Get The App

કવિ કાલિદાસ જંગલમાં ભૂલા પડી ગયા અને...

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
કવિ કાલિદાસ જંગલમાં ભૂલા પડી ગયા અને... 1 - image


- વૃદ્ધાએ કવિ કાલિદાસને તેનો પરિચય પૂછયો અને કાલિદાસે અહંકારના ભાવ સાથે વિચાર્યું કે  'આ તુચ્છ મહિલાને મારી ઓળખ આપવાનો શું અર્થ?'

- હોરાઈઝન-ભવેન કચ્છી

- શિક્ષિતો અને કહેવાતા જ્ઞાનીઓએ ભૂલવું ન જોઈએ કે આખરે તો આચરણ અને નમ્રતા મહત્વની છે. વિશ્વ મોટા માણસોથી નહીં પણ નાના માણસોની મોટી વાતથી ચાલે છે.

ક વિ કાલિદાસ એટલે તો જ્ઞાનનો ભંડાર. માનવ જગતને જ્ઞાની થવું હોય તો કાલિદાસના સર્જનના ઘૂંટ તૃપ્ત ન થવાય ત્યાં સુધી પીવા પડે.તમારી રચનામાં અને વક્તવ્યમાં તેનો ઉલ્લેખ કરો તો બધા તમને અહોભાવથી જુએ. આવા કાલિદાસ એક વખત એક ગામ જતા હતા ત્યાં ભૂલા પડયા અને જંગલમાં અટવાઈ ગયા. નજીકમાં કોઈ  ગામ દેખાય તે આશાએ કેટલાય માઈલ ચાલ્યા. ઉનાળાની ઋતુ હોઇ બળબળતી ગરમી અને તેમાં પણ ક્યારેય આટલું ચાલ્યા ન હોય એટલે શ્રમ પડયો હતો. ગળું સુકાઈ ગયું. પાણીની સખ્ત તરસ લાગી હતી. 

એવામાં જંગલની મધ્યે એક સાવ લઘર વઘર વૃધ્ધા તેની ઝુંપડીમાં રોટલા ટીપતી જોઈ. 

કાલિદાસનો શ્વાસ બેઠો. વૃધ્ધા પાસે કાલિદાસે પાણી માંગ્યું. વૃધ્ધા ઊભા થઈને પાણી લેવા ગયા.  પ્યાલો અને માટીનો ઘડો લઈને કાલિદાસ તરફ તેઓ આવતા હતા ત્યાં સુધીની બે ત્રણ મિનિટમાં તો તેમણે આ વૃધ્ધા બાઈ વિશે કેટલું બધું વિચારી લીધું.જેમ કે 'આ વૃધ્ધા અને રાજ્યમાં તેના જેવા લાખો ગરીબો  અણઘડ અને અશિક્ષિત રહ્યા હશે.આ લોકો ભદ્ર અને સુસંસ્કૃત બને તે માટે રાજાને સૂચન કરીશ.' કાલિદાસે એ હદ સુધી વિચારી લીધું કે 'આવા બધા અભણ લોકોના એવા કર્મો જ નહીં  હોય કે મારી કૃતિઓનું રસપાન કરી શકે. 

આ દરમ્યાન પેલી વૃદ્ધાએ પાણીનો પ્યાલો આપતા પૂછયું કે 'તમારો પરિચય આપશો.?'

કાલિદાસે વિચાર્યું કે 'આ અભણ બાઈને કાલિદાસ તરીકે પરિચય આપવાનો શું અર્થ.. અને તેને મારું નામ અને પરિચય આપીશ તો પણ તે મને ઓળખી નહીં શકે કે હું કેવી હસ્તી છું. મારી બેઠક કેવા કેવા વિદ્વાનો જોડે છે. વિદ્વાનોએ તુચ્છ લોકોને પરિચય આપવો ન જોઈએ કેમ કે ઓળખી જ ન શકે તો અપમાન જેવું લાગે.'

કાલિદાસ સ્વગત એમ પણ બોલે છે કે 'આ તો જંગલમાં ફસાયો છું અને તરસ્યો છું બાકી કોઈ ગામમાં હોત તો મારા જેવા જ્ઞાનશ્રેીને સોનાના પ્યાલામાં  પાણી આપે.'

જ્યારે કોઈ ખૂબ શિક્ષિત કે જ્ઞાની વ્યક્તિ તેના કરતાં જેને તુચ્છ સમજતો હોય તેની  દયા અને અનુકંપાને  આધીન થઈ જાય તો તેનો અહંમ ઘવાતો હોય છે.

કાલિદાસે આવી મનોસ્થિતિ વચ્ચે નક્કી કરી લીધું કે વૃધ્ધાને મારો પરિચય આપીશ તે નિરર્થક છે.આથી વૃદ્ધાએ કાલિદાસને પાણીનો પ્યાલો આપતા પરિચય પૂછયો તે સાથે જ કાલિદાસે કહ્યું કે 'હું એક પ્રવાસી છું અને જંગલમાં અટવાયો છું.'

તરત જ વૃદ્ધાએ કહ્યું કે 'તમે પ્રવાસી ન હોઇ શકો. કેમ કે પ્રવાસી તો બે જ હોઇ શકે. સૂર્ય અને ચંદ્ર, બંને રોજ ઉગે છે અને અસ્ત પામે છે તેમજ સતત ફરતા રહે છે. 'કાલિદાસને આવા વળતા પ્રતિભાવથી જરા અચરજ થયું અને તેમણે કહ્યું કે 'અચ્છા તો હું પ્રવાસી નથી પણ તમારો મહેમાન છું તેમ માનો.'

હવે પેલી વૃધ્ધા કહે છે કે 'ના,તમે મહેમાન પણ ન હોઇ શકો. માત્ર બે અવસ્થાને  જ મહેમાનો કહી શકાય,યુવા અને સંપત્તિ કેમ કે બંને આપણા જીવનમાં કાયમી નથી રહી શકતી. તમે તેને લાખો વખત વિનંતી કરો, પ્રલોભનો આપો પણ તેઓને કાયમ ટકાવી ન જ શકો. આમ આપણા જીવનના બે જ મહેમાનો છે.'

કાલિદાસ આ વૃધ્ધાનું જ્ઞાન જોઈને હવે મૂંઝાયા. તેમને વૃધ્ધા પર થોડો ગુસ્સો  આવ્યો પણ સંયમ રાખ્યો. 

વૃધ્ધાએ પ્રશ્ન ફરી દોહરાવ્યો કે 'તો મહાશય તમે કોણ છો.?'

 તે સાથે જ કાલિદાસથી બોલાઈ જવાયું કે 'હું એક સહનશીલ વ્યક્તિ છું.' 

હવે વૃધ્ધાએ એમ કહ્યું કે 'ના ..તમારો આ પરિચય પણ યોગ્ય ન ગણાય કેમ કે ભૂમિ અને વૃક્ષ સિવાય કોઈ સહનશીલ ન કહેવાય. આપણે ભૂમિને કેટલી કલુષિત કરીએ છીએ. નગરો વસાવવા તેનું ખોદકામ કરીએ છીએ. પેટાળ સુધી પહોંચી વિકાસ કરીએ છીએ. તેના પર દબાણ કરીએ છીએ અને ઉકરડા અને ગંદકીથી ખરડાવી દઈએ છીએ તો પણ તે આપણને આધાર આપી બોજ ઝીલતી જ રહે છે. તેવી જ રીતે વૃક્ષોનું છેદન નિર્દયતાથી કરતાં જ રહીએ છીએ તો પણ તે ફળ અને છાંયડો કુહાડીના ઘા સહન કરવા છતાં આપતા જ રહે છે. બોલો મહાશય તમારી સહનશીલતા ધરતી અને વૃક્ષની તુલનામાં નજીક ફરકી શકે?'

વૃધ્ધાએ ફરી એ જ પ્રશ્ન કર્યો કે 'હા,તો મહાશય તમે કોણ છો?'

હવે કાલિદાસને પણ આ જ્ઞાન ગમ્મતમાં મજા પડવા લાગી. તેઓ ધરાર તેમનો પરિચય આપવા જ નહોતા માંગતા તેથી તેમણે કહ્યું કે 'હું એક જક્કી અને જડ વ્યક્તિ છું.'

વૃધ્ધા પાસે આનો પણ જવાબ તૈયાર હતો. વૃધ્ધાએ કહ્યું કે 'તમે જડ કે જક્કી પણ ન જ હોઈ શકો કેમ કે નખ અને વાળ એ બે જ જક્કી કહી શકાય કેમ કે તમે ગમે તેટલી વખત તેને કાપો તો ફરી ઉગી જ નીકળે છે.'

હવે કાલિદાસને ફરી પરિચય પૂછવામાં આવે છે ત્યારે થોડા ઘમંડ મિશ્રિત ટોનમાં ઉત્તર આપે છે કે 'તો બસ હું એક મૂર્ખ છું.'

વૃધ્ધા કાલિદાસ સ્તબ્ધ થઈ જાય તેમ કહે છ 'ના તમે મૂર્ખ ન હોઇ શકો.બે જ વ્યક્તિ ખરા મૂર્ખ કહેવાય.એક તો દેશના રાજા એવા હોય કે જેની ક્ષમતા ન હોય અને શાસન કરતાં હોય અને બીજા મૂર્ખ એવા મંત્રી છે જે આવા રાજાની ખુશામત કરીને તેને એવા ભ્રમમાં સતત રાખે છે કે તમે યુગપુરુષ છો.'

કાલિદાસને હવે એહસાસ થાય છે કે જેને તેઓ તેના પહેરવેશ, જાતિ અને રહેણાંકને  પાશ્ચાદમાં રાખીને તુચ્છ તરીકે  મૂલવતા હતા તે વૃધ્ધાએ તેને જ્ઞાનની રીતે હરાવી દીધો છે.

કાલિદાસ વૃધ્ધાના ચરણોને સ્પર્શ કરી આશીર્વાદ અને માફી બંને માંગતા કહે છે કે 'મને માફ કરો માતા. મારા અહંકાર અને અજ્ઞાન બદલ ભારે શરમ અનુભવું છું. મારા માટે દયા કરો અને પાણીનો પ્યાલો મને આપો.

કાલિદાસ આ વૃધ્ધાના ચરણોને સ્પર્શ કરીને માથું ઊંચું કરીને ઊભા થવા જાય છે ત્યાં તેના આશ્ચર્ય અને ધન્યતા વચ્ચે તે વૃધ્ધાની જગ્યાએ સાક્ષાત સરસ્વતી માતા  જ તેને દર્શન આપવા ઊભા હોય છે. 

સરસ્વતી માતા કાલિદાસને ઉપદેશ આપે છે કે 'તે તારા જ્ઞાનથી મારું દિલ તો જીતી લીધું છે પણ હું તારા કેટલા લક્ષણથી ખૂબ ચિંતિત હતી અને તે છે તારો અહંકાર, ઘમંડ અને બીજાને મૂલવવાની તારી દ્રષ્ટિ. તારું તમામ જ્ઞાન જો તારામાં નમ્રતા અને માનવીય અભિગમ ન હોય તો નિરર્થક છે.તારું જ્ઞાન કોઈને ઉપયોગી તો ન થાય પણ અનર્થ સર્જે. જે જ્ઞાનથી તમારો અહંકાર વધુને વધુ પોષણ મેળવતો હોય તે જ્ઞાન એકડા વગરના મીંડા જેવું છે.'

સરસ્વતી માતા એમ પણ કહે છે કે 'શિક્ષણ, બુદ્ધિમતા, જાતિ, જ્ઞાતિ,રંગ અને  ભદ્ર સમાજના માપદંડ સાથે બધી વ્યક્તિને મુલવવી ન જોઈએ. અહંકારી જ્ઞાની તો મોટી સંખ્યામાં છે પણ તેઓ આત્મ સાક્ષાત્કારની અવસ્થા ક્યારેય પામી ન શકે. તેઓ બધાના હૃદયમાં ક્યારેય ચિરંજીવ સ્થાન ધારણ ન કરી શકે.કાલિદાસ, તારે જ્ઞાની નહીં પૂર્ણ જ્ઞાની બનવાનું છે.'

કાલિદાસ ભાવાવેશમાં આવી રડવા માંડયા આજે તેમના નેત્રો નહીં દ્રષ્ટિ ખુલી ગઈ હતી.સરસ્વતી માતા અદ્રશ્ય થઈ ગયા. ઝૂંપડી નહોતી પણ પાણી ભરેલો પ્યાલો પડયો હતો.માતાજી એટલી તો તેના સાધકની કાળજી લે જ ને. કાલિદાસ તે પછી પૂર્ણ જ્ઞાની અને અમર બન્યા.કેમ કે તેમણે એવો વહેમ છોડી દીધો હતો કે તે જ શ્રેષ્ઠ છે.તેઓ માનતા હતા કે આપણા કરતાં પણ જ્ઞાની એવા લોકો હોઇ જ શકે કે જેઓ અજ્ઞાત છે આ ઉપરાંત શિક્ષિત અને જ્ઞાનીઓ જેઓને અણઘડ અને તુચ્છ માને છે તેઓ પણ વધુ જ્ઞાની હોઇ શકે છે. 

આજે પણ શિક્ષિતો અને જ્ઞાનીઓની આવી સંકુચિત દ્રષ્ટિ છે જ. તેઓ સામેની પ્રત્યેક વ્યક્તિની મનોમન મુલવણી કરીને પોતે વધુ જ્ઞાની અને ભદ્ર છે તેમ ખ્યાલ બાંધી અહંકાર પોષે છે. પોતે ગુરુતા ગ્રંથિ સાથે જ ફરતા હોય છે. તેઓ પ્રત્યેક વ્યક્તિ પ્રમાણે ગુણને પારખવાની જગ્યાએ વ્યક્તિની જ્ઞાતિ,રંગ અને ગ્રામીણ બોલચાલ અને  વેશપરિધાનના આધારે  મંતવ્ય બાંધી લે છે. યાદ રહે આપત્તિના  સમયે આવા લોકો જ  અડધી રાત્રે વગર ઓળખાણે કામમાં લાગતા હોય છે. જાહેર માર્ગ પર અકસ્માત   કે કુદરતી આપત્તિ વખતે જ્ઞાની,શિક્ષિતો કે સુંવાળી ચામડી ધરાવતા રાહત કાર્યોમાં જોવા નહીં મળે.હા, તેઓ દયા,અનુકંપા, કરુણા પર સંસ્કૃતમાં શ્લોક પઠન કરીને સભા ગજવી શકતા હશે પણ આ બધું જ્ઞાન હોવા છતાં આ તમામ જ્ઞાન  આચરણમાં તો ઓછું ભણેલા કે કથા - ગીતા બોધ નહીં ધરાવનાર  મૂકતા હોય છે.

પોતે સંજોગોવસાત ઓછો અભ્યાસ કરી શકેલ વ્યક્તિ આગળ જતા દેશ વિદેશમાં કરોડોની કમાણી કરીને તેમના વતન કે દેશમાં શાળા કે કોલેજ  જ નહીં યુનિવર્સિટી નિર્માણ કરતું દાન આપે તે મહાન કે ૧૦૦૦ રૂપિયાનું પણ દાન ન કરનાર સાક્ષર જે વિદ્યાદાનના મહિમા પર વક્તવ્ય આપી  તાળીઓ મેળવતો જ્ઞાની.

જ્ઞાનીને ઘેર અતિથિ આવે અને તેને માનભેર આવકાર ન આપે, ભોજન માટે પણ ન કહે તેવા જ્ઞાની પાસે 'અતિથિ દેવો ભવ:' પર બે કલાક ચાલે તેવી સ્ક્રિપ્ટ હોય છે. તેની સામે જંગલ કે ગામડામાં સાવ અજાણ્યા, નિરક્ષર જેવા તમને રોટલો શાક વગર જવા ન દે તે ખરા જ્ઞાની ન કહી શકાય?

તમે વિચારીને યાદી બનાવજો.તમારી મુશ્કેલ પળે તમારી મદદે બહુ  શિક્ષિત કે જ્ઞાની આવ્યા છે કે સુખદ પળોમાં સમાજ જેને મનોમન સમાજ અશિક્ષિત, અસંસ્કારી કે તુચ્છ જેવી ગણતી હતી તે. શક્ય છે આવા લોકોએ જ તેમના સાહેબની, માલિકની,પાડોશીની શેઠની, અજાણ્યાની, સાથી કર્મચારીની મદદ કરી હોય છે.

વિશ્વ નાના માણસોની મોટી વાતોથી ચાલે છે તે યાદ રાખશો તો ઘમંડ ઓછો થઈ જશે.

કાલિદાસ પણ દ્રષ્ટિના શિકાર હતા અને જ્ઞાન પર ગ્રહણ હોય તેવી તેમની સ્થિતિ સરસ્વતી માતા પામી ગયા હતા. તે તેના વ્હાલા સંતાન એવા કાલિદાસને ઉગારવા માંગતા હતા તેથી વૃધ્ધાનો વેશ ધારણ કર્યો હતો.

આપણને પણ જીવન યાત્રામાં આપણી આંખ ઉઘાડવા માટે આવી વ્યક્તિઓ મળી જ જતી હોય છે.સાચું જ્ઞાન કોને કહેવાય તે જ્ઞાન જ ન હોય તેવું પણ બનતું જ હોય છે. 


Google NewsGoogle News