અંતરિક્ષમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમતાં સુનિતા વિલિયમ્સ
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- સુનિતા વિલિયમ્સસ અને બુચ વિલમોર બંને 2025ના ફેબુ્રઆરીમાં સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન દ્વારા પૃથ્વી પર પાછાં આવશે
બ હાર ગામ યાત્રાએ જવાનું હોય ત્યારે આપણે ગમે તેટલું સારું મુહુર્ત જોઈને નીકળ્યા હોય, તમામ તૈયારીઓ કરી હોય, ે છતાં એકાએક કોઈ વિઘ્ન નડે, તો શું થાય? ટ્રેન કે પ્લેન યાત્રામાં કોઈ કારણસર વિલંબ થાય યા પહાડી ઈલાકામાં ભૂપ્રપાત થાય, અથવા વાદળ ફાટવાથી અનરાધાર વરસાદ પડે તો તમારી ટૂર પર બ્રેક લાગે કે નહીં?
બસ આવું જ કંઈક ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે થયંું છે. સુનિતા અને તેનો જોડીદાર અવકાશવીર બુચ વિલમોર પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ કાળા ડિબાંગ અવકાશમાં ફસાયા છે. જે યાત્રા તેમણે માત્ર સાત દિવસમાંપૂરી કરવાની હતી તે આ લખાય છે ત્યારે ૭૦ દિવસ પછી પણ ડામાડોળ છે. જે અવકાશયાનમાં બેસીને તેઓ અવકાશમથક - ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયા તે યાનમાં જ ખામી
સર્જાઈ છે. અને દિવસોની મથામણ પછી પણ આ ખામી દૂર કરી શકાઈ નથી. એટલે નાસાએ તો એવી જાહેરાત પણ કરી દીધી છે કે સુનિતા અને તેના સાથીએ પૃથ્વી પર પરત ફરવા ફેબુ્રઆરી ૨૦૨૫ સુધી રાહ જોવી પડશે.
નાસાના પ્રવક્તા એમ કહે ેછે કે અવકાશમાં ઊભી થયેલી આ અડચણને કારણે હાલમાં તો સુનિતા અને વિલમોરના જીવ જોખમમાં નથી. અવકાશમથક પર હજુ બીજા છ મહિના તેઓ સુખેથી પસાર કરી શકશે. વળી, હાલમાં આ સ્પેસ સ્ટેશન પર બીજા સાત અવકાશવીરો વસવાટ કરી રહ્યાં છે. આ અવકાશમથક પણ એક પ્રકારની સ્પેસ લેબોરેટરી છે જે સતત ૪૦૦ કિ.મી.નું અંતર રાખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતું રહે છે. નવેમ્બર ૨૦૦૦માં તરતા મૂકાયેલા આ અવકાશમથક પર એક પણ દિવસ એવો ખાલી ગયો નથી જ્યારે તેના પર એક પણ માનવી ન હોય.
હવે આ ઘટનાને તબક્કાવાર જોઈએ. વિલિયમ્સ અને વિલમોરે ગયા જૂન મહિનામાં બોઈંગ કંપનીના સ્પેસ ક્રાફ્ટ સ્ટાર લાઈનરમાં અવકાશમથક સુધીની યાત્રા ખેડી હતી. આ પહેલા પણ સ્ટારલાઈનર અવકાશયાન બે વાર સ્પેસ સ્ટેશન સુધી જઈ આવ્યું હતું. પરંતુ સુનિતા અને બુચને લઈને આ (સમાનવ) અવકાશયાન પહેલીવાર સ્પેસ સ્ટેશન સુધી પહોંચ્યું હતું. જોવાની વાત એ છે કે સ્ટાર લાઈનર યાન લોંચ કરવામાં આવ્યું તે પૂર્વે જ આ યાનની પ્રોપલ્ઝન સિસ્ટમમાંથી હેલીયમ લીક થથું હોવાની જાણ થઈ હતી. પરંતુ આ પ્રોજેક્ટ પર કામ કરતા એન્જિનિયરોએ આ ક્ષતિની અવગણના કરીને રોકેટલોંચને ધરાર ગ્રીન સિગ્નલ આપ્યું હતું. બીજી તરફ આ સ્ટારલાઈનરની સ્પેસ સ્ટેશન તરફની યાત્રા દરમિયાન જ બીજા બે ભાગમાંથી હેલિયમ લીક થતું હોવાનું જણાયું હતું. છતાં અવકાશયાન સહીસલામત સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગયું.
છેવટે આ યાનનું સ્પેસ સ્ટેશન સાથે 'ડોકિંગ' થયું અને બેઉ અવકાશવીર સ્ટાર લાઈનરમાંથી નીકળી અવકાશમથક પર પહોંચી ગયા. પછી યાનમાં વધુ ખામી સર્જાવા લાગી. છેવટે નાસાના પ્રોગ્રામ સંચાલક સામે મોટો સવાલ એ ઊભો થયો કે યાનમાં આવી ગંભીર ક્ષતિ સર્જાયા પછી પૃથ્વી તરફની રિટર્નજર્ની માટે તેનો ઉપયોગ કરવો કે કેમ? સ્વાભાવિક રીતે જ નાસાના ગ્રાઉન્ડ એન્જિનિયરોએ પણ આ યાન સંપૂર્ણ દુરસ્ત ન થાય ત્યાં સુધી તેનો વપરાશ કરવા પર પાબંદી લગાવી. હાલ પરિસ્થિતિ એ છે કે સ્ટારલાઈનરનું સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી સુનિતા અને વિલમોર સ્પેસ સ્ટેશન પર જ રહે. કારણ કે હાલમાં આ બે અવકાશવીરોને પૃથ્વી પર પરત લાવવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા (બીજું સ્પેસક્રાફ્ટ) ઉપલબ્ધ નથી.
ગયા સપ્તાહે નાસાએ એવી જાહેરાત કરી છે કે સુનિતા વિલિયમ્સસ અને બુચ વિલમોર બંને ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન દ્વારા પૃથ્વી પર પાછાં આવશે. અગાઉ જણાવ્યા મુજબ બોઇંગની સ્ટારલાઇનર કેપ્સુલ દ્વારા નહીં. સ્પેસ એક્સ અમેરિકાના ઑટો ઈન્ડસ્ટ્રીના જાયન્ટ ટેરલા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઈલોન મસ્કની છે.
નાસા અને બોઈંગના વ્યવસ્થાપકો વચ્ચે તાજેતરમાં થયેલી નવી સમજૂતી પ્રમાણે સ્પેસ એક્સ દ્વારા સપ્ટેમ્બરના અંત પહેલા એક અવકાશયાન આ સ્પેશ સ્ટેશન તરફ રવાના થશે. જેમાં ચાર અવકાશવીરો હશે. આ ચારેય જણ ફેબુ્રઆરીમાં પરત પૃથ્વી તરફ પાછા ફરશે. પરંતુ આ ગાળામાં સુનિતા અને વિલ્મોરને પાછા લાવવાની વ્યવસ્થા નહીં થઈ હોય તો સપ્ટેમ્બરમાં માત્ર બે જ અવકાશવીર અવકાશમથક અઈ.એસ. એસ. પર જશે. જેથી પાછા વળતા તેઓ તેમની સાથે સ્પેશ સ્ટેશન પર હાલમાં ફસાયેલા સુનિતા અને વિલ્મોરને પાછા લાવી શકાય.
સ્પેસ સ્ટેશન આમ તો છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે. ચોક્કસ સમયના અંતરે પાંચથી સાત અવકાશવીરોને આ અવકાશમથક પર આમંત્રવામાં આવે છે. આ એસ્ટ્રોનટ્સ આમ તો મુખ્યત્વે પાંચ જ દેશ/ દેશસંમુહના હોય છે. જેવા કે અમેરિકા , રશિયા, જાપાન, કેનેડા અને યુરોપિયન સંઘ. આ અવકાશવીરો સ્પેસ સ્ટેશન પર પહોંચીને તેમના વસવાટ દરમિયાન વિવિધ પ્રયોગો કરે છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, અંતરીક્ષયાન કે સ્પેશ શટલમાં વિજ્ઞાનીઓ જાતજાતના બાયોલોજિકલ, ભૌતિકશાસ્ત્રીય પ્રયોગો કરે છે, ઉંદર, જીવડા વગેરેનું વજનવિહોણી પરિસ્થિતિમાં વર્તન, તેનું પ્રજનન, વનસ્પતિના બીમાંથી ઉગતો છોડ, તેનો વિકાસ વગેરે વિષે પ્રયોગો કરે છે. માનવજીવન પર વજન વિહોણી પરિસ્થિતિમાં કેવી અસર થાય ચે તેને લગતા જાતજાતના પ્રયોગો કરે છે. પ્રથમ આવા પ્રયોગ સોવિયત યુનિટને લાયકા નામની કુતરી અને જાતજાતના વાંદરા પર કર્યા હતા.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રમાણમાં ઘણું મોટું છે અનેસાતથી પણ વધુ અવકાશવીરોને એક સાથે સમાવી શકે છે. સામાન્ય રીતે આ અવકાશમથકને છ રૂમના ફ્લેટ સાથે સરખાવી શકાય. જેમાં છ બેડરૂમ (સ્લિપીંગ ક્વાર્ટર) ઉેપરાંત બે બાથરૂમ તથા જિમની સુવિધા છે. આ સિવાય કાર્ગો સ્પેસશીપ (માલવાહક યાન) પણ નિયમિત સમયના અંતરે આ મથક સાથે સંકળાય છે. જેનું કામ મુખ્યત્વે આ મથક પર જરૂરી સામગ્રી તથા અવકાશમથકની જાળવણી માટે જરૂરી સાધનસામગ્રી લાવવાનું છે. આ યાનના યાત્રીઓ અવકાશમથકની સાફ-સફાઈ કરી જમા થયેલો કચરો સાથે લઈ જાય છે પરંતુ પૃથ્વી પર પાછો લાવવાને બદલે તેમનું યાન પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશે ત્યારે કચરો આકાશમાં જ ઠાલવી દે છે. જે વખતજતાં હવામાં ઘર્ષણને કારણે બળીને નષ્ટ થઈ જાય છે.
આવું એક સ્પેસક્રાફ્ટ સિગ્નીટ્સ ગયા અઠવાડિયે જ અવકાશમથક સાથે જોડાયું હતું. અમેરિકાની એરોસ્પેસ- ડિફેન્સ કંપની નોર્થ રોપ ગુ્રમનનું ખાનગી યાન નાસાના ઓર્ડર પર કામ કરે છે. આ યાન પૃથ્વી પરથી ૩૭૦૦ કિ.ગ્રા. વજનનો સામાન લઈને અવકાશમથક પર પહોંચ્યું હતું. આ યાન જાન્યુઆરી ૨૫ સુધી સ્પેશ સ્ટેશન સાથે 'ડોર્ક' (જોડાયેલું) રહેશે. ત્યારબાદ પૃથ્વી તરફ પાછું ફરશે. અત્રે એ પણ જણાવી દઈએ કે આ અવકાશમથક સાથે એકી સમયે આઠ યાન 'ડૉક' કરી શકે છે.
જો કે આ કાર્ગોશીપ સુનિતા કે વિલ્મોરને સલામતીપૂર્વક ધરતી પર પાછા લાવવા વાપરી શકાય નહીં. કારણ કે તેમાં અવકાશવીરોની યાત્રા માટે માફક આવે તેવા સ્પેશિયલ કેપસ્યુલની સુવિધા હોતી જ નથી.
બીજી તરફ જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ સુનિતાના પરિવારજનો, મિત્રમંડળની ચિંતા વધતી જાય છે.
ભારતના અસંખ્ય નાગરિકો પણ સુનિતા અને તેના સાથીદાર હેમખેમ ધરતી પર પાછા આવે તેવી કામના કરે છે. સુનિતા મૂળ તો ગુજરાતના ઝૂલાસણ ગામની છે.
લોકોની ચિંતા સાથે નાસાના પ્રોગ્રામ સંચાલકોના જીવ અધ્ધર કરી નાંખે તેવા અહેવાલ તાજેતરમાં આવ્યા છે.
અમેરિકાની લશ્કરી અવકાશ પ્રણાલિઓના ભૂતપૂર્વ કમાન્ડર રુડી રિફોલ્ડીએ જણાવ્યું હતું કે જો સ્ટારલાઇનર અવકાશ યાન ખોટા ખૂણાએથી પૃથ્વી પર પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે વાયુમંડળને ટકરાઈને પાછુ તેની તે જ કક્ષામાં રહી શકે છે.આ સ્થિતિમાં સુનીતા અને વિલ્મોર પાસે અવકાશમાં ફક્ત ૯૬ કલાકનો જ ઓક્સિજન બચેલો હશે.
એક અન્ય સંભાવનામાં સ્પેસક્રાફ્ટ ખોટા એલાઇન્મેન્ટના લીધે પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરવામાં નિષ્ફળ નીવડી શકે છે. આમ થાય તો સ્ટારલાઇનર અનિશ્ચિતકાળ સુધી અવકાશમાં ફસાયેલું રહેશે. જો અવકાશ યાન સીધા ખૂણેથી પ્રવેશવાનો પ્રયત્ન કરે તો અત્યંત ઘર્ષણ અને ગરમીના લીધે તેની હીટશીલ્ડ નિષ્ફળ નીવડી શકે છે. આ સ્થિતિમાં સ્પેસક્રાફ્ટ સપાટી સુધી પહોંચતા પહેલા જ સળગી જશે. આના લીધે તેમા સવાર અવકાશયાત્રીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. કલ્પના ચાવલાના કેસમાં આવું જ બન્યું હતું.
કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મૂળની અંતરીક્ષયાત્રી હતી, જે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં વસવાટ કરી આવી હતી, સ્પેશ શટલમાં રહી આવી હતી. બીજી વખત સ્પેશ શટલમાં અંતરીક્ષમાં ગઈ ત્યારે સ્પેશ શટલના હિટ શિલ્ડમાંથી રિફેક્ટરી મટીરિયલનો નાનો ટુકડો ઉખડી ગયો. નાસાના વિજ્ઞાનીઓને લાગ્યું કે વાંધો નહીં આવે, પણ શટલ રિટર્ન જર્નીમાં પરત આવતી વખતે જ્યારે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ્યું ત્યારે વાયુના ઘર્ષણને લીધે આગ સ્પેશ શટલમાં પ્રવેશી અને પૂરું ક્રૂ મૃત્યુને શરણ થયું. આ સ્પેસ શટલ કોલંબિયામાં પ્રવાસ ખેડનારા સાતેય અવકાશવીરો (કલ્પના ચાવલા સહિત) મૃત્યુ પામ્યા હતાં. સુનીતા વિલિયમ્સના કેસમાં પણ સ્ટાર લાઇનરમાં હિલીયમનું ગળતર શરૂ થઈ ગયું છે અને નાસાના વિજ્ઞાનીઓ માને છે કે સુનીતાને તેઓ હેમખેમ પાછી લાવી શકશે, નહીં તો મસ્કનું
ફાલ્કન-૯ રોકેટ (સ્પેશ એક્સનું રોકેટ) તેની મદદે આવશે. સુનીતા અને તેનો સાથી અંતરીક્ષયાત્રી સાત દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં વસવાટ કરવા અને કેટલાક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવા ગયા હતા, પણ આજ ૭૦ દિવસથી વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં તે પાછા આવી શક્યા નથી, આઇએસએસ (ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન)માં ફસાઈ ગયાં છે અને સુનીતાને આંખે અને હાડકાંના ગળતરની થોડી તકલીફ શરૂ થઈ ગઈ છે. તે આવતા વર્ષના ફેબુ્રઆરી મહિનામાં પાછા ફરી શકશે.
અહીં એ વાતનો પણ ખુલાસો કરી દઈએ કે સ્પેસ સ્ટેશન પર અવકાશવીર સાત કે દસ દિવસથી વધુ રહી ન શકે તેવું નથી. એ જ રીતે અવકાશમથક પર નવ-દસ મહિના ગાળવા એ પણ કંઈ સામાન્ય બાબત નથી. છતાં ભૂતકાળમાં એવા કેટલાય પ્રયોગો થયાં છે જ્યારે પૃથ્વી પરથી ગયેલો અવકાશવીર આ સ્પેસ સ્ટેશન પર લાંબો સમય રહ્યો હોય.
નજીકના ભૂતકાળમાં અમેરિકન અવકાશયાત્રી ફ્રેન્ક રૂબિયોએ આઈ.એસ.એસ. પર ૩૭૧ દિવસ (સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૨૦૨૩) પસાર કર્યાં હતાં. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરની આઈ.એસ.એસ.ની આ ત્રીજી મુલાકાત છે. સુનિતા વિલિયમ્સે ૨૦૦૬-૦૭ વચ્ચે તેની પહેલી યાત્રા દરમિયાન ૧૯૬ દિવસ અને બીજીયાત્રા (૨૦૧૪મા) દરમિયાન ૧૨૭ દિવસ અવકાશમથક પર વસવાટ કર્યો હતો. વિલમોરે પણ તેની અગાઉની બે વિઝિટ ૨૦૧૪ અને ૨૦૧૫ દરમિયાન કુલ મળીને ૧૭૮ દિવસ આ મથક પર ગાળ્યા હતા.
અગાઉ થયેલા પ્રયોગો એ દર્શાવે છે કે અવકાશમથક પર કે અવકાશમાં બીજા કોઈપણ સ્થળે માઈક્રોગ્રેવિટીના કારણે (ગુરુત્વાકર્ષણ વિહિન દશામાં) હાડકાની ઘનતા નબળી પડે છે. સ્નાયુઓ પણ નબળા પડે છે. ગુરુત્વાકર્ષણ નહીંવત હોવાથી મગજમાંના તરલ પદાર્થને પણ અસર થાય છે તેમ જ મગજની સંરચના પણ બદલાવા લાગે છે. આવું જ કંઈક સુનિતા વિલિયમ્સ સાથે પણ થયું છે. અનિવાર્ય સંજોગોમાં જે વધુ પડતો સમય વજનવિહિન દશામાં રહે તો અવકાશવીરને હૃદયની બીમારી પણ લાગુ પડી શકે. આ કારણસર જ અવકાશમથક પર રહેતાં યાત્રીઓએ રોજ ઓછામાં ઓછા બે કલાક જિમમાં ગાળવા પડે. યોગ અને બીજી કસરતો કરવી પડે.