બાળકમાં કૌશલ્યની ખોજ કરી! .
- આજકાલ-પ્રીતિ શાહ
- ડી. ચંદ્રશેખરને એક જ વાતનો અફસોસ છે કે સમાજમાં આ બીમારી અંગે જોઈએ તેવી જાગૃતિ આવી નથી.
વિ શ્વમાં ઑક્ટોબર મહિનો 'ડિસ્લેક્સિયા અવેરનેસ મંથ' તરીકે ઉજવાય છે. ડિસ્લેક્સિયા એ ન્યૂરોબાયોલોજિકલ બીમારી છે, જે બાળકોમાં વધુ જોવા મળે છે. આવી બીમારી ધરાવતો દર્દી વાંચવા, લખવામાં તેમ જ ભાષા સાથે જોડાયેલા કામ કરવામાં મુશ્કેલી અનુભવે છે તથા એની નવું શીખવાની ક્ષમતા ઓછી હોય છે. આજે ભારતમાં આશરે ત્રણ કરોડ બાળકો ડિસ્લેક્સિયાથી પીડિત છે. આવા જ એક બાળકના પિતા ડી. ચંદ્રશેખરે ૧૯૯૨માં મદ્રાસ ડિસ્લેક્સિયા એસોસિયેશન (એમડીએ)ની સ્થાપના કરી. ડી. ચંદ્રશેખર અને તેમના પત્નીએ પોતાના સંતાન માટે ડિસ્લેક્સિયા ઉપચાર તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઇંગ્લૅન્ડથી આવેલા તેના નિષ્ણાત હેઝલ મેકેએ તાલીમાર્થીઓને સૂચન કર્યું કે આની ગંભીરતા સમજીને એસોસિયેશન બનાવવું જોઈએ. આ સમયે ડી. ચંદ્રશેખર કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમણે તરત જ મદ્રાસ ડિસ્લેક્સિયા એસોસિયેશનની સ્થાપના કરી, જેમાં જાગૃત માતા-પિતા અને નિષ્ણાત શિક્ષણવિદોનો સમાવેશ કર્યો.
ડી. ચંદ્રશેખર કહે છે કે શરૂઆતમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. એક તો સમાજમાં ડિસ્લેક્સિયાના રોગ વિશે જાગૃતિનો તદ્દન અભાવ હતો તો બીજી બાજુ માતા-પિતા એ સ્વીકારવા જ તૈયાર નહોતા કે તેમના બાળકને ડિસ્લેક્સિયા છે. સમાજમાં જાગૃતિ આવે તે માટે એમણે સ્કૂલો તથા જાહેર સ્થાનોમાં કાર્યક્રમો યોજ્યા. શિક્ષકોને તાલીમ આપી અને થોડાં વર્ષો પછી ઉપચાર કેન્દ્ર શરૂ કર્યું. અમેરિકા અને ઇંગ્લૅન્ડની કેટલીક પદ્ધતિ અપનાવી, પરંતુ અનુભવે સમજાવ્યું કે ભારતના બાળકો માટે તેમાં ફેરફાર કરવો જરૂરી છે અને તે પ્રમાણે શિક્ષકોએ તેમાં જરૂરી પરિવર્તન કર્યા. શબ્દો બોલવા સંબંધી, શ્રવણ સંબંધી, સ્પર્શ સંબંધી પદ્ધતિને વધુ ગ્રહણશીલ બનાવી. ચિત્ર, ફિલ્ડ ટ્રિપ અને સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી.
બાળકને ડિસ્લેક્સિયા છે કે નહીં તેનો તેને ખ્યાલ આવે અને એ પછી તેના વાંચવા, લખવા, જોડણી સંબંધી, ગણિત અને અન્ય સમસ્યાઓને કેવી રીતે હલ કરવી તેની શિક્ષકોને તાલીમ આપે છે. શિક્ષકો માટે આ એસોસિયેશન ઈ-શિક્ષણમ્ કાર્યક્રમ ચલાવે છે. તદુપરાંત છ અઠવાડિયાનો ટીચર ટ્રેઇનિંગ પ્રોગ્રામ ચલાવે છે, જેમાં તેઓ ડિસ્લેક્સિયાવાળાં બાળકોને ઓળખીને એ કયા તબક્કામાં છે તેનો ખ્યાલ આપે. આ એસોસિયેશન ત્રણ દાયકાથી આવાં બાળકો અને તેના માતા-પિતાને તેના ઉપચાર માટે અનન્ય લર્નિંગ ઍન્ડ રીસર્ચ સેન્ટર અંતર્ગત સહાય કરે છે. તેના દ્વારા તે બાળકની શક્તિ અને જરૂરિયાત પ્રમાણે કૌશલ્ય શીખવે છે. આ સેન્ટર બાળકના સમગ્ર વિકાસ પર ધ્યાન આપીને યોગ, સંગીત, નાટક, આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સ તથા રમતગમત જેવી શિક્ષણેતર પ્રવૃત્તિ પણ કરાવે છે. આને પરિણામે બાળકને સ્વયં એની કુદરતી શક્તિની ઓળખ કરાવે છે. તેઓ ઓક્યુપેશનલ થેરાપી કરાવે છે અને તાલીમ પામેલા પ્રોફેશનલ બાળક અને માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે છે.
ડી. ચંદ્રશેખર કહે છે કે આજે પણ ડિસ્લેક્સિયા વિશે સમાજમાં ઘણી ગેરસમજ છે. તેઓ ઘણા બુદ્ધિશાળી હોય છે અને તેમનો આઈ.ક્યૂ ૮૫ની ઉપર હોય છે. એક વખત તેને સમજીને યોગ્ય વલણ સાથે કામ કરવામાં આવે તો પછી કોઈ મુશ્કેલી આવતી નથી. પ્રદીપ થંગપ્પન પોતાના અનુભવની વાત કરતાં કહે છે કે વીસ વર્ષ પહેલાં તેમના પિતાએ અંગ્રેજી અખબારમાં ડિસ્લેક્સિયા વિશે લેખ વાંચ્યો અને જાણે પોતાના પુત્રની જ વાત લખી ન હોય તેવું અનુભવ્યું. પિતાએ પુત્રનો ટેસ્ટ કરાવ્યો અને તેની શક્તિ અને નબળાઈ વિશે જાણ્યું. પ્રદીપ હંમેશા અંગ્રેજી 'બી' અને 'ડી' લખવામાં ભૂલ કરતા હતા અને ડાબો-જમણો સમજવામાં પણ ગોટાળા થતા હતા. આજે તેઓ એરોસ્ટ્રોવિલૉસ એનર્જી પ્રા. લિ.ના સહસ્થાપક છે. આંત્રપ્રિન્યોર તરીકે સફળતા મેળવી છે, પરંતુ આજે પણ તેઓ એક જગ્યાએ બેસીને પુસ્તક વાંચી શકતા નથી અને સ્પેલિંગમાં ભૂલ પડે છે, પરંતુ એન્જિનિયરીંગ કોમ્પોનન્ટ કેવી રીતે કામ કરે છે તે બરાબર જાણે છે, જેની ઘણા લોકોને ખબર હોતી નથી. વળી આમાં આવતી સમસ્યાનો બીજા ઘણા લોકો ઉકેલ લાવી શકતા નથી, તે પ્રદીપ લાવી શકે છે. પ્રદીપ અનન્ય લર્નિંગ ઍન્ડ રીસર્ચ સેન્ટરની પ્રથમ બેચનો વિદ્યાર્થી હતો. ડી. ચંદ્રશેખરે તેમના એસોસિયેશન દ્વારા અત્યાર સુધીમાં દોઢ હજાર બાળકોને તેના ફૂલટાઇમ ઉપચાર કેન્દ્રમાં અને ત્રણ હજાર બાળકોને પાર્ટટાઈમ ઉપચાર કેન્દ્રમાં તાલીમ આપી છે. ટ્રેઇનિંગ પ્રોગ્રામ અંતર્ગત ચારસો સ્કૂલના બે હજાર શિક્ષકોને તાલીમ આપી છે. તેમણે બસો સ્કૂલોમાં આવા બાળકો માટે રીસોર્સ રૂમની સ્થાપના કરી છે અને તેનાથી દસ હજાર બાળકો લાભાન્વિત થયા છે. ડિસ્લેક્સિયાવાળા બાળકોને ડિસએબિલિટીસ એક્ટ અંતર્ગત સમાવવામાં આવે છે, પરંતુ ડી. ચંદ્રશેખરને એક જ વાતનો અફસોસ છે કે સમાજમાં આ બીમારી અંગે જોઈએ તેવી જાગૃતિ આવી નથી. જો સમાજ જાગૃત બને, તો આ દર્દ ધરાવતા ઘણા બાળકોનું જીવન હરિયાળુ અને સુખી બને.
બધિરોની દુનિયાને 'ભાષા' આપી!
રૂપમણિ ઇચ્છતી હતી કે બધિર વ્યક્તિને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટે સમાન તક મળવી જોઈએ
નેપાળમાં જન્મેલી અને દાર્જિલિંગમાં મોટી થયેલી રૂપમણિ છેત્રી જન્મથી જ મૂક-બધિર હતી. સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતાં એના પિતા રૂપમણિ છ મહિનાની હતી, ત્યારે દાર્જિલિંગમાં આવીને વસ્યા હતા. માતા-પિતાએ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ ઘરમાં કે સ્કૂલમાં સાંકેતિક ભાષા કોઈને આવડતી ન હોવાથી તે પોતાની વાત સમજાવી શકતી નહીં. ક્યારેક શિક્ષકોનો માર ખાવો પડતો, તો ક્યારેક તેના ઈશારાને લોકો પાગલપન સમજતા. પિતા પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા ન હોવાથી દસ વર્ષની ઉંમરે તે કન્સ્ટ્રક્શન કામ ચાલતા હોય ત્યાં કામ કરવા જતી, જેથી ફી ભરવાના પૈસા મેળવી શકે. સગાંવહાલાં માતા-પિતાને સલાહ આપતાં કે આવી દીકરી ભણીને ય શું ઉકાળશે? એના કરતાં એને ઘરકામ શીખવો.
માતા-પિતાએ પોતાની પુત્રી માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ રૂપમણિમાં ફેર ક્યાંથી પડે? જ્યાં સાંકેતિક ભાષાની સમજ નહોતી કે એવી સ્કૂલ પણ નહોતી. એણે નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ દિલ્હીમાં રહેતા તેના જેવા જ મૂક-બધિર યુવક સાથે તેના લગ્ન થયા. દિલ્હી એણે જોયું કે તેના જેવા લોકો સાંકેતિક ભાષામાં વાત કરે છે. સારી શિક્ષણસંસ્થાઓમાં અભ્યાસ પણ થાય છે, પરંતુ પતિને એ આગળ અભ્યાસ કરે તે મંજૂર નહોતું. ઘરેલુ હિંસાને કારણે તેના છૂટાછેડા થયા, પરંતુ રૂપમણિના પરિવારે તેને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો.
દિલ્હીમાં થોડાં વર્ષો રહેવાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો. ૨૦૧૧માં છૂટાછેડા થયા બાદ એણે વધુ અભ્યાસ શરૂ કર્યો. સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. નોઈડા ડેફ સોસાયટીના સહારાથી સાંકેતિક ભાષા શીખી. રાષ્ટ્રીય બધિર સંઘના ગીતા શર્મા અને રાષ્ટ્રીય દિવ્યાંગ રોજગાર સંવર્ધન કેન્દ્રના જાવેર આબિદીએ રૂપમણિની કારકિર્દી ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમના માર્ગદર્શનથી આત્મવિશ્વાસ વધ્યો અને પોતાની જાતની ઓળખ થઈ. દિલ્હીની એનજીઓ સાથે એચએક્યૂ સેન્ટર ફાર ચાઇલ્ડ રાઇટ્સ સાથે છ વર્ષ કામ કર્યું. ૨૦૧૭માં યુરોપમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કામ કરવાની તક મળી.
યુએન વોલેન્ટિયર કૉમ્યુનિકેશન આસિસ્ટન્ટ તરીકે ૨૦૧૭માં દોઢ વર્ષ માટે યુક્રેન, જર્મની અને યુરોપના ઘણાં સ્થળોએ ફરવાની તક મળી. યુદ્ધમાં દિવ્યાંગ થઈ ગયેલા, ઘાયલો અને ત્રણસો બધિર લોકો પોતાની વાત કરવા માગતા હતા અને રૂપમણિ પાસે મદદ ઇચ્છતા હતા, ત્યારે રૂપમણિએ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરમાં લોકોને કેવી રીતે મદદ કરવી તે શીખીને તેમને સાંત્વના આપીને પ્રેમનો સંદેશો પાઠવ્યો. દોઢ વર્ષ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય, યુનિસેફ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના કાર્યક્રમોમાં ભાગ લીધો.
અન્ય દેશોમાં સાંકેતિક ભાષા કેટલી વ્યાપક છે અને સહજતાથી તેનો ઉપયોગ થાય છે તે એણે નજરોનજર જોયું અને ખાસ તો વીડિયો રીલે સર્વિસની ઉપલબ્ધતા જોઈને આશ્ચર્ય થયું. રૂપમણિ છેત્રી કહે છે કે, 'આ અનુભવથી જેની એણે કલ્પના નહોતી કરી તેવું શીખવા મળ્યું અને તેનાથી જીવનમાં આગળ વધવાની તક મળી.' ભારત પરત આવતાં નોકરીની શોધ ચલાવતી હતી, ત્યારે તેની મુલાકાત ૨૦૧૯માં તરુણ સરવાલ સાથે થઈ. તરુણ સરવાલે યુરોપમાં માનવીય સંગઠન સાથે દસ વર્ષ કામ કરેલું, ત્યારે તેને વિચાર આવેલો કે દુભાષિયો એક બધિર વ્યક્તિના જીવનમાં શું પરિવર્તન લાવી શકે? રૂપમણિના મનમાં બધિર લોકો માટે કામ કરવાનો વિચાર ચાલતો હતો. તરુણ રૂપમણિ પાસેથી સમજ્યો કે બધિર લોકોની જરૂરિયાત શું છે? સંવાદ કરવા માટે દુભાષિયાની મદદ લીધી અને રૂપમણિએ તરુણને સાંકેતિક ભાષા શીખવી.
રૂપમણિ ઇચ્છતી હતી કે બધિર વ્યક્તિને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટે સમાન તક મળવી જોઈએ અને તે ત્યારે જ શક્ય બને જ્યારે બધે સાંકેતિક ભાષા પહોંચે. રૂપમણિ અને તરુણે ભેગા થઈને સાઇનએબલ (SignAble) એપ બનાવી. આજે આ એપ પાસે આશરે પચાસ દુભાષિયાઓ છે જે અંગ્રેજી સિવાય બાર જેટલી જુદી જુદી ભાષાઓમાં બધિર લોકોને તેની મુશ્કેલીઓ દૂર કરવામાં સહાય કરે છે. આ એપ દ્વારા યુટયૂબની સામગ્રીનો તરત અનુવાદ થાય છે. શિક્ષણ અને વિકાસની સામગ્રીનો અનુવાદ, ટેક્સ્ટ-ટૂ-સાઇન, ભાષા રૂપાંતરણ, ઑનલાઇન સહાયતા વગેરે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેઓ ભારતીય સાંકેતિક ભાષાના કોર્સ ચલાવે છે. અત્યાર સુધીમાં સાડા ત્રણસોથી વધારે દુભાષિયાઓને તાલીમ આપી છે. સાઈનએબલ કમ્યુનિકેશન્સમાં પચાસ હજાર યુઝરે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બે વર્ષ સેવા નિ:શુલ્ક હતી, હવે દર મહિને ૪૯૯ રૂ. આપવાના હોય છે. આ સ્ટાર્ટઅપને અનેક પુરસ્કારો અને ફંડિંગ મળ્યા છે. આ સ્ટાર્ટઅપે બધિરો માટે અનેક સંભાવનાઓના દ્વાર ખોલી આપ્યા છે. ૩૭ વર્ષની રૂપમણિ પોતાના અનુભવે એવું સતત ઇચ્છે છે કે બધિર વિદ્યાર્થીઓને સાંકેતિક ભાષા અને અન્ય સાધનો ઉપલબ્ધ થાય. જેથી એમના વિકાસમાં કોઈ અવરોધ ન આવે.