શ્રેણિક રાજાના મૃત્યુનું રહસ્ય .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- શ્રેણિક રાજાના મૃત્યુનું રહસ્ય: આ કથાનો તાલ કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય આ રીતે જોડી આપે છે. છેક પૂર્વભવ સુધી કથા લંબાય છે
ત્રિ ષષ્ટિ શલાકા પુરુષ, કલિકાલ, સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય કૃત ચરિત્રગ્રંથની કીર્તિ મહાકાવ્ય કોટિની છે. એ ગ્રંથમાંથી શ્રેણિક રાજાના મૃત્યુની એક કથા આપણે આ અગાઉ જોઈ ગયા છીએ. માત્ર એ કથાનક ઉપરથી એમ થાય કે એવો કેવો અધમ દીકરો કે બાપને આમ મારી નાખે? આ ઘટનાનો તાલ કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય આ રીતે જોડી આપે છે. છેક પૂર્વભવ સુધી કથા લંબાય છે.
ભરતક્ષેત્રે વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા હતો, તેને દેવી જેવી અમરસુંદરી નામની પટરાણી હતી. તેમને ત્યાં સુમંગળ નામે એક પુત્ર થયો હતો. સુમંગળને નાનપણથી મંત્રીપુત્ર સેનક સાથે મિત્રતા હતી. પરંતુ સેનક કુરૂપ હતો, દેખાવડો નહોતો. બાહુક જેવો લાગતો હતો. ઘુવડની જેમ નાકે ચીબો હતો. બિલાડા જેવી આંખો હતી, વાળ પીળા હતા. ઉંટના જેવી લાંબી ડોક અને લબડતા હોઠ ધરાવતો હતો. ઉંદરના જેવા નાના ટૂંકા કાન, ભારે જાંઘ, દાંત બહાર નીકળેલા. આવાં તો શારીરિક કુલક્ષણો સેનકમાં હોવાને કારણે ઘણાં લોકો તેની મશ્કરી કરતાં. સેનકના વિકૃતરૂપની તેનો મિત્ર સુમંગળ પણ મશ્કરી કરતો, ઉપેક્ષાથી તેના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે વસંતપુર છોડી દીધું. વનમાં ગયો. તાપસના સાનિધ્યથી તેને સિદ્ધિ મળી તે પણ તપસ્વી બની ગયો.
તે તાપસ થયેલો સેનક એકવાર તપસ્વીરૂપે ફરી વસંતપુરમાં પધારે છે. ત્યારે તેના મિત્ર સુમંગળ કુમાર રાજ્યાભિષેક કરી ગાદી પર બેસી ગયેલા છે. પ્રજાને ખબર પડી કે તપસ્વી તો આપણા મંત્રીપુત્ર સેનક જ છે. એટલે લોકો તેમની પૂજા કરવા લાગ્યા. પ્રજાએ સેનકને ત્યારે પૂછ્યું- વૈરાગ્ય કેમ લીધો? તપસ્વી સેનકે ત્યારે સ્પષ્ટ કહ્યું કે 'સુમંગળ મારો મિત્ર હોવા છતાં વારંવાર મારા વિરૂપની મજાક કરતો, ઉપહાસ્ય કરતો, એટલે મને વૈરાગ્ય જાગ્યો. આ વાત રાજા પાસે ગઈ. રાજા સુમંગળ દોડતો સેનક તપસ્વી પાસે આવી પોતાની ભૂલની માફી માંગવા લાગ્યો અને ઉપવાસી તાપસ સેનકને ઉપવાસ પૂર્ણ થયે પોતાને ત્યાં પારણાં કરવા માટે ખાસ નિમંત્રણ પાઠવતો ગયો. સેનક તાપસે રાજાને આશિષ આપી નિમંત્રણનો સ્વીકાર કર્યો.
જ્યારે એક મહિનાના ઉપવાસ પૂર્ણ થયા, ત્યારે બીમાર રાજા ભૂલી ગયો, પણ સેનક સામેથી રાજ્યમાં પહોંચ્યો. ત્યારે સુમંગળ રાજાને શરીરે ઠીક ન હોવાથી દ્વારપાલે બારણાં બંધ રાખેલાં. સેનક તાપસ ત્યાંથી ભૂખ્યા પાછા ફર્યા સેનકના ચહેરા ઉપર ગુસ્સાનો કોઈ ભાવ નહિ, ફરીથી બીજા એક મહિનાના ઉપવાસ શરૂ કરવા લાગ્યા. બીજા મહિનાના ઉપવાસનું વ્રત લીધું છે. સુમંગળ રાજા સ્વસ્થ થતાં પોતે આપેલું નિમંત્રણ સાંભરી આવ્યું ફરી સેનક તાપસ પાસે આવી ક્ષમા માંગી. મહર્ષિ ! મેં તમને પુણ્યને માટે નોતરેલા પણ આ તો હું પાપમાં પડયો! હવે આ બીજા મહિનાના માસક્ષમણનાં પારણાં તો હું કરાવીશ જ. તાપસ સેનકે હસતેમુખે ફરી નિમંત્રણ સ્વીકાર્યું. માસક્ષમણ પૂર્ણ થતાં તાપસસેનક રાજાને ત્યાં પહોંચ્યા. પણ આ વખતે પણ સુમંગળ રાજાને શરીરે ઠીક નહોતું. દ્વાર બંધ હતાં. સેનક તાપસ બીજીવાર પાછા ફર્યા. ત્રીજું માસક્ષમણ પૂર્ણ થતાં. તે સેનકતાપસ ત્રીજીવાર રાજાને ત્યાં પહોંચ્યા. આ વખતે પણ રાજા રોગથી પીડાતા હતા. ત્રીજીવાર આવું બન્યું એટલે રાજદ્વારીઓને એમ થયું કે રાજાના રોગનું કારણ જ આ તાપસ સેનક છે. તેથી તેમણે રક્ષકોને આદેશ કર્યો કે આ મંત્રીપુત્ર સેનક છે એ તપસ્વી થઈને આવે છે ત્યારે રાજા માંદા પડે છે. એટલે તે આવ્યા છે તો તેમને સાપની જેમ બહાર કાઢી મૂકો. રક્ષકોએ તેમજ કર્યું. ત્યારે સેનક તાપસને ક્રોધ આવ્યો ને ક્રોધમાં તેમણે નિથાણું કર્યું કે હું મારા તપોબળથી આ રાજાના વધ માટે ફરી ઉત્પન્ન થઈશ. (નિયાણું એટલે મૃત્યુટાણે વ્યક્તિએ પોતાના પુણ્યના બદલામાં કુદરત પાસે કરેલી માગણી) આવા નિયાણા સાથે અપમાનિત થયેલ સેનક તાપસ મૃત્યુ પામ્યા. આ સેનક તાપસ એ જ નવા જન્મનો કૂણિક.
બીજીબાજુ રાજા સુમંગળ પણ સંન્યાસી થઈ મૃત્યુ પામે છે. પછી વાનવ્યંતર દેવ થાય છે એ દેવયોનિ પૂર્ણ થતાં તે પ્રસેનજિત રાજા અને ધારણી રાણીનું સંતાન બને છે તેજ આપણો શ્રેણિત. સમય પસાર થતાં શ્રેણિકને રાજપાટ આપી પિતા પ્રસેનજિત દેવલોક પામે છે. શ્રેણિક રાજ કરે છે. તેને ત્યાં કુલીન પત્નીઓથી ઘણા પરાક્રમી પુત્રો જન્મે છે. એમાં ચિલ્લાણા નામની પ્રિયરાણીથી જે પુત્ર જન્મેલો તે કૂણિક.
કૂણિકનું પૂર્વભવમાં અપમાન કરનાર શ્રેણિક. કૂણિક એટલે એ જ સેનક તાપસ જે પોતાના તપોબળથી રાજાના વધ માટે ઉત્પન્ન થવાની (નિયાણું) પ્રતિજ્ઞા સાથે મૃત્યુ પામ્યો હતો. સેનક પણ ત્યાંથી વાન વ્યંતર દેવ થઈ ત્યાં આયુ પૂર્ણ કરી શ્રેણિક અને ચિલ્લણાને ત્યાં કૂણિકના નામે જન્મ ધારણ કરે છે.
હવે ન્યાય જુઓ- દીકરાએ બાપના મૃત્યુનો અપયશ કેમ વહોર્યો? શ્રેણિકે કૂણિકને રાજગાદી સોંપવી હતી પણ શ્રેણિકે એક અઢાર ચક્રનો હાર અને સેચનક નામનો હાથી કૂણિકના નાના ભાઈઓ હલ્લ-વિહલ્લને આપી દીધા હતા. એટલે કૂણિકે પિતા ઉપર દ્વેષ રાખ્યો. કૂણિકે બીજાભાઈઓને કહ્યું- રાજના ખરા અધિકારી અભયકુમાર આપણા બંધુને વૈરાગ્ય જાગ્યો છે. તેઓ રાજ લેવા તૈયાર નથી. જ્યારે આપણા પિતાજીને હજુ સંપત્તિનો મોહ છૂટતો નથી એટલે આપણે તેમને હટાવી બંદી બનાવીને સંપત્તિ સરખે ભાગે વહેંચી લઈએ. આમ કહીને તેણે પોતાના બીજા ભાઈઓનો વિશ્વાસ જીતી, વિશ્વાસુ પિતાને બાંધી દીધા. પૂર્વભવના કર્મનો બદલો, ઉત્તરભવમાં પ્રાપ્ત થાય છે, તે સમજાય છે.
- કૂણિક પોતાના પિતા શ્રેણિકના મૃત્યુનું નિમિત્ત બન્યાનું આ રહસ્ય છે.
(કથાબીજ પુષ્ટિ : ગૌંરાગિની દેસાઈ)