ભાસ્કરરાય માખિન: મા લલિતાનાં ભક્ત
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- એ ક્ષણે સહુ કોઈને સમજાયું કે ભાસ્કરરાયની ગણના શા માટે માતાનાં મહાન ઉપાસકોમાં થાય છે!
'શ્રી વિદ્યા સાધના' અને શ્રીચક્રપૂજન પરત્વે જેમને રુચિ છે, તેઓ ભાસ્કરરાયનાં નામથી અનભિજ્ઞા નહીં હોય. ૧૭મી સદીમાં થઈ ગયેલાં આ મહાન ભક્ત પાસે મા લલિતા મહાત્રિપુરસુંદરી સાક્ષાત્ હાજરાહજૂર હતાં. 'સૌભાગ્યભાસ્કર'થી માંડીને 'ગુપ્તવતી' અને 'સેતુબંધ' સહિત અનેક ગ્રંથોનાં રચયિતા અને તંત્રગ્રંથો પર અત્યંત માર્મિક તથા ઊંડાણપૂર્વકની ટિપ્પણી લખનાર આ સાધક શ્રીવિદ્યાનાં સાધકો માટે અભ્યાસનો એક વિષય છે. વાચકમિત્ર શામ્ભવ ચૌહાણ સાથે તાજેતરમાં આ સંદર્ભે વાત થઈ રહી હતી, ત્યારે એક અદ્ભૂત કથા સમુદ્રમંથન સમયે પ્રગટ થયેલાં માણિક્યની માફક ઉલેચાઈ.
ઘણાં વિદ્વાનો ભાસ્કરરાય સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તત્પર રહેતાં. એક વખત ભારતવર્ષનાં મહાન સાધકો અને પ્રકાંડ પંડિતોએ એમની સાથે શાસ્ત્રાર્થનું આયોજન કરવાનો નિર્ણય કર્યો. ભાસ્કરરાય પણ સંમત થયા.
એક પછી એક પ્રશ્નો પૂછાતાં ગયાં અને ભાસ્કરરાય અસ્ખલિત રીતે તેનો ઉત્તર આપતાં રહ્યાં. દેશભરમાંથી સંમેલિત થયેલાં મહાનતમ સિદ્ધાત્માઓ દ્વારા અનેક પ્રશ્નો પૂછાયાં. વેદ, ઉપનિષદો, પુરાણ, તંત્રશાસ્ત્ર, દર્શન, સાંખ્ય, યોગ સહિત વૈવિધ્યપૂર્ણ વિષયો પર પ્રશ્નોત્તરી ચાલતી રહી. ભાસ્કરરાય થાકવાનું નામ નહોતાં લઈ રહ્યાં. સામે પક્ષે, વિદ્વાનો પણ નમતું જોખવા તૈયાર નહોતાં. અંતે, એક પ્રકાંડ પંડિત આગળ આવ્યા અને એમણે એક એવો સવાલ પૂછયો, જેને લીધે સમસ્ત સભા અચંબામાં પડી ગઈ.
એમણે પૂછયું કે. શ્રીલલિતાસહસ્ત્ર નામનાં ૫૮મા શ્લોકમાં મહાવિદ્યાની યોગિની અંગે કહેવાયું છે :
चतुषष्टयुपचाराढया चतुंषष्टिकलामयी ।
महाचतुं-षष्ढिकोटि-योगिनी-गणसेविता ।।
આ શ્લોકમાં જે ૬૪ કરોડ યોગિની અંગે વાત કરવામાં આવી છે, એમના નામ શું છે?
સંસ્કૃત ભાષામાં 'કોટિ' શબ્દના બે અર્થ થાય છે: (૧) પ્રકાર અને (૨) કરોડ (સંખ્યા). આના આધારે, વિદ્વાને મા લલિતાની જે ૬૪ કરોડ યોગિની અર્થાત્ એમની સંગિની-શક્તિનાં નામ પૂછયાં. લોકોને લાગ્યું કે ભાસ્કરરાય હવે હાથ ઊંચા કરી દેશે! પરંતુ એવું થયું નહીં.
ભાસ્કરરાયે પંડિતોને ભોજપત્રનો જથ્થો હાથમાં રાખવાની સૂચના આપી. સાથોસાથ, રહસ્યમય રીતે એમણે કહ્યું કે એમની અને વિદ્વાનની વચ્ચે એક પડદો પાડી દેવામાં આવે. તેઓ સ્વયં પડદાની પાછળ રહીને એક પછી એક નામોનું ઉચ્ચારણ કરતાં જશે અને સામે પક્ષે બેઠેલાં વિદ્વાનો એમની સાથોસાથ યોગિનીઓનાં નામ વારાફરતી ભોજપત્ર ઉપર ટપકાવવા માંડશે.
સર્વસંમતિ પશ્ચાત્ આ પ્રક્રિયા આરંભ થઈ. ભાસ્કરરાય સામે પડદો પાડી દેવામાં આવ્યો અને તેઓ યોગિનીઓનાં નામોનું ઉચ્ચારણ તીવ્ર ગતિએ કરવા માંડયાં. આ જોઈને સભામાં બેઠેલાં વિદ્વાનોના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક પછી એક એમ કરતાં લગભગ ૧૦ લાખ નામો લખાયાં. ભાસ્કરરાય પાણી કે ભોજનની માંગ કર્યા વગર અસ્ખલિત ગતિએ બોલી રહ્યાં હતાં. એવું લાગતું હતું જાણે માનાં પ્રત્યેક નામો એમની નજર સમક્ષ ઉપસી રહ્યાં છે. આટઆટલાં નામો કોઈ વિદ્વાનને કંઠસ્થ કઈ રીતે રહી શકે એ વિશે ચર્ચાઓ થવા માંડી હતી. ઘણાં લોકો તો ભાસ્કરરાયની વિદ્વતા સામે પરાજય સુદ્ધાં સ્વીકારી ચૂક્યાં હતાં. આમ છતાં, કેટલાક લોકો હજુ પણ એવાં હતાં જેમને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું.
એક ક્ષણનો પણ વિરામ લીધા વિના ભાસ્કરરાય જે રીતે નિરંતર માનાં નામોનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં, એ જોઈને કોઈ પણ વ્યક્તિને શંકા થવી સ્વાભાવિક છે.
સંશયનું સમાધાન લાવવા માટે કેટલાક વિદ્વાનોએ ભાસ્કરરાય સામે જે પડદો પાડવામાં આવ્યો હતો, એ અચાનક ઉઠાવી લીધો. સામે જે દ્રશ્ય જોવા મળ્યું, એ જોઈને સૌ કોઈ સ્તબ્ધ હતાં! એમની આંખમાંથી ભાવપૂર્ણ અશ્રુ વહેવા માંડયાં.
ભાસ્કરરાય આંખ બંધ કરીને ધ્યાનસ્થ મુદ્રામાં બેઠાં હતાં અને મા લલિતા ત્રિપુરસુંદરી સ્વયં એમના કાનમાં યોગિનીઓનાં નામોનું એક પછી એક ઉચ્ચારણ કરી રહ્યાં હતાં. યોગિનીઓ જેમની સેવામાં રત રહે છે, એવા બ્રહ્માંડસામ્રાજ્ઞાી રાજરાજેશ્વરી મહાયોગેશ્વરેશ્વરી સ્વયં પોતાના પ્રિય ભક્ત અને શ્રીવિદ્યા ઉપાસક પાસે આવીને એમની સહાયતા કરી રહ્યાં હતાં. આનાથી વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે?
સભાવિદ્દોનું મસ્તિષ્ક પ્રણામ મુદ્રામાં ઝૂકી ગયું. એ ક્ષણે સહુ કોઈને સમજાયું કે ભાસ્કરરાયની ગણના શા માટે માતાનાં મહાન ઉપાસકોમાં થાય છે! 'સૌભાગ્યભાસ્કર' (એ ગ્રંથ, જેમાં ભાસ્કરરાય દ્વારા શ્રીલલિતાસહસ્ત્ર નામ અંગે વિસ્તૃત ટિપ્પણી કરવામાં આવી છે એ) વિશે એવું કહેવાય છે કે મા લલિતાએ સાક્ષાત્ એમની સમક્ષ ઉપસ્થિત રહીને પોતાના એક હજાર નામોનું ઊંડાણપૂર્વકનું માર્મિક અને રહસ્યમય વિશ્લેષણ કર્યુ હતું. શ્રીવિદ્યા સાધકો માટે સૌભાગ્યભાસ્કર ગ્રંથ એ વાસ્તવમાં મા લલિતાની સમીપ જવા માટે અને શ્રીલલિતાસહસ્ત્ર નામની મહિમા સમજવા માટેનું એક અભિન્ન અંગ ગણાય છે!