યારોસ્લાવા માહુચિખ : યુદ્ધગ્રસ્ત યુક્રેનની એથ્લિટની ઊંચી ઉડાન
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી ચૂકેલી યારોસ્લાવાએ રશિયા સામે લડી રહેલા યુક્રેનના સૈનિકોની મદદ માટે પોતાની અંગત કમાણીનો મોટો હિસ્સો દાનમાં આપી દીધો
અ ત્યંત તીવ્ર સ્પર્ધાની વચ્ચે ટકી રહેવા માટે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં રહેવું જરુરી છે. સફળતાને હાંસલ કરી લેવાનુંં સ્વપ્ન સિદ્ધ કરનારી તો ઘણી પ્રતિભાઓ મળી આવે છે, પણ પહેલા જ પ્રયાસમાં સફળતાના શિખરને સર કર્યા બાદ પણ ત્યાં ટકી રહેવાની કુશળતા કેટલાક વિરલ વ્યક્તિત્વો જ ધરાવતા હોય છે. પોતાની જાતને જ પડકારીને તેમાંથી વધુને વધુ સારો દેખાવ બહાર લાવવાનો પડકાર જ્યારે ખેલાડી ઝીલી લે છે, ત્યારે સીમાચિહ્નોની એવી હારમાળા સર્જાય છે કે, જે આખી દુનિયા માટે આશ્ચર્યનો વિષય બની રહે છે. તેને હાંસલ કરનાર માટે તો તે સખત પરિશ્ચમની સાથે તેમાંથી પસાર થવાના આનંદ સિવાય કશું હોતું નથી. વિરલ અને વિશિષ્ટ પ્રતિભાઓની સફળતાનું રહસ્ય એ જ છે કે, તેઓ સફળતા સુધી પહોંચવાના દરેક તબક્કાને આનંદથી માણે છે અને આ આનંદ જ તેમના ઉત્સાહ અને આત્મવિશ્વાસને એટલી ઊંચાઈએ પહોંચાડી દે છે, જ્યાં અસાધારણ લાગતી સિદ્ધિ પણ સહજ બની જાય છે.
માત્ર ૨૩ વર્ષની વય એટલે સ્વપ્ન લઈને દુનિયાની વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટેનો પ્રવાસ શરુ કરવાનો સમય. જોકે યુક્રેનની ઊંચી કૂદની ખેલાડી યારોસ્લાવા માહુચિખે તેની અસાધારણ અને વિશિષ્ટ પ્રતિભાને આંતરરાષ્ટ્રીય ફલક પર અલગ જ ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. એથ્લેટિક્સના ઓલ ટાઈમ મહાન ખેલાડીઓની યાદી યારોસ્લાવાના નામ વિના અધૂરી લાગે તે સ્વાભાવિક છે.
આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં કોઈ એક જ ખેલાડી વિશ્વવિજેતા અને ઓલિમ્પિક ચેમ્પિયન હોય તેવું જૂજ જોવા મળે છેે અને આ યાદીમાં યારોસ્લાવાનું નામ સામેલ છે. સોનામાં સુગંધ ભળે તેવી સિદ્ધિ તો એ છે કે, તેણે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ઊંચી કૂદનો ૩૭ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડીને આગવો ઈતિહાસ રચી દીધો. યોગાનુંયોગ યુક્રેનની કોઈ મહિલા ખેલાડીએ પહેલીવાર ઓલિમ્પિકમાં ઊંચી કૂદની રમતમાં સ્વર્ણિમ સિદ્ધિ હાંસલ કરી હતી. યારોસ્લાવાએ તેની ખુદની ઊંચાઈ કરતાં પણ વધુ ઊંચો કૂદકો લગાવીને શ્રેષ્ઠતાનું પ્રમાણ આપ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં પાંચ ફૂટ અને ૧૧ ઈંચ ઊંચાઈ ધરાવતી યારોસ્લાવાએ છ ફૂટ અને પાંચ ઈંચ ઊંચો કૂદકો લગાવ્યો હતો અને દુનિયાની તમામ હરિફોને પાછળ રાખી દીધી હતી.
એથ્લેટિક્સમાં લાંબા સમયથી અતૂટ રહેલા વિશ્વવિક્રમોમાં સ્થાન ધરાવતો બલ્ગેરિયાની સ્ટેફકા કોસ્ટાદીનોવાનો છ ફૂટ અને સવા દસ ઈંચ ઊંચા કૂદકાનો ૧૯૮૭માં નોંધાયેલો રેકોર્ડ યારોસ્લાવાએ ૨૦૨૪માં પોતાના નામે કરી લીધો. હજુ એક વર્ષ પહેલા ૨૦૨૩માં બુડાપેસ્ટમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે છ ફૂટથી વધુનો કુદકો લગાવીને સુવર્ણચંંદ્રક જીત્યો હતો. જે તેનો સતત ત્રીજો વર્લ્ડ ચેમ્પિયનશિપનો મેડલ હતો અને પહેલો સુવર્ણ હતો. અગાઉ ૨૦૧૯માં દોહા અને ૨૦૨૨ની યુજીન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને રજત સફળતા હાંસલ કરી હતી.
યારોસ્લાવાએ વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપ, યુરોપીયન ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગ ફાઈનલ્સ, યુરોપીયન ગેમ્સ, વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપ ટુર વગેરે જેવી લગભગ તમામ મેજર ચેમ્પિયનશિપમાં ઓછામાં ઓછો એક સુવર્ણચંદ્રક તો જીતવામાં સફળતા મેળવી જ છે અને આ જ કારણે તેને વિશ્વની શ્રેષ્ઠ મહિલા એથ્લીટ સહિતના જુદા-જુદા સન્માન મળી ચૂક્યા છે. લાંબી કૂદની એથ્લીટ તરીકે યારોસ્લાવાની ચપળતા અને ઝડપ કાબિલેતારીફ છે. વળી, તનાવ વચ્ચે પણ એકાગ્રતા જાળવી રાખવાની કુશળતાએ તેને વિશ્વ-એથ્લેટિક્સમાં નવીન ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
લાંબી કૂદની રમતમાં હજુ પણ નવા પડાવ સર કરવા માટે તૈયારી કરી રહેલી યારોસ્લાવાનો જન્મ યુક્રેનના નીપ્રોપેટ્રોવસ નામના શહેરમાં ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૧માં થયો હતો. તેના પિતા ઓેલેકી નૌકાયનના એથ્લીટ રહી ચૂક્યા હતા. જ્યારે તેની માતા ઓલ્હા જીમ્નાસ્ટ હતી, જે સારી એથ્લીટ પણ હતી. યારોસ્લાવાની મોટી બહેન અનાસ્તાસિયા કરાટે શીખતી અને આ જ કારણે તેણે પણ બહેનની સાથે માર્શલ આર્ટની તાલીમ મેળવવાનું શરુ કર્યું. જોકે, તેમાં તે લાંબા સમય સુધી ટકી ન શકી.
બાળપણમાં યારોસ્લાવા ઉર્જાથી ભરપૂર હતી અને તેને સતત પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું ગમતું. જોકે, અભ્યાસના કારણે તેની બહેન તેની સાથે પુરતો સમય વિતાવી શકતી નહતી. યારોસ્લાવાની વારંવારની ફરિયાદથી કંટાળીને અનાસ્તાસિયાએ તેને સ્થાનિક એથ્લેટિક કલબમાં કોચ કુટ્સેન્કોના માર્ગદર્શનમાં તાલીમ મળે તેવી વ્યવસ્થઆ ગોઠવી આપી. યારોસ્લોવાએ કારકિર્દીની શરુઆત ઝડપી દોડથી કરી પણ ધીરે-ધીરે તેણે વિઘ્ન દોડ અને ઊંચી કૂદને પણ અપનાવી લીધી.
નીપ્રો ખાતે કોચીંગ આપતાં કુટસેન્કોની સાથે તેતિયાના સ્ટેપાનોવાએ પણ કામ કરવાનું શરુ કર્યું. આ બંને કોચીસના માર્ગદર્શનમાં યારોસ્લાવાની કારકિર્દીનું ઘડતર શરુ થયું. થોડા વર્ષો બાદ કુટ્સેન્કો અને તેતિયાના અલગ થયા અને આ સમયે યારોસ્લાવાએ તેતિયાનાને કોચ બનાવવાનું નક્કી કર્યું. યારોસ્લાવાના લોહીમાં જ રમતના સંસ્કાર પડેલા હતા. વળી પરિવાર પણ સંપન્ન અને મદદરૂપ થાય તેવો હતો, જેના કારણે તેની કારકિર્દી ઝડપથી આગળ વધવા માંડી.
વાંચનની સાથે સાથે ચિત્રકામ જેવી કળામાં પણ ઊંડો રસ લેનારી યારોસ્લાવાને અન્ય કિશોરીઓની જેમ હરવું-ફરવું પણ ખુબ ગમતું. જોકે, કોચ સ્ટેપાનોવાએ એક દિવસ તેને કહ્યું કે, જો તારે ખેલાડી બનવું હોય તો સમય વેડફવાનો બંધ કરવો પડશે. તું હાલ તારો બધો સમય એથ્લેટિક્સને આપીશ તો આગળ જઈને તું એક મોટી ખેલાડી બની શકે તેમ છે. યારોસ્લાવાના મનમાં કોચના શબ્દોની ઘેરી અસર થઈ અને તેણે ત્યાર બાદ એથ્લેટિક્સને વધુુ ગંભીરતાથી લેવાનું શરુ કરી દીધું.
માત્ર ૧૫ વર્ષની વયે રાષ્ટ્રીય જુનિયર ચેમ્પિયનશિપમાં સફળતા મેળવનારી યારોસ્લાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરની જુનિયર ચેમ્પિયનશિપમાં પણ નવા કીર્તિમાન સ્થાપિત કરીને તેની પ્રતિભાનો ચમકારો દેખાડયો. જુનિયર સ્તરે જ ઊંચી કૂદમાં નવા વિશ્વવિક્રમ સ્થાપિત કરનારી યારોસ્લાવાએ ૧૮ વર્ષની વયે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચદ્રક હાંસલ કરીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતુ. કોરોનાના મુશ્કેલ સમય બાદ તેણે ટોકિયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કરીને તેની પ્રતિભાને નવી જ ઊંચાઈ પર પહોંચાડી દીધી.
રશિયાના ખેલાડીઓ તરફ ખેલદિલીપૂર્વક મૈત્રીનો હાથ લંબાવનારી યારોસ્લાવાની ઘરઆંગણે કેટલાક કટ્ટરવાદીઓએ ટીકા પણ કરી. અલબત્ત, એથ્લેટિક્સમાં નવી ઊંચાઈઓ સર કરવા તરફ આગળ વધી રહેલી યારોસ્લાવાએ ટીકા તરફ ધ્યાન આપવાને બદલે પોતાની પ્રતિભાને નિખારવામાં સમય આપવા માંડયો. અલબત્ત, ૨૦૨૨માં રશિયાએ બેલારૂસની સાથે મળીને યુક્રેન પર હૂમલો કર્યો, તે પછી યારોસ્લાવાએ પોતાના દેશની સ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ જગતનું ધ્યાન ખેંચવાની સાથે વિરોધ પણ કર્યો.
આંતરરાષ્ટ્રીય સ્તરે એક પછી એક સ્પર્ધાઓમાં સફળતા મેળવી રહેલા યારોસ્લાવાને યુક્રેનના સૈન્યમાં માનદ પદવી પણ આપવામાં આવી.
વૈશ્વિક સફળતાને પગલે પ્રાયોજકો પાસેથી જંગી રકમની કમાણી કરનારી યારોસ્લાવા રશિયા સામે સંઘર્ષ કરી રહેલા પોતાના સૈનિકોને ક્યારેય ન ભૂલી. તેણે યુક્રેનના સૈન્યની મદદ માટે પોતાની તિજોરી ખોલી નાંખી. આ ઉપરાંત પણ તેણે યુક્રેનમાં માનવતાના કાર્યો માટે છુટા હાથે દાન આપવામાં ક્યારેય પાછું વળીને જોયું સુદ્ધાં નથી.
પેરિસ ઓલિમ્પિકમાં વિશ્વવિક્રમ સર્જવા સાથે સુવર્ણચંદ્રક જીતનારી યારોસ્લાવાની ગણના યુરોપ અને વિશ્વની શ્રે એથ્લીટસમાં થવા માંડી છે અને તેને જુદા-જુદા એવોર્ડ્સથી પણ નવાજવામાં આવી રહી છે. માત્ર ૨૩ વર્ષની વયે આંતરરાષ્ટ્રીય સ્તરની લગભગ તમામ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ચૂકેલી યારોસ્લાવા નવી ઊંચાઈઓ સર કરવા માટે ઉત્સુક છે. આગામી સમયમાં પોતાનો જ વિશ્વવિક્રમ તોડવા માટે તે કટિબદ્ધ છે.