રાણી રૂપમતી અને બાઝબહાદુર .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- રૂપમતી-મંડપની અગાશી પર હું એકલી ફરી રહી છું... તેનાં ઝાંઝર મારા મનમાં રણઝણી ઊઠે છે. મનમાં એક કમળપુષ્પ જેવી સુંદરીની છબી ઊપસે છે..
બા ઝબહાદુર એટલે માળવાનો છેલ્લો સ્વતંત્ર રાજા. શિકારે નીકળેલા બાઝ બહાદુરે એક ભરવાડણને ગાતી સાંભળી. તેના સ્વર અને સ્વરૂપ પર વારી જઈને મહેલમાં આવવા આમંત્રી. આવાસની સમીપે રેવાકુંડ ચણી આપ્યો. સમ્રાટ અકબરે માળવા જીતવાનું નક્કી કરી વિશાળ લશ્કર સાથે અધમ ખાનને મોકલ્યો. પોતાનું નાનું સૈન્ય પરાસ્ત થતાં બાઝબહાદુર પલાયન થઈને ચિતોડ ગયો. અધમ ખાનના હાથમાં ન પડાય માટે રૂપમતીએ વિષ ઘોળી લીધું.
ઇ.સ. ૧૫૯૯માં અહમદ-ઉલ-ઉમરી તુર્કમાને ફારસીમાં રૂપમતીની વાર્તા લખી, રૂપમતીનાં ૨૬ કાવ્યો પણ સંગ્રહિત કર્યાં. ૧૯૨૬માં એલ એમ ક્રમ્પે 'અ સ્ટ્રેંજ ટેલ ઓફ ફેથફુલનેસ' શીર્ષકથી આનો અંગ્રેજી અનુવાદ કર્યો. ૧૬મી સદીના પ્રારંભે રચાયેલો બાઝબહાદુરનો મહેલ તેના વિશાળ પ્રાંગણ માટે જાણીતો છે. દૂરની ટેકરીએ રૂપમતીનો મંડપ છે, જે મૂળ તો સેનાનું નિરીક્ષણ મથક હતું. ભારતી રાણેનો પ્રવાસ નિબંધ 'પ્રણયભીનો માંડૂ દુર્ગ' હવે માણીએ:
'વિંધ્યાચળ પર્વતની અંતિમ શૃંખલા મધ્યે હરિત મંડપ શા સોહતા માંડૂ દુર્ગની સસ્ય- શ્યામલા, ઉર્વર માટીમાં પ્રણયની ભીની-ભીની સુગંધ છે. એશિયા મહાદ્વીપના આ સર્વાધિક વિશાળ દુર્ગના (ઇતિહાસમાં)... ચંદ્રમા થઈને ચમકે છે એક પ્રણયકથા-રાજા બાઝબહાદૂર અને રૂપમતીની સ્નેહગાથા. સંગીતના સૂરમાં જેમનાં અંતરના તાર મળી ગયા હતા તેવાં પ્રેમીઓની અમર કહાણી... ગાઇડ કહેતો જાય છે, 'આ છે થિયેટર હોલ, શાહી રંગમંચ. ને બંને કોર બાંધેલા છે વેશસજાવટ માટેના કક્ષ. ત્યાં થોડે દૂર છે ટર્કીશ બાથ- તુર્ક પદ્ધતિનો શાહી હમામ.'
'સામે જળમહેલની અટારી પર રાજા બાઝબહાદુર દીપક રાગ છેડતા હશે, ને શાહી સંકુલ દીવડાઓથી ઝળહળી ઊઠતું હશે, ને પછી ગુંજતો હશે રૂપમતીનો મધુર કંઠ... એ ક્યારેક મેઘમલ્હાર ગાતી હશે, ને ત્યારે વિંધ્યાચળ પર ઘનઘોર વાદળ ઊમટી પડતાં હશે ને એના વરસી પડતા જળમાં દીવાઓ બુઝાઈ જતા હશે; ત્યારે પ્રણયમાં એકતાન થયેલાં પ્રેમીઓના પ્રેમની રાતરાણી મઘમઘી ઊઠતી હશે.'
'રૂપમતી-મંડપની અગાશી પર હું એકલી ફરી રહી છું... તેનાં ઝાંઝર મારા મનમાં રણઝણી ઊઠે છે. મનમાં એક કમળપુષ્પ જેવી સુંદરીની છબી ઊપસે છે.. સદ્યસ્નાતા રૂપમતી, દેવી નર્મદાનાં દર્શન કરી ભાવપૂર્વક પોતાના બાળપણને સ્મરતી રૂપમતી,.. અકબરનું ઇજન ઠુકરાવતી રૂપમતી,.. લડવા જતા પ્રિયતમને વિદાય દેતાં જીવ્યા-મૂવાના જુહાર કરતી રૂપમતી, સોળે શણગાર સજીને મૃત્યુને વહાલું કરતી રૂપમતી, શ્વાસની ભૂરી ચાદર ઓઢીને મજારમાં ધરબાઈ જતી રૂપમતી.. હીબકે ચડી ગયેલી રૂપમતીને હું કોઈ સાંત્વન આપી શકતી નથી, માત્ર રિક્ત નજરે દૂર સુધી દેખાતા માંડવગઢમાં વિખેરાયેલાં ખંડેરોને જોયા કરું છું.'
ગાઇડને મુખે કરાયેલા વર્ણનને લેખિકાએ ઝાઝું મહત્ત્વ આપ્યું નથી, 'અહીં રંગમંચ અને ત્યાં હમામ' એમ ઝટપટ પતાવ્યું છે. તેમને ખરો રસ તો રૂપમતી-બાઝબહાદુરની કથામાં અને કલ્પનામાં છે. એ અર્થમાં આ પ્રવાસ-નિબંધ નહિ પણ આંતર્પ્રવાસ-નિબંધ છે. આને લલિત નિબંધ (અંગત નિબંધ) પણ કહી શકાય. આવા નિબંધમાં, રમણ સોની કહે છે તેમ, 'વિષય તો હોય જ, પણ વિષય જ લક્ષ્ય ન હોય, લક્ષ્ય તો હોય છે પોતાનો આગવો અનુભવ... સંવેદનની એ છાલક વાચકને લલિત કૃતિ વાંચ્યાનો આનંદ આપે.' રૂપમતી વિશે ઝાઝી માહિતિ ઉપલબ્ધ નથી ઇતિહાસમાં. (વાસ્તવમાં તેણે અકબરનું ઇજન ઠુકરાવ્યું નહોતું.) પરંતુ આ સંશોધન લેખ નથી, અતીતનું કલ્પનોત્થ પુનર્સર્જન છે. લેખિકાને પ્રેમ, શૌર્ય, સૌંદર્ય અને સંગીતનો મહિમા કરવો છે. તેમને માંડૂ દુર્ગમાં ભૂતકાળનાં પાત્રો ફરતાં દેખાય છે. ટાગોરે 'ક્ષુધિતા પાષાણ' વાર્તા લખી હતી. (તેના પરથી ગુલઝારે 'લેકિન' ફિલ્મ બનાવી હતી.) તેમાં એક ટેક્સ કલેક્ટર ખંડેર જેવા મહેલમાં રહેવા માંડે છે. તેને મોગલ સમયના પાત્રોનો અને એક યુવતીના આત્માનો નિયમિત ભેટો થવા માંડે છે.
રૂપમતી અને બાઝબહાદુરનું ગીત ભરત ખેનીએ લખ્યું છે :
રાજ કામકાજ બધા મેલી દો માળિયે
નાચગાનની મહેફિલો લગાવો,
તોળાતી રહેવા દો તલવાર્યું મ્યાન
જરા સુરા- સુરાહી મંગાવો
સમજી લો છેલ્લી આ વારકું સલામ
ખાન અધમની સાથ જંગ ખેલીએ
સવા શેર સુંઠ કોની માએ ખાધી
કે આવે રૂપારાણીની હવેલીએ
બાઝ બહાદુર બેઠા છે ડેલીએ