Get The App

શિયાળામાં ઘટતી ઈમ્યુનિટી માટે અદ્ભૂત ઔષધો...!

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
શિયાળામાં ઘટતી ઈમ્યુનિટી માટે અદ્ભૂત ઔષધો...! 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

શિ યાળાની ઠંડી શરૂ થતાં જ અનેક લોકો શર્દી ફલ્યુથી પીડાવા માંડે છે. ઘણાંને પ્રદૂષણને કારણે એલર્જી થાય છે તો કેટલાંક પુષ્પરજથી પરેશાન થઈ માંદા પડે છે. આ ઋતુમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવી જરૂરી છે જેને માટે રસોડાના વર્ષો જૂના મસાલા જ ઉપયોગી છે.

આજકાલ વાઇરલ ઈન્ફેકશની શક્યતાઓ વધી ગઈ છે. શિયાળાની આ ખાસિયત છે. શિયાળામાં નાકની ચિકાશ ઓછી થાય છે એટલે વિષાણુ અને બેકટેરિયા સરળતાથી શ્વસન માર્ગમાં પ્રવેશે છે. વળી નાના વાળની કામગીરી ઘટે છે, વિટામિન ડી પણ ઓછા તડકાને કારણે ઘટે છે જે પ્રતિકારશક્તિ ઘટાડે છે. ટૂંકા દિવસના તનાવથી પણ પ્રતિકાર શક્તિ ઘટે છે. ચાલો ઉપાય જાણી લઈએ.

(૧) આહારમાં ચક્રફૂલ લો જેમાંનું એનિથોલ થાઈમોલ કફ અને ફલ્યુ સામે ઉપયોગી છે તેમાં વિટામિન સી એ અને એન્ટિઓકિડન્ટ હોય છે જે અકાળે વૃદ્ધત્વ અને ડાયાબિટીસ માટે જવાબદાર એવા 'ફ્રી રેડિકલ' સાથે ઝઝુમે છે.

સ્ટાર એનિઝ ''લિમોનેને'' નામનું એન્ટિઓકસીડન્ટ હોય છે તે વિષાણુ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

(૨) આમળાં : વિટામિન સીથી ભરપુર એવા આમળાં રોજ ખાવા જોઈએ તમે તેને હળદર-પાણીમાં રાખીને પણ પ્રતિદિન ખાઈ શકો. આમળાંને છીણીને અથવા આખા આમળાનો મુરબ્બો પણ ખાઈ શકો.

(૩) કલોંજીના બીજ : કલોંજીના બીજ પ્રતિકાર શક્તિ વધારનાર હોય છે અને તે વિષાણુ સામે રક્ષણ આપે છે. ને એન્ટિ બેકટેરિઅલ હોવાથી ચર્મરોગ, ફેફસાનો ચેપ અને કાનનો ચેપ અટકાવે છે.

(૪) હળદર : ક્યુક્યુર્મિન ધરાવતી હળદર એન્ટિ ઈન્ફલામેટરી છે તે કફનાશક છે. ઉધરસમાં ખૂબ ઉપયોગી છે. મધ સાથે તેનું સેવન કરવું. દૂધમાં નાંખીને ઉકાળી લીધા બાદ પણ તે લઈ શકાય.

(૫) તુલસી-આદુ : તુલસી-આદુવાળી ચ્હા કફનાશક છે. શર્દી દૂર કરે છે. તુલસીમાંનો એન્ટિ ઓક્સીડન્ટ શ્વસનતંત્રના ચેપ સામે રક્ષણ આપે છે. આદુ એન્ટિવાયરલ છે. તેમાં રહેલ ઝીન્ઝેરોન અને જીન્જેરોલ્સ વિષાણુનું રેપ્લિકેશન અટકાવે છે. અને વિષાણુને યજમાનના કોષોમાં દાખલ થતા અટકાવે છે.

(૬) પ્રતિ વિષાણુ વનસ્પત્તિઓ : ઓરેગેનો, સેજ, વરીઆળી, બેઝિલ, પીપરમિન્ટ-ફૂદીનો, લસણ વગેરે વિષાણુ સામે રક્ષણ આપનાર વનસ્પતિઓ છે. ટેસ્ટ ટયૂબના અભ્યાસ પ્રમાણે ફૂદીનાના પર્ણોનું તેલ શ્વસનતંત્રના વિષાણુ સામે રક્ષણ આપે છે.

રોઝમેરી પણ રસોઈમાં વપરાય છે. તેમાનું ઓલીએનોલિક એસિડ એચઆઈવી, હર્પિસ, કમળો અને ઈન્ફલુએન્ઝા સામે ટેસ્ટટયુબમાં રક્ષણ આપતું જણાયું છે. જેઠીમધ પણ ઉધરસ માટે વપરાતું વર્ષો જૂનું ઔષધ છે. લસણથી કોરોના સારો થાય એ સાબિત નથી થયું.

(૭) જામફળ: રોજ નાનું જામફળ ખાવાથી શરીરમાં વિટામિન સીની માત્રા વધે છે. સ્વાદમાં મીઠાશવાળું હોવા છતાં વિટામિન-સીથી ભરપુર છે.

(૮) ટામેટાં : રોજ એકાદ-બે ટામેટાં ખાવાથી પણ વિટામિન-સી વધે છે તેના સૂપમાં સહેજ માખણ ઉમેરવાથી તેની એસિડિટી ઓછી થશે.

(૯) લીંબુ : ગરમ પાણીમાં આદુનો રસ, મધ, લીંબુ નાંખીને પીવાથી પ્રતિકાર શક્તિ વધે છે.

(૧૦) અળસી-અખરોટ : આ બન્નેને આહારમાં લેવા કારણ કે તેમાં ભરપુર માત્રામાં એન્ટિઓક્સીડન્ટ હોય છે.


Google NewsGoogle News