' પણ સંકલ્પે કહ્યું હતું ''પવિત્રા, મારા મમ્મીને તું ઓળખતી નથી. પપ્પાજીની બિમારીમાં, ના આવ્યા, એ શું બતાવે છે ? શું તેઓ તને અને મને માફ કરી દેશે ? આશીર્વાદ આપશે ? ના, ભાઈ ના, આવા સ્વપ્નો જોવાનું બંધ કર પવિત્રા.''
પણ પવિત્રાએ કોઈપણ રીતે અલ્પનાદેવીનું દિલ જીતવાનો નિર્ધાર કરી લીધો હતો. સવારે ઊઠીને પહેલાં જ એ અલ્પનાદેવીને ફોન કરતી : ''મમ્મીજી, ચા પીધી ? નાસ્તો'' કર્યો ? હું પવિત્રા બોલું છું. તમારી પુત્રવધૂ પવિત્રાનો અવાજ સાંભળીને તેઓ ગદ્ગદ્ થઈ જતાં હતાં. ''પણ હું તમને ઓળખતી નથી'' એવો અહંકાર ભર્યો જવાબ આપી અલ્પનાદેવી ફોન મૂકી દેતાં હતાં. પવિત્રા પણ થાક્યા વગર રોજ ફોન પર અલ્પનાદેવીની ખબર પૂછતી હતી.
પરંતુ આજે બે દિવસ થઈ ગયા. પવિત્રાનો ફોન આવ્યો નહોતો. અલ્પનાદેવીએ બે દિવસથી ચા-નાસ્તો કર્યો નહોતો. તેમના કાન પવિત્રાનો અવાજ સાંભળવા તરસી રહ્યા હતા. છેવટે પોતાનો અહંકાર ત્યજી પવિત્રા અને સંકલ્પને મળવા જવાનું તેમણે નક્કી કર્યું. એ ગાડી લઈ પવિત્રાને ઘરે ઉર્ફ પોતાનાં ઘરે પહોંચ્યાં. સાસુમાને જોઈ પવિત્રા તેમને કોટે વળગી પડી. પરંતુ અલ્પનાદેવીની આંખો ઉજ્જવલકુમાર અને સંકલ્પને જોવા તડપતી હતી. એમની મનોદશા પારખી પવિત્રાએ કહ્યું : ''મમ્મીજી, સંકલ્પ તો તમને તેડવા ગયો છે. પપ્પાજી અંદર બેડરૂમમાં આરામ કરે છે. તેઓ આપને ખૂબ જ યાદ કરે છે.'' ''બેટા પવિત્રા તારા સસરાજીની ખાનદાની જીતી છે ને હું હારી છું - કહી અલ્પનાદેવી ઉજ્જવલકુમારના પલંગ આગળ મસ્તક ઢાળી અસ્ખલિત રીતે રડવા લાગ્યાં. ઉજ્જવલકુમારે આંખ ખોલી. અલ્પનાદેવીને એમણે કહ્યું : ''અલ્પના તું હારી નથી અને હું જીત્યો નથી. જીત પ્રેમની થઈ છે. પ્રેમ કદી મરતો નથી એ થોડીક ક્ષણો માટે અદ્રશ્ય રહે પણ અંતે સત્યની જેમ પ્રેમ પણ વિજયી થાય છે. અલ્પનાદેવી, તમને તમારા જ ઘરમાં આવકારું છું અને તમારા નવાસ્વરૂપની હું અભિવંદના કરું છું. પ્રેમ દેવતાની જય હો.''