પેથાભાઈ પરિવારમાં દામ્પત્ય કલહ .
- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી
- તીર જેવા શબ્દોના પ્રહારથી ફેન્ટા સમસમી ગઈ. ખાલી રૂમમાં જઇ ડુસકે ચડી ગઈ. એનાં ડુસ્કાંનો અવાજ સરવા કાને પડતાં જ રશ્મિ તેની પાસે દોડી ગઈ
પે થાભાઈના પરિવારમાં વાસણ ખખડયાં હતાં. રશ્મિ કામમાં રોકાઈ હતી. રાબેતા મુજબ સસરા (પપ્પા) માટે ચા નાસ્તો એ જ લઇ જતી. રશ્મિને કામમાં જોઈ ફેન્ટા જયેશ (રાજેશ) માટે ચા નાસ્તો લઇને ગઈ. ન જાણે કેમ બેડરૂમમાં ચા નાસ્તો લઇને જતાં એક પગ ખુરશી સાથે જરા અથડાયો: અને ડીશમાંથી નાસ્તો અને કપમાંથી ચા ભોંય પર પડી ગયાં. સહેજ છાંટા રાજેશના પેન્ટ પર પણ પડયા. ફેન્ટા સિયાવિયા થઇ ગઈ. ત્યાં જ વાઘની જેમ જયેશ તડુક્યો. 'જોતી નથી? આંખે મોતિયો આવ્યો છે?'
ફેન્ટાને તો કાળજે ઘા વાગ્યો. ઘરમાં હવે જુવાનજોધ દીકરો હતો. રશ્મિ જેવી વહુ હતી. એની ય પરવા કર્યા વિના પતિએ સારા માઠા શબ્દોથી એનું કાળજું વીંધી નાખ્યું.
ગમ ખાઈને એ ઢીલા અવાજે બોલી: 'જરા ઠોકર વાગી ગઈ. રોજ તો આવું નથી થતું ને!
વાઘ વીફર્યો. 'રોજ થતું હોત તો ય શું? ક્યાં તારા બાપને ઘેરથી લાવી છે?'
તીર જેવા શબ્દોના પ્રહારથી ફેન્ટા સમસમી ગઈ. ખાલી રૂમમાં જઇ ડુસકે ચડી ગઈ. એનાં ડુસ્કાંનો અવાજ સરવા કાને પડતાં જ રશ્મિ તેની પાસે દોડી ગઈ. તેના ખભે હાથ મૂકી આશ્વાસન આપવા માંડી. મનમાં વિમાસતી પણ રહી. 'મમ્મીના લગ્નને કેટલાં વર્ષ વહી ગયાં. એમની અડધી જિંદગી તો પૂરી થઇ અને હવે આ ઉંમરે પતિનાં અપમાન સહેવાનાં, મા-બાપ માટે અપશબ્દો સાંભળવાના!'
એને મનમાં એટલું બધું લાગી આવ્યું કે એ પપ્પા પાસે જાય અને એમને હાથ જોડીને સમજાવે. એમના ગુસ્સાને ટાઢો પાડે.
ફેન્ટા એનો વિચાર સાંભળી ચમકી ગઈ.
'ના, ના, ના રશ્મિ! તું જઇશ નહિ. એ ગુસ્સામાં છે.'
પણ રશ્મિ એનાં મમ્મી જેવાં પ્રેમાળ સાસુ ખાતર પપ્પા પાસે જવા તૈયાર થઈ.
રશ્મિ સાસુની ઇચ્છા અવગણીને જવા માંડી ત્યારે ફેન્ટાને ચિંતા થઇ કે રશ્મિને કાંઈ ગમે તેવું સંભળાવી દેશે તો? એમનો ગુસ્સો વાઘ જેવો છે! કોમળ હૃદયની રશ્મિ એની ત્રાડથી જ થથરી જશે. એણે ક્યાં ક્યારેય એમના મિજાજનો અનુભવ કર્યો છે!
'મનમાં હિંમત ભેગી કરીને પૂરા વિશ્વાસથી એ પપ્પા પાસે ગઈ. એ ખુરશીમાં બેઠા કાંઈક અલગ તોરમાં લાગતા હતા. થોડીથોડી વારે ચાના ડાઘાથી બગડયું હતું તે જોતા હતા.'
વિશાલના કાન સુધી આ ઘટના પહોંચી નહોતી. એ એના રોજિંદા કામમાં હતો.
રશ્મિ ધીમે પગલે સસરા પાસે ગઈ. ધીમા મંદ સ્વરે બોલી: 'પપ્પા! મમ્મી બહુ અપસેટ થઇ ગયાં છે!' અને મમ્મીના બચાવ ખાતર જરા જૂઠું પણ બોલી: 'એમની તબિયત બરાબર નથી. કશું બોલ્યા ચાલ્યા વિના બેશુદ્ધ જેવાં પડયાં છે! એમનાથી જરાક શરતચૂક થઇ ગઈ તેમાં...' એ આગળ કશું બોલે તે પહેલાં રાજેશે કઠોર અવાજે ઘાંટો પાડયો: 'તું ચૂપ રહે. તારું આમાં કામ નથી. અમારી બાબતમાં તું દખલ કરવા આવી છે? ગો અવે.' રશ્મિ હેબતાઈ ગઈ. સસરાના કટુ શબ્દો એણે પહેલી વાર સાંભળ્યા. એમનો મિજાજી સ્વભાવ પણ હવે પરખાયો. એ સુનમુન થઇ ગઈ. એના રૂમમાં ગઈ. વિશાલે એને પડેલા મુખે સોફા પર પડતું નાખતી હોય તેમ અબોલ બનીને બેસતી જોઈ. એ એકદમ એની પાસે સોફામાં અડોઅડ બેસી ગયો. 'રશ્મિ! રશ્મિ! શું થયું? શી વાત છે? કેમ આમ નર્વસ થઇ ગઇ છે?'
રશ્મિએ પરાણે આંસુ રોકીને ખોટું ખોટું હસવા પ્રયત્ન કર્યો. રશ્મિએ સમગ્ર ઘટના પર ટોપલો ઢાંક્યો. કશંો જ ખાસ ના બન્યું હોય તેમ વિશાલ સાથે વાત કરવા માંડી. પણ એનો અવાજ મંદ પડી ગયો હતો. એ જાણે કશું બોલતા થોથવાતી હતી.
વિશાલે પ્રેમથી એને પંપાળી એને માથે હાથ ફેરવ્યો : 'બોલ, રશ્મિ, શી વાત છે? કંઇ બન્યું છે?'
રશ્મિ સમગ્ર વાત પરાણે ગળી ગઈ. 'ના, ના એવું કશું બન્યું નથી. તને એવું લાગે છે?'
'રશ્મિ! મને નહિ કહે?' એણે ધીમે ધીમે પરાણે રશ્મિ પાસે વાત કઢાવી એ સીધો પપ્પા પાસે પહોંચ્યો.
રશ્મિ ખીજાયને વિચારતી હતી. ભૂતકાળ એના મનમાં જીવિત થયો હતો.
વિશાલ સાથે લગ્ન પહેલાં જ જે ઘટનાઓ બની હતી તે યાદ આવી.
વિશાલ એના પપ્પાનો તામસી સ્વભાવ જાણતો હતો. રશ્મિ સાથે જો એ લગ્નથી જોડાય તો તામસી પિતાના અપશબ્દો ય ક્યારેક ક્યારેક સાંભળવાના આવે. રશ્મિ જેવી કોમળ અને લાગણીશીલ પત્ની તરીકે આવે અને સસરાના અપશબ્દો ક્યારેક સાંભળે, રશ્મિના નિર્દોષ પરિવાર પર એના છાંટા ઊડે - એવા એવા ભ્રમથી વિશાલે આવેશમાં આવી રશ્મિને કરારમુક્ત થવા પત્ર લખ્યો હતો.
એ પત્ર એને પહોંચ્યો નહિ. પણ શકરાભાઈની પુત્રવધૂ મંજરીની મધ્યસ્થીને કારણે વિશાલનો ભ્રમ ભાંગ્યો.
બંને સમય વીતતા લગ્નથી જોડાયા. સમય વીતતો ગયો. પણ એક પ્રસંગે ફેન્ટા સાથે પતિના ઝઘડા પછી રશ્મિ એનાં સાસુ તરફથી સસરાને વીનવવા ગઈ અને સસરાએ એને પણ અપમાની.
વિશાલે ધીમે ધીમે રશ્મિ પાસેથી વાત અને સમગ્ર ઘટના જાણી. એ એના લાગણીશીલ સ્વભાવ મુજબ પપ્પાને રશ્મિ બાબત કશું કહેવા એની વકીલાત કરવા ગયો. પણ પપ્પાએ મિજાજમાં એને પણ ધુત્કારી કાઢ્યો: 'અમારી વાતમાં દખલ કરવાની જરૂર નથી. તું તારું સંભાળ.' વિશાલ ડઘાઈ જ ગયો. પડેલા મુખે એ પાછો રશ્મિને મળ્યો. એમની વચ્ચે સમગ્ર ઘટના વિશે અને પપ્પાના તામસી સ્વભાવ વિશે ચર્ચા ચાલી. રશ્મિ નારાજ હતી છતાં પપ્પા માટે કોઈ પણ શબ્દ આઘાત કરે એવો નહોતા. વિશાલ ક્રોધ અને નિરાશાથી પાછો ફર્યો. રશ્મિ સાથે એનું મન મનાવવાની ચેષ્ટા કરવા માંડયો.
એવામાં જ મોટાંબાએ મોટેથી વિશાલને બૂમ મારી. 'વિશાલ! તારી મમ્મી ઘર છોડીને ચાલી જાય છે. એને સમજાવીને અટકાવ્યા. વિશાલ એને સમજાવ'
વિશાલ એને સમજાવવા એના રૂમ પર ગયો ત્યારે એની મમ્મી સામે જ મળી. એના હાથમાં એનું પર્સ હતું વિશાલ એને ટોકવા પ્રયત્ન કરી રહ્યો. પણ ફેન્ટાને હજી પતિએ કરેલા અપમાનની કળ વળી નહોતી. એ માંડ સહેજ થોભ્યો વિશાલ હું જઉં છું. પણ તું મોટાંબાની સંભાળ રાખજે.
અને વિશાલ તેને ટોકે તે પહેલાં એ ઝડપથી બહાર નીકળી ગઈ.