પ્રાયશ્ચિત્ત .

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
પ્રાયશ્ચિત્ત                                                     . 1 - image


- 'વીતી વાતો ભૂલી જા દોસ્ત ! ઈશ્વરે આપણા બંનેના રસ્તા અલગ નક્કી કર્યા હતા તે મુજબ... મને કોઈ અફસોસ કે રંજ નથી.' ગુરુજી મિત્રનો વાંસો પંપાળી રહ્યા....

'અ ત્યારે કોઈ ગાડી ખરી?' 'ના! પાંચ પચ્ચીસની એક્સપ્રેસ હમણાં જ ગઈ.'

'તો હવે ?'

'અહીં અઠવાડિયામાં બે દિવસ જ એ આવે છે. હવે પછી શનિવારે. બીજી લોકલ પણ આવતીકાલે.'

'ઓહ ! યુવાનના ચહેરા પર નિરાશા ફરી વળી.'

'તમને વાંધો ન હોય તો મારા મકાનમાં રોકાઈ શકો છો.' એક પ્રભાવશાળી ચહેરા પર, મંદ મંદ સ્મિત વેરતા, શ્વેત-શ્યામ ફરફરતી દાઢીવાળા, પાણીદાર આંખોમાંથી, કરુણા-સભર દ્રષ્ટિપાત કરતા સાધુપુરૂષ, યુવાનના મૂંઝવણભર્યા ચહેરા પર નજર ફેરવી રહ્યાં. '... પરંતુ સ્ટેશન તો અહીંયાથી પાંચેક કિલોમીટર દૂર છે. તો અહીંયાં...!' તેમની આંખોમાં પ્રશ્નાર્થ ડોકાઈ રહ્યો. 'આ ફાટક તો વર્ષોથી બંધ જ છે. પેલું મકાન...' તે થોડે દૂર આવેલા, વિશાળ પ્રાંગણમાં ઉભેલા મકાન તરફ આંગળી ચીંધી રહ્યા... 'મારું છે. ચાલો, ત્યાં બેસીએ.' બંને એ તરફ ગયા. તેમની પત્નીએ ધરેલા પાણીના ગ્લાસમાંથી થોડું પાણી પી તેણે હળવાશ અનુભવી.

'સુખી ઘરના લાગો છો...'

'બધા એવું જ માને છે.' યુવક ખિન્ન દ્રષ્ટિથી તેમની તરફ જોઈ રહ્યો. 'મારા પિતા એક સફળ બિઝનેસમેન છે. બેશુમાર દોલત, પાણી માગુ તો દૂધ હાજર. મારી સેવામાં નોકર-ચાકરનો કાફલો ખડે પગે. મહેલ જેવા બંગલામાંથી બહાર બગીચામાં જવું હોય તો બાઉન્સરો આજુબાજુ. રખેને કોઈ મારું અપહરણ કરી, કરોડોની ખંડણી માગે તો !... જીવનનો રોમાંચ, રસ, ક્રિયેટીવીટી, કશુંક જાતે કરવાનો આનંદ... ઝીરો ! વિદેશમાંથી મેળવેલી એમ.બી.એ.ની ડિગ્રી... વ્યર્થ ! ટૂંકમાં રાજકુમાર સિધ્ધાર્થ જેવું !' યુવાનની આંખોમાં ઘેરી ઉદાસી છવાઈ ગઈ. 'તેથી કંટાળી ભાગી છૂટયો છું.'

'અને અહીં તમે...' સાધુ-પુરૂષ વાક્ય પુરું કરે તે પૂર્વે જ યુવાન આક્રોશભર્યા સ્વરમાં ગર્જી ઊઠયો... હાૉ! આત્મહત્યા કરવા... જિંદગીના આ બોજથી છૂટવા આવ્યો છું.

તે સજ્જન થોડી ક્ષણો તેના ચહેરા પર સ્થિર આંખે નિહાળી, અટ્ટહાસ્ય કરતા ઊભા થઈ આંટા મારવા લાગ્યા. અચાનક અટકી તેની તરફ ઝૂક્યા, 'શું તમારું નામ?'

'આનંદ !'

'હા, તો આનંદ! માત્ર ચોવીસ-પચ્ચીસ વર્ષની જિંદગીમાંથી શ્રધ્ધા ગુમાવી બેઠા ? અરધો ખાલી પ્યાલો જ દેખાયો ? અરધો ભરેલો નહિં ?' તેની પાસે બેઠા. વિચારો. 'ઈશ્વર તમારી પાસે હજી ઘણું કામ લેવા માગે છે. માટે તો ગાડી ચૂકી ગયા!! એમ આઈ રાઈટ?' આનંદ પ્રતિ કરુણાર્થ નયનો માંડી રહ્યા.

'ચાલો થોડું ફરી આવીએ. કુદરતનો નજારો તો જુઓ ! કદાચ પહેલીવાર... !'

'હા! બિલકુલ!' આનંદ મ્લાન વદને ધીમા ડગ ભરી રહ્યો. 'મારા બેડ-રૂમની દિવાલો, વિશ્વપ્રસિદ્ધ ચિત્રકારોના કુદરતી સૌંદર્યના અદ્ભુત રંગોની સૃષ્ટિ રેલાવતાં ચિત્રોથી ભરેલી છે. પરંતુ તેનું વાસ્તવિક દર્શન... !' આનંદ, દૂર ઊંચી-નીચી ટેકરીઓની પાછળ છુપાતાં સૂર્યકિરણોની છટાથી રચાતાં તેજ-અંધારનાં દ્રશ્યોમાં ખોવાઈ ગયો. માળા તરફ ગતિ કરતાં, આકાશમાં કતારબંધ પક્ષીઓની શિસ્તબદ્ધ હારમાળાને અપલક નજરે નિહાળી રહ્યો. વૃક્ષોની ઘટામાંથી વેરાતી ઠંડી સુવાસનો રોમાંચ માણી રહ્યો. ઘાસના મેદાનમાં, તેના શીતલ સ્પર્શથી રોમાંચિત બની, બાળકની પેઠે દોડી રહ્યો.

'ગુરુજી ! હવે હું તમને ગુરુજી જ કહીશ. કોઈ શક ?' તેના ચહેરા પર આનંદની દીપ્તિ ચમકી રહી.

ગુરુજી મંદ મંદ અર્થપૂર્ણ સ્મિત કરી રહ્યા.

'તમારી વાત સાચી છે.' આનંદ તેમની પાસે શિષ્ય ભાવે ઊભો રહ્યો. 'જિંદગી ગહન, વિશાળ અને અનંત છે. તીરે ઊભા ન રહેવાય. અંદર ખાબકવું પડે. તો જ મોતી મળે.'

મને રસ્તો ચીંધો ! મારે જિંદગી જીવવી છે. જીવી નાખવી નથી. આનંદની આંખો અને સ્વરમાં સચ્ચાઈ પ્રગટતાં હતાં.

'આનંદ ! તું સાચી દિશામાં છે. પરંતુ આ તું માને છે તેટલું સરળ નથી. પ્રથમ તો તારા માતા-પિતા અત્યારે બેબાકળાં બની... !' ગુરુજીની વાત વચ્ચેથી અટકાવી આનંદ બોલ્યો, 'માતા તો સદા માટે વિદાય થઈ ગઈ. શ્રીમંતોનાં સંતાનો મોટે ભાગે નોકર-ચાકર કે આયાઓના હાથે જ મોટાં થતાં હોય છે. અપવાદો હશે ! તેથી તેનો શારીરિક કે માનસિક વિકાસ સંતુલિત નથી થતો. જુઓને ! મને સંવેદના, લાગણી, પ્રેમ, હૂંફ, પરિવાર... અનુભવ જ નથી. પિતા સદાય ધનોપાર્જનમાં વ્યસ્ત... આનંદને અટકાવી ગુરુજીએ આગળ ચલાવ્યું,' 'તને શોધવા આકાશ-પાતાળ એક કરશે. છેવટે પોલિસને શરણે જશે. બીજી વાત, આ તો કાંટાનો માર્ગ છે. ડગલે પગલે મુશ્કેલીઓ, અસુવિધાઓ આવશે ત્યારે ઉત્સાહની ભરતી ઓસરી પણ જાય. તેથી થોડી રાહ જો. સંપૂર્ણ વિચાર કર.' ગુરુજી તેનો ખભો પસવારી રહ્યા. '... ચાલ રાત્રિ ઢળે છે. ગુરુમાતા ભોજન માટે આપણી રાહ જોતાં હશે. વધુ વાતો સવારે!' સવારે બાજુમાં પતરાંના શેડ વાળા ઢાળિયામાં રસોઈના ધમધમાટમાં ગૂંથાયેલી મહિલાઓને સૂચના આપતાં ગુરુજીએ તેને આવવાનો સંકેત કર્યો. 'શું આજે કોઈ કાર્યક્રમ છે ?' આનંદે સહજ જિજ્ઞાસાથી પૂછ્યું. 'ના, આ તો રોજનો ક્રમ છે. જોડે શહેરમાં સરકારી અને ખાનગી દવાખાનાં છે. ત્યાં ભોજનનાં ટીફીન પહોંચાડીએ છીએ. દર્દીનાં સ્વજનોને લાંબો સમય રોકાવાનું બને. બહારનું ખાવાનું રોજ રોજ આર્થિક દ્રષ્ટિએ બધાંને પોસાય નહિ. તેથી તેવા સાધારણ સ્થિતિનાં સગાં-વહાલાં માટે આ વ્યવસ્થા કરીએ છીએ.' બંને બાજુની બેઠક પર બેઠા. સામે ભીંત પર ટીંગાતી એક પ્રૌઢ અને ગરિમાપૂર્ણ તસવીર તરફ ગુરુજી આંગળી ચીંધી રહ્યાં. તે દિવસે હું પણ એક પરિચિતની ખબર પૂછવા સિવિલ ગયેલો. ત્યારે અચાનક આ શ્રેષ્ઠીનો ભેટો થયેલો. તે પણ મારી જેમ આ સમસ્યાથી વાકેફ થયા. મને આ કાર્યમાં મદદરૂપ થવા તૈયારી બતાવી. ગામમાં વડીલો યુવાનોને વાત કરી સહર્ષ સ્વીકારી. વારા ફરતી આવવાની ગોઠવણ અને યુવાનોએ વિતરણની વ્યવસ્થા કરી.

ગુરુજી ઊંડો શ્વાસ લઈ રહ્યા. ધીમા પણ મક્કમ સ્વરે સંકલ્પ પ્રગટ કર્યો. 'આનો વ્યાપ વધારવો છે. અને પાકું, વિશાળ રસોઈઘર બનાવવાનું છે.' તે રસોઈમાં ગૂંથાયેલી મહિલાઓ તરફ દ્રષ્ટિક્ષેપ કરી રહ્યાં. 

આનંદ અહોભાવ અનુભવતો સંકોચ સાથે પૂછી બેઠો. 'પરંતુ આપ અહીં...! કશું સમજાતું નથી. વેરાન જગા... રહેઠાણ... !'

'તારી મૂંઝવણ વાજબી છે.' ગુરુજી મીઠું હસી રહ્યા. 'હું પણ તારી જેમ અહીંયાં ગાડી ચૂકી ગયેલો. ગામ લોકોના સહકાર અને હૂંફથી સ્થિર થયો.' ગુરુજી ઉદાસ ચહેરે દૂર તાકી રહ્યાં. 'એક મિત્ર સાથે ધંધો કર્યો. પ્રોડકશન વિભાગ હું સંભાળતો અને નાણાંકીય વ્યવહારો અને માર્કેટીંગ તેના હસ્તક ! ભાગ્યશાળીને ભૂત રળે એમ ધંધો જામ્યો. તેની દાઢ સળકી અને ધંધો હડપ કરી મારી હકાલપટ્ટી ! પહેર્યે કપડે ! કાણી પાઈ પણ કેવી ?' થોડી ક્ષણોમાં ગુરુજીએ સ્વસ્થતા મેળવી લીધી. 'ભગવાન જે કરે છે તે સારા માટે. આજે મને તેનો જરાય અફસોસ કે વેરવૃત્તિ નથી. ઉલટું પ્રભુમાં મારી શ્રધ્ધા દ્રઢ બની.'

'ગુરુજી મેં આ સેવા-યજ્ઞામાં જોડાવાનો સંકલ્પ કરી લીધો છે. પિતાજીને ફોનથી જણાવી અહીંનું લોકેશન પણ દર્શાવી દીધું છે. એકાદ-બે દિવસમાં આવશે. હું હવે આપના ચરણોમાં જ રહીશ.' તે નતમસ્તક બની રહ્યો.

ગુરુજીના ચહેરા પર ચમક અને સંતોષ ઝળકી રહ્યાં.

'કોઈ આપને મળવા આવ્યું છે.' સવારે ગાર્ડનિંગમાં વ્યસ્ત ગુરુજીને સેવકે જાણ કરી.

'તેમને ઓફિસમાં બેસાડ.' ગુરુજી, હાથ ધોઈ ઊભા થતાં સૂચના આપી રહ્યાં. 'ચા-પાણીની વ્યવસ્થા કરો.'

અંદર ખુરશી પર એક પ્રૌઢ, અખબારનાં પાનાં ઉથલાવી રહ્યા હતા. ગુરુજી પળવારમાં ઝીણી નજરે આગંતુકને નીરખી આશ્ચર્યથી ઉછળી રહ્યા. 'અરે ! નંદુ... તું... તું અહીંયાં !!' 

નંદલાલે સમાચાર પત્રમાંથી ડોક ઊંચી કરી. વિસ્ફારિત નેત્રે થોડી ક્ષણો અસમંજસથી નિહાળી સામે દોડી ગયા. 'આકાશ !!' બંને એકબીજાને ભેટી પડયા. ક્યાંય સુધી, આંખો મીંચી, મૌન બની રહ્યા. થોડીવારે આલિંગનમાંથી મુક્ત બની ખુરશીમાં બેસી પડયા.

'આકાશ ! તારી સાથે કરેલ વિશ્વાસઘાત આજે પણ મને સાપના દંશની જેમ ડંખી રહ્યો છે. આજ દિન સુધી મેં તારો ભાગ અલગ જાળવી રાખ્યો છે. તે સ્વીકારી મને પાપના બોજમાંથી મુક્ત કર.' નંદલાલ રડમસ ચહેરે કાકલૂદી કરી રહ્યા. 'મને માફ કર !' તે ભોંઠપ અનુભવી રહ્યા. 'વીતી વાતો ભૂલી જા દોસ્ત ! ઈશ્વરે આપણા બંનેના રસ્તા અલગ નક્કી કર્યા હતા તે મુજબ... મને કોઈ અફસોસ કે રંજ નથી.' ગુરુજી મિત્રનો વાંસો પંપાળી રહ્યા. 'મને તારા જીવતરની બધી કમાણી તારા પુત્ર રૂપે મળી ગઈ છે.' ગુરુજી સૂચક દ્રષ્ટિથી સ્મિત કરી રહ્યા.

'બરાબર છે. ગુરુજી !' દ્વાર પર ઉભેલા આનંદને જોઈ પિતાએ દોડી બાથમાં તેને ભીંસી નાખ્યો.

'પિતાજી વડીલોએ કરેલા કર્મોનું પ્રાયશ્ચિત તેની પછીની પેઢીએ પણ કરવું પડે છે. ભગીરથ રાજાની જેમ, ખરૃં ને ?' આનંદ સ્વસ્થ હતો. 

- ચંડીદાન ગઢવી 


Google NewsGoogle News