તો આવી લગ્નપ્રથાઓ બંધ કરી દો .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'જોયું ને માસી, મેં કહ્યું હતું ને કે છેલ્લી ઘડીએ આ વ્યક્તિ ગમે તે કરી શકે છે. દેવુ મહારાજનું સસ્પેન્સ લઈ આવ્યો ને. બાકી આ તો છેલ્લી ઘડીએ લગન કેન્સલ કરે એમાંનો છે.'
'સુ નિતા તું એક વખત તારી રીતે પ્રાકૃતને પૂછી જો તો આપણને આગળની તૈયારીઓ કરવાની ખબર પડે. એ છોકરાના નખરાં બહુ વધી ગયા છે. તારા લાડકોડના કારણે એ છોકરો વધારે જિદ્દી બની ગયો છે. તું એને કશું કહેતી નથી અને અમે લોકો કશું કહી શકતા નથી. તેના લીધે જ આજે ઘરમાં આટલો મોટો પ્રસંગ નજીક આવી ગયો છતાં કોઈ તૈયારીઓ પૂરી થઈ નથી.' - કોકિલામાસીએ ખોંખારો ખાતા ખાતા કહ્યું.
'માસી મારે તો કશું જ કહેવું નથી. તમને ખબર તો છે કે, પ્રાકૃત અદ્દલ એના પપ્પા ઉપર ગયો છે. ચહેરી મહોરા સુધી તો બરોબર હતું પણ છેલ્લાં બે વર્ષમાં તો તેનો સ્વભાવ પણ એના બાપ જેવો થઈ ગયો છે. તમને ખબર છે લગ્નની વિધી માટે છેક હરિદ્વાર જઈ આવ્યો અને મહિલાઓનું એક ગ્રૂપ છે જે વૈદિક વિધિથી લગ્ન કરાવે છે તેમનું બુકિંગ કરાવી આવ્યો. ફુલોના શણગાર માટે તો જે ખેલ કર્યા છે તેની તો વાત જ જવા દો. મને તો હવે આ છોકરાની વધારે ચિંતા થાય છે.' - સુનિતાએ કંટાળા સાથે કહ્યું.
'લગ્ન માટે તે દયાશંકરને નથી કહ્યું. છેલ્લી બે પેઢીથી દયાશંકર અને તેનો પરિવાર આપણે ત્યાં કર્મકાંડ માટે આવે છે. તેમાંય યોગેશકુમારને તો કુટુંબમાં સગાઈ હતી. તેમને ખબર પડશે તો કેટલું ખરાબ દેખાશે આપણું. તારે છોકરાને સમજાવવો જોઈએ ને. સારું સમીર આવે છે હમણાં કેટરિંગનું અને જાન કાઢવાનું બાકીનું કામ જોવડાવી લેજે. બધું પ્રાકૃત માથે લઈને ફરશે તો પછી લગન કરશે કે વ્યવસ્થાઓ કરતો ફરશે.' - કોકિલામાસી હવે ચિડાયા.
'તો માજી તમે આવી ગયા. મારી મમ્મીની બરાબર કાન ભંભેરણી કરી દીધી કે નહીં. મારા લાડકવાયા મામા ક્યાં પહોંચ્યા. છેલ્લા એક કલાકથી હું તેમના ફોનની રાહ જોઉં છું અને તમે પાછા મમ્મીને કહેતા હશો કે સમીરને કેટલાક કામ સોંપી દેજે, શું કહેવું મમ્મી. તારો વીરો સમીર હવામાં ગોળીબાર જેવી જ વાતો કરતો હોય છે.' - પ્રાકૃતે ઘરમાં આવતાની સાથે કહ્યું અને સુનિતા હસી પડી. કોકીલામાસી વધારે ગુસ્સે થઈ ગયા.
'કોકીલા બા, એક વાત તમે સમજી લો. મારા માટે મારા લગ્ન એક પ્રસંગ હોવા છતાં એક જવાબદારી છે. મેં પહેલેથી જ મમ્મીને સ્પષ્ટતા કરી હતી કે, મારા લગ્નનો તમામ ખર્ચ હું કાઢીશ. મારા લગ્નની તમામ તૈયારીઓ હું મારી રીતે જ કરીશ અને બધું જ મારા કહ્યા પ્રમાણે થશે. તમે લોકો એવું ન કરી શકતા હોવ તો હું અત્યારે પણ લગ્ન કેન્સલ કરવા માટે તૈયાર છું.' - પ્રાકૃતે ખૂબ જ દ્રઢતા સાથે કહ્યું.
'બેટા તું તારી રીતે તૈયારીઓ કર, તમે ગમે તે રીતે અને ગમે તેટલો ખર્ચો કર, અમે ક્યાં ના પાડીએ છીએ. અમારે તો માત્ર એટલું જ કહેવું છે કે, તૈયારીઓમાં પરિવારના અન્ય લોકોને પણ સાથે રાખ જેથી પ્રસંગના દિવસે તારે દોડાદોડી ન કરવી પડે. તારા મામા છે કે, તારા મિત્રો છે એ બધાને થોડું થોડું સોંપી દે તો કામ ઝટ પૂરા થાય. બેટા પ્રસંગો આવી રીતે જ પાર પડતા હોય છે.' - કોકિલામાસીનો સૂર એકાએક બદલાઈ ગયો.
'માસી તમે ચિંતા ના કરશો, પ્રાકૃત બધું એવી રીતે જ ગોઠવશે. આપણે ચિંતા એ કરવાની છે કે, છેલ્લાં સમય તેની આદત પ્રમાણે તે આપણને કોઈ સરપ્રાઈઝ ન આપે. યોગેશની જેમ જ છેલ્લી ઘડીએ તો દુનિયાથી કંઈક અલગ જ લઈ આવે છે.' - સુનિતાએ કહ્યું.
આ બધી વાતો ચાલતી હતી ત્યાં જ સમીર આવ્યો. સમીરની સાથે અન્ય એક વ્યક્તિ પણ આવી હતી. આમ તો આ વ્યક્તિની ઉંમર ઘણી મોટી હતી છતાં તેમનો ચહેરો પરિચિત હોય તેમ લાગતું હતું. સુનિતા અને કોકિલામાસી તેમને ધારી ધારીને જોતા હતા.
'કોકી બા... આમને ઓળખ્યા કે નહીં. તમારા પરિવારમાં ચાર પેઢીથી લગ્ન પ્રસંગોમાં અને શુભ પ્રસંગોમાં ઢેફા બનાવવા આવતા હતા. પપ્પાના લગ્નમાં તો સમગ્ર રસોઈ અને કેટરિંગનું કામ તેમને આપવામાં આવ્યું હતું.' - પ્રાકૃતે કહ્યું.
'દેવુ મહારાજ...' - સુનિતાએ આશ્ચર્ય સાથે કહ્યું.
'અલ્યા દેવલો... રાજમોહન ભાઈનો દેવલો...' - કોકી બાએ પણ કહ્યું.
'હા કોકી બેન. રાજમોહન ભાઈનો દેવલો. તમારી સાથે ભણતો-ગણતો અને પછી પપ્પાના રસોઈના ધંધામાં જોડાઈ ગયેલો દેવલો' - દેવુ મહારાજ બોલ્યા.
'સમીરીયા તું આને ક્યાંથી પકડી લાયો. આની ઉંમર તો જો હવે તારે આની જોડે રસોઈ બનાવડાવવી છે. તમે તેની ઉંમરનો તો વિચાર કરો. હવે દેવલાથી પહેલાં જેવું કામ ના થઈ શકે. હા એનો વસ્તાર આ ધંધો કરતો હોય તો તેની જોડે કામ કરાવાય.' - કોકીબા ફરી બોલ્યા.
'કોકી બા તમારા જીવને થોડી શાંતિ આપો. દેવુ મહારાજ માત્ર મોહનથાળ બનાવવાના છે. બાકીની તમામ રસોઈનો કોન્ટ્રાક્ટ તો બીજાને આપેલો જ છે. જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે બીજા નહીં પણ દેવુ મહારાજના ભાણીયા છે. તેમની દ્વારા તો ખબર પડી કે દેવુ મહારાજ હજી હયાત છે અને પોતાના દીકરાની સાથે વડોદરામાં સેટલ થઈ ગયેલા છે. અમદાવાદ કરતા વડોદરામાં તેમનો ધંધો મોટો છે. આજે માત્ર પપ્પાના કારણે અને રામુ મામાના સંબંધે આપણા ઘરે આવ્યા છે અને મોહનથાળ બનાવવા તૈયાર થયા છે.' - પ્રાકૃતે કહ્યું.
'જોયું ને માસી, મેં કહ્યું હતું ને કે છેલ્લી ઘડીએ આ વ્યક્તિ ગમે તે કરી શકે છે. દેવુ મહારાજનું સસ્પેન્સ લઈ આવ્યો ને. બાકી આ તો છેલ્લી ઘડીએ લગન કેન્સલ કરે એમાંનો છે.' - સુનિતા બોલી અને ઘરમાં હાજર તમામ લોકો હસી પડયા.
દેવુ મહારાજ જોડે મોહનથાળ બનાવવાનું નક્કી થઈ ગયું અને બાકીના લોકો પણ નક્કી થઈ ગયા. સુનિતા અને તેના પરિવારને પહેલું જે જોખમ લાગતું હતું તે પૂરું થઈ ગયું. તેના ત્રણ મહિના બાદ દિવાળી પૂરી થઈ અને લગ્નની કામગીરી શરૂ થઈ ગઈ. પહેલાં દિવસે જ લગ્ન માટે બબાલ થઈ.
'ગ્રહશાંતિની વિધી માટે કોણ બેસવાનું છે, બાકીની વિધી કોણ કરશે, તેમને બોલાવો.' - વિધી માટે આવેલા મહિલા પંડિતોના જૂથના આચાર્યાએ કહ્યું.
'મમ્મી આવી જા તો... તારે પૂજા કરવા બેસવાનું છે...' - થોડે દૂર ઊભેલી સુનિતાને પ્રાકૃતે બુમ પાડી અને ઘરના આંગણામાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા.
'તારું મગજ ફરી ગયું છે? તારી મા કેવી રીતે વિધિ કરી શકે. તને કહ્યું તો હતું કે, લગ્નની વિધી તારા પપ્પાનો કઝિન અને તેની પત્ની કરશે. તારે આ નવા તૂત કરવાના છે. એક વિધવા કેવી રીતે આ બધું કરી શકે.' - કોકી માસીએ રાડ પાડી.
'કેમ વિધવા પાંચ વર્ષના છોકરાને ઉછેરીને પચ્ચીસ વર્ષનો કરી શકે, તેને ભણાવી-ગણાવી શકે, તેની કેરિયર બનાવી શકે, તેના માટે દિવસ રાત મહેનત કરી શકે, પોતાના સુખ, દુ:ખ છોડી શકે અને જ્યારે પોતાના સંતાનના લગ્ન કે શુભ પ્રસંગ આવે ત્યારે તેને દૂર ઊભા રહેવાનું. આવો કેવો તમારો સમાજ છે.' - પ્રાકૃતનો અવાજ પણ જરાક વધારે ઉંચો થઈ ગયો.
'જો છોકરા અત્યારે મગજમારી ના કરીશ, જે જેવી રીતે થતું હોય એવી રીતે જ થશે. દર વખતે તરંગ તુક્કા ના લડાવીશ.' - કોકી માસી થોડા અકળાયા.
'જુઓ ડોશી. આ મારું ઘર છે, આ મારી મા છે અને મારા લગ્ન છે. હું ઈચ્છીશ એવી રીતે થશે. તમને ફાવે તો બેસો ન ફાવે તો સામે ગાડી પડી છે, ઘરે જતા રહો. મારા લગ્નની વિધી મારી મા જ કરાવશે. મારા અત્યાર સુધીના સુખી જીવન માટે તેણે જે સંઘર્ષ કર્યો છે તેને ભુલીને હું બીજાની સાથે શા માટે વિધિ કરાવું. મારો ભગવાન તમારા જેવો સંકુચિત મનનો નથી. તેને માત્ર પૂજામાં રસ છે. તે પુરુષ કરે કે પછી સ્ત્રી કરે.'
'પત્ની ગુમાવનારા પુરુષો માટે તમારી પાસે કોઈ ગાઈડલાઈન નથી. એક વિધુર જેમ ઈચ્છે તેમ જીવે છે અને એક વિધવા ઉપર હજારો બંધન નાખી દેવામાં આવે છે. આવું જ કરવું હોય તો બંધ કરી દો આવી લગન પ્રથા. મને તમારા સમાજના આ બોદા નિયમો પસંદ નથી.
મારા લગ્ન કરાવવા જો મહિલા પંડિતો આવી શકે તો લગ્ન કરાવવા મારી મા બેસી જ શકે. જેને ફાવે તે પ્રસંગમાં રોકાઓ અને જેને ન ફાવે તે જઈ શકે છે.' - પ્રાકૃતે કહ્યું અને હાથ પકડીને સુનિતાને યજ્ઞાકુંડની આગળ બેસાડી. મહિલા પંડિતોએ તેમના હાથે ચંદનનો ચાંદલો કરીને શ્લોક બોલવાના શરૂ કરી દીધા...
'સ્વસ્તિ ન ઈન્દ્રો વૃદ્ધર્શ્વાહા: સ્વસ્તિ ન પૂસા વિશ્વવેદા:'
પાછળ બેઠેલા કેટલાક લોકોને આશ્ચર્ય તો કેટલાક આનંદ સાથે પ્રાકૃતના લગ્નની શરૂઆતને નિહાળવા લાગ્યા.