જીમમાં હાર્ટએટેક ન આવે તે માટે આટલું યાદ રાખો!
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
થોડાં થોડાં દિવસે હવે જીમમાં યુવાનોને હાર્ટએટેક આવ્યો હોય એવા સમાચાર તમે વાંચો છો. આનાથી આજનો યુવાન જીમમાં જતાં મુંઝવણ પામે છે પરંતુ થોડીક બાબતો પર ધ્યાન આપતાં આપ સલામત રીતે વ્યાયામ કરી શકો છો.
૫૦ વર્ષની નીચેના યુવાનોને જીમમાં હાર્ટએટેક આવે છે નિષ્ણાતોના મતે કેટલીક અન્ય બાબતો પણ આ માટે જવાબદાર હોય છે. કાર્ડિયોલોજીસ્ટના મત પ્રમાણે જીમમાં હૃદયરોગના ચિન્હો પર ધ્યાન આપવું જોઈએ. હવે આટલું અનુસરો.
(૧) પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપ કરાવી તમારી એફીસીઅન્સી જાણો.
(૨) ટ્રેડમીલ પર કેટલાંક લોકો જીમમાં સહનશક્તિની બહાર જઈ વ્યાયામ કરે છે. આને 'ઑવર એકઝર્શન' કહે છે જેનાથી હાર્ટએટેક આવી શકે છે. આવી વ્યક્તિઓમાં અગાઉથી હાર્ટએટેકના જોખમી પરીબળો પણ સંતાયેલા હોય છે.
(૩) તમારા તનાવની માત્રા, ડાયાબીટીશ, ધુમ્રપાન, ફાસ્ટફૂડની ટેવો વગેરે પણ હૃદયરોગ સાથે જોડાયેલા હોય છે તેનું ધ્યાન રાખી જીમમાં પ્રમાણસર કસરત કરતાં રહો.
(૪) જીમમાં કસરત કરતી વખતે છાતી ભારે લાગે, જડબામાં દુખે, ગરદન કે ખભામાં દુખે, માથું દુખે તો ચેતી જજો. કસરત બંધ કરી ડૉકટર પાસે જરૂર તપાસ કરાવજો. તેમનો ફોન નંબર સાથે રાખો.
(૫) ટ્રેડમિલ પર ચાલતી વખતે કે પુશઅપ કરતી વખતે કે અન્ય યંત્રવાળી કસરત કરતી વખતે તમારો હાર્ટરેટ એટલે કે હૃદયના ધબકારા ૧૪૦ પ્રતિ મિનિટથી વધવા ના જોઈએ. આ ફોર્મ્યુલા યાદ રાખજો. (૨૨૦ - ઉંમર, પ્રતિ મિનિટ). પણ ૧૪૦ લિમિટ ભલામણપાત્ર છે.
(૬) તમે જીમમાં જાવ ત્યારે પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેજો.
(૭) જીમમાં બોડી બનાવવા માટે ધડાધડ વ્યાયામ ના કરો.
(૮) સહજતાથી ફોકસ કરીને વ્યાયામ કરો.
(૯) જીમનું એરકન્ડિશનર બરાબર ચાલે તેનું ધ્યાન રાખો તેનાથી તમને પુરતો ઓકસીજન મળતો રહેશે.
(૧૦) જોરદાર કસરતો દર અઠવાડિયે ૩૦૦ મિનિટથી વધારે કરશો તો જોખમ વધી શકે છે.
(૧૧) તમારી તાકાતની બહાર બળ લગાવી કસરત ના કરો. વચ્ચે થોડો થોડો બ્રેક લો.
(૧૨) જીમમાં કે બહાર સ્ટ્રેસને પચાવતાં શીખો. બસ આટલું યાદ રાખી જીમમાં ગર્વથી કસરત કરો.
જીમમાં ખૂબ ઝડપથી કસરત ના કરો. બુદ્ધિ વગરની ઝડપી કસરતથી હૃદય પર દબાણ આવે છે. તમે વધારે પડતા રેપ્સ કરશો, બ્રેક વિના દોડતા રહેશો, વધુ પડતા વજન હોવા છતાં ભારે વ્યાયામ કરશો અને લાંબા સમય સુધી કસરત કરશો તો હાર્ટએટેક આવી શકે છે. બાળપણથી તમે કસરત કરી ના હોય અને અચાનક ફિટનેસ લેવલ જાણ્યા વિના કસરત શરૂ કરશો તો આવું બની શકે છે. તમારી ક્ષમતા ડોકટરને મળીને સમજી લો પછી જીમના ભારેખમ મશીનો પર વ્યાયામ હળવેથી શરૂ કરો.